Mar 29, 2018

નકારાત્મકતા ની અસર :- સૈલેશ સગપરિયા

બે નાના બાળકો ગામની બાજુમાં આવેલા એક જંગલમાં ફરવા માટે ગયા. જંગલમાં એક પાણીવગરનો કૂવો હતો. કૂવામાં શું છે ? એ જોવા માટે મોટો બાળક કૂવાના કાંઠે ગયો તો એનો પગ લપસ્યો અને એ કૂવામાં પડી ગયો. નાના બાળકે બહુ બુમો પાડી પણ એને સાંભળનારુ આજુબાજુમાં કોઇ જ નહોતું. કૂવામાં પડેલો મોટો બાળક પોતાને બહાર કાઢવા માટે રાડો પાડી રહ્યો  હતો.

નાના બાળકનું ધ્યાન કૂવાથી થોડે દુર પડેલા એક દોરડા પર ગયુ. દોરડું ઉપાડીને એણે કૂવામાં નાંખ્યુ અને મોટા બાળકને કહ્યુ, “ભાઇ, તું દોરડું પકડી લે હું તને બહાર કાઢી લઇશ. બચવાની આશા સાથે કૂવામાં રહેલા બાળકે દોરડું પકડી લીધુ અને બહાર રહેલો નાનો બાળક દોરડું ખેંચવા લાગ્યો. લગભગ 40 ફુટ જેટલા ઉંડા કૂવામાંથી નાના બાળકે એના મિત્રને હેમખેમ બહાર કાઢ્યો. બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા.

ગામમાં આવીને બંને મિત્રોએ લોકોને જંગલમાં બનેલી ઘટનાની વાત કરી. કોઇ આ છોકરાઓની વાત માનવા તૈયાર જ નહોતા. આટલી નાની ઉંમરનો બાળક એનાથી પણ મોટી ઉંમરના છોકરાને 40 ફુટ ઉંડા કૂવામાંથી બહાર કાઢી શકે એ શક્ય જ નહોતું. ગામલોકો આ બંને બાળકોને લઇને ફરીથી જંગલમાં ગયા. મોટા છોકરાને સલામત રીતે કૂવામાં ઉતારવામાં આવ્યો અને નાના છોકરાને કહેવામાં આવ્યુ કે હવે તું દોરડાથી પેલાને કૂવાની બહાર કાઢી બતાવ. અમને પુરી ખાત્રી છે કે તું આમ નહિ જ કરી શકે.

નાના બાળકે ખૂબ પ્રયત્નો કર્યા પણ એ મોટા બાળકને કૂવામાંથી બહાર ના કાઢી શક્યો. લોકોએ કહ્યુ કે આ છોકરાઓ આપણને મૂરખ બનાવતા હતા. નાના બાળકોએ કહ્યુ, “અમારા પર વિશ્વાસ કરો અમે સાચુ જ બોલીએ છીએ.” ત્યાં હાજર એક વડીલે કહ્યુ, “બીજા કોઇને વિશ્વાસ હોય કે ના હોય પણ મને તમારા પર વિશ્વાસ છે કે તમે જે કહો છો એ સાચું જ કહો છો.” કોઇએ એ વડીલને ટોકતા કહ્યુ, “તમે પણ વડીલ થઇને બાળકોની જુઠ્ઠી વાતને સાથ આપો છો. આખુ ગામ અત્યારે હાજર છે અને બધાએ સગી નજરે જોયુ કે આ છોકરો એના મિત્રને કૂવાની બહાર કાઢવામાં નિષ્ફળ ગયો.”

પેલા વડીલોએ કહ્યુ, “જ્યારે પ્રથમ વખત આ ઘટના બની ત્યારે ‘તારાથી આ કામ નહી થાય’ એવું કહેનારુ કોઇ હાજર નહોતું એટલે એમણે અશક્ય કામ પણ શક્ય કરીને બતાવ્યુ અને અત્યારે તમે બધા જ મંડી પડ્યા હતા કે તારાથી આ કામ કરવુ શક્ય જ નથી તો પછી આ છોકરો બિચારો કેવી રીતે કામ કરી શકે ?

આપણે આપણા સંતાનોને ‘બેટા, કોઇ જ કામ અશક્ય નથી’ એમ કહેવાને બદલે ‘બેટા, આ કામ તારાથી ના થઇ શકે’ એમ વધુ વખત કહીએ છીએ. કદાચ આપણી આ નકારાત્મકતા જ આપણા સંતાનોની ક્ષમતાને પ્રગટ થવામાં અવરોધ ઉભો કરે છે.
લેખક,સૈલેશ સગપરિયા