May 11, 2019

WhatsApp ni Vaarta –66 : અભિનંદન, ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

*વ્હોટ્સ અપની વાર્તા –૬૬*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*અભિનંદન*

શહેરના આઝાદચોકનું વાતાવરણ દેશભક્તિના રંગથી રંગાઇ ગયુ હતુ.

‘હાઉ ઇઝ ધ જોશ......’
‘યસ સર...’
‘હાઉ ઇઝ ધ જોશ......’
‘યસ સર...’
‘જય હિન્દ’
‘જય હિન્દ’

ઉરી ફિલ્મના ડાયલોગની સાથે બધા યુવાનો દેશભક્તિના નારા લગાવી રહ્યા હતા. લાઉડ સ્પિકર પર જોર જોરથી વાગતા દેશભક્તિના ગીતો, ઢોલ-નગારાનો અવાજ, વિંગ કમાન્ડર અભિનંદનના મોટા બેનર્સ સાથે લોકો મોટી રેલી લઇને જાંબાઝ  અભિનંદનને અભિનંદન આપવા સૌ આઝાદ ચોકમાં આવી રહ્યા હતા. આજે દેશભક્તિનો ઉત્સવ હતો. વાયુસેનાના અભૂતપૂર્વ સાહસનો તહેવાર હતો.

અને ત્યાં જ માઇકમાંથી એનાઉન્સરે બધાનો જોશ વધારવા ફરી પ્રાણ ફૂંક્યો,

*‘આઓ ઝુકકર સલામ કરે ઉનકો જીનકે હિસ્સેમેં યે મુકામ આયા હૈ,*
*ખુશનસીબ હોતા હૈ વો ખૂન જો અપને દેશ કે કામ આયા હૈ’*

અને આ દેશભક્તિની શાયરી સાંભળતા જ એકઠાં થયેલા ટોળાંએ ‘ભારત માતા કી જય’નો જયઘોષ કર્યો.

સૌ કોઇ અભિનંદનની રીહાઇ પર ગર્વ અનુભવતા હતા. અભિનંદનને અભિનંદન આપવા તેની વિશાળ તસ્વીર સ્ટેજની બરાબર વચ્ચે મુકી હતી. તેની પાછળ પુલવાના હુમલામાં શહીદ થયેલ વીર જવાનોનું મોટુ બેનર હતું. તેની સામે એક મોટી મશાલ હતી. મશાલની આગળ રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગના ટીશર્ટ પહેરાલા ત્રણ નાના બાળકો સાવધાન બનીને ઉભા હતા. વચ્ચે ઉભેલા બાળકના હાથમાં રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો હતો.

સ્ટેજથી થોડે દૂર બે યુવાનો આ સભાને જોઇ રહ્યા હતા અને તેમને સાંભળી રહ્યા હતા. સશક્ત, કસાયેલુ શરીર અને ચારેખૂણે ફરતી આંખો જાણે કોઇ ગુપ્ત જાસુસ હોય તેમ દર્શાવતી હતી. જુદા જુદા ધર્મના ધાર્મિક નેતાઓ, જુદી જુદી સેલીબ્રીટીઝ અને રાજકીય જૂથના વડાઓ  એકમંચ પર એકઠા થઇ બિનસાંપ્રદાયિકતા અને હમ સબ એક હૈનું વરવું દ્રશ્ય ખડુ કરી રહ્યા હતા.

મુસ્લિમ નેતાએ તો અભિનંદન માટે કહ્યું, ‘હમારા એક નૌજવાન શેર જૈસા હૈ, વો સો સો આતંકીઓ પર ભારી હૈ, હમારા પડોશી મુલ્ક યે સમજ લે કી અભી તો એકને હી કદમ રખા હૈ આપકી ધરતી પર ઔર આપકા યે હાલ યૈ, યદી પુરી ફૌજ આયેગી તો છીપને કા ભી ઠીકાના નહી બચેગા..’ અને ફરી બધાના ચહેરા પર જોશ છલકાઇ ગયો.

અને ત્યાં જ  ફિલ્મોનો અભિનેતા તેના બોડીગાર્ડ્સ સાથે સભામાં દાખલ થયો. તેના આવવાથી ફરી સૌનો ઉત્સાહ બેવડાયો. તેને આવતા જોઇ બધા તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરવા લાગ્યા.

