Jul 4, 2019

WhatsApp ni Vaarta :54- Bahen ni Gift

*વ્હોટ્સ અપની વાર્તા – ૫૪* 
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

 *‘બહેનની ભેંટ’*

‘આ વખતે રક્ષાબંધને બહેનને શું આપીશું..?’ સવારના ચા-નાસ્તા સમયે જ રક્ષિતાએ માલવને પુછ્યું.

‘એ હું પણ વિચારતો હતો કે રોકડાં આપીએ કે કોઇ ગિફ્ટ..?’ માલવે પણ સામે જવાબ આપવાને બદલે પ્રશ્ન કર્યો.

જો કે માલવ અને રક્ષિતા છેલ્લા ત્રણ દિવસથી આ પ્રશ્નની ચર્ચા કરતા હતા પણ કોઇ નિર્ણય પર આવી શક્યા નહોતા.

‘જો કોઇ ગિફ્ટ લાવવી હોય તો અત્યારે મોલમાં ડિસ્કાઉન્ટ છે. હું જોબ પરથી પાછા ફરતી વખતે લેતી આવીશ.’ રક્ષિતાએ આખરે ગિફ્ટનો નિર્ણય લીધો.

‘સારું તને જે સારી લાગે તે લઇ લે જે અને મને વ્હોટસએપ કરી દેજે.’ માલવે તે જવાબદારી રક્ષિતા પર ઢોળી દીધી.

‘માલવ... જો તું કહે તો આ જન્માષ્ટમીએ પેલું જગદીશ અંકલનું સેકેંડ હેન્ડ સ્કુટી લેવાની ઇચ્છા છે...!  તેની કન્ડીશન સારી છે. છેલ્લે ચોવીસ હજારમાં આપશે તેવું કહેતા હતા…!’ રક્ષિતા આ માંગણી કરતા સંકોચાઇ રહી હતી.

‘પણ તેટલા પૈસા..?’ માલવે પ્રશ્ન કર્યો.

‘મારી પાસે આઠ હજારની વ્યવસ્થા છે...? અને બીજા હું મારા પપ્પાને કહીશ તો...!’ રક્ષિતાને લાગ્યું કે આ વાત માલવને નહી ગમે.

‘રક્ષિતા... તું પરિસ્થિતિને સમજ... દોઢ વર્ષ પહેલા જ પપ્પાની કેન્સરની બિમારીનો અણધાર્યો ખર્ચ...  તેમનું મૃત્યુ અને પછી મમ્મીની દવાઓનો ખર્ચ... મારી નવી નોકરી...! બધુ એકદમ ગોઠવાઇ જતું નથી. આ તો ઘરની જરુરિયાત છે એટલે તારે જોબ કરવી પડે છે... નહિતર તારે જોબ પણ ન કરવી પડે.  થોડી રાહ જો પ્લીઝ...! મને ખબર છે કે તારે નોકરીએ ચાલતા જવું પડે છે... હું જલ્દી તને ગોઠવણ કરી આપીશ... પણ પ્લીઝ તારા પપ્પાના ઘરેથી નહીં જ...! ’ માલવ એટલું કહીને ચૂપ થઇ ગયો. 

અને ત્યાં જ માલવના ફોન પર રીંગ વાગી. માલવની નજર તેની સ્ક્રિન પર પડતા ચહેરા પર ચિંતાની વાદળી હટી ગઇ.

‘ઓ મોટીબેન...! સો વર્ષના થશો.. હાલ જ હું અને રક્ષિતા તમને જ યાદ કરતા હતા... ક્યારે આવો છો..?’ માલવ મોટીબેન અવનિકાનો ફોન રીસીવ કરતા જ ખુશ થઇ ગયો.

માલવે સ્પીકર ઓન કર્યુ, ‘શનિવારે રાત્રે નવ વાગ્યાની ટ્રેનમાં આવીશ તારા જીજાજી નહી આવી શકે, પણ તારી લાડક્વાયી ભાણી માલવિકા તો તને મળવા કેટલાય દિવસથી રાહ જોઇને બેઠી છે...!’ અવનિકા પણ ખુશ હતી.

