Sep 10, 2019

Whatsapp ni Vaarta :75, વિક્રમ ખોવાયો : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

*વ્હોટ્સ અપની વાર્તા –૭૫*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*વિક્રમ ખોવાયો*

‘કહુ છું સાંભળો છો ? વિક્રમ હજુ મળ્યો નથી...! તમે જાવ તમારા મિત્ર પાસે અને બે ઘડી તેમની સાથે બેસી આવો, તેમને સારુ લાગશે.’ શાક સમારતા સમારતા પ્રભાબેને કહ્યું.

ખુરશીમાં છાપુ વાંચતા ગણપતભાઇએ પણ હકારમાં માથુ હલાવી કહ્યું, ‘હા, સાચી વાત છે. ચંદ્રયાનનું વિક્રમ અને આપણાં ચંદ્રેશભાઇનો વિક્રમ બન્ને એકસાથે જ ખોવાઇ ગયા છે. હું તેમને મળી આવું અને ખબર પુછતો આવું છું.’  ગણપતભાઇ ઉભા થયા અને તેમના મિત્ર ચંદ્રેશભાઇના ઘરે જવા નીકળ્યા.

ગણપતભાઇ પહોંચ્યા તો ઘરનું વાતાવરણ ભારે હતું. ચંદ્રેશભાઇ આંખો બંધ કરીને સોફા પર માથે હાથ મુકીને ચિંતાગ્રસ્ત મુદ્રામાં બેઠા હતા, વિક્રમના મમ્મીની આંખો ભારે અને પુત્રવિરહની વેદનામાં શોકમગ્ન હતી. સામે સોફા પર ત્રણ સબંધીઓ પણ નિ:શબ્દ બેસીને તેમને આ દુ:ખના સમયે સાથે આપવા મથામણ કરી રહ્યા હતા.

‘શું ચંદ્રેશભાઇ ? વિક્રમના કોઇ સમાચાર ?’ ગણપતભાઇએ તેમની બાજુમાં બેસતા જ કહ્યું.

‘સવારે જ તેના મોબાઇલનું એક લોકેશન મળ્યું છે...!’ ચંદ્રેશભાઇએ જે રીતે કહ્યું તે જોતા તેમના શબ્દોમાં કોઇ ખુશી નહોતી દેખાઇ રહી.

‘અહોહોહો...! આ તો સારા સમાચાર છે. ચંદ્રયાનના વિક્રમનું પણ લોકેશન મળ્યું અને તમારા વિક્રમનું પણ લોકેશન મળ્યું...! હવે સારા સમાચાર જરુર મળશે.’ ગણપતભાઇએ ઉત્સાહ વધારવા બધાને સંભળાય તેવી રીતે વાત કરી પણ તેની ડ્રોઇંગરૂમમાં બેસેલી કોઇ વ્યક્તિ પર ઝાઝી અસર વર્તાઇ નહી.

‘ક્યાનું લોકેશન છે કહો, અબઘડી અમે પહોંચીએ..!’ ગણપતભાઇએ વાતની દિશા બદલી.

‘ત્યાં થોડીવાર પહેલા જ મારા એક સબંધી અને પોલીસ પહોંચી ગઇ છે.’ ચંદ્રેશભાઇએ ગણપતભાઇને સારુ લગાડવા માહિતી આપી.

‘તો શું થયું ? વિક્રમ મળ્યો?’ ગણપતભાઇએ તરત પુછ્યું.

ચંદ્રેશભાઇએ ઉંડો શ્વાસ લેતા કહ્યું. ‘અહીંથી ચારસો કિલોમીટર દૂર, નદીની એક કેનાલ પાસે તેને મોબાઇલ ઓન કર્યો હતો... ત્યાં બધી તપાસ કરી લીધી પણ વિક્રમ ન મળ્યો.’

ચંદ્રેશભાઇએ જે રીતે વાત કરી તેની અસર વિક્રમની મમ્મી પર થઇ અને પોક મૂકીને રડતાં રડતા બોલી, ‘મારો વિક્રમ...! કોઇ એને લઇ આવો…!’

‘શું તેને ત્યાંથી કોઇને ફોન કર્યો હતો ? કે બીજી કોઇ માહિતી ?’ ગણપતભાઇ હજુ પુછી રહ્યા હતા ત્યાં સોસાયટીના જીતુભાઇ વકીલ ઘરમાં દાખલ થયા. જીતુભાઇને જોઇ ચંદ્રેશભાઇ ઉભા થવા લાગ્યા પણ જીતુભાઇએ તેમને ઇશારો કરી બેસી રહેવા જ જણાવ્યું.