તે અભિનેતાએ સ્ટેજ પર સોફામાં પોતાનું સ્થાન લીધું અને બધા સામે હાથ ફેલાવી અભિવાદન ઝીલ્યું. જો કે બાજુમાં બેસેલા નેતાજીને આ ન ગમ્યું કારણ કે તેઓ બન્ને જુદી જુદી રાજકીય પાર્ટીના હતા.

પોતાનું વધુ સારુ દેખાય તે માટે તે નેતાજીએ એક ચીઠ્ઠી લખીને એનાઉન્સર તરફ સરકાવી.

એનાઉન્સરે તે વાંચીને ખૂબ ઉત્સાહથી જાહેરાત કરી, ‘ આપણાં લોકલાડીલા નેતાજી તરફથી આપણાં શહેરમાં અભિનંદનના નામે એક ‘અભિનંદન ચોક’ બનાવવામાં આવશે જેથી લોકો તેમની વીરગાથાને કાયમી યાદ રાખી શકે.’

સામે બેસેલા ટોળાંએ તો ફરી ‘હમારા નેતા કૈસા હો.....??’ ના નારા સાથે તેમની વાહવાહ બોલાવી તો નેતાજી ઉભા થઇને સૌને વંદન કરવા લાગ્યા.

પેલા અભિનેતાને જાણે તકલીફ થઇ હોય તેમ તેને પણ એક ચીઠ્ઠી લખીને એનાઉન્સર તરફ સરકાવી. એનાઉન્સરે ફરી જોશમાં કહ્યું, ‘આપણા અભિનેતા પણ અભિનંદનની શૂરવીરતા પર એક ફિલ્મ બનાવશે અને તેની તમામ કમાણી દેશના સૈનિકોને અર્પણ કરશે.’
આ સાંભળી લોકોએ ફરી અભિનેતા માટે તાળીઓને ગડગડાટ કર્યો.

અભિનેતાએ નેતાજીની જાહેરાતનું થોડીક્ષણોમાં જ સૂરસૂરીયું કરી દીધું હોય તેમ તેમની સામે જોયું.

‘યે લોગ હમારે નામ પે અપની રોટી પકા રહૈ હૈ’ન....!’ દૂરથી  ક્યારનાય ટટ્ટાર ઉભેલા યુવાને તેના બાજુના વ્યક્તિને કહ્યું.

‘યે તો સદીઓ સે હોતા ચલા આયા હૈ...! યે લોગો કો તો ક્યાં હૈ....? અભી આજ કી શામ દેશકે નામ કરેંગે ઔર કલ કી શામ મોજ મસ્તી કે નામ કર દેંગે. યે પાકિસ્તાન સે લડને કી બાતે કરેંગે, આતંકીઓ કા કચરા સાફ કરને કી બાત કરેંગે... એકજૂટ રહને કે વાદે કરેંગે... દેશ કે નામ મરમિટને કે ખોખલે વાયદે ભી દેંગે... આજ ઉનકા હિરો ‘અભિનંદન’ હૈ, કલ તો ઉનકા હિરો કોઇ ક્રિકેટર, એક્ટર યા કોઇ લીડર બન જાયેગા...! અરે ઇસ શહરમેં કિતને લોગ આર્મીમે કામ કરતે હૈ યે ભી ઉનકો પતા નહી હોગા... કોઇ સૈનિક છુટ્ટી મનાને ઘર આતે હૈ તો કીસીકો પતા ભી નહી હોતા કી યે કિતની જંગ લડકે આયા હૈ... મગર યદી વો શહીદ હો કે આયા તો પૂરા શહર ઉમટ પડેગા ઉનકી મૌત પર.... ઉનકે જિંદા વાપસ આને સે કોઇ અસર નહી હોતા ઇન લોગો કો, મગર ઉનકે શહિદ હોને કે બાદ સબકી દેશભક્તિ જાગ ઉઠેગી.’ બાજુના યુવાને પણ જોશમાં જ જવાબ આપ્યો.

અભિનેતા અને નેતાજીની ધારદાર સ્પિચ હતી અને દેશસેવામાં પોતાના જાન ન્યોછાવર કરવા તત્પર સૈનિકોની લાંબી લાંબી યશગાથાઓ સંભળાવી...

