Jul 27, 2018

Whatsapp ni Vaarta-51, Guru Mantra-ગુરુમંત્ર: ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ

*વ્હોટ્સ અપની વાર્તા – ૫૧*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

 *‘ગુરુમંત્ર’*

© કોપીરાઇટ આરક્ષિત

સતપ્રિયસદાનંદજી ગુરુજીના આશ્રમમાં ગુરુપૂર્ણિમાના દિવસે અનેક શિષ્યો અને અનુયાયીઓ તેમના દર્શન માટે ઉત્સુક હતા.

સત્ય વચન, પ્રિય વચન અને સદાય આનંદમાં જીવવું તે ગુરુજીના જીવનનો સાર હતો અને તેથી જ તેમને સૌ સતપ્રિયસદાનંદજી તરીકે ઓળખતા. તેમના સત્સંગમાં લાખો લોકો ઉમટે અને જીવન જીવવાનું ભાથું લઇને ઘરે જાય.

આશ્રમમાં ભીડ થઇ ગઇ હતી. ગુરુજીએ સવારે સત્સંગમાં સૌને કહેલું કે જો તમે તમારા ઇષ્ટદેવ અને તમારા માતાપિતાને પગે લાગીને ન આવ્યા હોય તો મારા ચરણસ્પર્શ કરવાની કોઇ જ જરુર નથી.

દર વર્ષે સવારના સત્સંગ પછી તેમના ખાસ અનુયાયીઓને તેઓ ગુરુમંત્ર આપતા અને તેમના દરેક મંત્રથી ઇચ્છિતકાર્ય થઇ જ જાય છે તેવી સૌની અપાર શ્રધ્ધા હતી.

સ્નેહલ અને સ્નેહા પણ ગુરુમંત્ર લેવા લાઇનમાં ઉભા હતા.

‘સ્નેહલ, મને આ ગુરુમંત્ર અને ગુરુદર્શનમાં કોઇ રસ નથી. તને ખબર છે’ને મને આ લાંબી લાઇનો કે ભીડ-ભાડવાળી જગ્યાએ જવું ગમતું નથી. મારે તો અહીં આવવાની કોઇ ઇચ્છા જ નહોતી પણ તમે કહો છો’ને કે  ગુરુઆદેશ, સર આંખો પર.....! એટલે આવી છું.’ સ્નેહા અનિચ્છાએ આવી હતી તે પોતાની બોડી લેન્ગેજ અને શબ્દો બન્નેથી કહી રહી હતી.

‘હા... અહીં તો તને લાઇનો અને ભીડ-ભાડ જ દેખાશે.... યાદ છે આપણે લાસ્ટ સમર વેકેશનમાં ફન વર્લ્ડમાં ગયેલા ત્યાં ત્રણ કલાકની લાંબી લાઇન હતી.... અરે પેલી ક્લબની ડાન્સ પાર્ટીમાં એક નાના રુમની ભીડમાં આપણે ડાન્સ કરેલો... અરે તારા પેલા ફેવરીટ પીઝા માટે કેટલી ધક્કામુક્કી કરેલી.... અને હમણાં પેલી નવી રીલીઝ થયેલી મુવીની ટીકીટ માટે બે કલાકનું વેઇટીંગ હતું....!’ સ્નેહલે કેટલીક જુની યાદો તાજી કરાવી.

‘એટલે... તું શું કહેવા માંગે છે...?’ સ્નેહા કંઇક સમજી રહી હતી.

સ્નેહલે તો તરત જ જવાબ દીધો, ‘ આ બધી જગ્યાઓ જે આપણને ક્ષણિક સુખો જ આપવાના છે ત્યાં આપણે જિંદગીનો મહત્તમ હિસ્સો ખર્ચી નાખીએ છીએ અને જ્યાં જીવનનું પરમ સુખ પ્રાપ્ત થાય છે ત્યાં આપણને ભીડ-ભાડ કે લાંબી લાઇનો નથી ગમતી... સ્નેહા જેમ હું તારા માટે મને ન ગમતી જગ્યાએ કોઇપણ ફરીયાદ વિના સાથે જ રહુ છું તેમ તારે પણ સમજવું જોઇએ કે....!’ સ્નેહલે પછીના શબ્દો સ્નેહાની સમજણ પર છોડી દીધા.

અને બન્ને થોડીવાર સુધી ચુપ થઇ ગયા.

