Aug 7, 2019

WhatsApp ni Vaarta- 74: Password by Dr. Vishnu Prajapati

*વ્હોટ્સ અપની વાર્તા –૭૪*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*પાસવર્ડ*

વૈદેહીના નવા ફોન પર થોડી-થોડીવારે આવતા મેસેજ નોટીફીકેશનના હળવા ટોનથી તેના મમ્મી અને પપ્પા બન્નેના ચહેરા પરની રેખાઓ વધુ ચિંતામાં ગરકાવ થઇ જતી હતી.

‘તમે શું જોયા કરો છો ? જુઓ તો ખરા આટલી મોડી રાતે આજે કોના મેસેજ આવે છે?’ વૈદેહીની મમ્મીએ તો જે રીતે ‘આજે’ શબ્દ પર ભાર મુક્યો તેના પરથી તેના પપ્પા સમજી ચુક્યા હતા કે તેઓ બન્નેના મનની સ્થિતિ એકસરખી છે.

‘આજે’ શબ્દ કહેવા પાછળ આજનો ફ્રેન્ડશીપ ડે જ જવાબદાર હતો. વૈદેહીના પપ્પાએ ઘડિયાળ સામે જોયું રાત્રીનો એક વાગ્યો હતો. તેઓ બન્ને વૈદેહીના તાવથી ધગધગતા શરીર પાસે બેઠા હતા.

વૈદેહીની સવારથી તબિયત સારી ન હોવા છતાં તેના ફ્રેન્ડસ સાથે બહાર ગઈ હતી અને સાંજે આવતાં જ તબિયત વધુ લથડી ગઇ હતી. સાંજે દવા લીધી પણ તાવ ઓછો થવાનું નામ નહોતો લેતો. વૈદેહી પણ થોડીથોડીવારે કણસી રહી હતી. મમ્મી લગભગ બે કલાકથી તેના માથા પર મીઠાવાળા પાણીના પોતા મુકી તેના માથા પર હાથ ફેરવી રહી હતી. તેના પપ્પા તેના પગ દબાવી તેના દર્દને દબાવવા મથી રહ્યા હતા.

દિકરી વૈદેહીએ થોડા દિવસ પહેલા જ સોળે કલાએ શણગાર સજી વીસ વર્ષની યુવાનીમાં પગ મુક્યો હતો. ઘરની સાધારણ સ્થિતિ હોવા છતાં તેના મમ્મી મીનાક્ષીબેન અને પપ્પા કિરણભાઇએ તેના ઉછેરમાં કોઇ કમી નહોતી રાખી.

વૈદેહી પણ ખરેખર ખૂબ સમજુ દિકરી હતી. જો કે સુખી પરિવારમાં આજે ‘મોબાઇલ’ ચિંતાનું કારણ બનીને આવ્યો હતો.

વૈદેહીએ સાંજે આવીને તેના મમ્મી પપ્પાને કહ્યું હતુ કે મારા ફ્રેન્ડ વિશાલે મને આ સ્માર્ટ ફોન ગિફ્ટમાં આપ્યો છે. ત્યારથી જ મમ્મી પપ્પાના ચહેરા પર ફ્રેન્ડશીપ ડેની ચિંતા ઉપજાવે તેવી લકીરો તો સર્જાઇ ચુકી હતી.

વીસમાં જન્મદિવસે વૈદેહીએ મોબાઇલ લેવાની ઇચ્છા વ્યકત કરી હતી પણ પૈસાની સગવડ અને મોબાઇલની આડઅસરો બન્નેની મૂંઝવણ વચ્ચે કિરણભાઇએ ના કહી હતી.

‘વૈદેહીને આવી રીતે ગિફ્ટમાં ફોન લેવો જ ન જોઇએ...! તે નાની છે, શું સમજે કે આ ફોનથી આજકાલના છોકરાઓ તેને ભોળવી જશે.’ મોબાઇલ પર નજર નાખીને મીનાક્ષીબેને કહ્યું.

યુવાન દિકરી, ફ્રેન્ડશીપ ડે અને વળી મોડી રાતે આવતા મેસેજથી દિકરીના માં-બાપની ઉંઘ હરામ થઇ શકે છે તે આજના યુવાનોને સમજાવવું સહેલું નથી.

આખરે કિરણભાઇએ ફોન હાથમાં લીધો અને તેની સ્ક્રિન ઓપન કરવા પોતાના જમણા હાથની પહેલી આંગળી મોબાઇલ સ્ક્રિન પર લસરકા સાથે ફેરવી.... પણ મોબાઇલના મુખ્યદ્વારે જ પાસવર્ડનું મસમોટું મારેલુ લૉક દેખાતા જ કિરણભાઇની આંખો સ્થિર થઇ ગઇ.

