Aug 16, 2018

Whatsapp ni vaarta-53, ‘મનિકર્ણિકા - એક વીરબાળા’-ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ

*વ્હોટ્સ અપની વાર્તા – ૫૩*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

૭૨માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ સાથે...
🇮🇳🇮🇳🇮🇳

*‘મનિકર્ણિકા - એક વીરબાળા’*

રાજ જ્યોતિષે બાળવાયની મનિકર્ણિકા સામે પ્રજ્વલિત જ્યોત, હમણાં જ સળગીને શાંત બનેલો કોલસો, જળ પાત્ર, માટીનો બનાવેલો ઘોડો, કેટલાક બાળમાનસને પ્રલોભન આપે તેવા હાથ બનાવટના રમકડાં,  ચારેય વેદ-ગ્રંથો, સુવર્ણ તથા રત્નો જડિત આભૂષણો અને શ્રૃંગારરસના સાધનો મુક્યાં. ચાર વર્ષની નાની ઉંમરે મનિકર્ણિકાનું ભવિષ્યકથન થવા જઇ રહ્યું હતું.

કાશી નગર મધ્યેના વિશ્વનાથ મહાદેવની પ્રાત:કાલ આરતીનો ઘંટારવ વાગીને ‘હર હર મહાદેવ’ થી ગુંજી થોડીવાર પહેલા જ શાંત થયો હતો.

એકબાજુ ધર્મનું અસ્તિત્વ ટકાવવાનો સંઘર્ષ અને બીજી બાજુ અંગ્રેજોની હુકુમતનું જોર વધીને ભારતવર્ષની સ્વતંત્રતાની વ્યાખ્યાને જડમૂળમાંથી નેસ્તનાબૂદ કરવા જોર-જુલ્મના તમામ પ્રયાસો શરુ થઇ ગયા હતા ત્યારે એક નાની બાલિકાનું ભવિષ્ય જાણવા તેના માતા ભાગીરથી દેવી અને પિતા મોરોપંત તાંબે તેની તરફ નજર કરીને સ્થિર બેઠા હતા.

માં ભાગીરથી દેવીએ છેલ્લા સાત દિવસથી જીદ પકડી હતી કે મનુના જોષ જોવડાવો. તેમને કહેલું, ‘મનુ બીજા છોકરાની જેમ સાદી રમતો રમતી નથી.. તે ઘોડે સવારીની જીદ કરે છે... તેના હાથમાં તીર અને તલવાર આવે તો તેની આંખોમાં ચમક આવે છે. મારી દિકરીમાં  શુરવીર પુત્રના બધા ગુણો દેખાય છે. થોડા દિવસ પહેલાં જ જ્યારે પેલો અંગ્રેજ આપણાં ઘરે આવેલો ત્યારે તેને ઘરનાં ઉંબરા વચ્ચે ઉભો રાખીને તલવાર ધરી દીધી હતી. પેલા અંગ્રેજ સૈનિકની તગતગતી આંખોની સામે મનુકર્ણિકાની આંખો પણ તેજ અંગારાના અગનગોળા વરસાવી રહી હતી. મને તેની આંખોમાં યુધ્ધ દેખાઇ રહ્યું હતું. આ તો મેં સમયસૂચતા વાપરી તેને બાળસહજ રમત કહીને તે અંગ્રેજને વારેલો... પણ મનુની અંગ્રેજો તરફ વેર-ઝેર અને દાઝ ભરેલી તગતગતી આંખોની જ્વાળાઓ જોઇને મારે જોવું છે કે મનુના ગ્રહો તેને કઇ દિશામાં લઇ જશે...?’

મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ મોરોપંત તાંબે પણ રાજ જ્યોતિષને બોલાવી આજે મનુકર્ણિકાના ભવિષ્યકથનની આગાહી સાંભળવા ઉત્સુક હતા.