સ્નેહલ થોડીવાર પછી બોલ્યો, ‘જ્યારે આપણે ખુદ આપણી જિંદગીનો સાચો માર્ગ ન શોધી શકીએ... આપણે સર્વસુખ સંપન્ન હોવા છતા માનસિક રીતે અશાંત કે ઉચાટ રહ્યા કરે ત્યારે ગુરુ પાસે આવીને માર્ગ શોધવો જોઇએ. ઘણીવાર આપણને આપણી આસપાસ રહેલો સુખ અને શાંતીનો માર્ગ દેખાતો નથી. આપણી શ્રધ્ધા, સુખ અને શાંતીના સલાહકાર કે પથદર્શક થયેલા લોકો જે ગુરુવર્ય છે તેમના દર્શન કરવાં અને તેમની પાસે હવે પછીની જિંદગીનો સાચો માર્ગ શોધતા રહેવું તે ગુરુપૂર્ણિમા છે, અને સ્નેહા આ ગુરુજી તો આપણી ત્રીજી પેઢી પહેલાના ગુરુ છે.’

‘હમ્મ્મ.’ સ્નેહાએ તો માત્ર વ્હોટસએપ મેસેજમાં જવાબ લખે તેમ જવાબ વાળ્યો.

‘જો સ્નેહા.. છેલ્લા ચારેક મહિનાથી હું બિઝનેસમાં ખૂબ વ્યસ્ત છું. ઘરમાં ધ્યાન ન અપાયું તે મારી ભૂલ છે અને તને ખબર છે કે ઘરમાં અત્યારે આપણને સૌને કોઇને કોઇ અણબનાવ રહે છે. મેં પ્રયત્નો કરી જોયા પણ કોઇ ફર્ક પડ્યો નહી.. સાથે રહેવું અને કાયમ ઝઘડવું એના કરતા તો છૂટા પડવાનો મેં નિર્ણય લઇ લીધો છે...’ સ્નેહલે ઘરની આપવીતી શરુ કરી.

‘હા... એ તો મનમેળ ન રહે તો ભેગા ન રહેવું જોઇએ.’ સ્નેહાએ તો તરત જ સૂર મીલાવ્યો.

‘પણ.. મારી ઇચ્છા છે કે સાથે રહેવું... પરિવારમાં મનમેળ તો દરેકે કરવો પડે છે. પણ, મારાથી તે શક્ય ન થતા આપણાં ઘરની તમામ વાત મેં ગુરુજીને લખીને આપી દીધી છે અને તેઓ આજે આપણને ગુરુમંત્ર આપવાના છે અને તે આપણને જે ગુરુમંત્ર આપે અને તેની કોઇ અસર ન થાય તો એક મહિના પછી આપણે જુદું મકાન લઇ લઇશું.’ સ્નેહલે અત્યારે ગુરુદર્શને આવવાનો હેતુ સમજાવ્યો.

‘પણ.. મને આવા કોઇ ગુરુમંત્રમાં રસ નથી...અને ગુરુમંત્રની કોઇ અસર હોય છે તેવું હું માનતી નથી...!’ સ્નેહાએ તો તરત જ જવાબ આપ્યો.

અને ત્યાં જ સ્નેહાની નજર લાઇનમાં સૌથી આગળ તેમના મમ્મી-પપ્પાને જોયા અને તેને સ્નેહલને ઇશારો કરીને બતાવ્યાં, ‘જોયું, તેઓ અહીં આવે છે અને આપણને કહેતા પણ નથી...!’ સ્નેહાએ મમરો મુક્યો.

‘જો સ્નેહા, સારુ વિચારીએ તો એમ પણ બને કે તે પણ મારી જેમ ગુરુમંત્ર માટે આવ્યા હોય....!’ અને સ્નેહલની નજર મમ્મી પપ્પા પર સ્થિર બની.

સતપ્રિયસદાનંદજી દરેકને સમય આપીને ગુરુમંત્ર આપી રહ્યા હતા. સૌ પોતાનો નંબર આવે તેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.

પહેલા મમ્મી-પપ્પાનો નંબર આવ્યો તેઓ દર્શને ગયા અને તેમને ગુરુમંત્ર લીધો અને ચુપચાપ નીકળી ગયા.

સ્નેહા અને સ્નેહલનો નંબર આવ્યો ત્યારે તેઓ ગુરુજી સામે ગયા.

ગુરુજીના વિશાળ, શાંત અને સુગંધીત રુમમાં અલૌકિક અને દિવ્ય શાંતીનો અનુભવ થવા લાગ્યો. રુમમાં મંદ મંદ સ્વરે ધૂન વાગી રહી હતી. રૂમમાં તેઓ બન્ને અને ગુરુજી ત્રણ વ્યક્તિઓ જ હતા. ગુરુજી દરેકને અંગત મળીને જ ગુરુમંત્ર આપતા.

