Sep 8, 2019

WhatsApp ni Varta, વૈદ્યરાજની વાર્તા – ૧ : "શરદઋતુનું સુરક્ષાકવચ" : વૈદ્ય વિષ્ણુ એમ. પ્રજાપતિ



વિભાને સવાર સવારમાં નરણા કોઠે કોઇ દવાની ટીકડી ગળતા જોઇ નયન અકળાયો અને બોલ્યો, ‘તું ક્યાં માંદી છે અને શા માટે  દવા લે છે?’

‘આ તો વૈદ્યરાજની ટીકડી છે. ભાદરવો હોય એટલે પિત્ત બગડતું અટકાવવા માટે....! હું તો કહુ છુ તમે પણ લઇ લો, કોઇ આડઅસર નથી.’ વિભાએ પિત્તની વાત કરી તો નયન હસી પડ્યો. ‘પિત્ત એટલે એસિડીટી જ ને...? અને મને કોઇ એસિડીટી નથી.’ નયનને તો વિભાની આવી વાતો ગપગોળા લાગતી એટલે તે તેને ચીડવતો.

વિભાએ એક ગોળી ચિન્ટુને પણ આપી અને સમજાવતા કહ્યું, ‘બેટા, તુ આ લઇ લે. તારા પપ્પાને આ પિત્તપ્રકોપ અને આયુર્વેદ નહી સમજાય.’ એટલું કહી વિભાએ ચિન્ટુને એક ગોળી આપી દીધી.

‘જો આજે ટીફીનમાં કાકડીનું રાયતું બનાવજે, મને બહુ ભાવે છે.’ નયને તો વિભાની વાતમાં કોઇ ધ્યાન ન આપ્યું પણ પપ્પાની વાત પર ચિન્ટુ એ જવાબ વાળ્યો,  ‘પપ્પા, તમને ખબર છે ? આ કયો મહિનો છે?’

ચિન્ટુએ તો આમ અચાનક પ્રશ્ન કરતો જોઇ નયન પણ વિચારમાં પડી ગયો અને જવાબ વાળ્યો, ‘સપ્ટેમ્બર...!!’

‘પપ્પા સપ્ટેમ્બર નહી, આ ભાદરવો મહિનો છે અને શરદઋતુ. આ ઋતુમાં દહીં, છાશ, તુરીયા, કાકડી, બપોરનો તડકો, મરી મસાલાવાળાં ખોરાકો તો બિલકુલ ન ખવાય. પિત્ત બગડશે અને માંદા પડશો.’ ચિન્ટુએ પણ આયુર્વેદની વાત કરી એટલે નયનને કહ્યું, ‘મમ્મીનું પુછડું...! આવુ બધુ તમ ને કોણ શીખવાડે છે?’

વિભાએ જવાબ આપ્યો, ‘આપણાં વૈદ્યરાજ દાદા... અમે ગઇકાલે તેમની પાસે ગયા હતા. તેઓ ઋતુચર્યા વિશે બધાને શીખવાડી રહ્યા હતા. અત્યારે બધા રોગોની માતા સમાન શરદઋતુ ચાલી રહી છે. આ ઋતુમાં  શરીરની જઠરાગ્નિ અને પિત્તદોષનો પ્રકોપ થાય છે એટલે ખૂબ સાચવવું જોઇએ. તેમને કહ્યું છે આ મહિનો આ ટીકડી સવારે અને રાત્રે લેશો એટલે આ આખી સિઝનમાં તાવ નહી આવે. તેઓએ એ પણ કહ્યું કે આયુર્વેદ રોગ આવે તે પછી નહી પણ રોગની પહેલા આહાર-વિહાર અને ઔષધનું વિચારે છે એટલે અમે આ ગોળી ગળીએ છીએ.. તમે પણ લઇ લો.’

‘જુઓ, એમ થોડું હોય, બધી ઋતુ જેવી જ આ ઋતુ હોય છે...! કાકડીના વિટામીન્સ આ ઋતુમાં થોડા બદલાઇ જાય ? દહીં તો મને ભાવતી વસ્તુ છે. એ કેમ છોડાય? અને રોગ તો મચ્છર કરડવાથી થાય.’ નયન તેની વાત સાથે મક્કમ હતો.