‘હા... સારું પણ હું તને રેલ્વે સ્ટેશને લેવા આવીશ.’ માલવે સામેથી આગ્રહ કરીને કહ્યું.

થોડી આનાકાની પણ પછી બેન માની ગયા. રક્ષિતા સાથે તેમને વાતો કરી.
રક્ષિતાએ આખરે પુછી લીધું, ‘ બેન, આ વખતે રક્ષાબંધને તમને શું જોઇએ તેની જ વાત કરી રહ્યાં હતા.. અમે નક્કી નથી કરી શક્યા.. જો તમે જ કહી દો તો...!’

‘અરે... મારે મન તો તમે સુખીથી રહો એ જ બસ છે...!’ અવનિકાએ માત્ર આશીર્વાદ આપ્યાં.

‘એમ ન ચાલે.. કંઇક...તો માંગ...!’ માલવે આગ્રહ કર્યો.

‘સારું તારો આગ્રહ છે તો તારી ભાણી માલવિકાને કોલેજ જવાની તકલીફ પડે છે માટે એક નવું સ્કુટી લઇ આપજે.’ અવનિકાએ તો એટલી સહજતાથી માંગ્યું કે નવું સ્કુટી સાવ સહેલાઈથી આવી જાય.

આ સાંભળતા જ માલવનું ગળું સુકાઇ ગયું, પણ થૂંકનો ઘૂંટડો ઉતારીને કહ્યું, ‘ચોક્કસ મોટી બેન.. આ રક્ષાબંધનની આ ભેંટ મળી જશે.’ અને થોડીવાર વાતો કરી ફોન મુકી દીધો.

હમણાં જ રક્ષિતાને જુનુ ટુ વ્હીલર લેવાની ના કહી રહ્યો હતો તે માલવે બહેન માટે નવું સ્કુટી ગિફ્ટમાં આપવાની પ્રોમિસ કરી દીધું. 

રક્ષિતા અને માલવ વચ્ચે થોડી મિનિટનો શૂન્યવકાશ સર્જાઇ ગયો.

‘રક્ષિતા.. પહેલીવાર મોટીબેને કંઇક માંગ્યું છે... પપ્પાના મૃત્યુ પછી અમે તેમને કશું નથી આપ્યું અને માલવિકાનું નામ પણ અમારા ભાઇ-બહેનના નામ પર છે. મારી ભાણી માટે મારે ગમે તેમ કરીને સ્કુટી લાવી આપવું પડશે... પ્લીઝ તું ખોટું ન લગાડતી કે મને નથી લઇ આપતા અને બહેન માટે....!’

માલવની આંખો રક્ષિતાના જવાબનો ઇંતજાર કરવા તેની તરફ મંડાઇ.

રક્ષિતા માલવના મનોમંથનને એક ક્ષણમાં જ સમજી ગઇ. તે ઉભી થઇ અને તેના આઠ હજાર રુપિયા માલવના હાથમાં મુક્યા અને બોલી, 'મારા તરફથી મોટી બેનની ગિફ્ટ માટે આ પૈસા રાખજો તમારે જરુર પડશે.’

‘પણ આ તો તારા પગારમાંથી બચાવેલા તારી સ્કુટી લેવા માટેની બચતના પૈસા છે અને તે તારા માટે છે, હું ન લઇ શકું રક્ષિતા...!’ માલવે તે લેવાનો ઇન્કાર કરતા કહ્યું.

‘માલવ, આ ઘર જ હવે મારું છે તો અહીં તારું-મારું કંઇ નથી. બધું આપણું છે અને તકલીફો પણ આપણી છે...! બહેન માત્ર રક્ષાબંધને જ કંઇક માંગે છે, જો મારે ભાઇ હોત તો હું પણ હકથી માંગી લેત.’ અને રક્ષિતાએ પરાણે તે પૈસા માલવને આપી નવુ સ્કુટી બુક કરાવવાનું કહી દીધું.

