Oct 11, 2019

Vaidyaraj ni Vaarta વૈદ્યરાજની વાર્તા – ૪, Acidity, Dr Vishnu Prajapati

*વૈદ્યરાજની વાર્તા – ૪*
*લેખક  : વૈદ્યરાજ વિષ્ણુ પ્રજાપતિ*

*એસીડીટીનો કાયમી ઉપાય - પિત્ત વિરેચન*

‘હા... હા... સર..! બ્રેક ઓઇલ, એન્જીન ઓઇલ. બધુ ચેન્જ કરી દેવુ પડશે.. પાંચ હજાર કિલોમીટર ગાડી ચાલી છે એટલે રીસ્ક નઇ લેવાનું, એન્જીન અને કાર બન્નેનું આયુષ્ય સારુ થશે ...! ગાડીને બહારથી જ નહી પણ અંદરથી’યે ચકાચક રાખવી પડે..!’ કિશોરભાઇ ફોન પર વાતચીત કરતા કરતા જ વૈદ્યરાજની કેબિનમાં દાખલ થયા.

‘કિશોરભાઇ, થોડીવાર તો મોબાઇલને બાજુમાં મુકો...!’ વૈદ્યરાજના પરિચિત હતા એટલે સમજાવતા કહ્યું.


જો કે કિશોરભાઇએ વૈદ્યરાજની સામે બેસતા જ બોલ્યા, ‘આ કસ્ટમરને આપણે સમજાવવા પડે છે કે કારની સર્વિસ સમયસર કરાવી દઇએ તો ગાડી હાઇક્લાસ ચાલે ...!’

વૈદ્યરાજ પણ જાણતા કે કિશોરભાઇને કાર સર્વિસનો વ્યવસાય એટલે પહેલા તેમની વાત પણ સાંભળી લીધી અને તે શાંતિથી બેઠા પછી તેમની તકલીફ પુછી.

કિશોરભાઇએ હવે મોબાઇલ બાજુએ મુકી પોતાની તકલીફો કહેવાની શરુ કરી, ‘વૈદ્યરાજ, ગળાથી લઇને દૂંટીના ઉપરના ભાગ સુધી ખૂબ જ લ્હાય ઉઠે છે. પેટમાં બળતરાની ફરીયાદ તો મટતી જ નથી. ઘણીવાર સવારે તો બ્રશ કરતા જ ખાટી કડવી ઉલ્ટી થઇ જાય છે. એસીડીટીની ગોળી લઉં તો થોડા દિવસ સારુ થાય પણ હમણાં હમણાં ખબર પડી છે કે એસીડીટીની ગોળીઓ વધુ લેવાથી નુક્શાન થાય છે.’

નાડીપરીક્ષા કરતા જ વૈદ્યરાજે કહી દીધું, ‘પિત્ત પ્રકોપ છે અને વળી શરદઋતુ પણ છે એટલે પિત્ત વિરેચન કરવું જ પડશે અને પછી જ સારુ થશે.’

‘દુરબીનથી પેટની તપાસ કરાવી લઇએ તો ?’ ’ કિશોરભાઇએ જીજ્ઞાસાવશ પૂછ્યું.

વૈદ્યરાજના ચહેરા પર સહેજ હાસ્ય આવી ગયું અને બોલ્યા, ‘અમારા માટે તો તમારી નાડી એ જ તમારા પેટનું દુરબીન...! તમારી નાડી તો બગડેલા પિત્તની છે. એમ જ સમજો કે શરીર અંદરથી પિત્તના કારણે ગાડીના એન્જીનની જેમ ગરમ થઇ ગયું છે...! અને નાડીના મીટરમાં હિટ પકડાય છે.’ વૈદ્યરાજે કિશોરભાઇના ધંધાની ભાષામાં સમજાવ્યુ તો તેમને મજા આવી અને હસી પડ્યા.

‘તો અંદરની હિટ ઓછી કરવા કુલન્ટ આપી દો...!’ કિશોરભાઇએ પણ હસતા હસતા કહ્યું.

‘એમ, ન થાય... આખા શરીરમાં પ્રસરેલા પિત્તને બહાર કાઢ્વા પિત્ત શામક ગોળી કે સિરપના કુલન્ટ નહી ચાલે... પિત્તનું  વિરેચન કર્યા પછી અંદરના બગડેલા પિત્તની મૂળગામી સારવાર થઇ જશે.’ વૈધરાજે હવે આયુર્વેદની પરિભાષામાં સમજાવ્યું.

‘આ વિરેચન એ વળી શું ? અને કેવી રીતે થાય?’ કિશોરભાઇના મનમાં ફરી પ્રશ્ન ઉઠ્યો.

વૈધરાજે તેમને સમજાવતા કહ્યું, ‘જેમ તમે અમુક કિલોમીટર ગાડી ચાલ્યા પછી સર્વિસ કરાવવાનું કહો છો તેવી રીતે આ પણ એક શરીરની સર્વિસ જ છે. જેમાં સાત દિવસ સુધી વિશેષ દવાઓથી બનાવેલું ઘી પીવાનું હોય છે અને પછી સેક માલિશ કરી તમારા શરીરનું બધુ પિત્ત એ ઘી સાથે ભળી જાય એટલે તેને ઝાડા કરાવી બહાર લાવી દેવાનું... આ ક્રિયાને વિરેચન કહેવાય છે.’