નાનકડી મનિકર્ણિકા ધીરે ધીરે આગળ વધી રહી છે... તેને સુવર્ણ રત્નો કે આભૂષણો તરફ નજર સુધ્ધા નાંખી નહી... પણ પેલા પ્રજ્વલિત દિપક જ્યોતને એક જ ફૂંકે ઓલવી નાંખી...! તેની ચાલ બ્રાહ્મણની નહી પણ ક્ષત્રિયાણીની હતી...

રાજ જ્યોતિષે તરત જ કલમથી મનુકર્ણિકાની જન્મકુંડળીમાં થોડી નિશાનીઓ કરી.

મનુકર્ણિકા સામે રહેલા જુદાં જુદાં રમકડાં તરફ આગળ વધી...  તેમાં રહેલા માટીનું બનાવેલું ઘોડાનું રમકડું જમણા હાથથી ઉઠાવ્યું અને તેની આંખોમાં તેજ લીસોટો થયો.  પછી તે બાજુમાં રાખેલાં વેદ ગ્રંથો તરફ આગળ વધી રહી હતી ત્યાં જ... બારણે ટકોરા થયાં....!

જ્યોતિષ-કથનની ક્રિયામાં વિધ્ન આવ્યું... રાજ-જ્યોતિષની આંખોમાં કોઇ અકળ મૂંઝવણ સ્પષ્ટ રીતે તરીને છેક ચહેરા સુધી ઉપસી આવી.

બારસાખ પર ફરી પેલો અંગ્રેજે એક કાગળ સાથે બીજા અંગ્રેજોને લઇને આવ્યો હતો..... તેને તાંબેને ઇશારો કરી તે કાગળ લેવા જણાવ્યું... તેના ઇશારામાં સત્તાનો નશો અને આંખોમાં તુચ્છકારનો ભાવ હતો.

અનિચ્છાએ મોરોપંત ઉભા થયા અને કાગળ સ્વીકાર્યો... પેલા અંગ્રેજે તેના હાથમાં રહેલી બંદૂકનું નાળચું મોરોપંત તરફ રાખીને તે કાગળ એવી રીતે આપ્યો જાણે લાગે કોઇ ધમકીની કે અમલદાર શાહીની આગાહી કરી રહ્યો હોય...!

મોરોપંત્ત નિર્ભય બની નજીક પહોંચ્યા... પણ તે ક્ષણે નાનકડી મનિકર્ણિકાના નાના પગલા જે સામે પડેલા વેદગ્રંથો તરફ વધી રહ્યા હતા તે અટકી ગયા અને તે ચિત્તાની જેમ કુદીને સામે લટકાવેલી તલવાર ખેંચી લીધી....જાણે સિંહણ શિકાર માટે તરાપ મારે તેમ તે બીજા કુદકે પોતાના પિતાની રક્ષક બની આગળ આવી પહોંચી...!  તેની આંખોમાંથી તેજ અગનઅંગારાઓ વરસી રહ્યાં હતા. મનિકર્ણિકાના હાથમા રહેલી તલવાર તેની ઉંચાઇ કરતા વધુ હતી પણ તેની પકડ એટલી મજબૂત હતી કે લાગતું કે તે જન્મોજન્મથી તલવાર પકડવાનું જાણે છે...!

અને નાની મનિકર્ણિકાનો આક્રોશ જોઇ પેલા અંગ્રેજને પોતાની બંદૂક અને પોતાની હુકુમતની તેજ નજરોને પણ હટાવી લેવી પડી.

અચાનક બનેલી ઘટનાને હળવાશથી લેવા મોરોપંત્તે તરત જ મનુને ઉંચકી લીધી અને જાણે તે સાવ નાની બાળા છે તેમ માથે હાથ મુકીને તેની આંખોને ઠારી લીધી. જો કે ત્યાં હાજર દરેક વ્યક્તિ તેને નાની બાળા માની રહ્યાં હતા જ્યારે રાજ જ્યોતિષે તરત જ તેની જન્મકુંડળીમાં ‘વિરાંગના’ લખીની પોતાની કલમ અને પોતાની ગ્રહોની ગણતરીઓ અટકાવી દીધી.

