Dec 10, 2016

Khule chhe Barna jyare- barkat virani befam, ખુલે છે બારણાં જયારે- બેફામ,


ખુલે છે બારણાં જયારે ને દાખલ થાઉં છું ઘરમાં.
તો લાગે છે- મને ખુદને જ મળવા જાઉં છું ઘરમાં.

ઘણી વેળા પ્રવેશું છું ને ઠોકર ખાઉં છું ઘરમાં,
ઘણી વેળા જગતના માર્ગને લઇ જાઉં છું ઘરમાં.

ઘણીયે વાર રસ્તામાં નથી મળતો હું કોઈ ને ,
ઘણીયે વાર ઘરથી નીકળી રહી જાઉં છું ઘરમાં.

ફક્ત આ એક બાબતમાં કદી ભૂલો નથી પડતો,
ગમે ત્યાં જાઉં છું, પણ પાછો આવી જાઉં છું ઘરમાં.

જગતથી મુક્ત રહેવાની મને ચાવી મળી ગઈ છે,
કરીને બંધ દરવાજા પુરાઈ જાઉં છું ઘરમાં.

કદી ફરતો રહું છું ને છતાં યે સ્થિર હોઉં છું,
કદી બેસી રહીને પણ બધે અથડાઉ છું ઘરમાં.

કદી જોયા કરું છું શૂન્ય આંખે ખૂણેખુણાને,
કદી મારી નજરથી પણ છુપાઈ જાઉં છું ઘરમાં.

બીજાને શું કે એ વખતે મને પણ હું નથી મળતો,
નથી ઘરમાં કહીને જયારે હું સંતાઉં છું ઘરમાં.

ઘણી વેળા નથી સચવાઈ શક્તી સગવડો મારી,
ઘણી વેળા અતિથિ જેમ હું અકળાઉં છું ઘરમાં.

છબી બદલે હવે ચારે તરફ મારી જ છાયા છે,
દીવાલો પર  હવે તો હું જ ખુદ ચીતરું છુ ઘરમાં.

નથી પડતી જરૂરત મારા માટેના પુરાવાની,
કશા દર્પણ વિના પણ હું મને દેખાઉં છું ઘરમાં.

જગતમાં એના જેવી પારદર્શકતા બીજે ક્યાં છે?
કે એની ભીંતમાંથી પણ હું તો ડોકાઉં છું ઘરમાં.

હું ઘરને રંગુ છું એ તો બધો દેખાવો છે ખાલી,
ખરી રીતે તો એના રંગે હું રંગાઉ છું ઘરમાં.

થશે ખંડેર તો પણ મારી હસ્તી તો હશે બેફામ,
કોઈ પાયાના પથ્થર જેમ હું પુરાઉં છું ઘરમાં.

-  બરકત વિરાણી 'બેફામ'


 More Gazal