Oct 9, 2018

WhatsApp ni Vaarta 28- Dr. Vishnu Prajapati

*વ્હોટ્સ અપની વાર્તા – ૨૮*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*‘કાગવાસ’*

‘ડેડી, ટુડે આઇ ચેક યોર વર્ક લીસ્ટ, ધેર ઇઝ ન્યુ વર્ડ,  ‘કાગ વાસ’, વોટ ઇઝ  ‘ કાગવાસ’ ?’ સવારે જ માનસે પપ્પાની ડાયરી જોઇને તેને કાગવાસ શબ્દની સમજ ન પડતા સહજતાથી પુછી લીધું.

‘બા’ બાજુના રૂમમાં જ હતા. મનોરથે માનસની વાત બા સાંભળી તો નથી રહ્યાં ને તે ત્રાંસી નજરે ચકાસી લીધું.

છ વર્ષના માનસ માટે આ કૂતૂહલ એટલે હતું કે તેને ક્યારેય કાગવાસ જોઇ નહોતી. તેને એ પણ ખબર નહોતી કે કાગવાસ જેવો શબ્દ ડિક્ષનેરીમાં મળશે કે કેમ ?

આ નાનકડા માનસના પ્રશ્નથી મનોરથનો વૈચારિક રથ બેકાબૂ બની ભાગવા લાગ્યો.

ગઇકાલે જ ઓફીસમાં આવતીકાલના કામના લીસ્ટમાં ‘કાગવાસ’ લખવું પડેલું.

આજે પરદાદાનું શ્રાધ્ધ હતું. જો કે વર્ષોથી શહેરમાં આ કાગવાસની પ્રથા બંધ જ કરી દીધી હતી. શહેરની કોલાહલ અને ડાળીઓ વિનાના નિર્જીવ થાંભલાઓ પર કાગડાઓએ રહેવાનું તો શું દેખાવાનું પણ બંધ કરી દીધું હતું.

કાગડા જ ક્યાં આવે છે ? એમ વિચારીને મનોરથે તો વર્ષો પહેલાં કાગવાસને મનમાંથી કાઢી નાખી હતી.

શહેરથી દૂર આવેલા એક તળાવની પાળે એક માણસને થોડા પૈસા આપો એટલે તે તળાવની પાળના કાગડાને બોલાવી કાગવાસ નાખી દેતો અને જાણે શ્રધ્ધાના કામને પણ કોઇ બીજી એજન્સીને સોંપી કામ પુરુ કર્યાનો આનંદ માણી લેતો.

પણ, ત્રણ દિવસ પહેલાં ‘બા’ શહેરમાં આવ્યાં હતા.
બા ની ઉંમર નેવુંની તો ખરી...! તેમના આંખ, કાન..નાક .. દાંત બધુ સલામત... દાદા પરલોકે સિધાવી ગયા પછી તેઓ આજે એકલા ગામડે રહેતાં, કોઇની મારે જરુર નથી.. ચાલતી જ મહણીયે (સ્મશાને) પહોંચી જઇશ તેવો જુસ્સો તો આજેય અકબંધ....!
માનસના દાદા-દાદી અને બા ગામડે જ રહેતાં.

અને વળી, બાને મન તો શહેરમાં જવું અને જેલમાં જવું બન્ને સરખું હતું....!

પણ, આ વખતે માનસની તબીયત બગડી હતી એટલે તેમનું મન ઝાલ્યું ન રહ્યું અને મનોરથના મમ્મી-પપ્પા સાથે બે દિવસ માટે શહેરમાં આવી ગયા.

માનસ અને બા ને બનતું પણ બહુ....! બે દિવસ બાના ખોળાંમાં તો માનસ તરોતાજા થઇ ગયેલો.

‘ડેડી... આ કાગવાસ શું છે..?’ માનસના પ્રશ્નથી મનોરથ પોતાની વિચાર તંદ્રામાંથી બહાર આવ્યો.