થોડીવાર નીરવ શાંતી પથરાઇ અને પછી ચંદ્રેશભાઇ બોલ્યા, ‘જીતુભાઇ તમને મેં ફોન કરીને એટલે બોલાવ્યા છે કે વિક્રમને મારે મારી સંપત્તિમાંથી બેદખલ કરવો છે. તેની જે કાયદાકીય વિધિ હોય તે મને કહો...!’

ચંદ્રેશભાઇના ભારેખમ શબ્દો સાંભળતા જ વિક્રમની મમ્મી બોલી ઉઠી, ‘હવે, છોરુ કછોરુ થાય.. પણ માવતર કમાવતર ન થાય...! પહેલા વિક્રમને ઘરે બોલાવી લો પછી બીજી વાત કરો.’

‘મારે એને ઘરે પાછો નથી બોલાવવો … ભલેને પડતો એ...!!’ ચંદ્રેશભાઇએ તેમના કઠોર શબ્દો અધ્યારમાં છોડી દીધા.

‘અરે ગણપતભાઇ, તમે જ સમજાવોને કેવા કઠોર બાપ છે...!!’ વિક્રમની મમ્મીએ ગણપતભાઇ સામે આજીજી કરી.

વિક્રમની મમ્મીના શબ્દોમાં વેદના અને લાગણી બન્ને વહી રહી હતી ત્યારે જ ચંદ્રેશભાઇ તાડૂક્યા, ‘તને ખબર છે તેને મેસેજ કરીને શું લખ્યું છે? એક તો પોતે ભાગતો ફરે છે, સામે બેસીને વાત કરવાની હિંમત થાય તેમ નથી અને આપણું બધુ બરબાદ કરી નાંખ્યુ...!!’ ચંદ્રેશભાઇ ગુસ્સામાં હતા.

‘ચંદ્રેશભાઇ પહેલા શાંતીથી વિચારો, પછી જ નિર્ણય લઇએ.’ જીતુભાઇ પણ તેમના ગુસ્સાને શાંત કરવા ધીરેથી સમજાવવા લાગ્યા.

‘જીતુભાઇ સિત્તેર લાખનું દેવુ કરી નાખ્યુ છે.... અને એ પણ સટ્ટામાં...! બાપની જોડે ધંધે બેસવાની ત્રેવડ નથી અને બીજા ધંધાઓ કરે છે.. ફેક્ટરી વેચી નાખીયે તો’ય કપાતરનું કરજ માંડ માંડ પુરુ થાય...! આખી જિંદગી એમના માટે વૈતરું કરવાનું અને તે મન ફાવે તેમ જીવે...!!’ ચંદ્રેશભાઇનો ગુસ્સો અને વેદના અપાર હતી.

જો કે  પરિસ્થિતિ સંભાળવી જરુરી હતી એટલે ગણપતભાઇએ પૂછ્યું. ‘શું લખ્યું છે તેને મેસેજમાં...?’

‘લો તમે જ વાંચો...!’ કહીને ચંદ્રેશભાઇએ તેમને પોતાનો મોબાઇલ આપ્યો.

ગણપતભાઇએ ફોન હાથમાં લીધો અને વ્હોટસએપ પર ‘વિક્રમ જીયો’ નામના ચેટીંગ પર નજર કરી. તેમાં સવારે આઠ વાગ્યે એક લાંબો મેસેજ આવ્યો હતો . ‘પપ્પા, તમારી માફી માંગવા મેસેજ કરુ છું. ત્રણ દિવસથી તમને કાંઇપણ કહ્યા વગર ઘરથી દૂર નીકળી ગયો છું એટલે તમે મારી ચિંતા કરતા હશો... હવે તમે મારી બધી ચિંતા છોડી દેશો..  હું સટ્ટામાં સિત્તેર લાખ રુપીયા હારી ગયો છું એટલે કેનાલ પર સ્યુસાઇડ કરવા જઇ રહ્યો છું. પપ્પા મને માફ કરજો, મારા પર રુપીયા આપવાનું દબાણ વધી રહ્યું છે એટલે મારી પાસે બીજો કોઇ રસ્તો નથી.., જો કે તેમનો દોષ ક્યાંથી કહું ? જો હું જીત્યો હોત તો તેમની પાસે ઉઘરાણી કરતો જ હોઉને...! મારા મોત પાછળ ફક્ત હું જ જવાબદાર છું... મમ્મીને કહેજો કે મને માફ કરે...!’ પહેલો મેસેજ વાંચતા જ ગણપતભાઇની આંખો ભરાઇ આવી.

