Oct 9, 2018

WhatsApp ni Vaarta 57- Dr. VIshnu Prajapati, Kori Panipuri

*વ્હોટ્સ અપની વાર્તા – ૫૭*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*કોરી પાણીપુરી*

પાણીપુરીની લારી જોઇને સોસાયટીની બધી બહેનો લારી ફરતે ફરી વળી.

‘અબ દો-ચાર દિન પાનીપુરી લેકે નહી આઉંગા… મેમજી’ ભૈયાજીએ પાણીપુરીના બાઉલ બહેનો સામે મુકતા કહ્યું.

‘અરે, ભૈયાજી તમારી પાણીપુરી વિના અમને મજા નહી આતા હૈ.. કહી બહાર જાના હૈ, ક્યાં ?’ મંજુલાબહેને તો  ભાંગીતૂટી હિન્દી ભાષામાં જ કહ્યું સાથે સાથે તેમની રોજની આદત મુજબ લારીમાંથી લાંબા હાથે એક કોરી પાણીપુરી લઇ લીધી.

મંજુલાબેન એટલે સોસાયટીની લેડી ગબ્બર ...! પડછંદ શરીર અને ભરાવદાર બોલી...! તેમની બોલવાની છટા ગર્જના કરતા હોય તેવી જ હતી.
સોસાયટીમાં મંજુલાબેન બોલે એટલે પત્યું... કોઇનો વારો’ય ન આવે અને સામે કોઇ બોલવાની હિંમત પણ ન કરે...

મંજુલાબેન દરરોજ ઉભા ઉભા બે ત્રણ પાણીપુરી એમ જ ઝાપટી જાય.. બિચારો ભૈયાજી ચુપચાપ તેમને સહન કરી લે.

 ‘બહનજી, ...માહોલ બિગડ રહા હૈ... વે લોગ, હમ પરદેશી લોગો કો પરેશાન કર રહે હૈ... શહર મે સબ કહ રહે હૈ કી દો દિનમેં શહર છોડ કે ચલે જાઓ વરના વો હમકો....!!’ ભૈયાજી આજે સાચે જ વધુ ચિંતામાં હતો.

‘તુમ ચિંતા ન કરો... ઔર મસ્ત પાણીપુરી બનાઓ....આજ તો બૈશાખી કો ભી સાથ લે કે આયા હૈ...?’ મંજુલાબેને તેની સાથે રહેલી નાની છોકરીને જોઇને કહ્યું.

બૈશાખી, ભૈયાજીની લગભગ પંદરેક વર્ષની દિકરી. તે એક પગે અપંગ હતી એટલે તે કાંખઘોડીના સહારે ઉભી હતી.

 ‘અરે, મેમસાબ... અબ ઉનકો ઘર અકેલે રખને મેં  ડર લગતા હૈ… હમારે સારે લોગ ડરે હુએ હૈ... વો હમારી બચ્ચી કો કુછ કરદે તો...?? ઉસકી માં તો દેશ ગઈ હૈ..’ અને ભૈયાજીના અવાજમાં રહેલો છૂપો ડર તેના આખા શરીરને ધ્રુજાવી ગયો.

'યે બૈશાખી ભી બડી હો ગઈ હૈ... તુમને ઉસે....' મંજુલાબેન ના શબ્દો પુરા થાય તે પહેલાં સોસાયટીનો એક યુવાન ખૂબ સ્પીડમાં બાઇક લઇને સોસાયટીમાં દાખલ થયો.

તેને પાણીપુરીની લારી જોઇ તરત જ તે દિશામાં બાઇક વાળ્યું અને બીજી ક્ષણે લારીની બિલકુલ લગોલગ આવીને બ્રેક મારી અને તેના બાઇકના વ્હીલનો લાંબો લસરકો રોડ પર પડી ગયો.

 ‘ધીમે ચલાવ, તને કેટલીવાર કહ્યું છે..!’ તે ટોળાંમાંથી એક સ્ત્રીએ તેની સામે જોઇને કહ્યું.

‘મમ્મી.... હાઇ વે પરની બધી પાણીપુરીઓની લારીઓ કોઇ તોફાની ટોળાંએ તોડી નાંખી અને બધા ભૈયાજીઓને ને ત્યાંથી ભગાડી દીધા...!’ પેલાએ હજુ તો એકીશ્વાસે આંખો દેખ્યો અહેવાલ આપ્યો અને ત્યાંજ પેલા ભૈયાજીના આંખોમાં ડરની રેખાઓ ઉપસી આવી.

