તમે ભાવે ભજી લ્યો ભગવાન,
જીવન થોડું રહ્યું,
કંઇક આત્માનું કરજો કલ્યાણ,
જીવન થોડું રહ્યું.
એને દીધેલા કોલ તમે ભૂલી ગયાં,
જૂઠી માયાના મોહમાં ઘેલા થયાં,
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન...
જીવન થોડું રહ્યું,
બાળપણ ને યુવાનીમાં અડધું ગયું,
નહીં ભક્તિના મારગમાં પગલું ભર્યું,
હવે બાકી છે એમાં ધરો ધ્યાન...
જીવન થોડું રહ્યું,
પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં,
લોભ વૈભવ ધન, તજાશે નહીં,
બનો આજથી પ્રભુમાં મસ્તાન...
જીવન થોડું રહ્યું,
જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો,
કંઇક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો,
છીએ થોડા દિવસનાં મહેમાન...
જીવન થોડું રહ્યું,
બધા આળસમાં દિવસો વીતી જશે,
પછી ઓચિંતુ યમનું તેડું થાશે,
નહીં ચાલે તમારું તોફાન...
જીવન થોડું રહ્યું,
એ જ કહેવું આ દાસનું દિલમાં ધરો,
ચિત્ત રાખી ઘનશ્યામમાં સ્નેહે સમરો,
ઝાલો ઝાલો ભક્તિનું સુકાન...
જીવન થોડું રહ્યું,
તમે ભાવે ભજી લ્યો ભગવાન,
જીવન થોડું રહ્યું,
કંઇક આત્માનું કરજો કલ્યાણ,
જીવન થોડું રહ્યું.