May 22, 2018

‘માંની પરીક્ષા...!' - ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ

*વ્હોટ્સ અપની વાર્તા – ૪૫*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*‘માંની પરીક્ષા...!'*

વેકેશનમાં નાના દિકરા ગૌરવના ઘરે સૌ ભેગા થયેલા.

‘આવતીકાલે મધર ડે છે તો માને શું ગિફ્ટ આપીશું....?’ એક જ ગિફ્ટ આપવી અને ગિફ્ટ કોની  પસંદગીની આપવી તે વાત પર ત્રણેય ભાઇ – બહેનો વચ્ચે લાંબી રકઝક ચાલી અને બધા પોતપોતાની વિચારેલી ગિફ્ટ પર મક્કમ હતા.

મોટા દિકરાની સત્તરેક વર્ષની દિકરી ઉર્મિ દૂર બેસીને આ બધુ સાંભળી રહી હતી... તેમની સમસ્યા દૂર કરવા નજીક આવીને એક ઉપાય આપ્યો.



 ‘આમ એક ગિફ્ટ આપવા લડશો નહી... જુઓ માં જેને સૌથી વધુ પ્રેમ કરતી હોય તેની મરજી મુજબની જ ગિફ્ટ આપવી.’

ઉર્મિના આ આઇડિયાથી ફરી નવો મીઠો ઝઘડો શરુ થયો.

‘માં મને વધારે ચાહે છે...! તમને બધાને ખબર તો છે કે આપણે નાના હતા ત્યારે તેની પાસે પ્રસાદ કે જે કાંઇ લાવે તો તેનો પહેલો મોટો ભાગ મને જ આપતી... એટલે મારી મરજી મુજબની જ ગિફ્ટ લાવવાની.’ નાના દિકરા ગૌરવે તરત જ છાતી ફુલાવીને કહ્યું.

‘એમ થોડું હોય... માં તો મને જ વધુ પ્રેમ કરે છે...! આપણે નાના હતા ત્યારે ક્યાંય બહાર જઇએ તો માં મારી આંગળી તો ક્યારેય મુકતી જ નહોતી... માં મને સૌથી વધુ સાચવતી....!’ ગૌરવથી મોટી બેન શોભનાએ તો તેનાથી વધુ ઉંચા અવાજે કહ્યું.

‘જાવ.. જાવ હવે... યાદ છે આપણે નાના હતા ત્યારે માંને કાંઇપણ વસ્તુની જરુર હોય તો તે કાયમ મારી પાસે જ મંગાવતી...ઘરમાં બધી વસ્તુઓ ક્યાં પડી છે તે મને જ કહેતી... અને પિતાજીની પાઘડી તો મને જ પહેરાવતી...!’ મોટા દિકરા ઉજ્વલે તો પોતાનો પક્ષ પણ મજબૂત રીતે રાખી દીધો.

ધીરે-ધીરે આ ચર્ચા આજે વધુ ઉગ્ર બની ગઇ અને સૌ પોત પોતાના માટેનો માંના પ્રેમનો દાવો કરવા લાગ્યા.

પિતાજીનું અવસાન થયું ત્યારે ગૌરવ એક વર્ષનો હતો. વિધવા માંએ દિકરાઓને ખૂબ સારી રીતે ઉછેરેલા.. આખુ ગામ કહેતું કે ‘જોઇતીમાંની જેમ છોકરા ઉછેરતા કોઇને ન આવડે...! કારમી ગરીબી અને દુ:ખના ઓછાયા હેઠળ પણ આ જોઇતી માંએ અડીખમ બની ત્રણેય સંતાનોને ખૂબ સારી રીતે ઉછેર્યા હતા.

ત્યાં જ ઉર્મિએ કહી દીધું, ‘ તો એક કામ કરો’ને... માંની પરીક્ષા કરો એટલે ખબર કે તે કોને વધુ ચાહે છે...?’

‘અરે... ગાંડી છે કે માંની કોઇ પરીક્ષા કરતું હશે...?’ ઉજ્વલે  નકારતા કહ્યું.

‘તો હારી જવાનો ડર છે’ને મોટાભાઇ....!’ ગૌરવ તો ચેલેન્જ આપતો હોય તે સ્વરે બોલ્યો.