‘બહેનજી જલ્દી કરો... મુઝે નીકલના હોગા... વરના....!’ ભૈયાજીએ ઝડપથી પાણીપુરી વહેંચવાની શરૂ કરી.

‘ભૈયાજી, તુમ ડરો નહી... હમ તુમ્હારે સાથ હૈ.’ મંજુલાબેને ભૈયાજીને આશ્વાસન આપ્યું.

‘મેમસાબ, હમ તો સાલો સે ગુજરાતમેં પલે હૈ... ગુજરાત હી અબ તો હમારા દેશ બન ગયા હૈ.. મગર દુસરે કી સજા હમે ભુગતને પડ રહી હૈ...’ અને ભૈયાજીએ ફટાફટ બધુ પેક કરવાનું શરુ કર્યુ.

‘જો કોરી પાણીપુરી વિના હમ તુમ્હે જાને નહી દેંગે...!’ મંજુલાબેને તેને રોકી લીધો.

ભૈયાજી ગુસ્સે થયા, ‘ બેનજી યહા હમારી જાન કી ફિક્ર હૈ ઔર આપ કો કોરી પાણીપુરી કી પડી હૈ...? યે લો આપકો જીતની ચાહે ખા લો..’ ભૈયાજીએ બધી બહેનોને વધારે વધારે કોરી પાણીપુરી આપી દીધી.

‘પપ્પા, રસ્તામાં આપણને કોઇ હેરાન કરશે તો...?’ બૈશાખી પણ ડરી ગઇ હતી.

ભૈયાજી હવે ઉતાવળ કરી જલ્દી જવા માંગતા હતા પણ મંજુલાબેન અને બધી સ્ત્રીઓ તો કોરી પાણીપુરી મજાથી ખાઇ રહ્યાં હતા.

પછી બધી લેડીઝે પાણી ભરેલા બાઉલ એક પછી એક ડસ્ટબીનમાં ફેંક્યા. મંજુલાબેને દરેક બહેનોને પાસે બોલાવી કંઇક કહ્યું.

‘ભૈયાજી એક કામ કરો, તમે લારી સાથે લઇ લો... અમે સોસાયટીની બધી લેડીઝ તમારી સાથે તમારા ઘર સુધી આવીએ છીએ...!’ મંજુલાબેને જ બધા વતી કહ્યું.

‘અરે બહનજી આપ ક્યું તકલીફ લેતો હો....?’ ભૈયાજીએ કહ્યું.

‘હમને તમારી પાનીપુરી ખાઇ હૈ... હમ સબ તુમ્હારી બહને હૈ... ચિંતા મત કરો તુમ્હારા બાલ ભી બાંકા નહી હોને દેંગે...’ મંજુલાબેનની બાજુમાં રહેલી બીજી સ્ત્રીએ ભાંગી તુટી હિન્દી ભાષામાં કહ્યું.

શહેરમાં પરપ્રાંતના લોકો પર હુમલા થઇ રહ્યા હતા... અને બધી બહેનો આજે ભૈયાજીની સાથે નીકળ્યાં.

થોડે દૂર પહોંચતા જ વીસેક જણાનું બાઇકનું ટોળું તેમની સામે ઘસી આવ્યું.

પાણીપુરીની લારી જોઇને તેઓ બૂમો પાડવા લાગ્યાં, ‘ અલ્યાં પેલી પાણીપુરીવાળો... પકડો.....!!’
ભૈયાજી અને બૈશાખી થરથર કાંપવા લાગ્યા.

પેલા બધાએ લારી તરફ હલ્લાબોલ કરવા આવી રહ્યા હતા ત્યાં બધી જ બહેનો તે લારીની આગળ લાઇન કરીને ઉભી રહી ગઇ. પેલા તોફાનીઓએ બધી બહેનોને દૂર થવા કહ્યું. પણ બહેનો અડીખમ હતા.

પેલા સૌ બાઇકના હોર્ન અને બૂમરાડ કરીને બહેનોને ત્યાંથી ખસેડવા માંગતા હતા. ત્યારે જ મંજુલાબેન આગળ આવ્યા અને જોરથી ચિલ્લાયા, ‘બંધ કરો તમારો તમાશો.... આ શું માંડ્યુ છે... શરમ કરો... શરમ.. !’ મંજુલાબેનના પહાડી અવાજની  અસર તે ટોળાં પર થઈ હોય તેમ લાગ્યું.

