Aug 6, 2018

Friendship Belt: Whatsapp ni vaarta-52, ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ



*વ્હોટ્સ અપની વાર્તા – ૫૨*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

 *‘ફ્રેન્ડશીપ બેલ્ટ’*

© કોપીરાઇટ આરક્ષિત

કાઉન્ટર પર પડેલા જુદાં જુદાં ફ્રેન્ડશીપ બેલ્ટસમાંથી આખરે સુધાને એક લેટેસ્ટ ફ્રેન્ડશીપ બેલ્ટ પસંદ આવ્યો.

સામે ઉભેલા સેલ્સબોય અને બાજુની સેલ્સગર્લ મલકાઇ રહ્યાં હતા કારણ કે સામે રહેલા આન્ટીની ઉંમરના ભાગ્યે જ કોઇ ફ્રેન્ડશીપ બેલ્ટ લેવા આવતાં.

ત્યાં થોડે દૂર ઉભેલા સાવને તો તેની ફ્રેન્ડ સ્વરાને ઇશારો કરીને કહી પણ દીધું, ‘જોયું, પેલા આન્ટી આટલી ઉંમરે પણ પોતાના ફ્રેન્ડ માટે કેટલી બારીકાઇથી ફ્રેન્ડશીપ બેલ્ટ ખરીદી રહ્યાં છે.’ સ્વરા પણ તેમને જ જોઇ રહી હતી.

સુધાએ તેની કિંમત ઇશારો કરીને પુછી.

‘ત્રીસ રુપિયા...!’ સેલ્સ ગર્લે સ્માઇલ સાથે કહ્યું પણ સુધાને કોઇ સમજણ ન પડી હોય તેમ તેને ફરી ઇશારો કરીને પુછ્યું.

સેલ્સગર્લે તેની સાથે લાગેલી ટેગ બતાવી તેના પર લખેલો ભાવ બતાવ્યો અને સુધાએ પર્સમાંથી દસની  ત્રણ નોટો આપી અને સરસ મજાની સ્માઇલ સાથે  બેલ્ટ પર્સમાં સાચવીને મુકી દીધો.

‘આન્ટી.. તમારી ચોઇસ ખૂબ ફાઇન છે.’ સાવને તો બાજુમાંથી પસાર થતા આન્ટીને આખરે કહી દીધું.

જો કે આન્ટીએ તો માત્ર સ્માઇલ જ આપી અને બહાર નીકળી ગયા.

સ્વરા, સાવન અને તેમનું ગ્રુપ ફ્રેન્ડશીપ બેલ્ટ ખરીદીને ગાર્ડનમાં પહોંચ્યું.

પેલા આન્ટી પણ તે ગાર્ડનમાં સામે ખૂણામાં ઝાડના છાંયડાવાળા બાકડા પર બેસીને કોઇકની રાહ જોઇ રહ્યાં હતા.

તેઓ વારેવારે ઘડીયાળ જોઇ રહ્યા હતા અને તેમની નજર વારેવારે દરવાજા તરફ પહોંચી જતી હતી.

ગ્રુપના બધા ફ્રેન્ડસને તે આન્ટીના ફ્રેન્ડશીપ ડે ની સ્ટોરી જાણવાની તલપ લાગી હોય તેમ તેઓ જોઇ રહ્યાં.

આન્ટીએ પોતાના પર્સમાં રહેલા કવરમાંથી એક કાગળ કાઢ્યો અને ઝડપથી વાંચીને ફરી કવરમાં મુકી દીધો. વળી, તેમને હમણાં જ ખરીદેલો ફ્રેન્ડશીપ બેલ્ટ પણ કાઢ્યો અને તેને કવરમાં મુકી તેને બાકડા પર મુક્યું.

તેમની નજર દરવાજા પર સ્થિર બની અને ત્યાં જ સામે લગભગ પચાસેક વર્ષના એક પુરુષને આવતા જોઇ તેમની આંખો જાણે ખીલી ઉઠી....! આન્ટીના ચહેરા પરનું સ્મિત વધી રહ્યું હતું. તે પોતાની જગ્યાએથી ઉભા થયા અને બે-ત્રણ ડગલા આગળ આવ્યાં.

‘કૌન કહેતા હૈ કી બૂઢે ઇશ્ક નહી કરતે, યે તો હમ હૈ કી ઉનપે શક નહી કરતે.’ સાવને તો જૂની શાયરી ઇશ્કીયા અંદાઝમાં અર્જ કરી. બધા વાહ વાહ કરે તે પહેલા સ્વરાએ નાક પર આંગળી મૂકી બધાને ચૂપ રહેવા જણાવ્યું.

બન્ને સામસામે આવતા તેમની આંખો થોડીવાર માટે એકમેકમાં ખોવાઇ ગઇ.. તેઓ વચ્ચે કોઇ સ્પર્શ કે શબ્દની આપ-લે  વિના એક મજબૂત સબંધ હોય તેમ લાગ્યું.

