Sep 13, 2018

WhatsApp ni Vaarta- 55, સંવત્સરીનો સંદેશ-ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ

*વ્હોટ્સ અપની વાર્તા – ૫૫*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*સંવત્સરીનો સંદેશ*

સોળ દિવસના તપ કર્યા પછી ગૌતમીને ભલે શારીરિક અશક્તિ લાગતી  પણ અંદરથી કોઇ દિવ્ય અને અલૌકિક ઉર્જાની અનુભૂતિ કરી રહી હતી.

સંવત્સરીના આજના પાવન દિવસે તન અને મનની શુધ્ધી માટે આદરેલ સોળ ભથ્થું તપ પૂર્ણ કરી જાણે પાવન બની હોય તેવું લાગી રહ્યું હતું.

છેલ્લા ચાર વર્ષથી તે અઠ્ઠાઇ કરતી... અને આ વર્ષે સોળ ઉપવાસ કરવાનું મનોમન નક્કી કરેલું... જો કે આ સહેલું તપ નથી.... શરીર અને મનની તમામ શક્તિઓ મપાઇ જાય... ઇન્દ્રિયો પણ સુખ માટે વલખા મારે... મન પણ ચારેબાજુના સુખોને જોઇને ક્યારેક બંડ પોકારે તેવા સમયમાં સોળ દિવસ માત્ર ગરમ પાણી અને તે પણ સૂર્યોદયની ૪૮ મિનિટ પછી અને સૂર્યાસ્ત બાદ પાણી પણ નહી...!

ભોગ-ઉપભોગ અને વિષયસુખોની અંદર રાચતા આજના યુવાનો એક ટાઇમ પણ ચટાકેદાર ભોજન ન મળે તો પણ ઉકળી ઉઠે... જ્યારે ગૌતમી તો કોલેજની  ટોપર અને ગોલ્ડ મેડાલિસ્ટ હતી અને તપના ત્રીજા દિવસે જ કલેક્ટરનું ઇન્ટરવ્યુ  આપ્યું હતું.  ગૌતમીએ જ્ઞાન અને ધર્મ બન્નેને ખૂબ સારી રીતે પચાવી ચુકી હતી.

‘મિચ્છામી દુક્કડમ....’ મમ્મીએ ગૌતમીને કહ્યું.

‘મમ્મી... મારે તને કહેવું જોઇએ મિચ્છામી દુક્કડમ.... ભૂલ મારાથી થઇ શકે, તારાથી તો ક્યારેય નહી...!’ ગૌતમીએ તેની નિત્ય આદત મુજબ મમ્મીના ચરણસ્પર્શ કરતા કહ્યું.

‘બેટા... આ દુનિયામાં દરેક લોકોથી કોઇને કોઇ ભૂલો થતી જ હોય છે... આપણાથી જાણે કે અજાણે કોઇનું મન અવશ્ય દુભાતું જ હોય છે એટલે માફી માંગી લેવી જોઇએ... અને તેનાથી આપણાં આત્માને શાંતિ મળે છે.’  મમ્મીએ તો તેની એ જ સહજ અને સરળ ભાષામાં જ્ઞાન આપી દીધું.

‘પણ... મમ્મી....કેટલાક જાણી જોઇને દિલ દુભવી જાય... અને મિચ્છામી દુક્કડમ કહે તો નથી ગમતું.’ ગૌતમીના શબ્દોનો ઇશારો કોના તરફ હતો તે તે મમ્મી સારી રીતે સમજી શકતી હતી.

‘આપણે આપણું કામ કરવું... આ વખતે તારા સોળ દિવસના તપથી આહારસંજ્ઞાના આવરણો હટશે અને જો જે તને અનેક જવાબો આપોઆપ મળશે... બસ તું તારી અંદર શુધ્ધ થયેલા આત્માને બાહ્ય મનોવિકારથી દૂર રાખજે. બેટા ગૌતમી, ભાગ્યશાળીને જ આ તપની સિધ્ધી થાય છે... તું ભાગ્યશાળી છે, નસીબદાર છે અને હું પણ નસીબદાર છું કે મને તારા જેવી દિકરી મળી... તારા પિતાજી પણ.......!’ અને મમ્મીના શબ્દો અટવાઇ પડ્યાં.

‘એટલે તારે પપ્પા સાથે વાત થઇ એમ....!’ ગૌતમીના ચહેરા પર રહેલ શાંતીના ભાવ બદલાઇને તેની રેખાઓ તંગ બની.