અને મંજુલાબેને ફરી બધાની સામે આંગળી ચીંધીને તીખી નજરે કહ્યું, ‘ આ અમારા ભૈયાજી છે... તેની પાણીપુરી અમે રોજ ખાઇએ છીએ... જો તમે તેમને હેરાન કરશો તો અમે પણ તમને એકએકને પકડીને પટકીશું... અમે તેમને ભૈયાજી કહીએ છીએ અને તેઓ અમારે મન ભાઇથી પણ વધુ છે. તમારા તોફાન બંધ કરો અને જે ખરેખર દોષી છે તેમને સજા કરવા તમે જે કરવું હોય તે કરો....!’ મંજુલાબેનની ગર્જનાથી બધુ શાંત થઇ ગયું.

પણ તે ટોળાંનો નેતા જેવો લાગતો કોઇ વ્યક્તિ એકાએક નજીક આવ્યો અને મંજુલાબેનને જોરથી હડસેલો માર્યો. મંજુલાબેનની ધારણા નહોતી કે આમ થશે એટલે તેઓ પોતાનું બેલેન્સ ન રાખી શક્યાં અને તે રોડ પર પટકાઇ પડ્યાં.

પેલા તોફાનીઓ આ દ્રશ્ય જોઇને ફરી રંગમા આવી ગયા.

પેલા નેતાએ ભૈયાજીને પકડીને બધાની વચ્ચે ખેંચ્યો... અને લારીને ધક્કો માર્યો... જો કે બૈશાખી અને બધી બહેનોએ ટેકો કરીને લારીને પડતી બચાવી લીધી અને બૈશાખી કાંખઘોડીને  જેમ તેમ આગળ કરી તે પેલા ટોળાં તરફ દોડી.

‘મેરે પાપા કો મત મારના પ્લીઝ...!’

પેલા વ્યક્તિની નજર તેની દિકરી પર પડતા જ ઉશ્કેરાયો, ‘ તુમ્હારે લોગ હમારી લડકીઓ કો છેડતે હૈ... આજ હમારી બારી....!’ એમ કહી તે બૈશાખી તરફ ધસ્યો.

જો કે મંજુલાબેન ત્યાં સુધીમાં તો ઉભા થઇને વચ્ચે આવી ગયા અને તે તોફાનીના પગ રોકાઇ ગયા.

ત્યાં જ બૈશાખી બોલી, ‘ આન્ટી, ઉનકો મારને દો મુઝે... યદી ઐસા કરને સે ઉનકા ગુસ્સા શાંત હોતા હૈ તો હોને દો...!  મેરે સાથ જો કરના હૈ વો કરો મગર મેરે પાપા કો છોડ દો...’ બૈશાખી કરગરવા લાગી.

પણ મંજુલાબેને આ વખતે સહેજે’ય મચક ન આપી એટલે પેલાને દૂર જવું પડ્યું.

ત્યાં બીજી બાજુ દૂરથી એક મોટો પથ્થર સનસનતો આવ્યો ભૈયાજીના માથા પર અને ભૈયાજી માથું દબાવીને બેસી ગયો.

મંજુલાબેન ભૈયાજી તરફ ફર્યા તો ટોળું બૈશાખીને હેરાન કરવા લાગ્યું.

કોઇ કે તેની કાંખઘોડી ખેંચી લીધી અને બૈશાખી પણ રોડ પર પટકાઇ. ટોળું કોઇપણ પ્રકારની શેહ-શરમ રાખ્યા વિના તેની મશ્કરી કરવા લાગ્યું.

