Apr 28, 2018

WhatsApp niVaarta-17 'મામાનું ઘર કેટલે.....??' - ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

વ્હોટસ અપની વાર્તા –  ૧૭
લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

*'મામાનું ઘર કેટલે.....??'*

મયંક પોતાના મનને મનાવીને મામાના ઘરે દસ વર્ષ પછી આવ્યો હતો.

ખૂબ જાહોજલાલી અને ભૌતિક સુખો વચ્ચે આળોટેલા મયંકને તો ગામડાંમાં જવું એ જ સજા હતી, અને તેમાં પણ ખૂબ સિધ્ધાંતવાદી અને સમયના આગ્રહી મામા પાસે મયંકનો ક્યારેય મનમેળ નહોતો થતો.

મામા શહેરની દુનિયાથી ઘણે દુર સાવ આદિવાસી અને અંતરીયાળ સરહદી ગામમાં ફરજ બજાવતાં. જો કે મામા માત્ર ફરજ નહી પણ તે ગામને સમર્પિત થઇ ગયા હતા.



મમ્મી તો આખાય રસ્તામાં એક જ
ગીત ગણગણી રહી હતી... ‘મામાનું ઘર કેટલે.....? દિવો બળે એટલે....!!’

મયંક્ને આ ગીતથી ભારે ચીડ થઇ ગઇ હતી.

અને આખરે તેઓ પહોંચ્યા મામાના ઘરે...

‘આવ,ભાણા....બહુ વર્ષે તને જોયો.... પણ આ માથે કેમ મુંડન કરાવ્યું છે...???’ મામાએ માથે હાથ ફેરવતા જ મયંકને તેમના બોલેલા શબ્દો સોટીની જેમ વાગ્યા... જે વાળની ફેશનથી મયંક કોલેજમાં ફુટબોલનો મેડ્રીડ હીરો ઓળખાતો તે અહીં મામાની નજરમાં મુંડનમાં ખપી ગયું....!’

મા પણ મામાના શબ્દો સાંભળી હસી પડી.
જો કે મયંકે તો મોમ સામે તીખી નજરે જોયું તો તે ચુપ થઇ ગઇ. પણ મનમાં તે હસી રહી હતી.

‘મોમ... જલ્દી મારો મોબાઇલ ને લેપટોપ ચાર્જ કરી દે... મારે...!!’

‘ભાણા... આ ગામમાં ત્રણ દિવસ લાઇટ આવવાની નથી...!!’ મામાએ ભાણાની ઇચ્છા પર પાણી ફેરવી દીધું.

‘ત્રણ દિવસ.. લાઇટ વગર.... ઓહ માય ગોડ....અહીં તો ત્રણ મિનિટ પણ ના રહેવાય...!’ ભાણાએ તો ચોખ્ખે ચોખ્ખુ મામાને કહ્યું.

મામાએ તો મયંકને પોતાના આલિંગનમાં લીધો અને કહ્યું, ‘તું ચિંતા ન કરીશ.. આ તારો મામો છે... તને કોઇ તકલીફ નહી પડે...!’

પણ પહેલો દિવસે મયંક માટે અસહ્ય થઇ પડ્યો... વ્હોટસ અપનાં બંધાણી મયંક્નું મન તો ક્યારનું’યે મામાનું ઘર છોડીને ભાગી ગયુ હતું.

વળી બન્યું એમ કે લાઇટ વગર સાથે લાવેલી ચોકલેટ્સ, બ્રેડ, પાંઉ , ચીઝ બધુ બગડી ગયું...મયંક્ને મન તો આ જ તેનો સ્વાદિષ્ટ ખોરાક હતો. અહીં કોલ્ડ્રીંક્સ કે આઇસ્ક્રીમને તો બાર ગાઉનું છેટું હતું.

મયંક તો તેનો બધો ગુસ્સો વારેવારે તિરસ્કારભરી નજરે મમ્મી પર ઉતારી રહ્યો હતો.