'મિચ્છામી દુક્કડમ કહેવા..... તારી સાથે વાત કરવી છે એમને....!’ મમ્મીએ આજે પણ દરેક વર્ષોની જેમ જ હિંમત કરીને ગૌતમીને કહ્યું.

‘પણ મારે કોઇ વાત નથી કરવી.... એમને કહી દે જો કે જાણી જોઇને ભૂલ કરેલાને માફ કરી દેવાની આદત ગૌતમીમાં નથી.’ અને એટલું કહી ગૌતમી પ્રતિક્રમણમાં ચાલી ગઇ.

આજે ગૌતમીનું મન અશાંત હતું, ‘ પપ્પા ચાલ્યા ગયેલા..... અમને એકલા મૂકીને.... કારણ પણ કેવું...? મારે ધર્મ સમજવો છે. હું દિક્ષા લઇ શકું એટલો શકિતમાન નથી પણ મંદિરમાં સમર્પિત થઇ જવું છું અને ત્યાં હું સેવા કરીશ. તમારી જવાબદારી હું વહન કરી શકું એમ નથી.. મારી જમા કરેલી જમાપૂંજીથી ઘર ચલાવજો... રજા એટલે નથી લેતો કારણ કે મને તેની તમે રજા નહી આપો... મમ્મી અને હું પગ પકડીને રડેલા... પપ્પા પાછા ફરો અમારે તમારી જરુર છે... પણ નહોતા માન્યા....’
ગૌતમીને જ્યારે પપ્પાના વ્હાલની જરુર હતી ત્યારે તે સાથે નહોતા તેનો વસવસો આખી જિંદગી રહેલો.

હા, દર સંવત્સરીએ તે મમ્મીને અચૂક ‘મિચ્છામિ દુક્કડમ’ કહેતા... અને આખા વર્ષના પોતાના ભાગની માફી અચૂક માંગતા. તેમને ગૌતમી સાથે પણ વાત કરવી હતી... પણ ગૌતમી તેમનાથી નારાજ હતી,  તે દિવસ પછી ક્યારેય તેમની સાથે વાત કરવા તૈયાર નહોતી.

ગૌતમીના દાદાએ પણ દીક્ષા લીધેલી... તેમના કાકા અને તેમના એકના એક દિકરાએ પણ દીક્ષા લીધેલી.... આ આખુ’ય કુટુંબ જૈનધર્મને સમર્પિત હતું.
ગૌતમીમાં પણ જૈનના બધા સંસ્કારો દિવસેને દિવસે વધુ પરિપક્વ બની રહ્યા હતા પણ પિતાજીનો ખાલીપો તો ગૌતમીને સૌથી વધુ લાગી આવ્યો હતો એટલે જ તે તેના પિતાજીની ધર્મસેવાના પ્રયાણ પ્રત્યે નારાજ હતી.

પ્રતિક્રમણમાં ગૌતમીનું ધ્યાન ન લાગ્યું કારણ કે અંદરથી જ પોતાની ફરીયાદોનો ભાર હતો. અંદરો અંદર ગૌતમી વલોવાઇ રહી હતી...

આજે સંવત્સરી અને આવતીકાલે પારણાં થવાના.

આવતીકાલે સવારે જ મહારાજ સાહેબનો જ્ઞાનલાભ સૌને મળવાનો હતો અને તેમના હાથે પારણાં પણ થવાના હતા.

આ ધર્મલાભ સભામાં શહેરના બધા પ્રતિષ્ઠિત લોકોને આમંત્રિત કર્યા હતા. સ્ટેજ પર સોળ ભથ્થું કરનારા અને પછી અઠ્ઠાઇ કરનારાઓને એક ઉંચા આસને સ્થાન આપી મહારાજ સાહેબે તેમની વચ્ચે પોતાનું સ્થાન લીધું.

