Jun 23, 2019

WhatsApp ni Vaarta-72 :Broken paddle : તુટેલું પેંડલ : Dr. Vishnu Prajapati

*વ્હોટ્સ અપની વાર્તા  - ૭૨*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*


વાચકમિત્રો આ વાર્તા પહેલા એક પૂર્વભૂમિકા આપી દઉં. આ વાર્તા તમારા સુધી પહોંચશે ત્યાં સુધી જરુરિયાતમંદ બાળકો સુધી સાયકલો વહેંચતી થઇ ગઇ હશે.  અમેરિકાના મનહરભાઇએ ગયા વર્ષે મારા ફક્ત લેખક અને વાચકના જ પરિચયે આ ‘સાયકલયજ્ઞ’ શરુ કરાવ્યો હતો અને આ વર્ષે પણ સ્કૂલ શરૂ થતાં જ તેમનો ફોન આવી ગયેલો કે આ વર્ષે પણ સાયકલો આપો...

જેમાં મનહરભાઇના પૌત્ર ઓમ અને ધ્યાની જેઓ મૂળ ડાકોરના, અપૂર્વભાઇ  શાહ – પાદરા, ચંદુભાઇ પટેલ- ઉમરેઠ, ઘનશ્યામભાઇ પટેલ આણંદવાળા, જય ઠક્કર- અમદાવાદ, મીનાબેન પટેલ તથા અભીભાઇ પટેલ – બોડેલી અને રાજકોટના હરેશભાઇ મહેતા વગેરે માત્ર મારા ફક્ત વાચક હોવા ઉપરાંત  સહાયક બની આ સાયકલ યજ્ઞમાં સહયોગ આપી રહ્યા છે, સૌનો દિલથી આભાર...

*તડકો વેઠીને બીજા માટે છાંયડો કરતા જાય તેવા સૌ સેવાભાવીને આ વાર્તા અર્પણ..*

*તુટેલું પેંડલ*

‘ડેડી... આજે સ્કૂલે નથી જવું...મુડ નથી.’ અમેરીકાની વૈભવશાળી જિંદગીમાં આળોટતા મલ્હારના દિકરા ઓમે ડ્રોઇંગરૂમમાં આવતાં જ કહ્યું.

‘ઓકે એઝ યુ વિશ...’ આવું તો અવારનવાર બનતું પણ ડેડીને તેની કોઇ ખાસ ચિંતા નહોતી.

સામે સોફામાં બેસેલા દાદાજીએ આ દ્રશ્ય જોયું અને કંઇક યાદ આવતા તેઓ ઉભા થયા. તેમને પોતાના અલાયદા રૂમમાં સાચવી રાખેલ વસ્તુ જે કાયમ તેમની નજર સામે રાખતા તેને લઇને ડ્રોઇંગ રૂમમાં આવ્યાં.

તેમાં એક જુની સાયકલનું તુટેલું પેંડલ હતું અને બીજી જુના જમાનાની નાનકડી ફાનસ હતી.

દાદાના હાથમાં ફાનસ જોઇને ઓમે પુછી લીધું, ‘દાદા.. ઓલ્ડ માર્કેટમાંથી એન્ટીક પીસ લાવ્યાં છો કે શું…?’

‘ના બેટા... આ એન્ટીક પીસ નથી.. પણ ફેન્ટાસ્ટિક પીસ છે...’ એટલું કહી દાદા તેમની જુની યાદોને જાણે ફિલ્મની માફક તેમના સ્મૃતિપટ પર સાચવી રાખી હોય તેમ કહેવા લાગ્યા અને તેમની જુની પુરાણી યાદો સાથે તેમનો ઓમ પણ ખેંચાવા લાગ્યો.

‘શહેરથી ચાર ગાઉ છેટે આવેલું નાનકડું અમારું ગામ...’ દાદાજીએ કહેવાનું શરૂ કર્યુ ત્યાં ઓમે પહેલો પ્રશ્ન કર્યો, ‘દાદા... આ ગાઉ એટલે...?’