‘મને હતું જ કે તમે નહી માનો, મચ્છર ન કરડે એ તો સૌએ ધ્યાન રાખવું જ પડે... પણ આપણાં શરીરની અંદરના વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષો સમાન માત્રામાં જળવાઈ રહે તે પણ જરુરી છે અને આ ઘરમાં બધાને હેલ્થી ફુડ કઇ રીતે આપવા તે વિટામિન્સ પ્રમાણે નહિ પણ આયુર્વેદ પ્રમાણે નક્કી કરવા જોઈએ.’ વિભાએ મક્કમતાથી કહ્યું એટલે નયને તેની વાત વાળીને ઓફીસે ચાલ્યો ગયો.

નયને ઓફીસે બે દિવસ દરરોજ દહી અને કાકડી મંગાવી રાયતું બનાવી વિભાની જાણ બહાર પેટ ભરીને ખાધું. ત્રીજા દિવસે સવારે જ ઉઠતાની સાથે નયનને અચાનક જ શરીરની કળતર શરુ થઇ, બેચેની અને બે કલાકમાં તો ઠંડી લાગીને તાવ ચઢી ગયો. માથાનો દુ:ખાવો, ઉલ્ટીઓ અને ચક્કર આવવા લાગ્યા.

વિભાએ કહ્યું, ‘પિત્ત વધ્યું છે… ઉભા રહો હું તમને હાલ જ દવા આપું.’

પણ નયને તો તે દવા ન કરતા હોસ્પિટલ જવાની ઇચ્છા દર્શાવી. નયનને હોસ્પિટલ લઈ ગયા, રિપોર્ટમાં વાયરસનો તાવ આવ્યો. રીપોર્ટ જોઇ નયન બોલ્યો,, ‘વિભા..! આપણા અડોશપડોશ અને મારી ઓફીસમાં બધાય વારાફરતી માંદા પડી ગયા.. મને હતું કે હું બરાબર ડાયેટ અને કસરત કરુ છું એટલે મને વાયરસ નહી આવે છતાં પણ મને તાવ કેમ આવ્યો ? તું મારી પાસે વધારે ન રહીશ અને ચિન્ટુને પણ દુર રાખજે...! નહી તો તમને પણ મારા વાયરસનો ચેપ લાગશે.’

નયનનો ચિંતાગ્રસ્ત અને રોગગ્રસ્ત અવાજ સાંભળી વિભા બોલી, 'તમે નાહકની ચિંતા કરો છો, અમને કંઇ નહી થાય અમારુ સુરક્ષાકવચ અમે પહેલેથી બનાવી લીધું છે.' અને વિભાએ ચિન્ટુને નયનની પાસે જ બેસાડયો.

‘એ સુરક્ષા કવચ કેવી રીતે ?’ નયને ચિન્ટુના માથે હાથ ફેરવતા પુછ્યું.

‘આ સુરક્ષા કવચની જાણકારી તો હવે ચિંટુને છે.. પણ તમે ક્યાં માનો છો ? મેં ઓફિસમાં ફોનથી જાણી લીધું છે કે તમે શું ખાધું હતું..? વૈદ્યરાજ કહેતા કે શરદ માસમાં હિતાહાર અને મિતાહાર કરવો એ છે આપણું સુરક્ષા કવચ. હિતાહાર એટલે ઋતુમુજબ ખોરાક અને મિતાહાર એટલે ઓછું જમવું. સાથે સાથે વૈધરાજે આપેલી ટીકડીમાં વિશ્વાસ છે કે વાયરસ અમને હેરાન નહી કરે...!’ વિભાના જવાબમાં આયુર્વેદ પ્રત્યેની અપાર શ્રદ્ધા છલકાઈ રહી.હતી.