પેલા પુરુષે ગાર્ડનના કોર્નર તરફ આવેલા રેસ્ટોરેન્ટ તરફ જવાનો ઇશારો કર્યો અને બન્ને તે તરફ ચાલ્યાં.

આન્ટીએ પર્સ લીધું પણ તે કવર ત્યાં બાકડા પર જ ભૂલી ગયા.

‘હું તેમનો લવલેટર અત્યારે જ લઇ આવું છું. જોઇએ આન્ટી લેટરમાં કેવી શાયરીઓ લખે છે...?’ સાવને તો કુતૂહલતાવશ તે બાકડા તરફ દોટ મુકી.

જ્યારે બીજા છોકરાએ કહ્યું, ‘હું તેઓ પાછા આવે તેની પર નજર રાખીશ.’

અને થોડીવારમાં સાવનના હાથમાં કવર આવી ગયું. સાવને તો તરત જ કવરની અંદરનો કાગળ ખોલીને ગ્રુપમાં બધાને સંભળાય તે રીતે વાંચવાનું શરુ કર્યું.

‘પ્રિય મિત્ર,
છેલ્લા દસેક મહિનાથી તું ફરી મારી જિંદગીમાં આવ્યો અને મારી જિંદગી બદલી નાખી છે. મારો એ સ્યુસાઇડ એટેમ્પ્ટ અને મારું બચી જવું... હોસ્પિટલમાં મારી આંખો ખુલી તો સામે તું મળ્યો અને લાગ્યું કે જાણે નવું જીવન મળ્યું....! જેને ખૂબ પ્રેમ કર્યો હતો તે મારો પતિ મને જિંદગીની મઝધારે મૂકીને એટલા માટે ચાલ્યો ગયો કે હું તેમને સંતાન સુખ નહોતી આપી શકી. એકલવાયી સ્ત્રીની જિંદગી ખરેખર કેવી દુષ્કર છે તે મેં ખૂબ અનુભવ્યું...! કોલેજમાં આપણે સાથે હતા ત્યારે તેં મને ફ્રેન્ડશીપ બેલ્ટ આપ્યો હતો પણ ત્યારે મેં તે નહોતો સ્વીકાર્યો અને કોલેજમાં જ ફેંકી દીધેલો. મેં પણ ત્યારે તારી નિ:શબ્દ વેદનાની કોઇ પરવા નહોતી કરી.

હવે હું તારા ફ્રેન્ડશીપ બેલ્ટ માટે રાહ જોઇ રહી છું. જો કે તેં આપણાં સંબંધોને એક નાનકડાં બેલ્ટ કરતા પણ વધુ મજબૂત રીતે સાચવીને રાખ્યા છે. દર મહિનાના પહેલા રવિવારે તું મને અચૂક મળે છે. તારો એક આઇસ્ક્રીમ અને તારો થોડી મિનિટોનો સાથ મને ફરી તરોતાજા બની જીવવાની શક્તિ  આપે છે.

હું પણ જાણું છું કે તું તારી જિંદગીમાં તારા પરિવારથી જોડાયેલો છે એટલે તું પણ શક્ય એટલો મારાથી દૂર રહે છે અને આપણી વચ્ચે માત્ર મિત્રતા અને મદદનો તાર તેં સારી રીતે સાચવી રાખ્યો છે. તું ન તો મારા ઘરનું સરનામું જાણે છે કે ન હું તારા ઘરનું સરનામું....!

તું જાણે છે તો મારો બેંક એકાઉન્ટ નંબર કે જેમાં મારી જિંદગી જીવી જવાય તેટલું જમા કરાવતો જાય છે.

આજે ફ્રેન્ડશીપ ડે છે. હું તને બીજું તો શું આપી શકું..? આ કવર સાથે અંદર ફ્રેન્ડશીપ બેલ્ટ મોકલી રહી છું. તને પહેરાવવાની હિંમત કરી શકતી નથી. ઉંમર અને સમજણ બંને મને રોકી રહી છે.

ક્યારેક મને અંદરો અંદર લાગ્યા કરે છે કે હું ક્યાંક તને અન્યાય તો નથી કરી રહીને...? મારા કારણે તને કેટકેટલી તકલીફો આવતી હશે તે તું મને ક્યારેય કહેતો નથી... અને ભગવાને આપણને જાણી જોઇને શબ્દો જ નથી આપ્યાં કે કોઇને આપણે આપણી તકલીફો કહી શકીએ. તારા ચહેરા પરની મુશ્કુરાહટ... તારી મદદ... પહેલા રવિવારે તારું અચૂક મળવું.... તારો ખવડાવેલો એક આઇસ્ક્રીમ... આ બધું મને ફરી ફરી એક મહિનો જીવવા અને તારો ઇંતજાર કરવા મજબૂર અને મજબૂત કરે છે. આ રવિવારે ફ્રેન્ડશીપ ડે છે તો હું તને બેલ્ટ આપું છું અને કહું છું કે,
તારા જેવો મિત્ર સૌને આપે અને મારા જેવી તકલીફો ઇશ્વર કોઇને ન આપે...

