Jul 27, 2018

વ્યાજ ની કાપલી

ખરેખર વાંચવા લાયક
.
.
.
પાંચાળ પ્રદેશમાં તમે દુલા રણછોડનું નામ આપો એટલે લોકો તમને માર્ગ કરી દે આવી એની હાંક!! એય પાંચ હાથ ઊંચો, કરડી આંખો, હંમેશા લાલચોળ જ હોય!!! કોઈએ એને હસતાં જોયો જ નથી!! એની જ્યાં હાજરી હોય ત્યાં વાતાવરણ પણ ભારેખમ બની જાય!! પાંચાળમાં એવું કહેવાય કે ચોમાસામાં જો મોરલા ટહુકતા હોય અને જો બુલેટ લઈને દુલો નીકળે તો ટહુકતા મોરલા પણ બંધ થઇ જાય…

અને જયારે લાલ રંગનું એનફીલ્ડ બુલેટ રોડ પર નીકળે ત્યારે રસ્તા પર જતાં લોકો એને તરત જ માર્ગ આપી દે!! ધંધો બાપદાદાનો ત્રીજી પેઢીથી હાલ્યો આવે ઈ વ્યાજ વટાવનો!!! આમાં જો કે બીજાં કરતાં સજ્જન માણસ વધારે વ્યાજ લેવાનું નહિ પણ જે નક્કી થયું હોય એ ક્યારેય લોઢે લાકડેય મુકવાનું નહિ!! દુલાની બીજી ખાસિયત એ હતી કે એ કદી વ્યાજનું વ્યાજ ના લેતો!!! અને ત્રીજી અને મહત્વની ખાસિયત એ હતી કે એ વધુમાં વધુ બે વરસ સુધી જ પૈસા વ્યાજે આપતો.

બે વરસ સુધીમાં તમે ગમે ત્યારે પૈસા આપી શકો પણ બે વરસ ઉપર એક અઠવાડિયું પણ ગયું હોય ને તો પછી તમારી ઘરે ગમે ત્યારે દુલા રણછોડનું બુલેટ આવીને ઉભું રહે એ નક્કી નહિ !!! અને પછી તમે ઘર વેચો, જમીન વેચો , ઘરેણાં વેચો કે પછી છેવટે જાત વેચો પણ દુલા રણછોડનું બુલેટ પૈસા લીધા વગર જાય નહિ..!!

દર રવિવારે દુલો ઉઘરાણીયે નીકળે!! અરજણ એનો સેક્રેટરી કમ હિસાબનીશ!!! … એ કાપલીયુ આપે…!! કાપલીયુમાં નામ હોય ગામ હોય અને રકમ હોય… જેમકે ” ધના છગન, ભડલી, ૪૦૦૦૦ …. વશરામ જીવણ, ઈતરીયા ૮૦૦૦૦… આવી જેટલી મુદત છાંડી ગયેલ કાપલિયું હોય ને એ ઉઘરાણી રવિવારે પતાવી લેવાની.. બાકી સોમથી શનિ વાડીએ બેસવાનું… જેને પૈસા જોતા હોય એ વાડીએ આવે.. પૂછપરછ થાય, રકમ નક્કી થાય.. સમય તો નક્કી જ બે વરસ સુધીમાં તમે ગમે ત્યારે આપી જાવ… અને પછી પછી બાજુમાં ઉભેલા અરજણ ને દુલો કહે
” અરજણ …… આપ આને પચાસ હજાર” એટલે અરજણ જાય વાડીમાં બનાવેલા એક મકાનમાં…..