થોડીવારમાં ડોક્ટર આવ્યા અને નયનનો નવો રીપોર્ટ જોઇ કહ્યું, ‘ પ્લેટલેટ કાઉન્ટ ઘટે છે એટલે ડેન્ગ્યુની અસર હોઇ શકે.’ તેઓ તપાસ કરીને ચાલ્યા ગયા.

વિભાએ તો તરત કહ્યુ, ‘ અમારા વૈદ્યરાજ કહેતા કે આ તમે તમારે ખાવાની પ્લેટ બહુ લેટ લો છો એટલે જ તમારા પ્લેટલેટ બગડે છે. એમનો મતલબ એ છે કે ભૂખ લાગે ત્યારે જમીએ નહી. ભૂખ ન લાગી હોય તોય ઠાંસી ઠાંસીને જમી લઇએ, રાતે કે બપોરે મોડે મોડે જમવાની આદત રાખીએ એટલે અગ્નિ બગડે અને પછી શરીરમાં બધા રોગો થાય.’

ત્યાં થોડે દૂર ગયેલા ડોક્ટરે વિભાની વાત સાંભળી અને નયન પાસે આવીને બોલ્યા, ‘તમારા પત્નીએ ખૂબ સરસ વાત કરી, જમવાની નિયમિતતાએ તો શરીરના આરોગ્ય માટેની પહેલી ચાવી છે.’

‘ડોક્ટર, તમે કહો તો આપની દવા સાથે એક આયુર્વેદિક ગોળી આપું ?’ તે ડોક્ટરનો આયુર્વેદ પ્રત્યે લગાવ જોઇ વિભાએ પુછ્યું.

‘હા... જરુર.. આપોને ...! દર્દીનો રોગ મટાડવો એ જ તો બધી પેથીઓનો આશય છે.’ ડોક્ટરે પણ વિભાને સંમતી આપી.

પછી તો વિભાએ તે ટીકડીઓ આપી અને બીજા દિવસે પ્લેટલેટ કાઉન્ટ જળવાઇ રહ્યા અને ત્રીજા દિવસે પ્લેટલેટસ અને નયનના આરોગ્યમાં સુધારો થતા રજા આપી.

ડોક્ટરે સામેથી વિભાએ આપેલી દવાનું નામ પુછ્યું. તો વિભાએ ઉત્સાહથી કહ્યું, ‘ મારા વૈદ્યરાજ કહેતા હતા કે તે ગોળી ફક્ત રોગની જ દવા નહી પણ ભાદરવા મહિનામાં આવતા બીજા રોગોને અટકાવતી દવા છે. કડુ-કરીયાતુ સાથે ચાલીસથી વધુ જડીબુટ્ટીમાંથી તેને તૈયાર કરવામાં આવે છે.  ભાદરવા મહિનામાં તે સુદર્શનચક્રની જેમ વાયરસને દૂર કરે છે, આઇમીન પિત્તને ભગાડી *શરદઋતુમાં શરીર માટે એક સુરક્ષાકવચ* બનાવે છે અને સર્વોત્તમ સંજીવની પણ છે.’ વિભાના આયુર્વેદ જ્ઞાનથી ડોક્ટર પ્રભાવિત થયા અને તેમને કહ્યું, 'રોગને આવતો જ અટકાવી દે તેવી પ્રિવેન્ટીવ કેરની અને હેલ્થકેરની હવે ખૂબ જ જરૂર છે..! એ મેડીસીનનું શું નામ છે?'
વિભાએ તરત કહ્યું, 'તેનું નામ *સુદર્શન ઘનવટી* છે.' અને ડોક્ટરે તે નામ પોતાની અંગત ડાયરીમાં લખી લીધું.

*આયુર્વેદ સૂત્ર*
*प्रयोजनं च आयुर्वेदस्य स्वस्थस्य स्वास्थ्य रक्षणं, आतुरस्य विकारो प्रशमनं च ।*
*આયુર્વેદનું પ્રયોજન સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને રોગીઓના રોગ ને દૂર કરવાનું છે.*

*લેખક : વૈદ્ય વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*આયુર્વેદાચાર્ય, કામદાર રાજ્ય વિમા યોજના, કડી*

No comments:

Post a Comment