પેલો અંગ્રેજ હુકુમનામુ આપીને ચાલ્યો ગયો અને તે પાછા ફરતી વખતે બારણે અથડાઇ ગયો અને ગડથોલીયું ખાઇને ચત્તોપાટ પડ્યો... મનુ ત્યારે ખીલખીલાટ હસી પડી... જાણે કે તેને અંગ્રેજ પછડાય તો મજા આવતી હતી...! પેલો ઉભો થઇને ભાગ્યો... તેને ભાગતો જોઇને મનુકર્ણિકાની આંખોમાં ગજબની ખુશી છવાઇ ગઇ.

મોરોપંતના એક હાથમાં તલવારથી શોભી ઉઠેલી વિરાંગના અને બીજા હાથમાં હુકુમનામુ હતું.

રાજજ્યોતિષે બન્નેની સામે જોઇને હાથ જોડીને વીરરસના શ્લોકનું આહવાન કર્યુ.

‘શું છે મનુનું ભવિષ્ય...?’ ક્યારનાયે ચુપ બેસેલા ભાગીરથીદેવીએ આખરે મૌન તોડ્યું.

રાજ જ્યોતિષે સૂર્યના કિરણોને પોતાની અંજલિમાં લીધા અને કહ્યું, ‘ દેવીજી... આપ ધન્ય છો... તમારા કુખે એક વિરાંગનાનો જન્મ થયો છે... !’ પછી તે આંખો બંધ કરીને ચૂપ થઇ ગયા જાણે કે તે આગળનું ભવિષ્યકથન કરવા નહોતા માંગતા.

‘હે ગુરુદેવ... આપ નિશ્ચિંત રીતે કહો..., મારી મનુની ગ્રહદિશા તેને  કઇ દિશામાં લઇ જશે...?’ મોરોપંતે  તેડેલી મનુને નીચે મૂકતાં પૂછ્યું.

‘હે બ્રહ્મ...તમે પણ ધન્ય છો કે બ્રાહ્મણકુળે ક્ષત્રિયનો અંશ અવતર્યો છે... તેની ગ્રહદિશા વિકટ અને સંઘર્ષમય છે... તે વેદજ્ઞાની અને પરમ સંસ્કૃતિની જાણકાર થઇ શકે તેમ તેજોમય તેનું વ્યક્તિત્વ છે.... પણ ગ્રહો તેને સંઘર્ષની દુનિયામાં જ લઇ જશે....’ રાજ જ્યોતિષ થોડી વાર રોકાઇને મનુકર્ણિકાના હાથની તલવાર પોતે લીધી પણ મનુની પકડ રાજજ્યોતિષની તાકાત કરતા વધુ હતી એટલે તેમને વધુ જોર કરવું પડ્યું.

તેમને તલવાર હાથમાં લીધી અને સૂર્ય તરફ કરીને તેની તગતગતી ધાર કરીને ફરી બોલ્યા, ‘ એમ જ માની લો કે મનુકર્ણિકા પોતાના સુખ માટે નહી પણ ભારતવર્ષના સૂર્યોદય માટે આવી છે.... તેના જીવનમાં સુખ નહી પણ સંઘર્ષ છે...! તેના જીવનમાં શ્રૃંગારરસનો ઝળહળાટ નહી પણ વીરાંગનાનું તેજ છે. ’ રાજ જ્યોતિષે ખૂબ પ્રભાવવાહી શબ્દોમાં તેના સંઘર્ષની ગ્રહદશાને પણ એક વીરગાથામાં ગાઇ રહ્યા હતા.
તલવાર પરથી જાણે એક તેજોમય સૂર્ય કિરણ મનુની આંખોમાં ઝળહળી રહ્યું હતું.

‘અહીં મુકેલા તમામ પદાર્થો અને મનુકર્ણિકાની પસંદગી પાછળનું રહસ્ય કૃપા કરી અમને સમજાવશો..?’ ભાગીરથીદેવી બન્ને હાથ જોડી હજુ ઘણું જાણવા ઇચ્છતા હતા.