કાર્યક્ર્મના અંતે સૌ દેશભક્તિના ગીત સાથે અભિનંદનની આરતી કરશે તેવું જાહેર થયું. જેમાં પહેલા મશાલ પ્રગટાવી અને પછી સૌ પોતાના હાથમાં રહેલી મીણબત્તી સળગાવશે.

મશાલ ઝડપથી સળગે તે માટે તેમાં કપૂર અને તેલ વધુ નખાયું હતુ. મશાલને લાંબી લાકડી વડે સળગાવતાં જ  તેની જ્વાળાઓ ભડકી ઉઠી. આ જ્વાળાને વાયરાનો સાથ મળતા તેનો તેજ તિખારો ઉપર રહેલા મંડપને પહોંચી ગયો અને તે આગની લપેટોમાં આવી ગયો. કોઇએ વિચાર્યુ પણ નહી હોય કે આ મશાલની જ્વાળાઓ છેક ઉપર સુધી પહોંચી જશે.

લોકો તેની સામે જુએ કે વધુ વિચારે ત્યાં સુધીમાં તેની આગ વિકરાળ બની અને સ્ટેજ ઉપરનો મંડપ ભડભડ સળગવા લાગ્યો. ઉપરથી સળગતા કપડાના લીરા નીચે પડતા જ બધા મહેમાનો સ્ટેજ છોડીને નીચે ભાગવા લાગ્યા. પેલા ત્રણેય બાળકોમાંથી બે બાળકો પણ નીચે ભાગ્યા પણ જેના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો તે સાવધાન મુદ્રામાં ત્યાં જ સ્થિર હતો.

પવન તેજ હતો એટલે આગે વધુ જોર પકડ્યુ અને સ્ટેજ પર સામે લાગેલા શહિદોના બેનર સુધી આગ પહોંચી.

બધા દૂરથી સલાહો આપી રહ્યા હતા અને તમાશો જોઇ રહ્યા હતા અને કેટલાકે તો લાઇવ વિડિયો પ્રસારણ પણ શરુ કરી દીધુ હતુ.

ત્યારે પેલા બન્ને યુવાનો વીજળીવેગે સ્ટેજ પર પહોંચ્યા અને પેલા બાળકને તિરંગા સાથે ઉઠાવી સહીસલામત નીચે મુકી દીધો. પછી તેઓ શહીદોના બેનરને આગની જ્વાળાઓથી બચાવવા લાગ્યા. જો કે તેમનો બચાવ પૂરતો નહોતો એટલે તેમાનો એક યુવાન મંડપ પર ચઢી પોતાના ખિસ્સામાં રહેલા ચપ્પાથી કાપડ કાપી તેનું સળગતુ કપડું દૂર કરી નાખ્યું અને આગ આગળ ફેલાતી અટકી ગઇ.

હવે સળગીને નીચે ઝુકેલા કાપડની અગનજ્વાળાઓ અભિનંદનની તસ્વીર સુધી પહોંચી ગઇ હતી. નીચે ઉભેલા તેના મિત્રએ તરત જ તરાપ મારી અભિનંદનની તસ્વીર સળગી ન જાય તે માટે તે સળગતા કાપડને પકડી પોતાના હાથ પર લપેટી ખેંચીને દૂર કરી દીધુ. તેનો હાથ સળગી રહ્યો હતો.... તેની સાથે તે સળગતું કપડું પણ તેના શરીરે વિંટળાઇ ગયુ અને જાણે તે ક્ષણમાં આગની લપેટમાં લપેટાઇ જશે તેવું લાગ્યું.

પેલા બીજા યુવાને આ જોતા જ તેને ઉપરથી કુદકો લગાવી તેને બાથમાં લઇ જમીન પર સુવડાવી અને તેની આગ ઓલવવા લાગ્યો. તેને આગ ઓલવવાની ટ્રેનીંગ લીધી હોય તેવુ લાગ્યું.

બન્નેના જીવસટોસટના સાહસથી રાષ્ટ્રધ્વજ, શહિદોનું બેનર અને અભિનંદનની તસ્વીર સલામત હતી. બન્ને શરીરે ક્યાંક ક્યાંક દાઝ્યા હતા પણ તેઓ હસતા મોંએ ઉભા થયા અને અભિનંદનની તસ્વીરને સલામ કરી ચાલવા લાગ્યા.