દાદાજીને ખ્યાલ આવ્યો કે હવે તો કિલોમીટરમાં બદલાઇ ગયેલા જમાનાને ગાઉ શબ્દ ક્યાંથી ખબર હોય એટલે તે બોલ્યા, ‘ગાઉ એટલે અમારા જમાનામાં અંતર માપવા માટે ‘ગાઉ કે ગઉ‘ શબ્દ’ વપરાતો. આ એ સમયની વાત છે જ્યારે પાકા રોડ કે લંબાઇ માપવામાં કિલોમીટરના એકમની સગવડ થઇ નહોતી. નેળીયું, ધૂળિયો મારગ અને ઢેફાં ભાંગીને સામે ગામ જવાતું.....

 એ ગામમાં એક છોકરો ભણવાની જીદ લઇને બેઠેલો....!! આ જીદ કરનારનું નામ... મનીયો...’ દાદાજી જાણે કોઇ વાર્તા કહેતા હોય તેમ કહ્યું એટલે ઓમને ખરેખર મજા આવી રહી હતી.

‘બાપા... મારે ભણવાં જવું છે...!’ મનીયાએ જ્યારે આ ત્રીજીવાર લપ કરી ત્યાં તો બાપાએ અવળાં હાથની દઇ દીધેલી.

‘ના જોયો હોય તો ભણવાવાળીનો... છાનોમાનો ખેતરે જા’ને રચકો લઇ આવ ..!’ તે સમયે આ મનીયાના બાપાના જ નહી પણ આખાય ગામના બાપાઓ આમ જ કરતા. ગામડાં ગામમાં સાત ચોપડી સુધી એક માસ્તર આવીને ભણે એટલું બધાને ભેગું ભણાવતા અને પછી બધાના ભણવા પર પૂર્ણવિરામ આવી જતું.

‘મનીયા તું ભણજે, મોટો સાહેબ થઇશ...! તું બઉ હોંશિયાર છે. ’ સ્કૂલના માસ્તરે આ વાક્યો વારેવારે કીધેલા એટલે મનીયાને પણ ભણવાનું ભૂત ચઢી ગયેલું.

સ્કૂલ પ્રવેશોત્સવ કે ‘સ્કૂલ ચલે હમ’વાળું ભણતરનું અજવાળું થયું તે પહેલા લગભગ ચારેક દાયકા પહેલાની આ વાત છે. ત્યારે છોકરી-છોકરા ને ભણાવા કરતા ઘરકામ, બાપ-દાદાનું કામ, ખેતીની દાડી કે છૂટક કામ આપીને તેમને જોતરી દેવામાં આવતા હતા

‘પણ બાપા... મારે...!’ મનીયો તો ખરેખર જીદે ભરાયો હતો.

‘ચૂપ થા’ને.. લોહી પી ગ્યો;શે તે...! હવે છેક સામે ગામ…કેવી રીતે જઇશ ?’ છેલ્લે બાપાએ આટલું કિધું તો મનીયામાં જોમ આવ્યું.

‘હેંડતા જઇશ... પણ ભણીશ...!’ મનીયાના આ શબ્દોથી તેના બાપા ટાઢા પડ્યા અને આખરે માની ગયા.

‘આ હેંડતા એટલે....?’ ઓમે દાદાજીને વચ્ચે રોકીને પુછ્યું ત્યારે દાદાજી થોડીવાર તેમની યાદોમાંથી બહાર આવ્યા.

‘ચાલતાં જવું એને કહેવાય હેંડતા...!’ દાદાજીએ વચ્ચે ખુલાસો કર્યો અને વાત આગળ વધારી.