ત્યાં હોય એક મોટો પટારો અને એમાં બધા બંડલ ગોઠવેલા. હજારના, પાંચસોના, અને સોના બંડલમાંથી અને પૈસા અપાય!! એક કાપલી બને એમાં નામ, ગામ ,અને રકમ, અને તારીખ લખાય!! કામ પૂરું!! બીજું કોઈ જ જાતનું લખાણ નહિ!! અમુક ને વખાણ ની જરૂર ના પડે એમ દુલા રણછોડને લખાણની જરૂર ના પડે!! અને હા એક વાત તો કહેવાની રહી જ ગઈ કે દુલો ઉઘરાણી એ એકલો જ જતો!! બે ત્રણ ભાડૂતી માણસોને ઉઘરાણી લઇ જઈ ને રોફ જમાવવો એવી લુખ્ખાગીરી એનાં લોહીમાં હતી જ નહિ!! એનો બાપ રણછોડ હરજી, અને એનોય બાપ હરજી કેશુ પણ એકલાં જ ઉઘરાણીએ જતાં ફેર એટલો કે એ બધા ઘોડી પર જતા અને આ દુલો બુલેટ પર જતો..

પોષ મહિનાની કડકડતી ટાઢનાં એક રવિવારે સવારે આઠ વાગ્યે દુલાનું લાલ રંગનું બુલેટ તૈયાર થયું. અને દુલો બોલ્યો

” અરજણ………..!!!!! “
અને અરજણ તૈયાર જ હતો ચાર કાપલી લઇને!! દુલાએ કાપલી જોઈ, કાપલી પ્રમાણે ગામનો રૂટ તૈયાર થયો. અને હવે તો મોબાઈલ આવી ગયા હતા એટલે અરજણે અગાઉથી બધાને જાણ કરી દીધી હતી કે દુલા શેઠ રવિવારે આવશે એટલે તૈયાર રહેજો.. ફક્ત એક ખંભાળા ના નાનજી ધનજી પાસે ફોન જ નહોતો..

“બધાને કેવાય ગયું છેને???” દુલાએ કાળું જાકીટ પહેરીને મોઢામાંથી સિગારેટનાં ધુમાડા કાઢતાં કાઢતાં કહ્યું…’

“હા, એક ખંભાળાનો નાનજી ધનજીને સમાચાર નથી અપાણા એની પાસે ફોન જ નથી, પણ બીજાને ફોન કરીને કેવરાવ્યું તો છે પછી સમાચાર આપ્યા હોય કે ના આપ્યા હોય એ ખબર નથી. અરજણે કીધું.

” એમ!!!!!” કહીને દુલાએ સિગારેટનો છેલ્લો કશ મારીને બુલેટ ઉપાડ્યું. મગજમાં રૂટ તૈયાર જ હતો. ગોખલાણા,… વાંકીયા, ….સુખપુર ….અને છેલ્લે ખંભાળા….. !!! જસદણ થી ઉપડેલું બુલેટ ગોખલાણા ના પાદર પહોંચ્યું ત્યાં પાદરમાં જ કરમશી તૈયાર હતો પૈસા લઈને!!, વહીવટ પતાવ્યો, વળી પાછી એક સિગારેટ સળગી, પાંચ મિનિટ વાતો થઇ કરમશી હારે અને પછી સિગારેટનો છેલ્લો કશ મારીને બુલેટ ઉપડ્યું વાંકીયા બાજુ….. આમ ને આમ ત્રણ જણાં નો વહીવટ પતાવીને છેલ્લે બપોરે બાર વાગ્યે બુલેટ ખંભાળાને પાદર આવીને ઉભું.. પાદરમાં પૂછપરછ કરીને નાનજી ધનજીના ઘર નું સરનામું પૂછ્યું. ” એય ને ચોરાથી જમણી બાજુ વળી જાવ ને તે તળાવની પાળ પાસે છેલ્લે એક કાચું મકાન આવે ઈ નાનજીનું ઘર!!” બુલેટ ઉપડ્યું, નાનજીના ઘર પાસે આવીને ઉભું રહ્યું.

” નાનજી ધનજી છે ઘરે”? જવાબમાં એક બાઈ બહાર આવી, માથા પર સાડીનો છેડો સરખો કર્યો,ને બોલી.