એન્ટર પાસવર્ડ અને પ્રાઇવેસીની સ્ક્રિન દેખાતા કિરણભાઇ સમજી ચુક્યા હતા કે હવે દિકરીએ તેના અંગત વ્યવહારો સંતાડવાની શરૂઆત કરી દીધી છે.

‘કોઇક તો પાસવર્ડ નાખી તો જુઓ...! કદાચ ખુલી જાય..!’ મિનાક્ષીબેનને પોતાની દિકરીની ચિંતા વધુ કોરી ખાતી હતી.

ત્યાં જ વૈદેહીએ પડખું ફેરવ્યું અને તરત જ કિરણભાઇએ મોબાઇલ ધીરેથી તેના ઓશિકા પાછળ મુકીને સ્થિર બની ગયા.

બન્ને જાણે પોતાની દિકરી પ્રત્યે અવિશ્વાસથી તેની જાસુસી કરી રહ્યા હોય તેવો ભાવ બન્નેના ચહેરા પર ઉપસી આવ્યો હતો.

‘એ ભલે જાગતી હોય...! પણ આપણે તેની ખબર રાખવી પડે... નહિતર... આપણી દિકરીને કોઈ ફોસલાવી જાય અને આપણે તો ઇજ્જત અને દિકરી બન્ને ખોઇ બેસીએ. તમે જોઇ લો કે દિકરી કોઇ ખોટે માર્ગે તો નથી’ને...?’ રાત્રીના દોઢ વાગે મમ્મીએ તો થોડી હિંમત કરી કહી દીધું.

વૈદેહી શાંત થતા કિરણભાઇએ ફરી ફોન હાથમાં લીધો. તેઓ સારી રીતે જાણતા હતા કે માણસના મનને ખોલવું સહેલું છે પણ પાસવર્ડથી લોક કરેલા મોબાઇલને ખોલવો દુષ્કર છે.

બાપનું હૃદય દિકરી માટે ભલે કુણું હોય પણ આવી પરિસ્થિતિમાં કઠોર બની જતુ હોય છે.

વૈદેહીનો જન્મદિવસ... પહેલી ઓગષ્ટ... એટલે ૦૧૦૮…! પહેલો પ્રયત્ન નિષ્ફળ ..!

આજે ફ્રેન્ડશીપ ડે એટલે... ૦૪૦૮...! બીજો પ્રયત્ન નિષ્ફળ...!

મોબાઇલ પર સામે વોર્નિંગ પણ આવી ગઇ કે હવે છેલ્લો પ્રયત્ન છે...!

શું હશે...? બન્ને થોડીવાર ફરી મૂંઝવણમાં અને ૧૨૩૪  કોમન પાસવર્ડ નાખી જોયો... અને ફરી રોંગ પાસવર્ડ સાથે મોબાઇલે થોડી સેકંડો માટે બાય બાય કહી દીધું.

કિરણભાઇ જાણી ચુક્યા હતા કે મોબાઇલનો પાસવર્ડ જાણવા કરતા દિકરીનું મન જ જાણી લઇએ...! પણ, તેમાં તેની ફ્રેંડની ફિલોસોફી આવશે એ નક્કી હતું.

કિરણભાઇ અને મીનાક્ષીબેન બન્ને તપ ધરીને મોબાઇલ સામે જોઇ રહ્યા.

‘હે... ભોળાનાથ.. હે રક્ષણહાર... આ આખા શ્રાવણ માસમાં હું તને દૂધ ચઢાવીશ, બિલીપત્ર ચઢાવીશ, પણ મારી દિકરીનું રક્ષણ કર....!’ આખરે મીનાક્ષીબેને તો ભગવાન ભોળાનાથને પ્રાર્થના શરૂ કરી.

ભોળાનાથને પણ ન સમજાય તેવી મોબાઇલના પાસવર્ડની માયાજાળમાં વૈદેહી પોતાને તેના પરિવારથી દૂર કરી રહી હતી.

‘મમ્મી....!!’ અચાનક જ વૈદેહી હળવેથી બોલી. તેની આંખો બંધ હતી.

‘બોલ બેટા...!!’ મીનાક્ષીબેન સતર્ક થયા.

‘ઉલ્ટી જેવું થાય છે...!!’ ખૂબ કણસતા અવાજે વૈદેહી બોલી.

‘હા... ચિંતા ન કર... હું છું...!’ મીનાક્ષીબેન તેના પડખા પર હાથ ફેરવવા લાગ્યા.

