संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् |
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन || 18.01
હે મહાબાહો, હે કેશિ દૈત્યનો નાશ કરનારા, હે ઇંદ્રિયોના નિયંતા! હું સંન્યાસનું તથા ત્યાગનું તત્ત્વ જુદું જુદું જાણવા ઇચ્છું છું.
काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदु: |
सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणा:|| 18.02
ફળની ઇચ્છાથી કરાતાં કર્મોનાં ત્યાગને જ્ઞાનીઓ ‘સંન્યાસ’ કહે છે. અને સર્વ કર્મના ફળના ત્યાગને વિવેકીઓ ‘ત્યાગ’ કહે છે.
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिण: |
यज्ञदानतप:कर्म न त्याज्यमिति चापरे || 18.03
કેટલાક વિદ્વાનો કહે છે કે, કર્મમાત્ર દોષયુક્ત છે, તેથી તેમને છોડી દેવાં જોઈએ, અને બીજા કહે છે કે, યજ્ઞ, દાન તથા તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી.
निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम |
त्यागो हि पुरुषव्याघ्र त्रिविध: संप्रकीर्तित: || 18.04
હે ભરતશ્રેષ્ઠ! સંન્યાસ અને ત્યાગ એ બન્નેમાં પહેલાં તું ત્યાગ વિષે મારો નિશ્ચય સાંભળ. ત્યાગ ત્રણ પ્રકારનો કહેલો છે.
यज्ञदानतप:कर्म न त्याज्यं कार्यमेव तत् |
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् || 18.05
યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યજવા યોગ્ય નથી, પણ એ (તો) કરવા યોગ્ય જ છે; કેમ કે યજ્ઞ, દાન અને તપ બુદ્ધિમાન-નિષ્કામ મનુષ્યોને પવિત્ર કરનારાં છે.
एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च |
कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्|| 18.06
હે પાર્થ! આ કર્મો પણ આસક્તિ અને ફળની ઇચ્છાને છોડીને જ કરવાં એવો મારો નિશ્ચિત, ઉત્તમ મત છે.
नियतस्य तु संन्यास: कर्मणो नोपपद्यते |
मोहात्तस्य परित्यागस्तामस: परिकीर्तित: || 18.07
(પ્રાણી-હિંસા, ચોરી વગેરે નિષિદ્ધ કર્મો અને ફક્ત ફળની લાલસાથી કરાતાં કામ્ય કર્મો – એમનો ત્યાગ તો યોગ્ય જ છે.) પરંતુ જે કર્મો આપણા ઉપર કર્તવ્ય તરીકે નિયત થયેલાં હોય તેમનો ત્યાગ કરવો ઉચિત નથી. છતાં આપણે અજ્ઞાનવશ તેમનો પણ ત્યાગ કરી દઈએ તો તેને તામસ ત્યાગ કહેવાય છે.
दु:खमित्येव यत्कर्म कायक्लेशभयात्त्यजेत्|
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् || 18.08
કર્મ કરવામાં બહુ દુ:ખ-માથાકૂટ રહેલી છે એમ સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્મોને છોડી દેવાય છે, તે રાજસ ત્યાગ છે. આવો ત્યાગ કરનારને ત્યાગનું ફળ મળતું નથી.
कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन |
सङ्गं त्यक्त्वा फलं चैव स त्याग: सात्त्विको मत: || 18.09
હે અર્જુન! કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ તેને કરવાનો પોતાનો ધર્મ સમજીને અને આસક્તિ તથા ફળની ઇચ્છાનો ત્યાગ કરીને કરાય છે, તે ત્યાગ સાત્ત્વિક છે.
