Sep 5, 2019

Story :એક પુત્ર આવો પણ

વ્હોટ્સએપ માં વાર્તા વાંચી ...
શેર કર્યા વગર ન રહેવાયુ...
એક પુત્ર આવો પણ*****

“મોમ, હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.” લગભગ 32 વર્ષના, અવિવાહિત ડૉક્ટર સુદીપે મોડી રાત્રે ઘરે પહોચતાવેંત જણાવ્યું હતું.

“દીકરા, તારે વિદેશ જવું જરૂરી છે?” માતાએ બેચેન અને ગભરાતા અવાજે કહ્યું.

“મમ્મી, મારે ઈંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે. આમ પણ થોડાક જ મહિનાઓની તો વાત છે.” સુદીપ જણાવ્યું હતું.

“જેવી તારી મરજી”, મરેલા અવાજમાં માતાએ કહ્યું. બે દિવસમાં સુદીપ તેની માતા પ્રભાદેવીને પડોશી શહેરના વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો.

શરુ શરુમાં વૃધ્ધાશ્રમમાં દરેક વૃદ્ધનાં ચહેરા પર જીવન માટે હતાશા અને નિરાશા હોય છે. પરંતુ, પ્રભાદેવીના ચહેરા પર આવા કોઈ પણ નિરાશાની કરચલી સુધ્ધાં ન હતી.

એક દિવસ કેટલાક વૃધ્ધ આશ્રમમાં તેમની નજીક વાત કરી રહ્યા હતા. એમાં બે-ત્રણ સ્ત્રીઓ હતી. તેમાંથી એક બોલી ઊઠી કે, “ડોક્ટરના કોઈ સગાસબંધી ન હતા જે તેમને અહી મૂકી ગયા?”

ત્યાં જ એક યુવતી બોલી, “પ્રભા દેવીના પતિનું મૃત્યુ યુવાનીમાં જ થઈ ગયું હતું. અને, તેમના મૃત્યુ વખતે સુદીપ આશરે ચારેક વર્ષનો હતો. પ્રભા દેવી અને તેમના પુત્રને રહેવા અને જમવાના ફાંફા પડી ગયા હતા. ત્યારે કોઈ પણ સગાંએ તેમની મદદ નહતી કરી. પ્રભા દેવીએ બીજાનાં કપડા સીવીને દીકરાનું ભણતર પૂરું કર્યું હતું. દીકરો પણ ભણવામાં ખુબ જ હોશિયાર હતો એટલે જ તો ડોક્ટર બની શક્યો. હવે આવામાં કયા સગાને ત્યાં સુદીપ મૂકવા જાય?”

એક દિવસ, પ્રભાદેવીએ 6 મહિના પછી આશ્રમની ઓફીસના સંચાલક રામ કિશન શર્માના ફોનથી સુદીપના મોબાઇલ પર ફોન કર્યો. “સુદીપ, તું ભારતમાં આવી ગયો છે કે હજુ ઇંગ્લેંડમાં જ છે?”

‘મમ્મી, હજુ ઇંગ્લેંડમાં જ છું.’ સુદીપનો જવાબ હતો.

ત્રણ-ત્રણ ચાર-ચાર મહિને પ્રભાદેવી સુદીપને ફોન કરતી અને દર વખતે તેનો એક જ જવાબ હતો, ‘મમ્મી હજુ ઇંગ્લેન્ડમાં જ છું.’

એમ કરતા કરતા લગભગ બે વર્ષ પસાર થવા આવ્યા. હવે વૃધ્ધાશ્રમમાં લોકો કહેવા લાગ્યા કે, “કેવો હોંશિયાર પુત્ર નીકળ્યો, કેવી છેતરપિંડીથી તેની માતાને છોડીને જતો રહ્યો!” આશ્રમના જ એક વૃદ્ધે કહ્યું કે, “મને નથી લાગતું નથી કે ડોક્ટર વિદેશ-પિદેશ ગયો હોય, તે તો માત્ર આ વૃદ્ધ સ્ત્રીથી છૂટકારો મેળવવા માગતો હતો.”