‘બેટા આ કાગવાસ એટલે આજે મારા દાદાની પૂણ્યતિથી છે એટલે તેમનાં આત્માની શાંતી માટે ખીર-પૂરી બનાવી કાગડાને ખવડાવીશું તેને કાગવાસ કહેવાય...!’ મનોરથે જવાબ આપ્યો.

પણ આ તો માનસ...! હજુ તો એક પ્રશ્નનો જવાબ પુરો થાય ત્યાં તો તેના મનમાં તરત જ  બીજો સવાલ ખડો થઇ ગયો. ‘પૂણ્યતિથિ એટલે..?’

‘આ તિથિના દિવસે દાદાનો સ્વર્ગવાસ થયો હતો એટલે કે મૃત્યુ પામ્યાં હતા..!’ મનોરથે જવાબ વાળ્યો.

‘પણ આપણે આવું સેલીબ્રેશન તો એકેયવાર કર્યુ જ નથી....!’ માનસે ધડાકો કર્યો હોય તેમ જોરથી બોલ્યો અને તરત જ મનોરથે પોતાના હોઠ પર આંગળી મુકી તેને ચુપ રહેવા જણાવ્યું.

મનોરથને ખ્યાલ આવી ગયો કે માનસને આ કાગવાસનો કોઇ ખ્યાલ જ નહોતો તેનું કારણ તે પોતે જ હતો. તેને આ કાગવાસનો રિવાજ ક્યારેય નિભાવ્યો નહોતો.

જો કે મમ્મી- પપ્પાને ખોટુ કહી દેતો કે આ વર્ષે પણ કાગવાસ નાંખી દીધી છે.

પણ આજે તો બા અને મમ્મી-પપ્પા બન્ને ઘરે હાજર હતા એટલે કાગવાસ નાંખવી જ પડે તેમ હતું અને તે ભૂલી ન જવાય એટલે ડાયરીમાં લખી દીધું હતું.

‘તું બાને આ બધું ના કહેતો... અને આજે જોઇ લેજે કાગવાસ.. બસ... ચુપ રહીશ તો ફ્રીજમાં પડેલો મોટો આઇસ્ક્રીમ તારો....!’ મનોરથે તો માનસને લાલચ આપી દીધી.

અને ત્યાં જ બા એ ડ્રોઇંગ રૂમમાં લાકડીના ટેકે પ્રવેશ કર્યો..

‘બા.....!’ કહેતો માનસ બાને વળગી પડ્યો અને તેમની આંગળી પકડીને સોફા સુધી લઇ આવ્યો.

પછી તો મનોરથ અને બધા સાથે મળીને ‘ કાગવાસ’ નાંખી..

મનોરથે જોર જોરથી ‘કાગવાસ’ બોલીને  ધાબા પર દૂર દેખાય તેમ ખીર-પુરીનાં ટુકડાં ફેંક્યા..

માનસને તો આ જોઇને ખૂબ મજા આવી ગઇ.

ક્યાંક દુર દુરથી એકલ દોકલ કાગડાં ફરક્યાં તો ખરાં...! પણ જાણે કે માનવજાતની ફેંકેલ વસ્તુમાં વિશ્વાસ ના હોય તેમ દુરથી પડેલા ખીર-પુરીના ટુકડાને તાકીને જોઇ રહ્યાં.

કાગડાઓ પણ જાણે સમજી ચુક્યા હતા કે આ તો માણસજાત ક્યારે શું ખવડાવી દે તેવો ભરોસો નહી...!

આખરે તેમની નજરનું પાક્કુ લેબોરેટરી ટેસ્ટીંગ થયા પછી એક બટકું ઉપાડ્યું અને નીચે ઉભેલા બધા હરખઘેલાં થઇ ગયાં.

કાગવાસ નંખાઇ ગયા પછી બધા ઘરની અંદર આવ્યાં.

પણ, ‘બા’ એકલા હજુ ઉભા રહીને દૂર દૂર બાકી પડી રહેલા ખીર-પુરીના ટુકડા તરફ જોઇ રહ્યાં.

માનસે તેમને આંગળી પકડીને અંદર તરફ ખેંચ્યા પણ તેમની નજર હજુ સ્થિર હતી.