આ શબ્દો સાંભળતા રાજ જ્યોતિષના ચહેરા પરની વીરતાની લકીરોએ ગંભીરતાનું સ્વરુપ ધારણ કર્યુ અને શબ્દો પણ ઉંડાણથી આવ્યાં, ‘ દેવીજી, ઘોડો અને તલવાર તેના જીવનનું અભિન્ન અંગ રહેશે... જે આજે આપણે પ્રત્યક્ષ જોયું.’

‘તેને પેલા  દીપકની જ્યોત ને  કેમ ઓલવી નાંખી...?’ દેવીજી વધુ જાણવા ઉત્સુક હતા.

રાજ જ્યોતિષ વધુ ગંભીર બન્યાં અને કહ્યું, ‘ દેવીજી, મનિકર્ણિકાના જીવનમાં અનેક મૃત્યુ દુ:ખ છે...’

‘હેં... મૃત્યુદુ:ખ... કોનું....?’  દેવીજી ચિંતામાં ગરકાવ થઇ ગયા.

‘દેવીજી... આપ તે જાણવાની ઇચ્છા ન કરો...! તે ઇશ્વર આધિન છે...બસ તમારું પુણ્યબળ અને કર્મફળ છે કે આ વિરાંગના આપના કૂખે અવતરી છે.’ રાજ જ્યોતિષે કેટલાક રહસ્યો એમ ને એમ જ રહેવા દીધા.

‘તેની આયુ રેખા....?’ દેવીજી ફરી કંઇક જાણવા ઇચ્છા પ્રગટ કરી રહ્યા હતા.

‘આયુરેખાની દીર્ધ કે હૃસ્વ અવસ્થાનો મનિકર્ણીકાના જીવનમાં કોઇ ફર્ક નહી પડે.. તે અમર વીરાંગના બનશે…! દેવીજી આપ કૃપા કરી અન્ય પ્રશ્ન ન કરશો... આ ભારતવર્ષની તેજોમય લકીરના માતા બનવાના આપના આ ઉત્તમ અવસરને આનંદથી પસાર કરો.. અને માં ભગવતી પર અપાર શ્રધ્ધા રાખો.’ એમ કહી રાજ જ્યોતિષે બે હાથ જોડી રજા માંગી.

ત્રણેયે એક સાથે રાજ જ્યોતિષના ચરણસ્પર્શ કર્યા.

રાજ જ્યોતિષે તલવાર મનિકર્ણિકાના હાથમાં આપી કહ્યું, ‘ તારે આની જરુર પડશે... આશીર્વાદની નહીં...!’ અને તેમને વિદાય લીધી.

પિતા અને મનિકર્ણિકા સ્વસ્થ હતા પણ માં ભાગીરથી બેચેન હતા. 

મનિકર્ણિકાના જીવનમાં જીવનભરનો સંઘર્ષ... વીરાંગના… આયુ વિશેની અકળ ભવિષ્યવાણી બધુ તેમના હૃદયમાં શૂળની જેમ ભોંકીને વેદના કરી રહ્યું હતું.

મોરોપંતની નજર હુકુમનામા પર ફરી રહી હતી... ‘લગાન... સ્વતંત્રતા પર આકરા અંકુશો... અંગ્રેજો પ્રત્યે જો ગેરવર્તણૂક થશે તો દેશદ્રોહની સજા...’ ભારતવર્ષ પર આવેલી ગ્રહણની કાળી છાયા તેમના ઘર સુધી આવી પહોંચી હતી. તેમના ચહેરા પર ચિંતાની વાદળી છવાઇ ગઇ.

પણ મનિકર્ણિકાએ તો ત્યારે જ તલવારના એક ઝાટકે તે હુકુમનામાના બે ટુકડા કરીને પોતાના સંઘર્ષ અને ગ્રહની દિશા સ્પષ્ટ કરી દીધી.