રાત્રે અંધારામાં ખાવાનું પણ મયંકને ખૂબ અસહ્ય લાગ્યું. મનની અનિચ્છા પણ ભોજનને વધુ બેસ્વાદ બનાવી દે છે તેવો અનુભવ મયંકને થયો.

‘એક કામ કર તો કાલે સવારથી મારી સાથે સ્કુલે આવ.... ત્યાં તારે લાઇટની જરુર જ નહી પડે..!’ મામાએ કહ્યું.

‘આ વેકેશનમાં સ્કુલે થોડું જવાનું હોય..??’ મયંકને તો આશ્ચર્ય થયું.

મામા આ સાંભળતા ખખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘એ તો તમે શહેરના લોકો ખુબ ભણો એટલે થાકી જાવ.. એટલે તમારે વેકેશન જોઇએ.. અમારે અહીં તો ભણવાનો કોઇને ક્યારે થાક જ નથી...!’

‘મયંક, તું મામાની સ્કુલ જોઇ લે જે, તને મજા આવશે...!’ મમ્મીએ પણ મામાનો સાથ પુરાવ્યો.

‘હા.. એ તો આવશે... મામાના ઘરે આવ્યો છે.. તો મામા સાથે રહેવુ પણ પડે....’ મામાએ પડછંદ અવાજમાં કહ્યું.

અનિચ્છાએ મયંકે  ડોકુ હલાવ્યું તો ખરું.

બીજા દિવસે સવારે પાંચ વાગે તો મામાએ મયંકનું ગોદડું ખેંચી લીધુ અને મામાએ જલ્દી તૈયાર થવાનો આદેશ આપી દીધો.

‘સારુ બ્રશ કરી લઉં અને નાહી લઉં...!’ મયંકે ઉભા થતા કહ્યું.

‘એ બધું સ્કુલે જઇને...!’ મામા તો મયંકને ખભે કરીને ઓસરી સુધી લઇ આવ્યાં.

‘હેં સ્કુલે..??’ મયંક તો સમજી ના શક્યો.

અને બન્ને સ્કુલ તરફ ચાલ્યા. રસ્તામાં મામાએ એક ઝાડની ડાળખીનું દાતણ આપ્યું અને રસ્તામાં જ મયંકને કુદરતી બ્રશ કરવાનો પહેલીવાર અનુભવ થયો.

મામા સ્કુલે પહોંચ્યા તો સ્કુલમાં પાંચથી પંદર વર્ષ સુધીના ચાલીસેક છોકરા હાજર હતા. બધાની હાલત અતિ સામાન્ય કક્ષાની હતી. તેમના પહેરવેશ અને આંખો જ તેમની અત્યંત ગરીબીની ચાડી ખાતી હતી.

મામાને જોઇને બધા તેમને પગે લાગ્યાં.

‘મામા.. સ્કુલમાં શું ભણાવશો..? કોઇ ચોપડીઓ તો લાવ્યું જ નથી...’ મયંકે છોકરાઓની હાલત જોઇને પુછી લીધું.
‘ભાણા... અહીં તો જીવનનું ભણતર ચાલે છે...ચોપડીઓનું નહી...!સરકારી ચોપડે ભલે રવિવાર, દિવાળી કે ઉનાળું વેકેશન હોય પણ અમારે તો રોજ ભણતર ચાલુ જ હોય..!..’
મામા થોડીવાર રોકાઇને ફરી બોલ્યા, ‘ અરે.. હું તારો પરિચય આ છોકરાઓને આપી દઉં..!’
મામા છોકરઓને ભેગા કરી બોલ્યા, ‘આ છે મારો ભાણો..મયંક ઉર્ફે મેડ્રીડ....!’
‘હેં મુંડી....!’ તેમાનો એક છોકરો જોરથી બોલ્યો અને બધા હસી પડ્યાં.