”હા છેને આવો ઘરમાં”
“એને બહાર મોકલો, કયો કે દુલા રણછોડ આવ્યા છે”.
”એને અઠવાડિયાથી તાવ આવે છે ને ઉભા થઇ શકે એમ નથી તમે અંદર આવો”

દુલા રણછોડ ક્યારેય ઉઘરાણીએ જાય ત્યારે કોઈના ઘરે જાય નહિ ,કોઈનું કશું ખાય નહિ, કે કોઈના ઘરનું પાણી ના પીવે.. એના બાપા રણછોડ હરજીએ કીધેલું ” જો કોઈના ઘરનું પાણી કે અન્ન આપણાં શરીરમાં જાયને તો પછી બે આંખોની શરમ નડે ને આ ધંધામાં શરમ આપણને નો પોસાય એટલે બને ને ત્યાં સુધી પાદર, વાડીએ કે રસ્તામાં વહીવટ પતાવી દેવો પણ કોઈના ઘરે જાવું જ નહિ..!!!!!

પણ કોણ જાણે કેમ આજે એના પગ ઘરની ઓશરી તરફ વળ્યાં. ફળિયામાં એક ચીંથરેહાલ કપડામાં એક ડોશીમા સુતા હતાં લીમડાના છાંયે!! એક કહેવા ખાતરનું મકાન હતું.. બાકી પડું પડું થઇ રહેલ દીવાલો હતી આગળ ઓશરી ની જમણી બાજુમાં એક ખાટલો, એમાં તાવને કારણે નંખાઈ ગયેલા શરીરે નાનજી ધનજી સૂતો તો એ બેઠો થયો. બાજુમાં એક આઠેક વર્ષની છોકરી લેશન કરતી હતી. એક દમ રૂપાળી અને ડાહી કહી શકાય એવી નાની છોકરી ચબરાક નજરે દુલાને સસ્મિત ચહેરે આવકારી રહી હતી એની આંખોમાં વિસ્મયના ભાવ હતાં. જોતાંવેંત જ ગમી જાય એવી છોકરી,અને આમેય છોકરું ઘરે લેશન કરતુ હોયને ત્યારે ખુબજ રૂપાળું લાગતું હોય છે.!!! દુલાના ઘરનાએ કાથીનો ખાટલો ઢાળ્યો. વચ્ચે છોકરી અને એકબાજુ દુલો અને બીજી બાજુ બીમાર નાનજી.

” આપણો વદાડ પૂરો થયો ધના” દુલાએ એની વારસાગત રુક્ષ ભાષામાં કહ્યું. ધનજી એની પાસેથી રૂપિયા લાખ બે વરસ પહેલા લઇ આવ્યો હતો, મોટી દીકરીના લગ્ન માટે, કટકે કટકે ધનજી એ વિસ હજાર અને વ્યાજ આપી દીધેલું પણ તોય હજુ એંશી હજાર આપવાના બાકી હતાં, એય અપાઈ જાત પણ છેલ્લાં બે વરહે તો ધનજીને ટાળી દીધેલો!!! એવા નબળા વરહ ગયા ને કે વાત ના પૂછો !!! ને ઉપર ધનજીની વહુને એપેન્ડીક્સનું ઓપરેશન કરાવેલું તે ત્રીસ હજાર ત્યાં ખરપાઈ ગયા ને અધૂરામાં પૂરું એ પડ્યો બીમાર તે પૈસાનો જોગ ના થઇ શક્યો.

” હા ખબર છે દુલા શેઠ પણ થોડી કપાણ છે ને એટલે મેળ નથી થયો, મને કાલે સમાચાર મળી ગ્યાતા કે તમે આવવાના છો પણ સાજો હોતને તો કઈંક ઉછીના પાછીના કરીનેય, થોડા ઘણાં કરી દેત, પણ અત્યારે ઠામુકા પૈસા જ નથી.”