‘સર તમે કોણ છો ?’ પેલા એનાઉન્સરે બધાની વચ્ચે પુછ્યું.

‘કલ શાયદ ઇન ફોટોમેં ભી હમારી શહાદત લીખી જાયે.....!!’

‘યાની આર્મીમેન..?’

‘જી..હાં’

અને ત્યાં જ બધાએ તે બન્ને અજાણ્યા આર્મીમેનનું ભારતમાતા કી જયના જયઘોષ સાથે બહુમાન કર્યુ.

‘આપ કુછ કહેંગે....??’

‘જી નહી, હમ કુછ કહનેવાલોમે સે નહી હૈ.... તુમ્હે બાતે કરનેવાલે યા કહનેવાલે બહોત મિલ જાયેંગે...’ પેલા બન્નેએ સામે નીચે ઉભેલા અને પરિસ્થિતિ સામે લડવાને બદલે ભાગી ગયેલા અભિનેતા અને નેતા તરફ જોઇને કહ્યું. 

‘ફિર ભી...’ એનાઉન્સરે આગ્રહ કર્યો.

અને તેમાનો બીજો યુવાન નજીક આવ્યો અને માઇકમાં બોલ્યો, ‘સૌ દેશવાસીઓ, છેલ્લા પંદર દિવસમાં આપ સૌએ દેશ માટે ખડેપગે રહેતા સૈનિકો માટે જે પ્રેમ દર્શાવ્યો છે તેનો અમને ગર્વ છે. સરહદ પર રહેલા દરેક સૈનિક અભિનંદન બની દેશ માટે દેશના દુશ્મનો સામે લડી રહ્યા છે. અમે ઇચ્છીએ કે તમે પણ અભિનંદન બનો અને દેશની અંદર રહેલી આપણી સમસ્યાઓ સામે લડો. દેશની ગંદકી, કોમવાદ, જાતિવાદ, ગરીબી, પરસ્પરનું વૈમનસ્ય બધા પર તમે સર્જીકલ સ્ટ્રાઇક કરો. સમસ્યા જોઇને ભાગી જતા કે મોબાઇલમાં તેને લાઇવ કરતા યુવાનો તે સમસ્યા સામે લડતા થઇ જશે ત્યારે અમને લાગશે કે હવે અમારા દરેક યુવાનમાં અભિનંદન જાગ્યો છે. અને છેલ્લે કોઇ સૈનિક રાષ્ટ્રધ્વજમાં લપેટાઇને આવે તે પહેલા  તેને કોઇકવાર સેલ્યુટ કરી લેજો તો તેના પગમાં જોમ વધી જશે... બસ એટલું જ... જય હિન્દ.’

અને બધાએ એકસાથે જયહિન્દ કર્યુ.

તે બન્ને કોઇપણ માન-સન્માનની ઇચ્છા વગર તે ભીડની વચ્ચેથી નીકળવા લાગ્યા.

અને ત્યારે જ એક નાની છોકરી દોડીને તેમની પાસે આવી અને પોતાની મમ્મી પાસેનો મોબાઇલ લઇને બોલી, ‘સર....સેલ્ફી પ્લીઝ... તમે જ અમારા સાચા હિરો છો.’  અને તેને સેલ્યુટ કરીને એક સેલ્ફી ક્લિક કરી લીધી.

*સ્ટેટસ*
*स्मशान में जाते ही हम विरक्त हो जाते है,*
*शहीदों के शब आते ही हम देशभक्त हो जाते है,*
*चंद दिनों के बाद हम ही, चार वर्णोंमें विभक्त हो जाते है |*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત પુસ્તકો
*વ્હોટસએપની વાર્તાઓ ભાગ – ૧ તથા ૨*
*ચાર રોમાંચ જિંદગીના – નવલકથા*
*ગુલમહોર  - નવલકથા*
*શક્તિનો સ્પર્શ અને સફળતાની સફર*
*હું – ખોવાયેલા ખુદની શોધ*
*ફફડાટ – હોરર સ્ટોરી બુક*
માતૃભારતી એપ પર ફ્રી વાંચો
*દાંડિયાની જોડ*
*હિન્દી નવલકથા – અચ્છાઇયાં*

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...