ने द्वेष्ट्यकुशलं कर्म कुशलेनानुषज्जते |
त्यागी सत्त्वसमाविष्टो मेधावी छितसंशय: || 18.10
આવો સાત્ત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશયરહિત હોઈ મુશ્કેલ કામોનો દ્વેષ કરતો નથી અને સરળ કર્મોમાં આસક્ત થઈ જતો નથી. 10
न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषत: |
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते || 18.11
દેહધારીથી સંપૂર્ણ રીતે કર્મો છોડી દેવાં શક્ય નથી, તેથી જ કર્મના ફળનો ત્યાગ કરીને વર્તે તે જ ખરો ત્યાગી કહેવાય છે. 11
अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मण:फलम् |
भवत्यत्यागिनां प्रोत्य न तु संन्यासिनां क्वचित् || 18.12
ઇષ્ટ ફળ, અનિષ્ટ ફળ અને મિશ્ર ફળ – આ કર્મોનું ત્રણ પ્રકારનું ફળ છે. તે કામનાવાળા મનુષ્યોને બીજા જન્મમાં પ્રાપ્ત થાય છે. પરંતુ કર્મફળનો ત્યાગ કરીને કર્મ કરનારા સંન્યાસીઓને પ્રાપ્ત થતું નથી. 12
पंचैतानि महाबाहो कारणानि निबोध मे|
सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम्|| 18.13
સાંખ્યશાસ્ત્રમાં કર્મ સંબંધી નિર્ણયને અંતે સમસ્ત કર્મોને સિદ્ધ કરનારાં આ પાંચ કારણો કહ્યાં છે; તે મારી પાસેથી સાંભળ. 13
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् |
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पंचमम् || 18.14
દેશ-કાળ, કર્તા, જુદાં જુદાં સાધન, જુદી જુદી ક્રિયાઓ અને પાંચમું દૈવ. 14
शरीरवाङ्मनोभिर्यत्कर्म प्रारभते नर:|
न्याय्यं वा विपरीतं वा पंचैते तस्य हेतव: || 18.15
મન, વાણી અને શરીરથી મનુષ્ય જે કંઈ સારું અથવા ખોટું કર્મ કરે છે, તેમાં આ પાંચ કારણો હોય છે. 15
तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु य: |
पश्यत्यकृतबुद्धित्वात स पश्यति दुर्मति: || 18.16
પરંતુ આમ હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ પોતાને એકલાને જ કર્મોનો કર્તા માને છે, તે અજ્ઞાની યથાર્થ સમજતો નથી. 16
यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते |
हत्वापि स इमाँल्लोकात हन्ति न निबध्यते || 18.17
કર્મોમાં જેને ‘હું કર્તા છું’ એવો અહંકારનો ભાવ નથી અને (ફળની લાલસાથી) જેની બુદ્ધિ લેપાતી નથી, તે આ બધા લોકોને મારી નાખે તોપણ ખરી રીતે મારતો નથી કે બંધનમાં પડતો નથી. 17
ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना |
करणं कर्म कर्तेति त्रिविध: कर्मसंग्रह: || 18.18
કોઈ પણ કર્મ ઉત્પન્ન થવામાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય (જાણનાર, જાણવાની વસ્તુ અને જ્ઞાન) આ ત્રણ કર્મના પ્રેરક છે. અને કર્તા, કરણ (સાધન) અને ક્રિયા આ ત્રણ પ્રકારનાં અંગ છે. 18
ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदत: |
प्रोच्यते गुणसंख्याने यथावच्छृणु तान्यपि || 18.19
ગુણોની ગણતરી કરનાર (સાંખ્ય)શાસ્ત્રમાં જ્ઞાન, કર્મ અને કર્તાને પણ ગુણોના ભેદથી ત્રણ ત્રણ પ્રકારનાં કહેલાં છે. તેમને પણ તું સાંભળ. 19
सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते|
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् || 18.20
જે જ્ઞાનથી મનુષ્ય જુદાં જુદાં દેખાતાં સર્વ ભૂતોમાં એકરૂપે રહેલા અવિનાશી ભાવને જોઈ શકે છે તે જ્ઞાનને તું સાત્ત્વિક જાણ. 20
पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् |
वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् || 18.21
અને જે જ્ઞાનથી મનુષ્ય જુદાં જુદાં દેખાતાં સર્વ ભૂતોમાં જુદા જુદા અનેક ભાવોને રહેલા જુએ તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ. 21
यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् |
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् || 18.22
તથા જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના, તેનો હેતુ વિચાર્યા વિના તેમાં પૂરેપૂરી રીતે આસક્ત થઈ જાય છે, તે અલ્પ જ્ઞાનને તામસ કહેલું છે. 22
नियतं सङ्गरहितमरागद्वेषत: कृतम्|
अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते || 18.23
કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ રાગ-દ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઇચ્છા વગર મનુષ્ય કરે તેને સાત્ત્વિક કર્મ કહે છે. 23
यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुन: |
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम्|| 18.24
જે કર્મ ‘હું કર્તા છું’ એવા અભિમાનપૂર્વક ફળની કામનાવાળો મનુષ્ય બહુ મહેનત ઉઠાવીને કરે, તેને રાજસ કર્મ કહ્યું છે. 24
अनुबन्धं क्षयं हिंसामनवेक्ष्य च पौरुषम् |
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते || 18.25
પરિણામનો, વસ્તુઓના બગાડનો, હિંસાનો અને પોતાના ગજાનો વિચાર કર્યા વિના મનુષ્ય મોહથી-અજ્ઞાનથી જે કામનો આરંભ કરે છે, તે તામસ-કર્મ કહેવાય છે. 25
मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वित:|
सिद्धयसिद्धयोर्निर्विकार: कर्ता सात्त्विक उच्यते || 18.26
જે કર્તા આસક્તિરહિત, અહંકાર ન રાખનાર – બડાશ ન હાંકનાર છે તથા ધૈર્ય અને ઉત્સાહયુક્ત છે, તેમ જ કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં નિર્વિકાર (હર્ષ-શોક વિનાનો) છે, તે સાત્ત્વિક કર્તા કહેવાય છે. 26
रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचि:|
वर्षशोकान्वित: कर्ता राजस: परिकीर्तित: || 18.27
જે કર્તા આસક્તિથી યુક્ત, કર્મના ફળની ખૂબ ઇચ્છાવાળો અને લોભી છે તથા બીજાઓને કષ્ટ પહોંચાડવાના સ્વભાવવાળો, મેલા ઈરાદાવાળો તથા હર્ષ-શોકના આવેશવાળો છે, તેને રાજસ-કર્તા કહ્યો છે. 27
अयुक्त: प्राकृत: स्तब्ध: शठो नैष्कृतिकोऽलस: |
विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते || 18.28
જે કર્તા અવ્યવસ્થિત, અસંસ્કારી-અજ્ઞાની, અભિમાની-જક્કી, શઠ, બીજાઓને છેતરનારો, આળસુ, શોક કરનારો તથા દીર્ઘસૂત્રી છે, તે તામસ-કર્તા કહેવાય છે. 28
बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु|
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनंजय || 18.29
હે ધનંજય! હવે હું બુદ્ધિ અને ધૃતિનો, ગુણોને લીધે જે ત્રણ પ્રકારનો ભેદ છે તે તને પૃથક્ પૃથક્ પૂરેપૂરો કહું છું, સાંભળ. 29
प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्येभयाभये |
बन्धं मोक्षं च या वेत्ति बुद्धि: सा पार्थ सात्त्विकी || 18.30
હે પાર્થ! જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય, ભય અને અભય તથા બંધન અને મુક્તિને જે જાણે છે, તે સાત્ત્વિક બુદ્ધિ છે. 30
यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च |
अयथावत्प्रजानाति बुद्धि: सा पार्थ राजसी || 18.31
અને હે પાર્થ! જેના વડે (મનુષ્ય) ધર્મ અને અધર્મને તથા કાર્ય અને અકાર્યને યથાર્થ રીતે જાણી શકતો નથી, તે બુદ્ધિ રાજસી છે. 31
अधर्मं धर्ममिति या मन्यते तमसावृता|
सर्वार्थान्विपरीतांश्च बुद्धि: सा पार्थ तामसी || 18.32
હે પાર્થ! અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે, તે બુદ્ધિ તામસી છે. 32
धृत्या यया धारयते मन:प्राणेन्द्रियक्रिया:|
योगेनाव्यभिचारिण्या धृति: सा पार्थ सात्त्विकी || 18.33
