Apr 2, 2019

કંઇક ખૂટે છે : સત્ય અને સત્વવાન જીવન પર આધારિત

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
*કડીના દાનવીર, કર્મવીર શ્રી ડાહ્યાભાઈ પટેલને સમર્પિત વાર્તા*

*‘કંઇક ખૂટે છે...!’*

*સત્ય અને સત્વવાન જીવન પર આધારિત*

‘જો ને દિલીપ.... ઓફીસની બહાર પેલા લોકો કેમ આવ્યા છે ?’ ઓફીસની અંદર બેઠેલા મોટાભાઇની નજર બહાર ઉભેલા કેટલાક વ્યક્તિઓ તરફ ગઈ.

‘શેઠ... એ વેપારી નથી... બાજુના ગામડેથી આવ્યા છે, તેમની દિકરીને ભણવા માટે મદદની જરુર છે એટલે.....’ મિટીંગમાં પાણી સર્વ કરતા પ્યૂને કહ્યું.

દિલીપભાઇના મોટાભાઇ ડાહ્યાભાઇ ત્યાં કોઇ મદદ માંગવા આવે તો તે ઋજુ હૃદયના બની જતા.

‘તો હું તેમને મળીને જોઇ લઉં.. તમે કામ સંભાળો...’ અને ડાહ્યાભાઇ ઉભા થઇ બાજુની ઓફીસમાં તેમને બોલાવ્યા.

‘મોટાભાઇ, કંઇક ખૂટે તો કહી દેજો.’ મોટાભાઇને ઉભા થતા જોઇ દિલીપભાઇએ કહી દીધુ. તેમની બાજુમાં જ બેસતા તેમનાથી નાના દિલીપભાઇ બધો કારોબાર સંભાળતા પણ દીનદુ:ખીયાની સેવામાં બન્નેનો સ્વભાવ તો સરખો જ...

થોડીવાર પછી મોટાભાઇ તેમને મળીને પાછા આવ્યા અને બે ત્રણ વાર બોલ્યા, ‘ કંઇક ખૂટે છે...!, કંઇક ખૂટે છે...!’

દિલીપભાઇના સરવા કાને તે સાંભળી લીધુ અને કહ્યું, ‘ શું ખૂટે છે, મોટાભાઇ...!’

‘આ પેલા ગામડાંના છોકરાઓ દૂર દૂર ભણવા જાય... અપડાઉનનો ખર્ચ અને પ્રાઇવેટ સ્કૂલની મોંઘી ફી... ટ્યુશનનો ખર્ચ.... આ બધુ બિચારા ગરીબ માં-બાપ કેવી રીતે પુરુ કરી શકે...? કરણનગર બાજુ એક મોટી સ્કુલની જરુર છે. મને લાગે છે કે તે બાજુ એક સારી નિશાળ ખૂટે છે...’ ડાહ્યાભાઇના હોઠ પરના શબ્દો બધાએ સાંભળ્યા.

અને ત્યારે જ ઇશ્વરીય સંકેત થયો હોય તેમ ફરી બોલ્યા, ‘ આપણે ત્યાં કરણનગર રોડ પર સ્કૂલ ઉભી કરીએ તો...! ત્યાં આપણી જગ્યા છે અને કડી શહેરના તે વિકસતા વિસ્તારમાં સારી શૈક્ષણિક સ્કૂલની જરુર પણ છે.’

બીજી ઘડીએ તેમને મનમાં કોઈ સંકલ્પ કરી લીધો. તેઓ આદર્શ વિદ્યાસંકુલના પ્રમુખ અને કડીના પશ્ચિમ વિભાગમાં સરસ સ્કુલ તો હતી જ પણ પૂર્વ વિસ્તારમાં તેવી જ સ્કૂલ બને તે માટે તેમને તેમની કિંમતી જમીન આદર્શ સ્કૂલને દાનમાં આપી દીધી અને થોડા વર્ષોમાં તો કડીના પૂર્વ વિસ્તારમાં એક વિશાળ શિક્ષણ સંકુલ ઉભું પણ થઇ ગયું.

