Mar 30, 2023

ફિકર ના કર

 ફિકર ના કર, વધારેમાં વધારે શું થવાનું છે?

વધાવી લે મુસીબતને, કદમ એ મોખરાનું છે,


ભલા માણસ! વ્યથાને ગોખવાથી શું ફરક પડશે?

સહન થોડું કરી લે ને, દરદ તારા ગજાનું છે!


સફળતા બેવફા થઈને, અહમ પોષતી રહેશે!

સરળતામાં કદીયે ક્યાં કશું પોષવાનું છે?


નથી માલૂમ એ પડતું, મજાનું શું હશે કારણ?

ભલેને હોય જે કારણ, ગમે છે તો મજાનું છે!


હલેસું આખરી પણ છૂટશે, મઝધારમાં "અંતર"!

સ્મરણમાં રાખજે બસ એટલું, કે જીતવાનું છે!!!


~ સુનિલ રાચાણી "અંતર", મીઠાપુર.

No comments:

Post a Comment