હે પાર્થ! મનુષ્ય જે એકનિષ્ઠ ધૃતિથી મન, પ્રાણ અને ઇંદ્રિયોની ક્રિયાઓને આત્મયોગથી ધારણ કરે છે, તે સાત્ત્વિક ધૃતિ (ધીરજ) છે. 33
यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन |
प्रसङ्गेन फलाकाङ्क्षी धृति: सा पार्थ राजसी || 18.34
તથા હે અર્જુન! ફળની આકાંક્ષાવાળા લોકો જે ધૃતિથી ધર્મ, કામ અને અર્થને આસક્તિપૂર્વક ધારણ કરે છે, તે રાજસી ધૃતિ છે. 34
यया स्वप्नं भयं शोकं विषादं मदमेवच |
न विमुञ्चति दुर्मेधा धृति: सा पार्थ तामसी || 18.35
હે પાર્થ! જે ધૃતિ વડે દુર્બુદ્ધિવાળા મનુષ્યો નિદ્રા, ભય, શોક, ખેદ તથા જડતાને છોડી શકતા નથી, તે તામસી ધૃતિ છે. 35
सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ |
अभ्यासाद्रमते यत्र दु:खान्तं च निगच्छति || 18.36
હે ભરતશ્રેષ્ઠ! હવે ત્રણ પ્રકારના સુખને તું મારી પાસેથી સાંભળ. એ સુખમાં માણસ ટેવને લીધે રમમાણ થાય છે અને દુ:ખનો અંત પામે છે. 36
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् |
तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम्|| 18.37
જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે, પણ પરિણામે અમૃત સમાન હોય તેવું આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી ઊપજેલું સુખ સાત્ત્વિક કહેલું છે. 37
विषयेन्द्रियसंयोगाद्यात्तदग्रेऽमृतोपमम् |
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् || 18.38
વિષયો અને ઇંદ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે, પણ પરિણામે ઝેર જેવા ગુણ કરે, તેને રાજસ કહ્યું છે. 38
यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मन: |
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् || 18.39
જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનારું છે અને નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયેલું છે, તેને તામસ સુખ કહ્યું છે. 39
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुन: |
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभि: स्यात्त्रिभिर्गुर्णै:|| 18.40
પૃથ્વી પર, આકાશમાં અથવા દેવલોકમાં એવું કોઈ (પ્રાણી) નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થતા આ ત્રણ ગુણોથી મુક્ત હોય. 40
ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परंतप |
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणै: || 18.41
હે પરંતપ! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રોનાં કર્મોના તેમના સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભાગ કરવામાં આવ્યા છે. 41
शमो दमस्तप: शौचं क्षान्तिरार्जवमेव च |
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् || 18.42
મનનો નિગ્રહ, ઇંદ્રિયોનું દમન, તપ, પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવ, આસ્તિકતા એ બ્રાહ્મણનાં સ્વભાવજન્ય કર્મો છે. 42
शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् |
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् || 18.43
શૌર્ય, તેજ, ધૈર્ય, ચતુરતા, યુદ્ધથી ન ભાગવું, દાન અને ઈશ્વરભાવ (એ) ક્ષત્રિયના સ્વભાવથી થતાં કર્મ છે. 43
कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् |
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् || 18.44
ખેતી, ગાયોનું પાલન અને વેપાર – આ વૈશ્યનાં સ્વાભાવિક કર્મો છે અને ચાકરી શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. 44
स्वे स्वे कर्मण्यभिरत: संसिद्धिं लभते नर: |