‘આવ... સ્નેહા અને સ્નેહલ....!’ ગુરુજીએ મીઠો આવકાર આપ્યો.
સ્નેહાએ આજે પહેલીવાર ગુરુજીને રુબરુમાં જોયા. લગ્નનું એક વર્ષ પુરુ થવામાં હજુ બે મહિનાની વાર હતી.. તેઓ આજદિન સુધી દર્શને આવી શક્યા નહોતા. સ્નેહાએ જોયું કે ગુરુજીની ઉંમર સિત્તેર કરતા ભલે વધારે હોય પણ કપાળ પરનું તેજ ઘણું વધારે હતું. ચહેરા પરનું રહેલું ચુંબકીય હાસ્ય ખેંચી રહ્યું હતું. ઘરે રહેલી તસ્વીર કરતા રુબરુમાં ગુરુજી વધુ પ્રભાવશાળી લાગી રહ્યા હતા.

તેઓ બન્ને હાથ જોડી સામે બેસી ગયા.

‘સ્નેહા અને સ્નેહલ લાગે જાણે સારસ બેલડી...! અને કેવા સ્નેહાળ નામો છે તમારા...! તમારુ નામ લેતાં જ લાગે કે બધાને સ્નેહ કરો અને પ્રેમ પાથરો તેવું જ લાગે.’ ગુરુજીના શબ્દોથી બન્ને પ્રભાવિત થયા.

‘ગુરુજી... મેં તમને લખીને જણાવેલું...! અને અમારા પરિવારના સુખ અને શાંતી માટેનો ગુરુમંત્ર....!’ સ્નેહલે વિનંતી કરતા કહ્યું.

ગુરુજીએ બન્નેની આંખોમાં વારાફરતી જોયું અને હળવા સ્મિત સાથે કહ્યું, ‘ મંત્ર તો મેં લખી દીધો છે... પણ તમે નહી કરી શકો.’ ગુરુજી તેમની પરીક્ષા લેતા હોય તેમ પોતાના હાથમાં બે ચીઠ્ઠી ઉપાડી.

‘અમે કરીશું.’ સ્નેહલે તરત જ જવાબ આપ્યો.

ગુરુજીએ સ્નેહા સામે જોયું તો તેને પણ હકારમાં માથું ધુણાવ્યું.

ગુરુજીએ બન્નેના હાથમાં અલગ અલગ ચીઠ્ઠી આપતાં કહ્યું, ‘આ મંત્ર તમારે દરરોજ સવારે ઇષ્ટદેવની સામે, દસ વાર મોટેથી એટલે કે ઘરમાં દરેકને સંભળાય તે રીતે બોલવો.’ સ્નેહા અને સ્નેહલે તે ચીઠ્ઠી હાથમાં લીધી.

‘તમારી દરેક સમસ્યાઓ, મનના સંતાપ, પરિવારના અણબનાવ વગેરેનો ઉકેલ આ મંત્રથી આવશે તેવી મારી શ્રધ્ધા છે અને તમે પણ તેવી જ શ્રધ્ધાથી આ મંત્રજાપ કરશો... સુખી થાઓ...’ ગુરુજીએ હાથ ઉપર કરી અને આશીર્વાદ આપ્યાં.

સ્નેહલ ગુરુદક્ષિણા મુકવા પાકીટ  ખોલી રહ્યો હતો ત્યાં ગુરુજીએ તેને રોકીને ના કહી અને કહ્યું, ‘તમારા નામની જેમ સ્નેહ ફેલાવો... અને જરુરિયાતમંદ લોકોની સેવા કરો તે જ મારી ગુરુદક્ષિણા છે.’

આશ્રમની બહાર આવી બન્નેએ ચીઠ્ઠી ખોલી. બન્ને તે વાંચીને સાવ અવાચક બની ગયા.

‘આવો મંત્ર....! મને તો એમ કે કોઇ  મોટો શ્લોક હશે....! મને આ નહી ફાવે...!’ સ્નેહાએ તો વાંચીને કહી દીધું.

જે હોય તે સ્નેહા આપણે તે કરીશું. ગુરુજીમાં મને અપાર શ્રધ્ધા છે અને તું પણ રાખીશ તેવો મારો વિશ્વાસ છે.

બન્ને ઘરે ગયા... બીજા દિવસે સવારે સ્નાનાદિ પતાવી ઘરના પૂજન કક્ષમાં આવ્યાં તો ત્યાં પહેલેથી જ મમ્મી-પપ્પા હાજર હતા અને તેઓ મંત્રજાપની તૈયારી  કરી રહ્યાં હતા.