” તમારે ત્યાં કપાણ હતી તો આ દુલાએ ભાંગી તી કે નહિ,??? એમ સહુને કપાણ આવે જ પણ વહેવારમાં રહેવું હોય ને તો ટાઈમે પૈસા તો આપવા જ પડે”!!! દુલાએ કડક અવાજે કહ્યું.

“ચા મુકું” ધનાની વહુ બોલી કે તરત જ દુલાનો ડાબો હાથ ઊંચો થયો. વહુ સમજી ગઈ એ બિચારી અંદરના ઘરમાં જતી રહી. ધનજીની છોકરી વિસ્મયથી આ બધું જોઈ રહી એક બે વાર એણે દુલાની નજર સામે નજર મિલાવી મીઠું હસી પણ દુલાએ તો કાતર જ મારી !! આમેય કૂતરાન તમે કાજુ કતરી આપો તો એ સૂંઘેય નહિ અને ખાયેય નહિ!! પણ તોય એ નાની છોકરી દુલા સામે જોઈ જ રહી એણે લેશન કરવાનું હવે બંધ કરી દીધું હતું..

“હવે એ બધી લપ મૂક, ધના, તું ખોરડું વેચ, ખેતર વેચ કે તારી જાતને વેચ, તું ગમે ઈ કર, પણ દુલા રણછોડનું બુલેટ તો પૈસા લઈને જ જાશે.. જો મારે મારું લેવાનું છે, !!! હું કોઈનું ઝુંટવતો નથી, કે હું કોઈને પરાણે પૈસા વ્યાજે આપતો નથી, બીજા બધા ત્રણ ટકા લે, વ્યાજનું વ્યાજ ચડાવે, હું દોઢ ટકો જ લઉ છું, બીજા તમારી પાસે જમીન લખાવે કે ઘરેણાં લે હું એવું કરતો નથી, પણ મારા ટાઈમે મને પૈસા મળવા જોઈએ, બુલેટ પૈસા લીધા વગરનું કોઈ દી ગયું નથી અને જાશે પણ નહિ!!!” દુલાની અસલિયત બહાર આવી રહી હતી. ધનજીની વહુએ અંદર ઓરડામાં ડૂસકું ભર્યું..

કોણ જાણે પેલી નાની છોકરીને શુંય સુજ્યું કે એણે પોતાનું દફતર ખોલ્યું ને એક જૂનું કંપાસનું બોક્સ કાઢ્યું ને ઉભી થઈને સીધી દુલા પાસે ગઈ, ને હસતા ચહેરે એની સામે તાકી રહી.. એક જાણે કે ત્રાટક થયું. આજુબાજુના ચાલીશ ગામમાં દુલા સામે કોઈ આંખ સામે આંખ મિલાવીને વાત કરવાની કોઈ હિંમત ના કરે એ દુલા સામે એક ત્રીજા ધોરણમાં ભણતી આઠ વરસની છોકરી, એકીટશે જોઈ રહી હતી,દુલાની આંખો પહેલી વાર નીચી થઇ કોણ જાણે એ છોકરીની આંખોને સહન ના કરી શક્યો.

“દાદા તમારે પૈસા જોઈએ ને,?? હું આપું દાદા તમને પૈસા!!” એમ કહીને છોકરીએ દુલાનાં ચહેરા પર પોતાનો હાથ ફેરવ્યો. પોતાનો કંપાસ બોક્સ ખોલ્યું , અને એમાંથી જે નોટું હતી એ દુલાના ખોળામાં નાંખી દીધી. હવે દુલો તેની સામે જોઈ જ રહ્યો.!! છોકરી બોલતી ગઈ ને દુલો સાંભળતો ગયો!!!. બાકી અત્યાર સુધી દુલો બોલતો અને બીજા સાંભળતા આજે દુલો સાંભળતો ગયો એ કાલી ઘેલી, ભાષા…!!