મયંક તો અંદરથી ધુંઆપુંઆ થઇ ગયો.
મામાએ તેમની આંખોની ધાર તેજ કરી તો બધા શાંત થઇ ગયા.

‘સારુ છોકરઓ પહેલા આપણે ન્હાવા જઇએ...!’ મામાએ બધાને આદેશ કર્યો.
બધા સ્કુલથી થોડે દુર નદીએ પહોંચ્યા. બધાને કિનારે ઉભા રાખ્યા અને કહ્યું, ‘આજે જોઇએ સામે કિનારે કોણ પહેલા પહોંચે છે..??’

મયંક ખુશ થયો. તેને મનમાં થયું કે  આજે આ બધાને બતાવી દઉં કે પોતે સ્વિમીંગ માસ્ટર છે.

સૌએ એકસાથે  છલાંગ લગાવી.
મયંક તો શહેરના સ્વિમીંગ પુલના પાણીમા તરેલો. નદીના પ્રવાહમાં કેવી  તકલીફો પડે છે તે તો સોએક મીટર પછી ખબર પડી. થોડીવારમાં તો તે સાવ થાકી ગયો. સાવ ગામડીયા જેવા લાગતા દરેક છોકરા તેની આગળ નીકળી ગયા હતા. અને તે નદીની વચ્ચે ફસાઇ ગયો.

મયંક્ને નદી વચ્ચે ફસાયેલો જોઇ બધા એકસાથે તેની તરફ પાછા ફર્યા અને જે જોરથી ‘મુંડી’ બોલ્યો તો તેને જ મયંકને ખભે કરી સહારો આપ્યો.

મયંક્ને યાદ આવ્યું કે તે  એકવાર સ્વિમીંગ કોમ્પીટીશનમાં તે થાકીને ડુબી રહ્યો હતો છતાં કોઇ તેને બચાવવા તૈયાર નહોતું કારણ કે ત્યારે સૌને પ્રથમ આવવાની હોડ હતી.

મયંક પોતાને સ્વિમીંગ માસ્ટર માનતો હતો પણ અહીંનો નાનો ટાબરીયો પણ તેના કરતા વધુ સારો તરવૈયો હતો.
મામા આ બધું જોઇ રહ્યા હતા.

બધા નદીમાંથી નીકળ્યા પછી તેમની બીજી રમત શરુ થઇ. જે હતી આંબલી-પીપળી.
ઝાડ પર ચઢ્વાનુ અને ઉતરવાનું...શહેરની આર્ટીફીશીયલ એડવેન્ચર એક્ટીવીટી કરતા અહીં તો અનેકગણી મજા હતી...

પછી મયંકને મનગમતી રમત ફુટબોલ શરુ કરી.
મયંકને તો હતુ કે આ ગેમનો હીરો તો પોતે જ હશે.પણ તે ગામડાના સાવ આદીવાસી છોકરઓની રેસમાં તે સાવ માયકાંગલો લાગ્યો.
તે સૌની ચપળતા ખાડા ટેકરાવાળા મેદાનમાં પણ અદભૂત હતી. મયંક પોતાને મેડ્રીડ માની રહ્યો હતો પણ અહીં તે એક પણ ગોલ નહોતો કરી શક્યો.
આખરે તેને બળજબરીથી દોડ લગાવી અને પછડાયો. પગના બન્ને ગોંઠણ છોલાઇ ગયા.

‘ઓ..મા...!’  કરતો મયંક મેદાન વચ્ચે બેસી ગયો.
‘બેન્ડેજ હોય તો લાવો.....!’ મયંક બરાડી ઉઠ્યો.

એવામાં એક છોકરાએ મેદાનમાં ઉગેલા એક છોડના પાનને મસળીને તેના ઘાવ પર લગાવી દીધું.