પહેલા પપ્પાનો મંત્ર હતો... ‘હરે સ્નેહલ... હરે સ્નેહલ.... સ્નેહલ... સ્નેહલ હરે... હરે....!’ તેઓ ખરા ભાવથી પોતાના પુત્રના નામનો મંત્રજાપ કરી રહ્યા હતા અને તે સાંભળતા જ સ્નેહલની આંખો ભરાઇ આવી. પોતે પોતના ઇશ્વરતુલ્ય પિતાજીથી દૂર થવાનું વિચારી રહ્યો હતો તેના પ્રત્યે ઘૃણા થવા લાગી.

પછી મમ્મીનો વારો આવ્યો તેને પણ હૃદયભાવથી મંત્રજાય શરુ કર્યો, ‘ હરે સ્નેહા... હરે સ્નેહા.... સ્નેહા સ્નેહા હરે હરે...!’

ઘરની વહુના નામનો મંત્રજાપ સાંભળી સ્નેહામાં પણ હૃદય પરિવર્તન આવી ગયું અને તે મંત્રજાપ પુરો થતાં જ સાસુમાં પાસે પહોંચી અને લગ્નપછી પહેલીવાર અંદરના ભાવથી તેમના ચરણસ્પર્શ કર્યા.

હવે સ્નેહલનો વારો હતો. તેને મંત્રજાપ શરુ કર્યો, ‘ હરે સુબોધભાઇ, હરે સુબોધભાઇ... સુબોધભાઇ હરે હરે....!’ સુબોધભાઇ સ્નેહલના પિતાજીનું નામ હતું.

અને મંત્રજાપ પુરો થતાં સુબોધભાઇની પણ આંખો ભીની થઇ ગઇ અને તેઓ પોતાના દિકરાને ભેંટી પડ્યાં.

હવે વારો સ્નેહાનો હતો તેને મંત્રજાપ કરતા પહેલા કહ્યું, ‘ સ્નેહલ અને મમ્મી- પપ્પા, પહેલા તો હું માફી માંગુ છુ કારણ કે ખરેખર તો હું આ ગુરુમંત્ર કરવાની જ નહોતી  પણ હવે હું પણ ખરા ભાવથી મંત્રજાપ કરીશ અને તેને બોલવાનું શરુ કર્યુ, ‘ હરે સંતોષબેન, હરે સંતોષબેન.... સંતોષબેન હરે હરે...’ સંતોષબેન સ્નેહાની સાસુમાંનું નામ હતું.

આ ગુરુમંત્રની અસર પણ વર્તાઇ. મંત્રજાપ પુરો થતા જ સંતોષબેને તેને આલિંગનમાં લીધી અને ભીની આંખે કહ્યું, ‘ સ્નેહલ મારી દિકરી....!’ અને બન્ને ભેટી પડ્યા.

તેના પપ્પાએ તેમા ઉમેર્યુ, ‘દિકરાઓ, આવતીકાલથી તમારા આ ગુરુમંત્રમાં સ્નેહાના મમ્મી-પપ્પાનું નામ પણ જોડી દેજો. સ્નેહલ તે પણ તારા મમ્મી- પપ્પા જ છે.’

પપ્પાના મુખેથી આ શબ્દ સાંભળતા સ્નેહાની આંખો ઉભરાઇ આવી અને બોલી, ‘ હું માનતી હતી કે ગુરુમંત્રની કોઇ અસર હોતી નથી... પણ આજે સમજાયું કે આત્મા અને મન પર આવેલા અંધકાર અને અણસમજણના દ્વાર તો ગુરુ જ ખોલી શકે છે.. સાચે જ ગુરુ વિના જ્ઞાન નહી.’

અને સૌએ એકસાથે ગુરુજી સતપ્રિયસદાનંદજીની તસ્વીરને વંદન કર્યા.

*સ્ટેટસ*
*‘ગુરુ સે હટે સબ દુ:ખ, ગુરુ સે હટે અજ્ઞાન,*
*ગુરુ કહે સો કીજીયે, ગુરુ કા ધરો નીત ધ્યાન’*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડૉ. વિષ્ણુ પ્રજાપતિની ૧ થી ૪૬ વાર્તાઓના બે વાર્તા સંગ્રહો ૨૮ જુલાઇએ અમોલ પ્રકાશન- અમદાવાદ દ્વારા પ્રકાશિત થઇ રહ્યાં છે. આપ આ બન્ને અદભૂત વાર્તા સંગ્રહોને અચૂક સત્વરે બુકિંગ કરાવી લેશો.