તેમને ખૂબ મૂદુ અને સૌમ્ય ભાષામાં પોતાનો ધર્મલાભ શરુ કર્યો,
‘સર્વે તપસ્વી મુનીજનો, જૈનધર્મીઓ અને આમંત્રિતો....
આજે સંવત્સરીના સૌને મિચ્છામી દુક્કડમ...!
મારી દ્રષ્ટીએ મિચ્છામી દુક્કડમ તો બે શબ્દનો બનેલો એવો દિવ્યમંત્ર છે જે બે આત્માઓ પર અસર કરે છે. બન્ને આત્મા એટલે માફી માંગનાર.... અને માફી આપનાર....!  આ બન્ને કર્મભાગી જીવો પોતાના મન કર્મ અને વચનથી પોતાનાથી જાણે અજાણે થયેલી ભૂલોને સ્વીકારે છે અને તેની માફી પણ માંગે છે... જો કે આજે ભૂલોનો સ્વીકાર કરવો એ નાનીસૂની વાત નથી. જ્યારે મન, કર્મ અને વચનની એકસૂત્રતા સામેના આત્મા સાથે મળે ત્યારે આપણા મુખેથી મિચ્છામી દુક્કડમ નીકળી શકે છે. જૈનધર્મ તપ અને આત્મબોધનો ધર્મ છે... આપણો આત્મા સંજ્ઞાઓથી પીડીત અને કર્મનિર્જરાથી તેને મુક્ત કરવો તે દરેક મનુષ્ય જીવનનું પ્રથમ પ્રયોજન હોવું જોઇએ... આજે આ અનેક લોકોએ આ પર્યુષણ પર્વમાં આકરા તપ કરીને આહારસંજ્ઞાથી આત્માને મુક્ત કરવા અમૂલ્ય તપ કર્યુ છે તે સૌને મારા વંદન...
આ તપથી આપણો આત્મા શુધ્ધ અને પવિત્ર બને છે... ઘરમાં આપણે બગડેલા વાસણ માંજીને સાફ કરી દઇએ પછી તેને શું માટીમાં પડવા દઇએ ખરાં...? અને જો માટીમાં પડે તો ઘોયેલા વાસણો ફરી બગડી જાય. આ રીતે આપણો આત્મા આ તપથી શુધ્ધ અને પવિત્ર બનેલો છે તેને હવે ફરી દુષિત ન થવા દઇએ.
મને આનંદ છે કે આજના ભોગ વિલાસના સમયમાં નાના બાળકો પણ ઇન્દ્રિય લોલુપતા પર વિજય મેળવે છે... અને આ વિજય વિશ્વવિજય કરતા પણ મોટો વિજય છે…
અને એક આનંદ બીજો પણ છે કે અહીં મારી આજુબાજુ બેસેલા તપસ્વીઓમાં એક વ્યક્તિત્વ વિશે કહેવાનું પણ મન થાય કે સોળ ભથ્થું પૂર્ણ કરેલ ગૌતમી ઉપવાસ દરમ્યાન કલેક્ટરની પરીક્ષા આપી અને તેમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે....’
અને મહારાજ સાહેબે ગૌતમી તરફ નજર કરી..

ગૌતમી પણ નહોતી જાણતી કે પોતે પરીક્ષામાં ટોપર રહી છે અને આ રીતે સુખદ જાણ થતા તેની આંખોમાંથી હર્ષના આંસુ નીકળી પડ્યાં. ચારે બાજુ સૌ ગૌતમી માટે તાળીઓનો વરસાદ વરસાવી રહ્યા હતા.

‘બેટા... ગૌતમી....!’ મહારાજ સાહેબે ગૌતમી તરફ દિવ્ય દ્રષ્ટી કરી.
ગૌતમી પોતાના સ્થાન પર ઉભી થઇ અને તેમના ચરણસ્પર્શ કર્યા.

‘મને તમારા માતૃશ્રી તરફથી આ સમાચાર સાંભળવા મળ્યા છે... ગૌતમી, તારી સફળતા પાછળ તારા મમ્મી અને પપ્પા બન્નેનું સમર્પણ, ત્યાગ અને ધર્મસેવા છે.’ મહારાજ સાહેબે આશીર્વાદ આપ્યા અને ફરી બધાએ ગૌતમીને ખૂબ હર્ષભેર તાળીઓથી વધાવી.

મહારાજ સાહેબના આશીર્વાદમાં મમ્મી અને સાથે પપ્પા વિશે પણ સમર્પણ શબ્દ આવતા ગૌતમી નારાજ થઇ અને પોતાના સ્થાન પર બેસી ગઇ.

મહારાજ સાહેબે ફરી પોતાની વાણી શરુ કરી, ‘ગૌતમીના પિતાજી ધર્મ સેવા કરે છે અને તેમને પોતાના બધા પૂણ્યોને પોતાની દિકરી તરફ વાળી દીધા હોય તેવું મને લાગ્યું છે..... ક્યારેક આપણે આપણા મનની અપેક્ષા કે અધિકારભાવથી નથી સમજી શકતા કે કોઇના અદ્રશ્ય પૂણ્યો અને અદ્રશ્ય સમર્પણ પણ ખૂબ મોટું કામ કરે છે.... ગૌતમી તું નસીબદાર છે કે તારા પિતાજી પોતાના બધા પૂણ્યો તારા તરફ વાળી રહ્યા છે અને તને આ ઉંમરે ધર્મલાભ થયો છે.’ અને પછી મહારાજ સાહેબની દિવ્યવાણી સતત ચાલતી રહી.