‘શું કરે છે ઇન્ફેક્શન લાગશે....!’ મયંકે તેનો હાથ પકડ્યો.
‘આ તો પાક્યાના પાન છે... કોઇ’દી કોઇને પાકે નહી ... અમારા આખા ગામમા આજ દિન સુધી કોઇને ઇન્ફેકશન થયું નથી. તેનુ કારણ આ પાન છે.’ એટલું કહી પેલા’એ તો ઘાવ પર થોડીવાર ફરી મસળ્યું.
થોડીવાર લ્હાય ઉઠી પણ પછી તેમા ઠંડક લાગી.

થોડીવાર પછી ફરી ફુટબોલ ગેમ શરુ થઇ. આજે મેડ્રીડની ટીમ હારી ગઇ હતી. રીયલ મેડ્રીડ આજે થાકીને લોથ થઇ ગયો હતો.

અને પછી સૌ સ્કુલે ભેગા થયા. સ્કુલમાં મામાએ એકાદ કલાક સૌને ભણાવ્યું. આ ભણતરમાં કોઇ ચોપડીની તેમને જરુર નહોતી. સૌ કોઇ ખુશીથી ભણી રહ્યા હતા.

ખરેખર અહીં કોઇને વેકેશનની જરુર નહોતી કારણ કે અહીં આ રીતે ભણવાથી કોઇ થાકી જાય તેમ નહોતું.

બપોરે સૌ સાથે જમવા બેઠાં. સૌ કોઇ પોતાના ઘરેથી ટીફીન લાવ્યા હતા. મામા પણ બે ટીફીન સાથે લાવેલા.
સૌએ પોત-પોતાની વસ્તુ એક્મેકને વહેંચી..તે દરેક્ની થાળીમાં રાતનો સુકાયેલા રોટલો અને લાલ ચટણી હતી.

મયંક તેમની વચ્ચે બેસી ગયો. તેમાંથી એકની થાળીમાંથી બટકુ રોટલો લઇને તે ચટણી ખાધી.
કાલ રાતના ભૂખ્યા અને ખૂબ થાકેલા મયંકને તે કોળીયામાં અદભૂત સ્વાદનો અનુભવ થયો.
બપોરે સૌ મોટા વડલા નીચે ભેગા થયા અને સૌ આડા પડખે થયા. ડનલોપની ગાદી કે એસીની ઠંડક વિના પણ આજે મયંક એક મિનિટમાં ઘસઘસાટ ઉંઘી ગયો.
જાગ્યો ત્યારે ખબર પડી કે તે બે કલાક સુધી જમીન પર સુઇ ગયો હતો.

ઉઠીને તેને જોયું તો મામા સૌને સાફ –સફાઇ કરાવી રહ્યાં હતા.  મયંક પણ તેમની સાથે જોડાઇ ગયો.

અને સાંજે ઘરે પાછા ફર્યા.

રાત્રે વાળું કર્યા પછી મયંકે દુર ફળીયામાં પોતાનો ખાટલો લીધો અને આડા પડખે થયો. બધાના ઘરની બારીમાંથી સળગતા દિવાનો પ્રકાશ અને ચાંદની તે જ આ ગામની રોશની હતી.

એવામાં માં પાસે આવી. અને મયંકના ખાટલે માથાની નજીક બેસી અને બોલી, ‘ સોરી મેડ્રીડ... હું તને પરાણે અહીં લઇ આવી. તું મારા પર ગુસ્સે થયો હોઇશ. આજે તને આમ એકલવાયો જોઇને લાગે છે કે મેં તને સાથે લાવવાની ખોટી જીદ કરી. અહીં લાઇટ, સારુ પાણી, તને ભાવતું ભોજન, તને ગમતી એક્ટીવીટી  જેવું કશુ જ નથી.... કાલે જ આપણે અહીંથી સ્પેશ્યલ કાર કરીને નીકળી જઇશું..!’