‘બા ચલોને અંદર, એ તો આપણે દુર જઇશું એટલે તે કાગડાઓ ખાઇ જશે....!’ માનસે બાને ફરી ખેંચ્યા.

જો કે બાને મન તો તે કાગડાઓ આજે કોઇ સાધારણ પક્ષી નહી પણ વર્ષો પહેલા કાયમ જોડે જ જમતાં મનોરથના દાદા હતા.

તમને તે કાગડા તરફ નજર કરી હળવેથી કહ્યું, ‘મને’ય એક્વાર તમારી જોડે લઇ જાવ... હવે એકલા એકલા કેટલા વર્ષ કાઢવાનાં...! ભલે ફેંકાયેલી ખીર-પુરીના ટુકડાં હોય પણ જોડે ખાઇશું તો ખરા....!’ બાએ આજે  હૃદયના અંદરના ખૂણેથી કાકદેવને વિનવણી કરી અને પછી કાગદેવતાને વંદન કરી માનસ સાથે ઘરમાં પગ મુક્યો.

બધાની થાળી પીરસાઇ ચુકી હતી.
થાળી વ્યંજનો અને મિષ્ઠાન્નોથી ભરાયેલી હતી. પણ, બાની નજર તો માત્ર ખીર પુરીમાં જ હતી.

તેમને પુરીનો નાનો ટુકડો કરી ખીરમાં બોળી હોઠ સુધી કોળીયો લાવ્યાં પણ એકાએક તેમનો હાથ રોકાઇ ગયો.

‘કેમ બા....! શું થયું ?’ મનોરથે પુછ્યું.

‘દિકરા… મારી એક ઇચ્છા પુરી કરીશ....?’ બાએ મનોરથ સામે જોઇને કહ્યું.

‘હા.. બા... બોલોને શું જોઇએ...! તમે કહેશો તે હાજર કરી દઇશ.’ મનોરથ બાની નજીક આવ્યો.

‘તો માનસને કહે કે તે જોરથી ‘કાગવાસ’ બોલીને એક કોળીયો મને ખવડાવી દે.. બસ જીવતે જીવત મારા આત્માને શાંતિ મળી જશે.. કેમ જાણે આવનારા વર્ષોમાં તમને ડાયરીમાં ‘કાગવાસ’ લખવાનો સમય પણ ન મળે....! કદાચ.. અમને ભૂલી પણ જાઓ...! આજે બસ મારે જીવતે જીવત મારે કાગવાસ ખાવી છે...!’ અને બા ચુપ થઇ ગયા.

મનોરથ બાનો કહેવાનો મર્મ સમજી ચુક્યો હતો.

પણ અણસમજુ માનસે તરત જ જોરથી ‘કાગવાસ’ બોલીને બાનાં મોંમાં ખીર પુરીનો ટુકડો મુકી દીધો.

અને બા એ ટુકડો પ્રેમથી આરોગી લીધો.

*સ્ટેટસ*

*જે હાથથી કાગવાસનો ટુકડો જોરથી ફેંક્યો તો..*
*એ હાથથી એકે’ય કોળીયો શું તેમના હોઠ પર મુક્યો તો... ?*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*તા.૧૫/૯/૨૦૧૭*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડૉ. વિષ્ણુ પ્રજાપતિના
જીવનને હકારાત્મક ઉર્જાનું સિંચન કરતાં પુસ્તકોમાં...
બે ખૂબ વખણાયેલા વાર્તા સંગ્રહો
*વ્હોટ્સએપની વાર્તા ભાગ -૧*
*વ્હોટ્સએપની વાર્તા ભાગ -૨*
પ્રકાશક :
*અમોલ પ્રકાશન - મોબા. ૮૩૨૦૩૪૯૦૨*
સંબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા,
*ચાર રોમાંચ જીંદગીના*
અને સ્વવિકાસ માટેનું પુસ્તક
*હું - ખોવાયેલા ખુદની શોધ*
આજે જ ઘેર બેઠા મંગાવવા સંપર્ક કરો.
*. અજય રંગવાણી મોબા. ૯૫૫૮૦૦૬૬૧૧*