ભાગીરથીદેવીએ તુરંત તેના હાથમાંથી તલવાર ઝુંટવીને દુર ફેંકી દીધી અને મનુને પોતાના આલિંગનમાં સમાવી લીધી.

તેના પાંચમા દિવસે ભાગિરથીદેવીનું હ્રદયશૂળથી  અવસાન થયું અને મનુકર્ણિકાના જીવનમાં પ્રથમ મૃત્યુદુ:ખ આવી ગયું.

મનુકર્ણિકાનું ભવિષ્ય કોઇ કલમથી નહી પણ તલવારની ધારથી લખાયું હતું. તલવારબાજી અને બાણવિદ્યામાં પારંગત બની.

૧૪ વર્ષની આયુમાં લગ્ન અને ૨૩માં વર્ષે પોતાની કૂખે અવતરેલા પુત્રનું ચાર માસની નવજાત શિશુવયે જ અવસાન..... તે મનુકર્ણિકાના જીવનનું બીજુ મૃત્યુદુ:ખ...!

હજુ તો તેના જીવનના સંધર્ષોનો ઉદય થવાનો બાકી હતો... પતિનું મૃત્યુ થતાં રાજ જ્યોતિષે કહેલી તેના જીવનની મૃત્યુ દુઃખની ભવિષ્ય કથની સાચી પડી રહી હતી.

પોતાના દેશની અને ઝાંસીની રક્ષા કરવા અંગ્રેજો સાથે અનેક યુધ્ધો કરવા પડ્યા અને ૧૮૫૭ના વિપ્લવની એક મહાન વિરાંગના બની... પણ તેની ખુદની  આયુરેખા ખૂબ ટુંકી હતી....

જે ઉંમરે આપણે યુવા બનીએ છીએ તે ઉંમરે તો તેને દેશની સ્વતંત્રતા કાજે બધા આભૂષણો અને શ્રૃંગારરસ ત્યજીને રણચંડી જગદંબા બની હતી. યુધ્ધમાં આખા શરીરે ઘવાયેલી સિંહણ આખરે થાકી અને માત્ર ૨૯ વર્ષની  આયુમાં દેશને સ્વતંત્રતાનું સ્વપ્ન આપીને પોતે કાયમને માટે હોમાઇ ગઇ...!

આ વિરાંગના એટલે ‘ઝાંસી કી રાની' લક્ષ્મીબાઇ એજ મનિકર્ણિકા - એક વીરબાળા...!’

આ વિરાંગના માટે સુભદ્રાકુમારી ચૌહાણનો એક કાવ્યાંશ સ્ટેટસમાં મુકી આ ૭૨માં સ્વાતંત્ર્ય પર્વ પર તમામ શહીદ વીરોને વંદન કરું છું અને સરહદ પર રહેલા જવાનોને સલામ કરું છું.... જય હિંદ...🇮🇳🇮🇳🇮🇳


*સ્ટેટસ*

सिंहासन हिल उठे राजवंशों ने भृकुटी तानी थी,
बूढ़े भारत में आई फिर से नयी जवानी थी,
गुमी हुई आज़ादी की कीमत सबने पहचानी थी,
दूर फिरंगी को करने की सबने मन में ठानी थी।
चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

આ વાર્તાનો ઉદ્દેશ યુવાઓમાં વીરરસ જગાવવાનો અને વીર જવાનોને સલામ કરવાનો છે.

ડૉ. વિષ્ણુ પ્રજાપતિની ૧ થી ૪૬ વાર્તાઓના બે વાર્તા સંગ્રહ - વ્હોટ્સએપની વાર્તાઓ ભાગ-૧ તથા ૨
 અમોલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઇ ગયા  છે. જે એમેઝોન, ફ્લિપકાર્ટ અને આપના નજીકના પુસ્તક વિક્રેતા પાસે ઉપલબ્ધ છે. આપ આ બન્ને અદભૂત વાર્તા સંગ્રહોને સત્વરે મેળવી લેશો.