રક્ષિતાનું આ પ્રકારનું સમર્પણ જોઇ માલવે તેના કપાળે ચુમી લીધી.

બન્ને પોતપોતાની નોકરીએ ગયા.

માલવે પોતાની કરેલી બચત અને થોડા ઉછીના પૈસા લઇ અને રક્ષિતાને સાથે રાખી તેમની પસંદગીના રંગનું નવુ સ્કુટી બુક કરાવી લીધું. રક્ષાબંધને તેની ડિલીવરી લેશે તેમ ગોઠવી દીધું.

રક્ષાબંધને અવનિકા અને માલવિકા આવી ગયા.

સવારે અવનિકાએ ભૈયા કી કલાઇ સે પ્યાર બાંધા હૈ.... રેશમ કી ડોરી સે સંસાર બાંધા હૈ.... ના બેકગ્રાઉન્ડ મ્યુઝીક પર  માલવને રાખડી બાંધી. બધાએ ભેગા મળી પપ્પાને પણ યાદ કર્યા.

અવનિકાએ એક રાખડી રક્ષિતાને પણ બાંધી અને બોલી, ‘ આ ભાભી- રાખડી છે. તમારી ખુશીઓ માટે...!’
અને પછી માલવે અને રક્ષિતાએ તેમના માટે તૈયાર રાખેલી નવા સ્કુટીની ચાવી અવનિકાને સોંપી.

‘રક્ષિતા.. આ રક્ષાબંધને બહેનની ભેંટમાં મેં કંઇક વધારે તો નથી માંગી લીધું’ને...?’ અવનિકાએ પુછ્યું.

તે રક્ષિતાની આંખોના ભાવ વાંચવા માંગતી હતી. રક્ષિતા પણ ખૂબ હળવાશથી બોલી, ‘ એ શું બોલ્યા મોટીબેન, આ તો તમારો હક છે, આ તો તમે સામેથી કહ્યું તે સારું થયું નહિ તો અમારે તમને શું આપવું તેની મૂંઝવણ હતી.’

માલવે જોયું કે રક્ષિતાની આંખોમાં એકપણ અણગમાની કે તેને પડેલી તકલીફનો અંશમાત્ર ભાવ નહોતો.

બધા સ્કુટી પાસે આવ્યાં. માલવિકાને તેના પર ચાંલ્લો કરવા કહ્યું.

માલવિકાએ એક ચાંલ્લો કરી બધાને એક એક ચાંલ્લો વારાફરતી કરવા કહ્યું.

પછી તો સ્કુટીને પણ એક રાખડી બાંધી અને સ્કુટીની ચાવી માલવિકાના હાથમાં આપતા રક્ષિતામામીએ કહ્યું, ‘મામા-મામી  લો આ ચાવી અને સૌથી પહેલો આંટો તમારો.’

રક્ષિતાએ તો તરત જ ચાવી અવનિકાને આપી અને કહ્યું આજે તો ભાઇ-બહેનનો દિવસ છે. તેના પર પહેલો હક ભાઇ બહેનનો જ છે.

અવનિકાએ ચાવી લીધી અને તેને માલવને પાછળ બેસાડ્યો. બન્ને એક ચક્કર મારીને થોડીવાર પછી આવ્યાં તો બન્નેની આંખોમાં ખુશીઓની અનોખી ચમક હતી.

અવનિકાએ તે ચાવી રક્ષિતાને આપી. રક્ષિતાએ સ્કુટી સ્ટાર્ટ કરી અને જાણે પોતાના સ્વપ્નનું સ્કુટી હોય તેમ આંખમા ચમક આવી ગઇ.

મામી-ભાણી પણ ચક્કર મારીને આવ્યા અને પછી તે ચાવી રક્ષિતાએ અવનિકાને આપતા કહ્યું, ‘ લો, મોટીબેન... તમારા સ્કુટીની ચાવી.’