જો કે તેની ચાર મિનિટ પછી નીચે બીજો મેસેજ આવ્યો હતો.
‘પપ્પા… હું કેનાલે પહોંચી ગયો છું... મેં મારી જિંદગીની છેલ્લી ક્ષણની સેલ્ફી લેવા ફોન ઓન કર્યો તો મારી નજર એક મેસેજ પર પડી.. ‘વિક્રમ ખોવાયો...!!’, જો કે મને ખ્યાલ આવ્યો કે તે મારી નહી પણ ચંદ્ર પર ગયેલા ઉપગ્રહની વાત છે. તે પણ મારી જેમ નિષ્ફળ રહ્યો હશે. તમારા આવેલા અનેક મેસેજ મેં શાંતીથી વાંચ્યા.. તમે મને ત્રણ દિવસથી ઘરે પાછા આવવાના લગભગ સિત્તેર મેસેજ કર્યા છે. પણ સાચુ કહું પપ્પા, મને તમારો ડર લાગે છે. મારી નિષ્ફળ જિંદગી લઇને તમારી સામે આવવાની હિંમત કરી શકતો નથી....! ફેસબુક પર હું લાઇવ થવા જઇ રહ્યો હતો અને મારા જેવા યુવાનોને આ રીતે સટ્ટા અને શોર્ટકટ પાછળ પોતાની જિંદગી ન બગાડવાનો મેસેજ મુકવા માંગતો હતો, ત્યાં મારી નજર એક વિડિયો પર પડી. તેમાં આપણા પ્રધાનમંત્રીનો મજબૂત ખભો નિહાળ્યો. તેમાંથી નિષ્ફળતાઓ પચાવીને લડવાની મને પ્રેરણા મળી. હું હવે અહીંથી પરત ફરુ છું અને આત્મહત્યા નહી જ કરુ એટલે મમ્મીને કહેજો કે વિક્રમ ફક્ત ખોવાયો છે, મર્યો નથી...! મારી કરેલી ભૂલ સામે હું એકલો જ લડીશ... મને માફ કરશો..!’

ગણપતભાઇએ જોયું કે પુત્રવિરહમાં આ બન્ને મેસેજ ઉપર ચંદ્રેશભાઇએ કેટલાય મેસેજ કરેલા હતા. વિક્રમે તો તેને પ્રેરણા આપી ગયેલ વિડિયો પણ શેર કરેલો.

‘જોયું’ને મરવાનું નાટક કરે છે…! ઇમોશનલ બ્લેકમેઇલીંગ...! હું તેને મારી મહેનતની એક ફુટી કોડી પણ આપવાનો નથી.’ ચંદ્રેશભાઇ હજુ ગુસ્સામાં હતા.

ગણપતભાઇ થોડીવાર વિચારીને બોલ્યા, ‘ચંદ્રેશભાઇ, જો વિક્રમને કોઇ ભયંકર બિમારી લાગુ પડી હોત અને તેને દવા માટે મોટો ખર્ચ કરવો પડ્યો હોત તો તમે શું કરેત ?’

‘તો... તો તેને કોઇપણ ભોગે બચાવી લઉં...! મારુ બધુ વેચી દઉં...! પણ આ રીતે પૈસા ઉડાવી મારે તેને મારી સંપત્તિનો એક આનો પણ ન આપું...!’ ચંદ્રેશભાઇ થોડા ઢીલા પડ્યા તો ખરા પણ હજુ વિક્રમને માફ કરવા તૈયાર નહોતા.

‘એમ સમજી લો કે તેને કોઇ બિમારી જ લાગી ગઇ હતી.. હવે તે તેની બિમારીમાંથી છુટવા માંગે છે, તેને પણ દુનિયાદારીનું ભાન તો થઇ ગયું જ હશે અને હવે તમે તેને આમ તમારી સંપત્તિમાંથી બેદખલ કરતી નોટીસ કે જાહેરાત આપશો તો વધુ તુટી જશે. વિક્રમે હજુ પણ તમારી પાસે હાથ ક્યાં લંબાવ્યો છે..?’ ગણપતભાઇએ ચંદ્રેશભાઇના ખભે હાથ મુકીને વિશ્વાસથી કહ્યું.