કડીની રાજા ઇન્ડસ્ટ્રીઝના માલિક ડાહ્યાભાઇ એટલે કોટન કિંગ ગણાય...! સમગ્ર એશિયામાં કોટન ક્ષેત્રે રાજા ઇન્ડસ્ટ્રીઝનું મોટુ નામ... તેઓ માત્ર અગિયાર ધોરણ સુધી ભણેલા પણ ધંધાની સૂઝ ગજબની... તે ખૂબ ગરીબીમાંથી ઉછરેલા, સંઘર્ષમય જીવન, સખત પરિશ્રમ અને સાદગીભર્યુ જીવન જીવતા. ધંધાની દસેય દિશામાં વૃધ્ધિ કરી પણ સાવ સીધા સાદા લાગે.. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને દેશભક્તિની વિચારધારા સાથે તેઓ ઓતપ્રોત રહેતા.... શિક્ષણ, આરોગ્ય કે ધાર્મિકક્ષેત્રોમાં તેમની દાનની ગંગા સતત વહ્યા જ કરતી. તેમના દ્વારે આવેલો કોઇ પણ વ્યક્તિ ક્યારેય ખાલી હાથે ન જાય...!

તેમના સંઘર્ષ અને પ્રામાણિકતાથી લક્ષ્મીજીની કૃપા પણ અવિરત વરસતી રહી. સાથે સાથે દયાભાવ અને સેવાભાવ તો તેમના આખાય કુટુંબની રગે રગમાં વ્યાપેલો.

સમય તેજધારે વહી રહ્યો હતો. દિલીપભાઇના દિકરા રાજાના લગ્નની ઘડીઓ ગણાઇ રહી હતી સાથે સાથે મોટાભાઇની ઉંમર પણ વધી રહી હતી એટલે બધો કારોબાર હવે તેમની દેખરેખ હેઠળ દિલીપભાઇ સંભાળતા.

ડાહ્યાભાઇ પોતે કોઇ ગરીબ કે દુ:ખીયારુ જુએ એટલે બોલી ઉઠે કે સમાજમાં હજુ કંઇક ખૂટે છે. તેઓ તન, મન અને ધનથી સમાજની આ કમીઓને પુરી કરવા સદા તત્પર રહેતા.

રાજાના લગ્નમાં અપાર વૈભવ અને કુબેરના ભંડાર હોય તેવી સમૃદ્ધિ હતી. પરિવાર પણ આ લગ્ન માણવા થનગની રહ્યો હતો. 

પણ.. આ તો મેવા વહેંચવા કરતા સેવા કરતો પરિવાર....! 

તે રાત્રે પરિવાર સાથે મોટાભાઇની એક જ વાત, ‘કંઇક ખૂટે છે...!’

દિલીપભાઇને ફરી તેમની વ્યથા ઉડીને આંખે વળગી એટલે પુછ્યુ, ‘મોટાભાઇ, લગ્નની તૈયારીમાં શું બાકી રહી ગયુ...?’

‘આ તો લગ્નમાં કંઇ ખૂટતું નથી...  પણ કડી અને આજુબાજુના ગામડાંના કેટલાય લોકોને સારવાર લેવા અમદાવાદની મોંધી હોસ્પિટલોમાં જવુ પડે છે. આપણાં શહેરમાં પણ જો બધી સગવડવાળી હોસ્પિટલ થઇ જાય તો શહેરમાં જવુ પડે નહી અને તેમના બે પૈસા પણ બચે..!’ ફરી તેમને ગામડાના સાવ છેવાડાના માણસને લગતી વ્યથા રજૂ કરી.

અને ત્યારે એ જ ઘડીએ બીજો ઇશ્વરીય સંકેત મળ્યો હોય તેમ દિલીપભાઇએ પરિવાર સાથે બેસી ચર્ચા શરુ કરી. રિસેપ્શનનો કુલ ખર્ચ કઢાવ્યો તો તે એક કરોડને આંબે તેટલો હતો... જો કે તેમના માટે આ ખર્ચ મોટો નહોતો. તેમને મન તો આ એક  જાહોજલાલીનો ઉત્સવ હતો.