એ ઘડીએ મનીયો ખેતરના ઢેંફા ભાંગતો ભાંગતો સામે ગામની નિશાળે પહોંચી ગયેલો. નેળીયાવાળાં રસ્તે અડધો ગાઉ છેટું થતું એટલે મનીયો તો ખેતરોની અંદર સોંસરવો નીકળે. તે ઘડી’એ ચંપલો પણ એટલા ગરીબ હતા કે રસ્તામાં ચાર પાંચ વાર તેની નીકળી ગયેલી પટ્ટીને લગાવવા ઉભું રહેવું પડતું. જો કે મનીયાને નિશાળે મોડું ન થાય તે માટે ઘણીવાર ચંપલ તેની થેલી એટલે કે હાલ તમે જેને સ્કૂલબેગ કહો છો તેમાં મુકી દેતો. ખુલ્લા પગમાં વાગતા કાંટા કે ખેતરના ખુલ્લા ભાંઠા મનીયાના દ્રઢ વિશ્વાસ સામે વારંવાર વાગીને રોઇ પડતાં...!

આજે મોંઘુ બાઇક કે ટુ વ્હીલર લઇને ટેસડો કરતા યુવાનો ટાયરમાં હવા ન હોય તો પણ ભણવાનું બંધ કરી દે છે... મુડ નથી એમ કહીને પણ હવે તો તમારા જેવા સ્કૂલે નથી જતાં...

જ્યારે આ મનીયો તે સમયે  ચંપલ વિના ખેતર સોંસરવો દોડતો જતો...! પગમાં પડેલા ફોલ્લાઓને કાંટાથી ફોડી ઉપર ખેતરમાં ઉગેલા કાલાનું રૂ કાઢી લગાવતા તેને આવડી ગયું હતું. ઘણીવાર વરસાદમાં તો ઘૂંટણસમા પાણીમાં ઉઘાડાં પગે સ્કૂલે પહોંચી જતો.

વચ્ચે વચ્ચે નાનકડાં ઓમની અંદર પ્રશ્નો થતાં રહ્યા, ‘આ ઢેફાં એટલે? અને શૂઝ વિના સ્કૂલે જવાય...? પગમાં ફોલ્લા કેવી રીતે પડે...? વગેરે વગેરે..!’
દાદાજી તેને સમજાવતા ગયા અને આગળ કહેતા ગયા.

મનીયાની ભણવાની ધગશ અને જોમ કેમેય કરીને ઓછું ન થયું અને આખરે તેની મહેનત ફળી...!  તે પહેલા નંબરે પાસ થયો. જો કે તેના બાપાને તો એની કોઇ ગતાગમ નહોતી.

ગામના એક સુખી માણસે તેની ધગશ જોઇને તેમના ઘરે પડેલી એક જૂની સાયકલ અને રાતે વાંચી શકાય તે માટે ફાનસ આપ્યું... જો કે એ તુટેલા પેંડલવાળી સાયકલ પણ ત્યારે મનીયાને તો મોંઘી ગાડી જેવી લાગી હતી.  મનીયાએ મારેલું એ પહેલુ પેંડલ તો તેની જિંદગીનો સૌથી સુંવાળો અનુભવ હતો.  મનીયો સાયકલ શીખ્યો અને ભણતો રહ્યો.

કહેવાય છે કે તપ ક્યારેય નિષ્ફળ જતું નથી. મનીયાનું તપ ફળ્યું. તે સમયે મેટ્રિક પરીક્ષામાં પણ સૌથી મોખરે આવ્યો...!

પણ પછી ફરી એનું એ જ ઘરનું દ્રશ્ય....! ‘બાપા મારે આગળ ભણવું છે...!’ અને વળી એ અડબોથ મારીને બાપાનો એવો જ જવાબ, ‘હવે ભણવાનું છોડ..! મારી પાસે ફૂટી કોડી’યે નહી... શહેરમાં જવાનું ભાડું કુણ આલશે ?’