અને ત્યારે જ અવનિકાએ કહ્યું, ‘ રક્ષિતા, તે ચાવી તારી પાસે જ રાખી લે. આ સ્કુટી તારા માટે છે.’

રક્ષિતા કંઇ સમજી નહી એટલે તે માલવ પાસે ગઇ.

અવનિકાએ બન્ને તરફ જોઇને કહ્યું, ‘મને ખબર છે કે ઘરની જરુરિયાતને પહોંચી વળવા રક્ષિતા જોબ કરી રહી છે અને તેને અપડાઉનની પણ તકલીફ છે. એક સુખી ઘરની દિકરી મારા ઘરને સાચવવા પોતાના સુખોનું પણ સમર્પણ કરતી હોય તો તેના માટે મારે પણ કંઇક કરવું પડે. મને પપ્પા જીવતા ત્યાં સુધી અનેકવાર રોકડ રકમ આપતા. તારા જીજાજી તે પૈસાને મને જ આપી રાખતા અને કહેતા કે તારી મરજી હોય તેમ તે વાપરજે. મમ્મીએ મને કહેલું કે રક્ષિતા માટે સેકેન્ડ હેન્ડ સ્કુટી જોઇ રાખ્યું છે. ત્યારે મને થયું કે આ જ સાચો સમય છે કે મારા તે પૈસા આ સ્કુટી માટે આપી દઉં. પણ તમે એમ સીધી રીતે સ્વીકારો પણ નહી એટલે મારે નવી સ્કુટીની માંગણી કરવી પડી. આ સ્કુટી તો રક્ષિતા તારા માટે જ છે અને હું અને માલવ જ્યારે ચક્કર મારવા ગયા ત્યારે મેં બધી હકીકત જણાવી દીધી છે. તેમાં સહેજ પણ આનાકાની કરવાની નથી. આ મોટી બહેનની રક્ષાબંધનની માંગણી છે.’

‘પણ રક્ષાબંધનની તમારી ભેંટ...?’ રક્ષિતાએ પૂછ્યું.

‘અરે, જે ઘરની વહુ પોતાની નણંદની ખુશીઓ માટે પોતાની જમા બચત પણ હસતા મોંએ આપી દે તેનાથી વધુ મોટી ભેંટ શું હોઇ શકે. પપ્પાના ગયા પછી તમે સૌ ફરી ઘરને ખુશીઓથી ભર્યુ ભર્યુ રાખો છે તે કાંઇ ઓછું છે ? ભાઇના ઘરની ખુશીઓ જ બહેન માટેની સૌથી મોટી ભેંટ છે.’ અવનિકા એટલું બોલી અને ભીની આંખે રક્ષિતાને વળગી પડી.

*સ્ટેટસ*

*જે બહેન સાથે નાનપણમાં લડ્યો’તો,*
*તે ભાઇ તેની વિદાયે ખૂબ રડ્યો’તો…*
*રાખડીનો તાંતણો એ જ હાથથી બાંધશે,*
*જે હાથે કાયમ વ્હાલનો સ્પર્શ અડ્યો’તો*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

*ડૉ. વિષ્ણુ પ્રજાપતિની પારિવારીક, સામાજિક અને સંવેદનાસભર ૪૬  વાર્તાઓના બે વાર્તા સંગ્રહો અમોલ પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત થઇ ગયા  છે. જે એમેઝોન, ફ્લિપકાર્ટ અને આપના નજીકના પુસ્તક વિક્રેતા પાસે ઉપલબ્ધ છે. આપ આ બન્ને અદભૂત વાર્તા સંગ્રહોને સત્વરે બુકિંગ કરાવી લેશો. ઘરે બેઠાં પુસ્તક મંગાવવા માટે સંપર્ક ડૉ. અજય રંગવાણી મોબા. નં.- ૯૫૫૮૦૦૬૬૧૧, રક્ષાબંધન સુધી કુરિયર ચાર્જ ફ્રી છે.

No comments:

Post a Comment