स्वकर्मनिरत: सिद्धिं यथा विन्दति तच्छृणु || 18.45
પોતપોતાનાં (સ્વાભાવિક) કર્મોમાં રત રહેલો મનુષ્ય ઉત્તમ સિદ્ધિ (મોક્ષ) પામે છે. પોતાનાં કર્મમાં રત રહેલો જે પ્રકારે સિદ્ધિ પામે છે તે તું સાંભળ. 45
यत: प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम्|
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: || 18.46
જેનાથી પ્રાણીઓ ઉત્પન્ન થઈ કર્મોમાં પ્રવૃત્ત રહે છે, જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, તેને (પરમાત્માને) પોતાનાં (સ્વાભાવિક) કર્મ વડે પૂજીને (અંત:કરણની શુદ્ધિરૂપ-મોક્ષરૂપ) સિદ્ધિને પામે છે. 46
श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वभावनियतं कर्म कुर्वताप्नोति किल्बिषम् || 18.47
બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને તેના કરતાં પોતાનો ધર્મ મુશ્કેલ અને ઓછા ગુણ-લાભવાળો હોય છતાં માણસને પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે; કારણ કે પોતાની સાથે સ્વાભાવિક રીતે નિયત થયેલ કર્તવ્યનું આચરણ કરનાર મનુષ્ય પાપી બનતો નથી. 47
सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् |
सर्वारम्भा हि दोषेण धूमेनागिन्रिवावृता: || 18.48
(માટે) હે કુંતીપુત્ર! (પોતાનું) સ્વાભાવિક કર્મ દોષવાળું હોય તોપણ તેનો ત્યાગ કરવો ન જોઈએ; કારણ કે ધુમાડાથી અગ્નિની પેઠે બધાંય કર્મોની સાથે કોઈ ને કોઈ દોષ લાગેલો જ હોય છે. 48
असक्तबुद्धि: सर्वत्र जितात्मा विगतस्पृह: |
नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति || 18.49
જેની બુદ્ધિ બધેથી આસક્તિરહિત બની છે, જેણે મન અને ઇંદ્રિયોને જીત્યાં છે, જેને કોઈ જાતની સ્પૃહા રહી નથી, તે મનુષ્ય સંન્યાસ વડે (પરમાર્થભાવે નિષ્કામ કર્મો કરતો છતાં) કર્મબંધનથી મુક્ત થવારૂપ પરમ સિદ્ધિને પામે છે. 49
सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोधमे |
समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा || 18.50
હે કૌંતેય! એ પ્રમાણે સિદ્ધિ પામેલો મનુષ્ય બ્રહ્મને જે રીતે પામે છે – જાણે છે, તે મારી પાસેથી ટૂંકમાં સાંભળ. એ જ જ્ઞાનની પરાકાષ્ઠા છે. 50
बुद्धया विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्यच |
शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च || 18.51
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानस: |
ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रित:|| 18.52
अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् |
विमुच्य निर्मम: शान्तो ब्रह्मभूयाय कल्पते || 18.53
તેવો વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દૃઢતાપૂર્વક પોતાનું નિયમન કરી, શબ્દ, સ્પર્શ વગેરે વિષયોનો ત્યાગ કરીને રાગદ્વેષને છોડી દઈ, મિતાહાર તથા એકાંતસેવન દ્વારા વાણી, શરીર તથા મનને વશ કરી, નિત્ય મારા ધ્યાનયોગમાં પરાયણ રહી, વૈરાગ્ય ધારણ કરી, અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરીને મમતારહિત અને શાંત થાય છે. આથી તે બ્રહ્મભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. 51-53
ब्रह्मभूत: प्रसन्नात्मा न शोचति न काङ्क्षति |
सम: सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् || 18.54
બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો મારી પરમ ભક્તિને પામે છે. 54
भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वत: |
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् || 18.55