” દાદા કહું આ પૈસા કોણે આપ્યા, ?? આ પચાસની નોટ મારા જીજુ એ આપી દિવાળી એ આવ્યતાને એણે !! અને દાદા આ સોની નોટ મારી દીદી એ આપી ને બાકીની નોટ મને ગામનાં એ આપી બેસતાં વરસે હું બધાને પગે લાગવા ગઈ તી ને તૈ બધાએ આપી. !! અને દાદા તમને ખબર છે કે આ પૈસા મેં શું કામ ભેગા કર્યા?? વેકેશન પડયુને ત્યારે અમારા સાબે કિધુતું કે જેને પ્રવાસમાં આવવાનું હોય ને એ પૈસા ભેગા કરજો દિવાળી પર વાપરતા નહિ એટલે દાદા મેં આ પૈસા ભેગા કર્યા, !! છેને ઘણા બધા પૈસા દાદા!!! ??? એમ કરો દાદા તમે રાખો આ પૈસા હું પ્રવાસમાં નહિ જાવ” છોકરી બોલતી હતીને દુલાના કાળજામાં છરીઓ ભોંકાતી હતી. એક કાળમીંઢ પથ્થરનીની અંદર સળવળાટ થઇ રહ્યો હતો. ધનજીની આંખોમાં આંસુ હતા!!

” સુમી બેટા તું અંદર આવ” ધનજી ની વહુ આટલું બોલી ને એને લેવા આવી કે તરત જ દુલાનો ડાબો હાથ ઊંચો થયો, વહુ બારણાની વચ્ચે જ ઉભી રહી ગઈ દુલા એ સુમિને માથે હાથ ફેરવ્યો ને પૂછ્યું “કેટલામું ભણે છે”????

“ત્રીજું ધોરણ, સુમીએ ત્રણ આંગળી બતાવીને કહ્યું. દુલો હસ્યો!! ધીમું હસ્યો, !!જિંદગીમાં જાણે પહેલીવાર હસ્યો, !!!અને સુમિ રાજી થઇ એ પાછી બોલવા લાગી અને દુલો, ધનજી,અને સુમિની મા સહુ સાંભળવા લાગ્યા.

” દાદા તમારે ચોકલેટ ખાવી છે?? દાદા તમને ચોકલેટ ભાવે?? એમ કહી ને સુમીએ તેના દફ્તરમાંથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ચોકલેટુ કાઢી.

” દાદા તમને ખબર છે કે આ ચોકલેટ કોની માટે છે? દાદા હું રોજ નિશાળે જાવ ને ત્યાં કોઈ નો હેપ્પી બર્થડે હોય ને દાદા બધાને ચોકલેટ મળે પણ પેલા હું ખાઈ જતી પણ …. હમણાં નથી ખાતી દાદા તમને ખબર છે?? હું નિશાળે જાવ ને તે વચ્ચે એક ઝૂંપડું આવે ને ત્યાં એક નાનો છોકરો ને છોકરી ઉભા હોય તે એને હું ચોકલેટ આપું એ બેય બહુ જ રાજી થાય દાદા !! પછી તો એ રોજ ઉભા હોય..!! પણ છેલ્લા પાંચ દી થી દાદા આ ચોકલેટ ભેગી થઇ છે. એ છોકરીનો ભાઈ મરી ગયો દાદા.. !!એનો ભાઈ મરી ગયો,, !!! છોકરીએ કીધું મારો ભાઈ મરી ગયો હું ચોકલેટ નહિ ખાવ દાદા.. તે વાતેય સાચી ને મરી જાય ને ત્યારે તો રોવાય ને ચોકલેટ ના ખવાય એટલે હુ ચોકલેટ નથી ખાતી પણ તમે ખાવ દાદા, !!! એમ કરો દાદા આ બધી રાખો તમે.. એય દાદા.. તમે રડો છો!!!