કિશોરભાઇ સમજી ગયા હોય તેમ બોલ્યા, ‘એટલે કે પેટમાં બગડેલા પિત્તને ઘીમાં ઓગાળીને બહાર લાવી દેવું એમ જ ને..?’

‘હા, એમ જ..! અને આ શરદઋતુ વિરેચન માટેની શ્રેષ્ઠ ઋતુ છે. તેનાથી બીજા પણ ઘણાં ફાયદાઓ થશે.’ વૈદ્યરાજે આખરે તેમની વિરેચન ચર્ચા પુરી કરી.

‘એટલે તેનાથી શરીરના બ્રેક ઓઇલ, એન્જિન ઓઇલ અને કુલન્ટ બધુ આપોઆપ નવુ આવી જશે એમ જ ને...?’ કિશોરભાઇ હસતા હસતા બોલ્યા.

‘હા, એમ જ…! આવતીકાલથી જ તમારા બગડેલા પિત્તની સર્વિસ શરુ કરી દઇએ...!’ વૈદ્યરાજે પછી તેમને વિરેચન વિશેની કેટલીક પરેજી સમજાવી દીધી.

પછી તો કિશોરભાઇને દરરોજ સવારે નરણા કોઠે સાત દિવસ ક્રમશ: ઉત્તરોત્તર વધતી માત્રામાં ઘી પીવાનું શરુ થયું અને પિત્તનુ સમ્યક લક્ષણ મળતાં એક દવા આપીને તે બધુ ઘી અને તેની સાથે પિત્ત પણ બહાર કાઢી દેવામાં આવ્યું. થોડા દિવસ એક સાદી ભોજન વ્યવસ્થા અને પછી કિશોરભાઇને જાણે શરીરમાં પિત્ત રહ્યું જ ન હોય તેવો અનુભવ થયો.

વિરેચન પછી ખુદ કિશોરભાઇ બોલ્યા,  ‘વૈદ્યરાજ, આહારદોષ અને સમજણદોષથી આપણે જાણે અજાણે કેટકેટલી ભૂલો કરતા હોઇએ છીએ અને આપણા શરીરના દોષો બગાડતા હોઇએ છીએ. આવી રીતે જો નિયમિત શરીરની શુધ્ધિ કરવામાં આવે તો ખરેખર રોગ આગળ વધે જ નહી, હોં...!’

વૈધરાજે સમજાવતા કહ્યું, ’આયુર્વેદમાં વાયુ પિત્ત અને કફ ત્રણેય દોષોની શરીરમાં ઋતુ પ્રમાણે કેવી સ્થિતિ હોય છે તે સ્પષ્ટ સમજાવ્યું છે, તેને ક્રિયાકાલ કહેવામાં આવે છે. આ ક્રિયાકાલ પ્રમાણે શરદઋતુમાં પિત્ત પ્રકોપ, હેમંતઋતુમાં કફ પ્રકોપ અને વર્ષાઋતુમાં વાયુનો પ્રકોપ હોય છે. આ ઋતુ પ્રમાણે કફને વમન કરાવી, પિત્તને વિરેચન કરાવી અને વાયુને બસ્તિ ચિકિત્સાથી જીતી લેવામાં આવે તો તે દોષો રોગ પેદા કરવાની સ્થિતિ સુધી પહોંચી શકતા જ નથી. આચાર્ય ચરક ઋષિએ ચરકસંહિતામા કહ્યું છે કે,
*हरेत वसन्ते श्लेष्माणम पित्तं शरदे निर्हरेत | वर्षासु शमयेत वायु प्राक विकार समुच्छायात ||*
એટલે કે વસંતઋતુમાં કફને, શરદ ઋતુમાં પિત્ત અને વર્ષાઋતુમાં વાયુને સમાવસ્થામાં કરી દેવાથી શરીર સદૈવ સ્વસ્થ રહે છે.. ’

વૈદ્યરાજના સમ્યક જ્ઞાન પછી કિશોરભાઇ બોલ્યા, ‘ વૈદ્યરાજ...! ખરેખર આપણે જ આપણી સંસ્કૃતિ અને આરોગ્ય વિજ્ઞાન આયુર્વેદને અવગણીને ભૂલ કરી રહ્યા છીએ... આજે મને ઘણુ સારુ છે, એમ જ સમજો કે મારા શરીરની ગાડી અંદરથી ચકાચક થઇ ગઇ છે. મારા શરીરના આયુષ્યની માઇલેજ વધુ મળશે  તેવું લાગે છે. પિત્તની તો વાત પતી હવે મને કફ અને વાયુની સર્વિસ માટેની પણ અત્યારે જ તારીખ આપી દો...! ગાડીની જેમ હવે તો હું મારા શરીરની સર્વિસ પણ નિયમિત કરાવતો જ રહીશ.’ કિશોરભાઇએ તેમની આગવી અદામાં કહ્યું તો વૈદ્યરાજ પણ મલકી ઉઠ્યાં.


*આયુર્વેદ સૂત્ર*

*विरेचनं पित्तहरणानाम श्रेष्ठ : |*

શરીરના પિત્તદોષને દૂર કરવા માટે વિરેચનકર્મ સર્વશ્રેષ્ઠ છે. (ચરકસંહિતા સૂત્રસ્થાન )

*લેખક : વૈદ્યરાજ વિષ્ણુ એમ.પ્રજાપતિ*
*આયુર્વેદાચાર્ય, કામદાર રાજ્ય વિમા યોજના, કડી*

No comments:

Post a Comment