ત્યાં જ ચંદ્રેશભાઇના મોબાઇલ પર વિડિયો કોલ આવ્યો. ગણપતભાઇના હાથમાં ફોન હતો એટલે તેમને જ કોલ રીસીવ કરી ચંદ્રેશભાઇ સામે ધર્યો.

સામે તેમના કોઈ સબંધી હતા. તે કહી રહ્યા હતા,’ ચંદ્રેશ, વિક્રમ મળી ગયો છે. તેને મોબાઇલ ઓન રાખ્યો હતો એટલે લોકેશન મળી ગયુ.. તે અત્યારે મારી સાથે જ છે... લો તમે જ વાત કરી લો...!’

ચંદ્રેશભાઇ કંઇ બોલે તે પહેલા તેની મમ્મી દોડતી આવી અને બોલવા લાગી, ‘બેટા, વિક્રમ... તું આવી જા... તારી માંનો તો ખ્યાલ કર...! અમે તારા વિના નહી જીવી શકીએ...!’

વિક્રમ શાંત હતો. તેને સામેથી એટલું જ કહ્યું, ‘પપ્પા ક્યાં છે?’

તેની મમ્મીએ ફોન ચંદ્રેશભાઇ સામે ધર્યો ત્યારે તે બોલ્યો, ‘સોરી,પપ્પા... મારે ઘરે નથી આવવું... મારા લીધે તમને તકલીફ પડે તે હું નહી જોઇ શકું...!’

બધાને હતું કે ચંદ્રેશભાઇ ગુસ્સે થશે, પણ તે શાંતીથી બોલ્યા, ‘અને... તારા વિના અમને બહુ તકલીફ પડે છે એનું શું ? બેટા, યાદ રાખ, તારા બાપનો પણ એક મજબૂત ખભો કાયમ તારી સાથે છે, તું ચિંતા ન કરીશ. જિંદગીના ઘણાં વર્ષો એકલા લડ્યો છું હવે પછીના કેટલાક વર્ષો તારી સાથે રહીને લડીશ..! પણ તું ઘરે પાછો આવી જા...! હું પણ તે વીડિયો જોઈને થોડું તો શીખ્યો છું...! ’ ચંદ્રેશભાઇની વાત સાંભળી બધાની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. સામે બેઠેલા બધાને અત્યારે નજરોનજર એક મજબૂત ખભો દેખાયો જ્યાં વિક્રમ માથું ટેકવી રડી શકે...!

ત્યારે જ  ‘વિક્રમ ઇઝ બેક ?’ ના સમાચાર પણ વાયરલ થઇ રહ્યા હતા.

 
*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

*વાચક મિત્રો, મારું વ્હોટ્સએપની વાર્તાઓ ભાગ-૩ પુસ્તક ટૂંક સમયમાં આવી રહ્યું છે...*

*સ્ટેટસ*
*સફળતામાં હાથ મિલાવતા મેં બહુ જોયા છે,*
*પણ નિષ્ફળતામાં તો સૌ પોતાના ખભા પર જ રોયા છે...*


ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત પુસ્તકો
*ગુલમહોર  - દરેક દિકરી – બહેનોએ વાંચવા જેવી પ્રેરણાત્મક નવલકથા*
*ખૂબ જ ઉર્જાસભર વાર્તાઓનો સંગ્રહ વ્હોટસએપની વાર્તાઓ ભાગ – ૧ તથા ૨*
*ચાર રોમાંચ જિંદગીના – હકારાત્મક જીવનની પ્રેરણા આપતી નવલકથા*
*વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક પુસ્તક શક્તિનો સ્પર્શ અને સફળતાની સફર*
*હું – ખોવાયેલા ખુદની શોધ*
*ફફડાટ – હોરર સ્ટોરી બુક*
માતૃભારતી એપ પર ફ્રી વાંચો
*દાંડિયાની જોડ*
*દર મંગળવારે હિન્દી નવલકથા – અચ્છાઇયાં*
*પુસ્તક મંગાવવા લેખક અથવા અમોલ પ્રકાશન  - ૮૩૨૦૩૪૨૯૦૨ પર સંપર્ક કરશો.*

No comments:

Post a Comment