Showing posts with label Gani Dahivala. Show all posts
Showing posts with label Gani Dahivala. Show all posts

Aug 13, 2018

Gazal : ગની દહીંવાલા

ન તો કંપ છે ધરાનો ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું…

જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું…

હતો હું ય સૂર્ય, કિંતુ ન હતી તમારી છાયા,
કૈં વાર ભરબપોરે અહીં આથમી ગયો છું…

આ હ્રદયસમો તિખારો છે કરી રહ્યો ઇશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું…

નથી કૈં પ્રયાસ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું…

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જીવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું…

ગની પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણો ઢળ્યા ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું…

– ગની દહીંવાલા