‘હા... આમ તો ઉર્મિની વાત કાઢી નાખવા જેવી તો નથી હોં.... આપણે જોઇએ તો ખરા કે માં આપણામાંથી કોને વધુ ચાહે છે...? પણ ઉર્મિ કહે તો ખરી કે માંની પરીક્ષા કરવી કેવી રીતે...?’ શોભનાએ ઉર્મિના વિચાર સાથે સહમત થતા કહ્યું.

‘જો બા રહ્યાં જુનવાણી અને ઉંમરલાયક... એટલે એમની ભારે પરીક્ષા ન કરાય... પણ...!’ ઉર્મિ વિચારતી હોય તેમ થોડીવાર અટકી ગઇ.
‘હા... બોલને આગળ... કોઇ સારો આઇડીયા હોય તો કહે...!’ ગૌરવે ઉર્મિ તરફ જોઇને કહ્યું.

‘આવતીકાલે મધર ડે છે... તમારે ત્રણેયે કાલે તેમને સાડી ગિફ્ટમાં આપવાની...! અને તમે ગિફ્ટ આપશો એટલે હું બા સાથે તે ગિફ્ટ ખોલીને જોઇશ... અને બા ને કહીશ જો બા આજે મધર ડે છે એટલે આ તમારા ત્રણેય દિકરા તેમની પસંદગીની સાડી લાવ્યા છે... આજે તમારે તે લેવી જ પડશે અને તમને જે સૌથી વ્હાલું હોય તેની લાવેલી સાડી આજે પહેરવી જ પડશે...!’ ઉર્મિએ તેનો આઇડીયા આપ્યો.

‘હા... સાચી વાત છે...હોં...!’ શોભનાને ઉર્મિની માંની પરીક્ષાનો આઇડીયા ગમ્યો અને તરત જ સંમતિ આપી દીધી.

‘પણ... માં ન માને તો...?’ ઉજ્વલને પ્રશ્નનો કીડો સળવળી ઉઠ્યો.

ઉર્મિએ તો જાણે વિચારી રાખ્યું હોય તેમ તરત જ કહ્યું, ‘ તો કહી દેવાનું કે જો તમે તેમ નહી કરો તો અમે આવતીકાલે પોતપોતાના ઘરે જતા રહીશું... વેકેશન કરવા રોકાઇશું નહી.’

‘પણ...એમ કહીએ તો માંને દુ:ખ લાગે...!’ શોભનાએ માંની ચિંતા કરતા કહ્યું.

‘અરે... આ તો ખાલી પરીક્ષા છે..... આવતીકાલે મધર ડે છે તે બહાને બાને ફરજિયાત નવી સાડી લેવી પડશે... અને ગિફ્ટ પણ આવી જશે... પરીક્ષાની પરીક્ષા અને ગિફ્ટની ગિફ્ટ.....!’ ઉર્મિએ તો પોતાની વાત વધુ મક્કમતાથી કહી તો છેવટે બધાએ સંમતિ આપી દીધી.

અને નક્કી થઇ ગયુ કે આવતીકાલે મધર ડેના દિવસે સવારે દસ વાગે ‘માંની પરીક્ષા’ કરવી.

બીજા દિવસે સવારે ત્રણેય પોતપોતાની રીતે સાડી ખરીદવા બજારમાં નીકળી પડ્યાં.

‘માંને તો હવે સફેદ રંગની જ સાડી અપાય...!’ તેમ વિચારી મોટા દિકરા ઉજ્વલે સફેદ રંગની અંદર આછી ડિઝાઇનવાળી સાડી પસંદ કરી.

‘માં મંદિરે જાય ત્યારે તે ભગવા રંગની સાડી સાડી પહેરે છે... જો કે તે કેટલીયે જગ્યાએ ફાટેલી હોવા છતાં સાંધીને પહેરે છે... આ ગિફ્ટના બહાને તે રંગની નવી સાડી લઇ લઉં.’ નાના દિકરાએ વિચારીને એક સુંદર ભગવા રંગની સાડી લીધી.

‘માં કેટલા વર્ષોથી વિધવા છે... તે કાયમ સફેદ જ સાડી પહેરે...બસ તેને એકવાર રંગવાળી સાડી પહેરાવીને જ રહીશ..!’ આ વિચારી શોભનાએ સહેજ આછા લીલા રંગની સાડી લીધી.