પછી અન્ય એક વૃદ્ધે જણાવ્યું હતું કે, “પરંતુ તે તો પરણેલો પણ ન હતો!” “અરે! હશે કોઈ ગર્લફ્રેન્ડ કે જેણે કીધું હશે કે પહેલા આ ડોશીની રહેવાની સગવડ કર પછી જ પરણીશું.”

બે વર્ષ વૃદ્ધાશ્રમમાં રહ્યા પછી પ્રભાદેવીને પણ પોતાના નસીબની ખબર પડી ગઈ. દીકરાનું દુઃખ તેમને અંદર ને અંદર જ કોરી ખાતુ હતું. બીજા બે વર્ષ પસાર થયા પછી પ્રભાદેવીનું મૃત્યુ થઈ ગયું. વૃદ્ધાશ્રમનાં લોકોએ સંચાલક શર્માજીને કહ્યું, “તેમની મૃત્યુના સમાચાર તેમના દીકરાને તો આપી દો. અમને તો નથી લાગતું કે એ વિદેશમાં હોય, હશે આપણા જ દેશમાં.”

“આમના દીકરાને હું કેવી રીતે ખબર આપું? એના મૃત્યુને તો ત્રણ વર્ષ થઈ ગયા!” શર્માજીની આ વાત સાંભળીને ત્યાં ઉભા લોકોને ચક્કર આવી ગયા. તેમનામાંથી એક બોલ્યો, “જો તમને ખબર હતી અને તમે કહો છો એ સાચું છે તો પ્રભાદેવી મોબાઈલમાં કોની સાથે વાત કરતા હતાં?”

“તેના દીકરાનો મોબાઇલ તો મારી પાસે છે જેમાં તેના દીકરાની રેકોર્ડ કરેલી અવાજ છે.” શર્માજી બોલ્યા.

“પણ આવું કેમ?” કોઈકે પૂછ્યું.

ત્યારે શર્માજી બોલ્યા, આશરે ચાર વર્ષ પહેલા જયારે સુદીપ તેની માતાને અહી મૂકવા આવ્યો ત્યારે મને કહ્યું હતું કે,
“શર્માજી મને બ્લડ કેન્સર છે. એક ડોક્ટર હોવાના લીધે મને ખબર છે કે તેના છેલ્લા સ્ટેજમાં મને ખૂબ જ તકલીફ થવાની છે. મારા મોં તેમજ દાઢીમાંથી લોહી પણ નીકળશે. મારી આ હાલત મારી મમ્મીથી નહીં દેખાય. તે જીવતા જીવતા જ મરી જશે. મારે તો મરવાનું જ છે પણ, હું નથી ઇચ્છતો કે મારા પહેલા મારી મમ્મી મરી જાય. મારા મરણ પછી અમારો ૨ રૂમનો નાનકડો ફ્લેટ અને બીજી વસ્તુઓ આશ્રમના નામે કરી દઈશ પણ તમે મારી માતાનું ધ્યાન રાખજો.”

આ સાંભળીને ત્યાં ઉભેલ દરેકની આંખો ભીની થઈ ગયી.

પ્રભાદેવીના અંતિમસંસ્કાર આશ્રમના જ એક ભાગમાં કરવામાં આવ્યા. તેમના અંતિમસંસ્કારમાં આશ્રમમાં રહેતા વૃદ્ધોના પરિવારને પણ બોલાવવામાં આવ્યા.

મા-દીકરાની અતૂટ અને અનમોલ પ્રેમની વાર્તાની જ અસર હતી કે અમુક દીકરાઓ તેમના માતા-પિતાને પાછા ઘરે લઇ ગયા.

No comments:

Post a Comment