મયંકે તરત જ તેનુ માથું માંના ખોળામાં મુકી દીધું અને કહ્યું,  ‘માં તુ પેલુ ગીત ગાતી’તીને કે મામાનું ઘર કેટલે..?? દિવો બળે એટલે...!!. જો તે દિવો સામે દેખાય છે... આજે મને લાગ્યું કે આ મામાના નાનક્ડા દિવાનું અજવાળું શહેરની ઝગમગતી રોશની કરતા અનેક ગણું વધારે છે... વેકેશન, રવિવાર  કે જાહેર રજા શોધતા શિક્ષકો કરતા તો મારા મામા જુદી જ માટીના છે...! તેં કીધુ કે અહીં મારુ ભાવતું ભોજન નથી... પણ આજે ખરેખર બપોરે ખૂબ થાક્યા પછી મેં જ્યારે સુકો રોટલોને ચટણી ખાધી તો લાગ્યું કે જમવાનો સ્વાદ વ્યંજનોમાં નહી ભૂખમાં હોય છે.... આજે મને બપોરે જમીન પર જે ઊંઘ આવી તેનાથી પણ હું શીખ્યો કે ઊંઘને એસી કે ડનલોપની નહી થાક્ની જરુર છે..... શહેરમાં એક્ટીવીટીમાં કેમ જીતવું તે જ શીખવાડાય છે, પણ અહીં તો બધાની સાથે કેમ રમવું તે મામા ખૂબ સારી રીતે શીખવાડે છે... મામા એક પરફેક્ટ કોચ પણ છે...! અરે થોડું વાગે તો મેડીકલ કીટ શોધતા આપણે સૌ કેવા માયકાંગલા છીએ... અહીંયા તો દરેક છોકરાને એક એક વનસ્પતિમાં મેડીકલ કીટ દેખાય છે. આ જો કોઇ વનસ્પતિના પાંદડાનો રસે મારા ઘાવને મિનિટોમાં સારો કરી દીધો..!!’
‘ઓહ... મેડ્રીડ.. તને ક્યારે વાગ્યું....??’ માં એ તેના વાગેલા ઘાવ પર હળવેથી આંગળીઓ ફેરવી.

મયંક હજુ પણ આગળ કહી રહ્યો હતો...’મોમ... તું  ઉપર તો જો... કેવું વિશાળ અને સ્વચ્છ આકાશ.. મેં સ્કાય અએન સ્ટારનાં ઘણા પ્રોજેક્ટ ઇન્ટરનેટ પરથી  ડાઉનલોડ કર્યા પણ આકાશની આટલી ભવ્યતા તો આ મામાનાં ટમટમતા દિવાથી જ દેખાણી...!  મામા એટલે માં શબ્દ બેવડાય છે, તે મને આજે સમજાયું.... મા તુ મને પાસે રહીને પ્રેમ કરે છે.. પણ આજે મામાએ મારા બધા કોચ ન શીખવી શકે તેવી જિંદગીની ઘણી હકીકતો શીખવી છે....  આ મામા તો ખાલી કટપ્પા મામા નહી પણ મારી બે મા ભેગી થાય તેવા અનોખા મામા છે...! મોમ.. મારે હવે આ વેકેશન મામાના ઘરે જ રહેવું છે.. જો તું હા કહે તો.....!!’

માં તો રાજીના રેડ થઇ ગઇ અને મયંકનાં કપાળે ચુમીને  ગાઇ ઉઠી... *‘મામાનું ઘર કેટલે.....!!’*
મયંક તરત જ જોરથી બોલ્યો, *‘દિવો બળે એટલે.....!’*
અને બન્ને હસી પડ્યાં.


*સ્ટેટસ*
*કહ્યુ છે કોઇએ સાચુ કે મામા એટલે બે માં...!!*
*ભાણા-ભાણીને તો જીવની જેમ રાખે હાં...!!*

*લેખક*

*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડૉ. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સંબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા,
*ચાર રોમાંચ જીંદગીના*

અને સ્વવિકાસ માટેનું પુસ્તક
*હું - ખોવાયેલા ખુદની શોધ*

આજે જ ઘેર બેઠા મંગાવવા લેખકનો સંપર્ક કરો.