અને મધર ડેના બરાબર દસ વાગે ત્રણેયે માંને સરપ્રાઇઝ ગિફ્ટ આપી.

માંને મન તો આ મધર ડે જેવું કાંઇ નહોતું... આનાકાની કરતા તેને ગિફ્ટ લીધી..

’તમે ત્રણેય મારા આંખના રતન છો... મારે મન તો બીજી બધી વસ્તુની કોઇ કિંમત નથી.’ માંએ વારાફરતી ત્રણેયના માથા પર હાથ મુક્યાં.

‘પણ બા ગિફ્ટ તો ખોલો....!’ ઉર્મિએ પ્લાન મુજબ પોતાનું કામ શરુ કર્યું.

બાએ હર્ષભેર ધ્રુજતી આંગળીએ ગિફ્ટ પરના રેપર હટાવ્યા... અને ત્રણેય બોક્ષમાં સાડીઓ ખુલ્લી મુકી.

‘વાહ...સરસ છે...!’ બા ત્રણેય સાડીઓ પર હાથ ફેરવવા લાગી.

‘બા.. હવે તમારે એક કામ કરવું પડશે... આ ત્રણેયમાંથી એક સાડી અત્યારે જ પહેરવી પડશે... અને હા.. તમને જે સૌથી વ્હાલું હોય તેની જ સાડી તમારે પહેરવાની છે હોં....!’ ઉર્મિએ તો બાને હિંમત કરીને કહી દીધું.

અને બાનો હાથ તરત જ તે સાડી પરથી હટી ગયો અને બોલી, ‘ મારે તો ત્રણેય સરખાં... કોઇ વધારે નહીને કોઇ ઓછુ નહી....એમ ન થાય...!’

‘પણ બા... પ્લીઝ... જો તમારે એક સાડી પહેરવાની હોય તો કોની સાડી પહેરો...!’ ઉર્મિએ આજીજી કરી.

‘ના બેટા... એ તું ના સમજી શકે... તું નાની છે...! એટલે એવી જીદ ના હોય...!’ બાએ પણ સામે તેને જીદ છોડી દેવા કહી દીધું.

‘જો બા આજે તમારે એક સાડી પહેરીને કહેવું પડશે કે તમને સૌથીવધુ વ્હાલું કોણ છે...? નહી તો અમે આજે જ ચાલ્યા જઇશું.’ ઉર્મિએ તો બાને કહી દીધું.

જો કે આ શબ્દોની અસર બા પર વજ્રાઘાત જેવી થઇ. તે ઘડીભર સૂનમૂન બની ગયા..અને પોતાના ત્રણેય સંતાનોની આંખોમાં વારાફરતી જોઇ લીધું અને તેઓ પરીક્ષા કરી રહ્યા છે તે સમજી ચુકી હતી.

બાએ ત્રણેય બોક્ષ હાથમાં લીધા અને પોતાની રૂમમાં ગયા.

ઉર્મિ તો ખુશીથી બોલી ઉઠી, ‘ જોયુંને મારો આઇડીયા...બા પણ માની ગયા...!'

જો કે ત્રણેય સંતાનોને આ રીતે માંની પરીક્ષા કરવાનું અંદરથી ગમ્યું નહોતું.

‘લાગે છે કે બાને ગ્રિન કલર ગમશે… મારી ફિયા જ બાને વ્હાલી છે...!’ ઉર્મિએ વાતાવરણને હળવું બનાવવા પ્રયત્ન કર્યો.

‘અરે... બા ને તો સફેદ રંગ જ ગમે છે એટલે બીજો એકે’ય રંગ નહી પહેરે..!’ ઉજ્વલ પણ થોડો મુક્ત બની બોલી ઉઠ્યો.

‘એ તો બહાર આવે એટલે જો’જો ને... નાનો દિકરો જ બાને વ્હાલો છે તેવી ખબર પડી જશે...!’ ગૌરવે પણ હિંમત કરીને મુડ ચેન્જ કરવા કહી દીધું.