દિલીપભાઇ ખૂટતી કડીને જોડવા વિચારી રહ્યા હતા અને તેમને પરિવારને જણાવી દીધુ , ‘આપણે રિસેપ્સન ન કરીએ તો....?’

જો કે આ પરિવાર કંઇક અનોખો હતો તેઓ દિલીપભાઇની આંખોનું ઉંડાણ સમજી ગયા હતા. તેઓનો સામે કોઇ પ્રશ્ન નહી અને કોઇ બળાપો પણ નહી. તેમને માત્ર ‘હા’ ભણી અને કહ્યું, ‘ તમને પૈસા બચાવવાનું કેમ સુઝ્યુ ?’

‘મારે આ પૈસા બચાવવા નથી... ભાગ્યોદય હોસ્પિટલને દાનમાં આપી તેમાં બધી જ સગવડ નજીવાદરે મળે તેવું કરવું છે...! રાજાનું રિસેપ્શન તો લોકો થોડા દિવસમાં ભૂલી જશે પણ ગરીબ માંદા લોકો અહીં જ સાજા થઇને જશે તો તેમના આશીર્વાદ મળશે.’ બે વાક્યોમાં બધાનો નિર્ણય બદલાઇ ગયો અને ભાગ્યોદય હોસ્પિટલને એક કરોડ રુપિયાનું દાન આપી દીધુ અને જોતજોતામાં બીજા દાનવીરોને પણ તેમા જોડી ભાગ્યોદય હોસ્પિટલનો કાયાકલ્પ કરી દીધો.

એક નાનો સરખો દ્રષ્ટિકોણ કેવા પરિવર્તન લાવી શકે તેનું આ સર્વોત્તમ ઉદાહરણ હતું...

સમાજને વિકસીત કરવા પાયાની બે જરુરિયાત છે એક શિક્ષણ અને બીજું સારું આરોગ્ય... બન્ને ભાઇઓ આ બન્ને ક્ષેત્રને પોતાના તન, મન અને ધનથી સિંચતા રહ્યા.

‘મોટાભાઇ હવે કંઇ ખૂટે છે?’ એક નિરાંતની પળમાં દિલીપભાઇએ મોટાભાઇને પુછ્યું.

ત્યારે ડાહ્યાભાઇએ મલકાઇને કહ્યું, ‘દિલીપ મેં તને માત્ર વ્યવસાય જ નહી પણ સમાજમાં શું ખૂટે છે તે જોવાની દ્રષ્ટી પણ  કેળવી આપી છે.. હવે તું જાતે શોધી લેજે કે ક્યાં શું ખૂટે છે...!’

આ વાક્યનો ગૂઢાર્થ દિલીપભાઇ સમજી ગયા હતા. મોટાભાઇની તબીયત ઉંમરના કારણે નાદુરસ્ત થતી જતી હતી. વળી, તેમને કેન્સરનું નિદાન થયું...જીવન સાથે ઝઝૂમતાં તો ખરા જ સાથે સાથે તેઓ સમાજની સતત ચિંતા અને શિક્ષણનું ચિંતન કરતા જ રહ્યા.

ત્રીસમી જાન્યુઆરીની રાત...  દિલીપભાઇ એક મેરેજમાંથી રાત્રે ઘરે મોડા આવ્યા. તેમની દરરોજની ટેવ કે મોટાભાઇને જોઇ અને પોતાના બેડરૂમમાં જાય. મોટાભાઇ તેમના માટે ભગવાનથી કંઇ કમ નહોતા...

મોડી રાતે તે શાંતીથી સૂઇ રહ્યા હતા.  તેમને ખબર પડી કે સાંજે મોટાભાઈએ કાંઇ ખાધુ નથી. દિલીપભાઇ મોડી રાત્રે તેમની પાસે બેસ્યા.. તેમનામાં થોડો સળવાળાટ થયો.