મારી પરમ ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કેવો છું ને કોણ છું તે યથાર્થરૂપે જાણે છે. અને પછી મને એ પ્રમાણે ખરેખરા સ્વરૂપે જાણવાથી મારામાં પ્રવેશ કરે છે. 55
सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रय: |
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम्|| 18.56
તેવો મારા પરાયણ થયેલો મનુષ્ય સર્વ કર્મો રોજ કરતો હોવા છતાં પણ મારી પ્રસન્નતાથી અવિનાશી શાશ્વત પદને પ્રાપ્ત થાય છે. 56
चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्पर: |
बुद्धियोगमुपाश्रित्य मच्चित्त: सततं भव || 18.57
તું મન વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી, મારા પરાયણ થઈ, (સમભાવરૂપ) બુદ્ધિયોગનો આશ્રય કરી સદા મારામાં ચિત્તવાળો થા. 57
मच्चित: सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि|
अथ चेत्त्वमहंकारात श्रोष्यसि विनङ्क्ष्यसि || 18.58
મારામાં ચિત્તવાળો તું મારી કૃપાથી સર્વ સંકટો ઓળંગી જઈશ; પણ અહંકારથી (મારું વચન) જો તું નહિ સાંભળે તો નાશ પામીશ. 58
यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे |
मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति || 18.59
અહંકારને આધારે તું જે એમ માને છે કે, ‘હું નહિ લડું’ પણ એ તારો નિશ્ચય મિથ્યા છે; કારણ કે તારો સ્વભાવ જ તને એમાં બળાત્કારે જોડશે. 59
स्वभावजेन कौन्तेय निबद्ध: स्वेन कर्मणा |
कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्यवशोऽपि तत् || 18.60
હે કૌંતેય! અત્યારે મોહવશ તું જે કર્મને કરવા નથી ચાહતો, તે કર્મને તું તારા સ્વભાવજન્ય પૂર્વકર્મથી બંધાયેલો હોઈ પરવશ થઈને પણ કરીશ. 60
ईश्वर: सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति|
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया || 18.61
હે અર્જુન! (સંસારરૂપ)યંત્ર પર ચઢેલાં સર્વ પ્રાણીઓને માયા વડે ભમાવતો ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયપ્રદેશમાં રહે છે. 61
तमेव शरणं गच्छ सर्वभावेनभारत |
तत्प्रसादात्परां शान्तिंस्थानं प्राप्स्यसि शाश्वतम् || 18.62
હે ભારત! તું સર્વ ભાવથી તે પરમેશ્વરને જ શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન-મોક્ષપદ પામીશ. 62
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया |
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु || 18.63
આ પ્રમાણે મેં તને આ ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન કહ્યું. આને તું પૂરેપૂરું વિચારીને પછી જેમ ઇચ્છે તેમ કર. 63
सर्वगुह्यतमं भूय: शृणु मे परमं वच: |
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् || 18.64
વળી સર્વથી પણ વધારે ગુહ્ય આ મારું પરમ હિતકર વચન સાંભળ. તું મને ખૂબ પ્રિય હોવાથી હું તે તને કહું છું. 64
मन्मना भव मद्भक्तो मद्याजी मांनमस्कुरु |
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे || 18.65
તું મારામાં મનવાળો, મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર; (એમ કરવાથી) તું મને જ પામીશ. (આ) તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું; કેમ કે તું મને પ્રિય છે. 65
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज |
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: || 18.66
સર્વ ધર્મો છોડી તું મને એકને શરણે આવ; હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. 66
इदं ते नातपस्काय नाभक्ताय कदाचन |
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति || 18.67