પણ અચાનક જ તેને ઉલ્ટી કરી. સામે બેસેલા તેના પપ્પાએ તરત જ પોતાના બન્ને હાથ તેના મુખ સામે ધરી તેની બકારી તેની પથારી, તેનું શરીર કે તેના કપડાં બગાડે નહી તે રીતે પોતાના ખોબામાં ઝીલી લીધી.

વૈદેહીના ઓડકાર સાથે ચિકાશ અને દુર્ગંધિત ઉલ્ટીથી કિરણભાઇનો ખોબો ભરાઇ ગયો હતો એટલે તેઓ ઉભા થઇ બાથરૂમ તરફ ગયા.

ઉલ્ટી પછી વૈદેહીને સહેજ રાહત થતા તેને સહેજવાર આંખો ખોલી. તેની નજર સામે પડેલા મોબાઇલ પર પડી.. તેને મોબાઇલ હાથમાં લીધો અને ખ્યાલ આવી ગયો કે મોબાઇલને અનલોક કરવા પ્રયત્ન થયેલા હતા.

વૈદેહી થોડી મિનિટો માટે યાદોમાં ખોવાઇ ગઇ. આજે ફ્રેન્ડશીપ ડેના દિવસે બધા મિત્રોએ સાથે પાર્ટી કરી હતી. વિશાલ તો મારા માટે સ્પેશ્યલ કેક બનાવીને લાવ્યો હતો. આવતીકાલે તેનો જન્મદિવસ છે. તબિયત સારી નહોતી પણ તેના આગ્રહને હું નહોતી રોકી શકી. તે વારેવારે મને સ્પર્શતો હતો... મને ખૂબ ગમતું હતુ.. તેને મારા ગાલ અને હોઠને પણ તેની આંગળીથી કેક ચોપડી હતી. બધા કહેતા કે આ તમારો સૌથી યાદગાર ફ્રેન્ડશીપ ડે છે.. અને પછી વિશાલે મને નવો સ્માર્ટ ફોન આપ્યો હતો અને કહ્યું હતુ કે ફ્રેન્ડશીપ ડેની મારી પહેલી ગિફ્ટ... વિશાલ મને ખુબ ગમેલો કારણ કે પપ્પાએ તો મને મોબાઇલ લેવાની ચોખ્ખી જ ના કહેલી. પપ્પાની સામે વિશાલ કેટલો સારો હતો...!!

પણ અત્યારે પપ્પાના પ્રેમભર્યા સ્પર્શ સામે વિશાલનો એ સ્પર્શ સાવ ફિક્કો લાગ્યો... ફક્ત મોબાઇલ જેવી તુચ્છ વસ્તુ માટે હું મમ્મી- પપ્પાનું વ્હાલ ભૂલી ગઇ હતી ? તે અત્યારે વૈદેહીને સમજાઇ ગયું હતું

‘વૈદેહી, આ તારા મોબાઇલે અમારી ઉંઘ હરામ કરી દીધી છે..! તું માંદી હોય તો અમને રાતોની રાતો ઉજાગરા કરી શકીએ પણ તું અમારાથી છુપાવીને કંઇક ખોટુ કરી બેસે તો અમારી તો જીવનભરની ઉંઘ હરામ થઇ જાય..!’ કિરણબેને તો મોબાઇલ જોઇ રહેલી વૈદેહીને કહી દીધું.

વૈદેહી સમજી ચુકી હતી કે મમ્મી શું કહેવા માંગે છે. તેને પડખું ફેરવીને મોબાઇલ અનલોક કર્યો.. વિશાલના અનેક મેસેજ આવી ગયા હતા... પ્રેમનો પ્રસ્તાવ  અને તેના સ્પર્શનો રોમાંચ વગેરેની શાયરીઓ લખી હતી. છેલ્લે તો તેને લખ્યું હતુ કે હવે તારા વિના....!!’

વૈદેહી સમજી ગઇ હતી કે વિશાલે તેને મોબાઇલ કેમ આપ્યો હતો..?

વૈદેહીએ એક મેસેજ ટાઇપ કરી તરત જ સેન્ડ કરી દીધો અને ફરી મોબાઇલ લોક કરી દીધો.

‘મને પાસવર્ડ આપ..?’ મીનાક્ષીબેને આખરે તેના હાથમાંથી મોબાઇલ ઝુંટવી લીધો.

ત્યારે કિરણભાઇ તેમના હાથ ધોઇ ફરી વૈદેહીના પાસે આવી બેસી ગયા. ‘કેમ છે બેટા તને..?’ કિરણભાઇએ તેના કપાળે હાથ મુક્યો.

‘સારુ છે પપ્પા, પણ તમે આટલી મોડી રાત સુધી કેમ જાગો છો? કાલે વહેલા તમારે નોકરી પર જવાનું છે...!’ વૈદેહીએ પપ્પાનો હાથ પકડીને કહ્યું.