મંજુલાબેન ફરી  દોડીને તેની વચ્ચે આવ્યા અને ટોળાંમાંથી એક બાઇકને જોરથી લાત મારી જમીનદોસ્ત કરી દીધું અને ફરી લલકાર કરી, ‘ નરાધમો, આ શું કરી રહ્યાં છો..? આપણાં શહેરની દિકરી સાથે આ રીતનું વર્તન...! મને શરમ આવે છે તમારી ઉપર...! આજે તમે કોને પથ્થર માર્યો છે તેની તમને ખબર નથી... પણ આજે મારે કહેવું છે કારણ કે આ ભૈયાજીની પાણીપુરીનું મારા પર ઋણ છે... આ બૈશાખી આપણાં જ કોઇ સભ્ય સમાજની નાજાયજ અને તરછોડાયેલી દિકરી છે,  અને આ પરપ્રાંતનો ભૈયાજી તેને પોતાની દિકરી ગણી ઉછેરી રહ્યો છે... આ માણસ પાણીપુરી વેચીને બીજી કેટલીયે  છોકરીઓની સ્કુલ ફી ભરી રહ્યો છે તેની હું સાક્ષી છું... અને તેને ક્યારેય એમ નથી જોયું કે તે છોકરીઓ ક્યા રાજ્યની છે અને કઇ જ્ઞાતિની છે...??!!  શરમ કરો કે તમે બીજા કોઇના ગુનાની સજા આ નિર્દોષને આપી રહ્યાં છો. આ ઝઘડા બંધ કરો અને આપણે સૌ એક છીએ તે વિચારો... જેને ગુનો કર્યો છે તેને સજા થશે પણ નિર્દોષને હેરાન કરી તમે આપણાં ગરવી ગુજરાતના ગૌરવને ઠેસ પહોંચાડી રહ્યાં છો.’ મંજુલાબેનના આ શબ્દોથી સામે સાવ સોપો પડી ગયો અને બધા ચૂપ થઇ ગયા.

ત્યાં દૂરથી પોલીસવાનની સાયરન સંભળાતા તે ટોળું ભાગી ગયું.
પોલીસ નજીક આવી અને મંજુલાબેનને પુછ્યું, ‘ શું થયું બેન..?’

તો મંજુલાબેને હસતા મુખે જવાબ આપ્યો, ‘ આ તો ભૈયાજીની ખાધેલી કોરી પાણીપુરીનું ઋણ ઉતારી રહ્યા હતા.’

પોલીસ ઇન્સ્પેક્ટર સ્થિતિને સમજી ગયા અને તેમનો જુસ્સો વધારતા કહ્યું, ‘ ખરેખર, આજે આ પાણીપુરી ખાતી બહેનો પર ગર્વ છે કે તેમને ખાધેલી ભૈયાજીઓની કોરી પાણીપુરીનું  ઋણ જરૂરી સમયે અદા કર્યુ છે... તમારી જેમ બધા જ લોકો ડરેલા પરપ્રાંતના લોકોને સહયોગ અને સાંત્વના અપાશે તો જલ્દી આપણાં રાજ્યમાં સુમેળભર્યું વાતાવરણ બની જશે....અમે તોફાનીઓને જલ્દીથી જલ્દી પકડી લઇશું...’

ત્યાં ઉભેલી બધી બહેનોએ ભૈયાજી અને બૈશાખીને બચાવી લીધા અને ભૈયાજી પણ બે હાથ જોડી સૌ બહેનોનો આભાર માનવા લાગ્યો.

*સ્ટેટસ*
*આજે તમે કોઇ નિર્દોષને સજા આપી દેશો...*
*તો*
*ક્યારેક તમે નિર્દોષ હશો તો પણ સજા મળશે...*
*યાદ રાખો કર્મ કોઇને છોડતું નથી...*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડૉ. વિષ્ણુ પ્રજાપતિની  પારિવારીક, સામજિક અને સંવેદનાસભર ૪૬ વ્હોટસ એપની વાર્તાઓના બે વાર્તા સંગ્રહો અમોલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઇ ગયા  છે. જે એમેઝોન, ફ્લિપકાર્ટ અને આપના નજીકના પુસ્તક વિક્રેતા પાસે ઉપલબ્ધ છે. ઘેર બેઠા આ પુસ્તકો મંગાવવા માટે
*ડો. અજય રંગવાણી મોબા નં – ૯૫૫૮૦૦૬૬૧૧*
 તથા
*અમોલ પ્રકાશન મોબા નં. ૮૩૨૦૩૪૨૯૦૨*
પર સંપર્ક કરશો.

ડો. વિષ્ણુ પ્રજાપતિના અન્ય પુસ્તકો
*હું – ખોવાયેલા ખુદની શોધ*
અને
*ચાર રોમાંચ જિંદગીના*– સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા.

અવશ્ય વાંચો અને વસાવો