પણ માંને આવતા વીસેક મિનિટથી પણ વધુ સમય  થઇ ગયો એટલે શોભનાની નજર દરવાજા પર સ્થિર બની અને વ્યગ્ર સ્વરે બોલી, ‘ મને લાગે છે કે આપણે માંની આ રીતે પરીક્ષા નહોતી કરવા જેવી તે દુ:ખી હશે...  હું રૂમમાં જઇને માંને મનાવી લઉં છું અને માફી માગી લઇએ.’

શોભના દરવાજા તરફ ડગ માંડે ત્યાં જ દરવાજો ખુલ્યો અને માં જે સાડી પહેરીને બહાર આવી તે જોઈને  દરેકની આંખો પહોળી થઇ ગઇ.

‘બા....યુ આર સુપર- ડુપર... મોમ...!’ ઉર્મિના મુખેથી તો ઉદગાર નીકળી ગયો.

‘તો હવે તમને સમજાયું કે મને સૌથી વ્હાલું કોણ છે....?’ માં એ ધ્રુજતા સ્વરે પોતાના ત્રણેય દિકરા સામે જોઇને કહ્યું.

‘હા... માં અમને માફ કરી દો અમે તારી પરીક્ષા કરેલી...!’ અને શોભના રડતાં રડતાં માંને વળગી પડી.

ઉર્મિ તો બાનું આ સ્વરુપ જોઇને નજીક આવી અને બોલી, ‘ બા.. તમે તો ત્રણેય સાડીઓના ત્રણ ટુકડા કરી ઉપર ઓરેંજ વચ્ચે સફેદ અને નીચે ગ્રીન રંગની સાડી સાંધીને પહેરી છે.. તમે તો આજે મધર ઇન્ડિયા લાગો છો. યુ આર ગ્રેટ.’

માં એ ત્રણેય સાડીના ટુકડા કરી તેને જોડીને એક નવી સાડી જ સાડી બનાવી લીધી હતી અને તે આજે ખરેખર મધર ઇન્ડિયા જ લાગી રહી હતી.

પોતાના ત્રણેય સંતાનો સામે જોઇને ધીરેથી બોલી, ‘ મારા દિકરાઓ... મારે મન તો તમે સૌ સરખાં... સાડીના ત્રણ ટુકડા ભલે થાય.. મારા પ્રેમના કોઇ નાના - મોટા ટુકડા નથી કે કોઇને ઓછો કે વધારે આપું.. તમને ક્યારેક એમ લાગ્યું હશે કે મેં કોઇને વધારે પ્રેમ આપ્યો છે પણ તેમાંથી કાયમ તમને કંઇક શીખવ્યું છે. પ્રસાદ કે કોઇ વસ્તુનો વધારે હિસ્સો ગૌરવ તને આપતી કે જેથી તને મોટા કરતાં ઓછું મળ્યું છે તેવો રંજ ના રહે... મારી દિકરી શોભના,  તું નાની હતી એટલે તારી જ આંગળી એટલે પકડી રાખતી કે તું ઘરની લક્ષ્મી અને આબરુ છે મારે તને સાચવવી પડે...! મોટા દિકરાને ઘરના બધા કામ સોંપતી કે જેથી તેને ધ્યાન રહે કે ઘરની તમામ જવાબદારી તેને નીભાવવી પડશે તારા પિતાજીની પાઘડી પણ એટલે પહેરાવતી કે તને ખ્યાલ રહે કે મોટા થઇને આ ઘર સંભાળવાનું છે.  આ બધું કરવા પાછળ પ્રેમની વહેંચણી કે સરખામણી નહોતી...  મારા દિકરોઓ મને તો તમે બધા જ સરખા વ્હાલા છો... આ લાડલી ઉર્મિ પણ...!’ અને માં એ ઉર્મિ તરફ બન્ને હાથ લાંબા કર્યા.

ઉર્મિ દોડતી આવી અને સામે જ લહેરાતા તિરંગાના પાલવમાં  ‘હેપ્પી મધર ડે’ કહેતી લપાઇ ગઇ.

*સ્ટેટસ*

*માં તો વર્ષમાં ૩૬૫ બાળદિન ઉજવે છે...*
*જ્યારે બાળક તો એક દિવસ મધર ડે ભજવે છે...*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા
*ચાર રોમાંચ જિંદગીના*
અને
ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક
*હું*
અવશ્ય વંચો અને વંચાવો...