આ ગીતાજ્ઞાન તારે કદી તપરહિતને, અભક્તને સાંભળવા નહિ ઇચ્છનારને તથા જે મારો દ્વેષ કરે છે, તેને કહેવું નહિ. 67
य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति|
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशय: || 18.68
જે આ પરમ ગુહ્ય જ્ઞાન મારા ભક્તોને કહેશે, તે તે રીતે મારી પરમ ભક્તિને જ સિદ્ધ કરી નિ:સંદેહ મને પામશે. 68
न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तम: |
भविता न च मे तस्मादन्य: प्रियतरो भुवि || 18.69
મનુષ્યોમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી. આ પૃથ્વી ઉપર તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થનારો નથી. 69
अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयो: |
ज्ञानयज्ञेन तेनाहमिष्ट: स्यामिति मे मति: || 18.70
તથા જે મનુષ્ય આપણા આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે, તેણે જ્ઞાનયજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું. 70
श्रद्धावाननसूयश्च शृणुयादपियो नर: |
सोऽपि मुक्त: शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम्|| 18.71
તથા જે મનુષ્ય આમાં શ્રદ્ધાવાન અને દ્વેષબુદ્ધિ વિનાનો થઈને આને કેવળ સાંભળશે, તે પણ પાપોથી મુક્ત થઈ પુણ્યવાનોના શુભ લોકોને પ્રાપ્ત થશે. 71
कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा |
कच्चिदज्ञानसंमोह: प्रनष्टस्ते धनंजय || 18.72
હે પ્રાથ! શું મેં કહેલો આ ઉપદેશ તેં એકાગ્ર ચિત્તે સાંભળ્યો? અને હે ધનંજય! આથી તને અજ્ઞાનથી થયેલો મોહ નાશ પામ્યો? 72
અર્જુન ઉવાચ
नष्टो मोह: स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत |
स्थितोऽस्मि गतसन्देह: करिष्ये वचनं तव || 18.73
હે અચ્યુત! આપની કૃપાથી મોહ નાશ પામ્યો છે અને મેં (સ્વધર્મકર્મ – આત્મજ્ઞાન આદિની) સ્મૃતિ મેળવી છે; (હવે) સંશયરહિત થઈ હું ઊભો છું અને આપના વચન પ્રમાણે કરીશ. 73
સંજય ઉવાચ
इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मन: |
संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम्|| 18.74
એ પ્રમાણે મહાત્મા શ્રીકૃષ્ણ અને અર્જુનનો આ અદ્ભુત રોમાંચક સંવાદ મેં સાંભળ્યો. 74
व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहंपरम् |
योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयत: स्वयम् || 18.75
શ્રીવ્યાસભગવાનની કૃપાથી (દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થયેલા) મેં આ પરમ ગુહ્ય યોગ, યોગેશ્વર શ્રીકૃષ્ણ (અર્જુનને) કહી રહ્યા હતા તેમની પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો. 75
राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् |
केशवार्जुनयो: पुण्यं हृष्यामि च मुहुर्मुहु: || 18.76
હે ધૃતરાષ્ટ્ર! શ્રીકૃષ્ણ અને અર્જુનનો આ અદ્ભુત પવિત્ર સંવાદ સંભારી સંભારી હું વારંવાર હર્ષ પામું છું. 76
तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतंहरे: |
विस्मयो मे महान् राजन्हृष्यामि च पुन: पुन: || 18.77
અને હે રાજન! શ્રીહરિના તે અતિ અદ્ભુત સ્વરૂપને સંભારી સંભારી મને મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર હર્ષ પામું છું. 77
यत्र योगेश्वर: कृष्णो यत्र पार्थो धनुर्धर: |
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम || 18.78
જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ છે, એવો મારો મત છે. 78
ઇતિ શ્રીમદ્ ભગવદ્ગીતા સૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘મોક્ષસંન્યાસયોગો’ નામાષ્ટાદશોઅધ્યાય:
श्रीमद् भगवद् गीता समाप्त ।