‘મોટાભાઇ કંઇ ખાવું છે ?’ દિલીપભાઇએ ધીમા સ્વરે પુછ્યુ,

‘હં..’

તેમને ચા આપી પણ તે જાણે અર્ધનિંદ્રામાં હતા. તેમની નજર સહેજ આમ તેમ ફરી રહી હતી.

‘શું કંઇ ખૂટે છે?’ દિલીપભાઇ એમ જ બોલી પડ્યા.

‘ભાઈ...’ એમનો એ અવાજ જાણે તેમની નાભિમાંથી આવ્યો અને શાંત થઈ ગયા.

દિલીપભાઇ તેમને સાચવીને સુવાડી રહ્યા હતા પણ તેમને શું ખબર કે તે કહી રહ્યા હતા કે ખૂટવામાં તો હવે જીવનના બાકી રહેલા છેલ્લા શ્વાસો ખૂટે છે...

પોષ વદ અગિયારસ તા. ૩૧ જાન્યુઆરી, ગુરુવારને સવારે બ્રાહ્મમુહુર્તમાં  થોડા ઉદગારો સાથે દિલીપભાઇની નજર સામે જ મોટાભાઇના દેહમાંથી પ્રાણ નીકળી ગયા. ધરતી પર રહેલા પંચભૌતિક નિષ્પ્રાણ દેહની સામે બેસીને દિલીપભાઇ આંસૂ સારતા  રહ્યા...

તેમની અર્ધ ખૂલેલી આંખો ભલે અત્યારે દ્રષ્ટિવિહિન હતી પણ તેમની અમીનજર સૌ પર વરસી રહી હતી. સાદગીપૂર્ણ જીવન અને શૂન્યમાંથી સર્જન કરનાર મોટાભાઇના  વિસર્જનની તૈયારી ચાલુ થવા લાગી.

તેમના દર્શનાર્થે માનવમહેરામણ ઉમટી પડ્યો.. દિલીપભાઇ તેમના અંતિમ દર્શન અને સ્મશાનયાત્રાની તૈયારીઓને નિહાળી રહ્યા હતા. તેમના અંગત મિત્ર સૌરીનભાઇએ બધી તૈયારીઓ સંભાળી લીધી હતી. તેમને દિલીપભાઇને આજુબાજુ નજર ફેરવતા જોઇ હળવેથી પુછી જોયું, ‘શું દિલીપભાઇ કંઇ ખૂટે છે?’

આંસુની ધાર સાથે દિલીપભાઇ એટલું જ બોલી શક્યા, ‘હા, બધુ છે પણ, મોટાભાઇ ખૂટે છે...!!’

બન્ને વચ્ચે થોડીવાર માટે શૂન્યવકાશ પથરાઇ ગયો...
દિલીપભાઇએ મોટાભાઇના નિચ્ચેતન દેહતરફ જોઇને હળવેથી કહ્યુ, ‘મોટાભાઇ તમને જતા જતા એમ ન લાગે કે કંઇક ખૂટે છે એટલે આપના પૂણ્યાર્થે બીજા એક કરોડ ભાગ્યોદય હોસ્પિટલમાં દાનમાં આપી રહ્યો છું.’

ડાહ્યાભાઇ સદેહે ભલે કોઇ જવાબ ન આપી શક્યા હોય પણ તેમના દિવગંત આત્માએ તો જરુર કહ્યુ હશે, ‘ દિલીપ, હવે લાગે છે કે કંઇ ખૂટતુ નથી.’

*શ્રી ડાહ્યાભાઈ પટેલને શબ્દાઅંજલી સાથે*

કડીના ભામાશા ડાહ્યાભાઇ પટેલ અને દિલીપભાઇ પટેલના જીવનની સત્યઘટના પર...

*લેખક*
*ડૉ. વિષ્ણુ પ્રજાપતિ, કડી*