ભુલો ભલે બીજુ બધુ
માં બાપ ને ભુલશો નહી,
અગણિત છે ઉપકાર એના
એહ વિસરશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,
પથ્થર પુજ્યા પૃથ્વી તણા
ત્યારે દિઠુ તવ મુખડું,
એ પુનિત જન ના કાળજા
પથ્થર બની છુંદશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,
કાઢી મુખે થી કોળીયા
મોં માં દઈ મોટા કર્યા,
અમૃત તણા દેનાર સામે
ઝેર ઉગળશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,
લાખો લડાવ્યા લાડ તમને
કોડ સૌ પુરા કર્યા,
એ કોડ ના પુરનાર ના,
કોડ ને ભુલશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,
લાખો કમાતા હો ભલે,
માં બાપ જેથી ના ઠર્યા,
એ લાખલ નહી પણ રાખ છે
એ માનવુ ભુલશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,
સંતાન થી સેવા ચહો,
સંતાન છો સેવા કરો,
જેવુ કરો તેવું ભરો
એ ભાવના ભુલશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,
ભીને સુઈ પોતે અને
સુકે સુવાડયા આપને,
અમી તણી એ આંખ ને
ભુલી ને ભીંજવશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,
પુષ્પો બિછાવ્યા પ્રેમ થી
જેણે તમારા રાહ પર,
એ રાહબર ના રાહ પર
કંટક કદિ બનશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,
ધન ખરચ્યે મળશે બધું,
માતા પિતા મળશે નહી,
પળ પળ પુનિત એ ચરણ ની,
ચાહના ભુલશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,
ભુલો ભલે બીજુ બધુ
માં બાપ ને ભુલશો નહી,
અગણિત છે ઉપકાર એના
એહ વિસરશો નહી ...