‘દિકરી માંદી હોય અને પપ્પાને શાંતીથી ઉંઘ આવે એવું બને ખરું...?’ કિરણભાઇએ વ્હાલથી કહ્યું.

‘પપ્પા મને સારુ છે.. તમે સુઇ જાઓ.’

‘વૈદેહી, તારા પપ્પા તને નહી કહે પણ હું કહું છું કે અમને તારો મોબાઇલ નથી ગમ્યો. તેનો પાસવર્ડ આપ જેથી અમને ખબર પડે કે અમારી દિકરી હજુ અમારી જ છે.’ મીનાક્ષીબેને તો સ્પષ્ટ વાત કરી. તે ગુસ્સામાં હતા.

‘વિશાલની જન્મતારીખ, ૦૫૦૮...!’ વૈદેહીએ પપ્પાની આંખ સામે આંખ પરોવીને કહ્યું અને મોબાઇલ પપ્પા સામે ધર્યો.

કિરણભાઇએ મોબાઇલ હાથમાં લીધો અને વૈદેહી એ કહેલી જન્મતારીખ  એન્ટર કરી. મોબાઇલ ખુલતા જ વ્હોટસ એપના મેસેજ જોવા આંખો અધિરી બની.

વિશાલના નંબર પર વૈદેહીએ છેલ્લો મેસેજ કરેલો હતો. ‘ફ્રેન્ડસ સાથે ફ્રેન્ડશીપ ડેની પાર્ટી કરતા મમ્મી-પપ્પા સાથેની વ્હાલભરી રાતે મને ઘણું શીખવ્યું છે, કાલે હું તને તારો મોબાઇલ પરત કરી દઇશ. તારા મોબાઇલના એક પાસવર્ડથી મારા મમ્મી-પપ્પા અને મારા સબંધોમાં અવિશ્વાસ પેદા થાય તેવુ હું કરવા નથી માંગતી. તેમને મારે માટે અનેક ઉજાગરા કર્યા છે પણ હવે આવા અમૂંઝણભર્યા ઉજાગરા તેમને નહી કરવા પડે તેવુ મારે તેમને પ્રોમિસ આપવું છે.’
આટલું વાંચતા જ કિરણભાઇની આંખો ઉભરાઇ આવી.

જો કે મીનાક્ષીબેને તો કહ્યું, ‘ઉપરના મેસેજ તો જુઓ વિશાલે શું લખ્યું છે..?’

કિરણ ભાઇએ તેને સમજાવતા એટલું જ કહ્યું, ‘મારે તેના ફ્રેંડ શું લખે છે તેની સાથે કોઇ નિસ્બત નથી પણ મારી દિકરીએ શું લખ્યું છે તે મહત્વનું છે.’

કિરણભાઈએ આંખો બંધ કરેલી વૈદેહીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું.’ બેટા, ઉલ્ટી જેવું થાય તો કહેજે..?’

‘હા... પપ્પા તમને નહી કહું તો કોને કહીશ..!’ એટલું કહી તેને આંખો બંધ કરી દીધી.

જો કે હવે ઘરમાં સ્નેહનો પાસવર્ડ ખુલી ગયો હતો એટલે એકમેક પ્રત્યેના વિશ્વાસથી સૌની આંખો ઘેરાવા લાગી હતી.
   
*સ્ટેટસ*
*છાનું-છાનું પાસવર્ડમાં બંધ કરીને રાખવું પડે,*
*તે  પરિવારના સ્નેહ-સબંધોમાં સૌથી વધુ નડે..!*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત પુસ્તકો

*ગુલમહોર  - દરેક દિકરી – બહેનોએ વાંચવા જેવી પ્રેરણાત્મક નવલકથા*

*ખૂબ જ ઉર્જાસભર વાર્તાઓનો સંગ્રહ વ્હોટસએપની વાર્તાઓ ભાગ – ૧ તથા ૨*

*ચાર રોમાંચ જિંદગીના – હકારાત્મક જીવનની પ્રેરણા આપતી નવલકથા*

*વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક પુસ્તક શક્તિનો સ્પર્શ અને સફળતાની સફર*

*હું – ખોવાયેલા ખુદની શોધ*

*ફફડાટ – હોરર સ્ટોરી બુક*

માતૃભારતી એપ પર ફ્રી વાંચો..

*દાંડિયાની જોડ - નવ ભાગની નવલકથા*

*દર મંગળવારે હિન્દી નવલકથા – અચ્છાઇયાં*

પુસ્તક મંગાવવા લેખક અથવા અમોલ પ્રકાશન  - ૮૩૨૦૩૪૨૯૦૨ પર સંપર્ક કરશો.

No comments:

Post a Comment