દિવસો જુદાઈના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી;
મારો હાથ ઝાલીને લઈ જશે,
મુજ શત્રુઓ જ સ્વજન સુધી;
ન ધરા સુધી,ન ગગન સુધી,
નહી ઉન્નતિ,ન પતન સુધી;
ફકત આપણે તો જવુ હતું,
હર એકમેકના મન સુધી;
દિવસો જુદાઈના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી;
તમે રાંકનાં છો રતન સમાં,
ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી
તો હદયથી જાઓ નયન સુધી.
દિવસો જુદાઈના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી;
તમે રાજરાણીનાં ચીર સમ,
અમે રંક નારની ચૂંદડી !
તમે તન પે રહો ઘડી બે ઘડી,
અમે સાથ દઈએ કફન સુધી.
દિવસો જુદાઈના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી;
જો હદયની આગ વધી ‘ગની’,
તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું,
કે પવન ન જાય અગન સુધી
દિવસો જુદાઈના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી;
More Gazal