‘આ અડબોથ એટલે...?’ ઓમે ફરી દાદાજીને રોકતા વચ્ચે કહ્યું.

દાદાજી હસી પડ્યા અને બોલ્યા,  ‘ આ તારા ડેડી તને પ્રેમ કરીને ગાલે ટપલી મારે છે’ને જુના સમયમાં તેને અડબોથ કહેવાતી...!’ દાદાજીને લાગ્યું કે આ નવી જનરેશનને તો અડબોથ ક્યારેય પડી ન હોય એટલે એમણે શું ખબર..? અને ફરી તેમને વાત આગળ વધારી.

એ જુની સાયકલ તો બાજુના ગામ સુધી ચાલે પણ હવે તો મનીયાને આગળ ભણવા ગામથી દૂર શહેરમાં ભણવું પડે... એક તો ચાલીને બસ આવે ત્યાં સુધી જવાનું અને પછી બસ ભાડું પણ ખિસ્સામાં નહી... પણ આ તો મનીયો, બાપાનું માન્યો નહી અને મહિને ચાર રુપિયા બચાવવા રોજ એ તુટેલા પેંડલવાળી સાયકલ લઇને નીકળી પડે શહેર જવા...!

 ગામનાં લોકો તો તેના બાપને કહેતા કે તારા દિકરાનું ચસ્કી ગયું લાગે છે.
‘આખરે આ ચસ્કી ગયેલ મનીયાએ એટલે કે તારા દાદાએ તુટેલા પેંડલવાળી જુની સાયકલ અને આ  ફાનસના સહારે જિંદગી જીતી લીધી.’ ખૂબ વ્હાલ અને હૃદયની ઉર્મી ભરેલા અવાજથી ઓમના મન પર અસર થતી લાગી  અને તે બોલ્યો, ‘દાદા... આ ચસ્કી ગયું એટલે શું ?’

‘એ જમાનામાં અમારા મુડ ઓફ નહોતા થતાં એટલે અમે આમ ચસ્કી જતા હતા...!’ દાદાએ જે રીતે હસતા હસતા કહ્યું તે અદાથી તેમનો પૌત્ર ઓમ હસી પડ્યો અને કહ્યું, ‘ચલો દાદા હવે તો મારું પણ ચસ્કી ગયું છે, હું સ્કૂલે જવું છું, દાદા...!’

દાદાને લાગ્યું કે દિકરો સમજી ગયો છે એટલે તેમની એન્ટિક નહી પણ ફેન્ટાસ્ટિક વસ્તુ ફરી તેની જગ્યાએ પાછી મુકી અને તેમને દરવર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ બાળકો કે જેનું ભણવા માટે ચસ્કી ગયું હોય તેમને નવી સાયકલો આપવા મારો સંપર્ક કર્યો..

*નોંધ -*
*આવી રીતે તો આપણા સમાજમાં એવા ઘણાં લોકો છે જેમને અનેક દુ:ખોના પહાડો સર કર્યા છે અને પાછળ બીજા માટે સારો રસ્તો પણ બનાવતા ગયા છે.... સૌને વંદન...*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત પુસ્તકો
*વ્હોટસએપની વાર્તાઓ ભાગ – ૧ તથા ૨*
*ચાર રોમાંચ જિંદગીના – નવલકથા*
*ગુલમહોર  - નવલકથા*
*શક્તિનો સ્પર્શ અને સફળતાની સફર*
*હું – ખોવાયેલા ખુદની શોધ*
*ફફડાટ – હોરર સ્ટોરી બુક*
માતૃભારતી એપ પર ફ્રી વાંચો
*દાંડિયાની જોડ*
*હિન્દી નવલકથા – અચ્છાઇયાં*
*પુસ્તક મંગાવવા લેખક અથવા અમોલ પ્રકાશન  - ૮૩૨૦૩૪૨૯૦૨ પર સંપર્ક કરશો.*

No comments:

Post a Comment

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...