દુલો તૂટી ગયો, !! એક નાની સુમી આગળ આજ એ હારી ગયો ને સુમિનો એક એક શબ્દ તેના કાળજાની આરપાર ઉતરી જતો હતો !!અને ચોકલેટ ની વાત આવતાંજ એ સાવ ભાંગી પડ્યો!! વીસ વરસ પહેલાંની વાત યાદ આવી ગઈ. પોતે એક રવિવારે આવી જ રીતે બહાર ઉઘરાણી એ જતો હતો અને એની આઠ વર્ષની છોકરી એ કીધેલું કે બાપુજી મારે માટે ચોકલેટ લાવજો, અને એ આખી થેલી લાવેલો..!!પણ જેવો ઘરમાં આવ્યો કે હાથમાં ચોકલેટની થેલી પડી ગયેલી!!! પોતાની લાડલી દીકરીનું સર્પ કરડવાથી મૃત્યુ થયેલું હતું!! એ આખી ઘટના તાજી થઇ ને દુલો સુમિને બથ ભરીને રોયો…!! એકદમ મોકળા મને દુલાએ ડૂસકા ભર્યા.. !! ધનજી , ધનજી ની વહુ બધાજ રોતાં હતાં!! થોડીવાર પછી સહુ શાંત થયા.

” બેન ચા મુકો” દુલાએ કોમળતા થી કહ્યું. કાળમીંઢ પથ્થરમાંથી નીકળતાં ઝરણાનું પાણી હંમેશા મીઠું જ હોય છે.!! ધનજીની સામે હાથ જોડીને કહ્યું.
” ધનજી મારી આટલી વાત માનજે, ના માને ને તો તને આ સુમિના સોગંદ છે. આજથી તું મુક્ત છે ધનજી તારી માથે મારું કોઈ જ લેણું નથી. અને આ બીજી રકમ આ દીકરી માટે છે..” એમ કહીને આવેલી બધી ઉઘરાણી ધનજીને આપી દીધી.!!

ધનજી પણ રોઈ પડ્યો આ વખતે એની આંખમાં હરખ ના આંસુ હતા. સુમિની મા ચા લાવી. દુલાએ આજ પેલી વાર એના બાપાની સલાહ તોડી હતી. સુમી વિસ્મયથી આ બધું જોઈ રહી હતી, એને તો કશી જ ખબર નહોતી કે શું બની ગયું હતું દુલો ઉભો થયો સુમિને ઊંચકી લીધી અને બુલેટ માથે બેસાડી ને કીધું.

” કાઈ કામ હોય તો બેધડક આવતો રહેજે, આ ને પણ સાથે લાવજે,સુમિને ભણાવજે, !! ખર્ચથી ના મૂંઝાતો અને હા તે તો એક દીકરીને વળાવી છે ને!! આના લગ્ન વખતે તને યોગ્ય લાગે તો મને કન્યાદાન કરવા દેજે.. !! સુમિને માથે હાથ મૂકીને સુમીને નીચે ઉતારી… અને……બુલેટ ચાલ્યું… !!! અને એ સાંજે વાડીએ દુલો બોલ્યો તાપણું તાપતાં તાપતાં!!!
“અરજણ …….!!! બધી કાપલિયું લાવ્ય!!” અને પછી અરજણ કાપલિયું લાવ્યો!! બધીજ કાપલિયું દુલાએતાપમાં નાખી દીધી અને કહ્યું…

” જેને પૈસા આપવા હશે એ જાતે આવીને આપી જશે.. હવે થી આ દુલા રણછોડ કોઈની ઉઘરાણી એ નહિ જાય..!! અને દુલાએ સિગારેટ સળગાવી અને એક ઊંડો કશ માર્યો!!

દુર્જન જયારે પુરે પૂરો સજ્જન બને છે ત્યારે એ વંદનીય બને છે..!!

.
.
લેખક ની ખબર નથી...