ગૌતમીના વિચાર આ ઉપદેશથી એકક્ષણમાં જ પરિવર્તીત થઇ ગયા. તેનો  આત્મભાવ હવે શુધ્ધ બની ગયો. તે પોતાના પિતાજીને હવે એક દિવ્ય પુરુષ તરીકે નીહાળી રહી હતી.

અને કાર્યક્રમ પુરો થયો પછી તરત જ ગૌતમીએ પિતાજીને ફોન લગાવ્યો અને બન્ને આંખમાં વહેતી ધારા સાથે માંડ-માંડ એટલું બોલી શકી, ‘ મિચ્છામી દુક્કડમ.... પપ્પા....!’

અને સામે છેડે પણ શુધ્ધ આત્મભાવથી નીકળેલા આંસુઓ સાથેના શબ્દો, ‘ મિચ્છામિ દુક્કડમ.... બેટા.... મને માફ કરી દે જે કે હું તારી જવાબદારી બરાબર સંભાળી ન શક્યો.’

અને આ છેડેથી ગૌતમી બોલી, ‘ પપ્પા એવું ન કહો.... હું તમને સમજી ન શકી.... મને માફ કરી દો કે હું વર્ષો સુધી તમને ન સમજી શકી.’

અને બન્ને તરફ આંસુની ધારમાં બન્નેની પવિત્રતા અનેકગણી વધી રહી હતી.

પિતાજીએ પુછ્યું, ‘બેટા... આજે પારણાં છે... તું કહીશ તો મારા હાથે તને પારણાં કરવાવા આવીશ.’

‘પપ્પા... તમે આવો..... મારે તમારી જરુર છે... તમારો એક કોળીઓ મને ભવોભવની શાંતી આપશે.... હું તમારા હાથના અમૃતનો સ્વાદ ભૂલી ગઇ છું....મારે એ અમૃતના પારણાં કરવા છે...’ ગૌતમી હવે પોતાના પિતાજીને મળવા આતુર બની હતી.

અને દૂર ખૂણામાં મમ્મી ઉભી ઉભી પાલવના છેડે પોતાના સુખના આંસુને લુછીને મહરાજ સાહેબને વારંવાર વંદન કરી રહી હતી.

પિતાના વાત્સલ્યસભર હાથે ગૌતમીએ પારણાં કર્યા અને પિતાજીએ જ  કલેક્ટર બનવાનો ઓર્ડર ગૌતમીના હાથમાં આપ્યો અને ગૌતમીએ મમ્મી પપ્પાના ચરણોમાં વંદન કરતા પુછ્યું, ‘પિતાજી મારે તમારા હાથે કોઇ સંસારની મોહમાયાનો ઓર્ડર નહી પણ આત્માના પરમસુખની દિશા તરફની  દિક્ષા લેવી છે......મને મંજુરી આપો.....!!’
અને ત્યાં જ દેરાસરમાંથી ‘જિનશાશનનો જય હો’ તેવો જયઘોષ થયો.

*સ્ટેટસ*

*સબંધોમાં તો કેટલાય આટાપાટા છે..*
*સંસારની દિવાલમાં કેટલાય વાટા છે...*
*માફી માંગીને કે માફ કરીને હળવા રહીએ...*
*બાકી તો ભારે હૃદયે બધાના જીવન ખાટાં છે..*


*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*તા.૧૩/૯/૨૦૧૮*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડૉ. વિષ્ણુ પ્રજાપતિની  પારિવારીક, સામજિક અને સંવેદનાસભર ૪૬ વાર્તાઓના બે વાર્તા સંગ્રહ અમોલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઇ ગયા  છે. જે એમેઝોન, ફ્લિપકાર્ડ અને આપના નજીકના પુસ્તક વિક્રેતા પાસે ઉપલબ્ધ છે. આપ આ બન્ને અદભૂત વાર્તા સંગ્રહોને સત્વરે બુકિંગ કરાવી લેશો. ઘેર બેઠા આ પુસ્તકો મંગાવવા માટે ડો. અજય રંગવાણી મોબા નં – *૯૫૫૮૦૦૬૬૧૧* તથા અમોલ પ્રકાશન મોબા નં. *૮૩૨૦૩૪૨૯૦૨* પર સંપર્ક કરશો.