એ જ તારી મિત્ર...
સુધા’

અને આ પત્ર વાંચતા જ ગ્રુપના દરેક ફ્રેન્ડના આંખોમાં આંસુ હતા.

સાવને કાગળ ફરી કવરમાં મુક્યો અને ત્યાં જ પેલો મિત્ર દોડતો આવ્યો અને બોલ્યો, 'અંકલ આંટી આ બાજુ આવે છે.'

સાવને તે કવર બાકડાં પર ફરીથી હતું તેમ ને તેમ જ મુકી દીધું.

સુધાની નજર કવર પર પડતા જાણે હાશકારો થયો અને તે કવર પેલા વ્યક્તિને આપ્યું. તેમને ઇશારાથી પુછ્યું પણ ખરું કે શું છે...? પણ આન્ટી કાંઇ બોલ્યા વગર દરવાજા તરફ આગળ વધ્યાં.

અંકલે તે કવર ખોલીને કાગળ વાંચ્યો અને પછી અંદર રહેલા ફ્રેન્ડશીપ બેલ્ટને ઝડપથી બહાર કાઢ્યો.

તેઓ દૂર જઇ રહેલ પોતાની ફ્રેન્ડને બોલાવવા ઇચ્છતા હતા પણ તેમના મોંમાંથી એકેય શબ્દ ન નીકળ્યો એટલે તે પાછળ ઝડપથી તેની તરફ ચાલ્યાં.

ચાલતાં ચાલતાં પોતાના ચહેરા પરનો પરસેવો લૂછવા ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો તો તેમના ખિસ્સામાં રહેલો ફ્રેન્ડશીપ બેલ્ટ નીચે પડ્યો અને તે સ્વરાની નજરે ચઢી ગયો.

સ્વરાએ ખૂબ ઝડપથી તે બેલ્ટ લીધો તેના પર જોયું તો આજથી પચ્ચીસ વર્ષ પહેલાની તારીખ તેના પર લખી હતી.

સ્વરાએ અંકલને બોલાવવા પાછળથી બૂમો પાડી પણ અંકલ તો આગળ ચાલતાં જ રહ્યાં છેવટે સ્વરાએ તેમને પકડીને ઉભા રાખ્યા અને બેલ્ટ તેમની સામે ધરીને કહ્યું, ‘ અંકલ, આટલાં વર્ષોથી ફ્રેન્ડશીપ બેલ્ટ સાચવીને રાખો છો, તો પછી પહેરાવી દોને.’

પણ અંકલ કાંઇ સમજતા નહોતા. તેમને ઇશારો કરીને કહ્યું કે પોતે મૂક-બધિર છે અને સ્વરાના પગ તળેની જમીન જાણે સરકવા લાગી.

પછી તરત જ સ્વરાએ પેલા આંટીને ઉભા રાખ્યાં આન્ટીને કહ્યું, ‘અંકલની હિંમત નથી થતી કે તમને બેલ્ટ આપે. તમે એકવાર ફેંકી દીધો હતો તે બેલ્ટ હજુ પણ તેઓ સાચવીને ફરે છે.’ આન્ટી પણ જાણે કાંઇ ન સમજ્યા હોય તેમ તેમને ઇશારાથી કહ્યું કે પોતે બહેરા મૂંગા છે.

આજે સ્વરા અને તેમના ફ્રેન્ડસ આ એક અનોખી મિત્રતાના સાક્ષી બન્યા. જ્યા તેમની વચ્ચે આપ લેના ભલે કોઈ શબ્દો નહોતા પણ મિત્રતાનો પવિત્ર સબંધ સંવેદનાઓથી ભરપૂર હતો.

સ્વરાના આગ્રહથી અંકલે તેમની પાસે રાખી મૂકેલો ફ્રેન્ડશીપ બેલ્ટ આખરે આન્ટીને પહેરાવી દીધો અને આન્ટીએ પણ તેમને બેલ્ટ બાંધ્યો.

બધાએ તાળીઓ પાડી જો કે અંકલ- આન્ટી માટે તો તેનો અવાજ સાયલન્ટ મોડમાં જ હતો પણ તેમની  ફ્રેન્ડશીપ વાઇબ્રન્ટ મોડમાં હતી.


*સ્ટેટસ*
*બધા સાથે હતા ત્યારે દોસ્ત તું જ પાસે નહોતો,*
*ને જ્યારે સાથે કોઇ નહોતા ત્યારે એકલો  તું જ પાસે હતો.’*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડૉ. વિષ્ણુ પ્રજાપતિની ૧ થી ૪૬ વાર્તાઓના બે વાર્તા સંગ્રહ અમોલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઇ ગયા  છે. આપ આ બન્ને અદભૂત વાર્તા સંગ્રહોને સત્વરે બુકિંગ કરાવી લેશો.

બુકિંગ માટે ની લિંક :
https://www.amazon.in/dp/B07G16WR8M/ref=cm_sw_r_wa_apa_i_P-QyBb6496AB4

https://www.amazon.in/dp/B07G16TTRK/ref=cm_sw_r_wa_apa_i_e.QyBb047F0F4