May 11, 2019

WhatsApp ni Vaarta – ૬૭ : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

*વ્હોટ્સ અપની વાર્તા – ૬૭*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*ગાંઠ*

‘આ બ્રેઇન ટ્યુમર જ છે, મારો શક સાચો જ હતો.’ ડોક્ટરે એમઆરઆઇ બ્રેઇનની એક સ્લાઇડ લાઇટની સામે રાખીને તેમાં એક અલગ તરી આવતા કાળા ધબ્બા ઉપર આંગળી અડાડીને કહ્યું.

‘એટલે ગાંઠ...?’ ડોક્ટરની સામે બેસેલા નિર્ભયના શબ્દોમાં ભય અને વેદનાની અસર હતી.

નિર્ભય હજુ કોલેજના બીજા વર્ષમાં હતો એટલે આમ અચાનક આવેલી અણધારી આફતને સહન કરી શકે તેટલો સક્ષમ નહોતો.

‘હા એટલે જ તો તેમને માથુ દુ:ખવું, ચક્કર આવવા, અવારનવાર બેભાન થઇ જવુ આ બધી તકલીફો છે. આવતીકાલે દાખલ કરી દો... ઓપરેશન કરાવવું જ પડશે અને તે પણ જલ્દી.... ’ શહેરના પ્રખ્યાત ન્યુરોસર્જન ડોકટર શાહે તો તેમનો અભિપ્રાય આપી દીધો.

‘કોઇ ચિંતા જેવું તો નથી’ને...? અને હું તેમને બહાર બેસાડીને માત્ર રીપોર્ટ્સ બતાવવા જ આવ્યો છું..’ નિર્ભય હવે ખરેખર ચિંતાગ્રસ્ત દેખાતો હતો.

‘હવે કાંઇપણ વિચાર્યા વિના તેમની ગાંઠને દૂર કરવી તે જ પહેલો રસ્તો છે.’ ડોકટરે તેના રીપોર્ટસ તેમના આસિસ્ટન્ટને આપી ફાઇલમાં મુકાવ્યાં.

ડો. શાહ કન્સલ્ટિંગ રૂમમાં સામે બેઠેલા ચિંતીત નિર્ભયને જોઇ રહ્યા અને બોલ્યા, ‘જો તારા પપ્પાને પણ સાથે લાવવા જોઇએ. તને અને તારા મમ્મીને હિંમતની જરુર છે બાકીનું મારા પર છોડી દો... અત્યારે બ્રેઇન સર્જરી પણ નોર્મલ જ ગણાય છે..’

‘સાહેબ, કેટલો ખર્ચ...? અને ઓપરેશન પછી સારુ તો થઇ જશે ને...?’ નિર્ભય હજુ વ્યથીત હતો.

‘જિંદગીના જોખમ સામે બીજો કોઈ  વિચાર ન કરાય ઓપરેશન અને પોસ્ટ ઓપરેટીવ કેરમાં પણ ખૂબ સાવધાની રાખવી પડે છે... બે થી અઢી લાખનો ખર્ચ થશે...!! એ બધું તમને રિસેપનીસ્ટ સમજાવશે.’ ડોક્ટર શાહ માટે આ પ્રકારના અનેક કેસો દરરોજ આવતા એટલે રુટીન હતું પણ નિર્ભય માટે તો આ મમ્મીની મગજની ગાંઠનું નિદાન અને આકસ્મિક ખર્ચ તેને બેચેન કરી મુકે તેવું હતું.

ડોક્ટરની કેબિનમાંથી બહાર આવીને નિર્ભયે એક શ્વાસે આખો ગ્લાસ પાણી ગટગટાવી લીધો અને ઉંડો શ્વાસ લઇ સહેજ રીલેક્ષ થવાનો પ્રયત્ન કર્યો.

પ્રાઇવેટ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં જવું..? મેડિક્લેઇમ પણ નહોતો એટલે પૈસાની પણ વ્યવસ્થા કરવી પડશે....! તાત્કાલિક દાખલ કરવામાં બીજી વ્યવસ્થાની પણ ચિંતા... અને વળી કોર્ટની તારીખો તો ખરી જ....!! અત્યારે નિર્ભયના મનમાં અનેક વિચારોની ઘુમરીઓ આમતેમ અથડાઇ રહી હતી.

‘વળી, ડોક્ટરે કહેલું કે પપ્પા કેમ સાથે નથી...? આ તો મમ્મીના છુટાછેડાની ફાઇલ અને તેમના કોર્ટના છેલ્લા એકવર્ષના ધક્કાથી પોતે પણ કંટાળી ગયો હતો અને એમાં પણ આ નવી ઉપાધી...!!’

‘શું કહ્યું ડોક્ટરે..?’ નિર્ભયની રાહ જોઇને બહાર બેસી રહેલા તેના મમ્મીએ પુછી લીધુ.

‘એક નાની ગાંઠ છે... ઓપરેશન કરાવવું પડશે.’ નિર્ભયે હકીકત કહી દીધી.

‘ખર્ચ...?’ માંના ચહેરા પર પોતાના દુ:ખની નહી પણ ઘરની આર્થિક તંગીની વધુ ચિંતા હતી.

‘બે અઢી લાખ....!’ શબ્દો ભલે ત્રણ જ હતા પણ એકલવાયા થઈ ગયેલા મા દીકરા માટે આ રકમ ભેગી કરતા તો ત્રણ દાયકા નીકળી જાય તેમ હતું.

અને પછી બન્ને વચ્ચે સર્જાયો એક મોટો શૂન્યવકાશ....

‘સિવિલમાં જઇએ તો....?’ આખરે માંને ખબર હતી કે આ પરિસ્થિતિને પોતે જ સાંભળવાની છે.

‘સારુ જોઇએ...!’ નિર્ભય પણ મમ્મીની આંખોમાં છેક ઊંડે સુધી જઈને તેના આંસુસાગરમાં ડૂબકી લગાવી આવ્યો.

નિર્ભય અને મમ્મીને આવતીકાલે કોર્ટમાં મુદત હતી એટલે જવાનું પણ હતુ. મુદત પતાવી સિવિલ જઈ આવીશું તેમ નક્કી કરી બંને જીવનની કપરી પરિસ્થિતિ સામે લડવા તૈયાર થયા.

બીજા દિવસે મમ્મીને માથાનો દુ:ખાવો વધી ગયો અને ચક્કર પણ વધી ગયા... પણ કોર્ટની તારીખ પર જવુ જરુરી હતું.

નિર્ભયે તેની ફાઇલ સાથે મમ્મીના રીપોર્ટસની ફાઇલ પણ સાથે લીધી. પછી વકીલ.... કોર્ટની બહાર લાંબો ઇંતજાર.... અને સામે લડનારા ખૂદ પપ્પા અને તેમના વકિલ...

મમ્મી-પપ્પા બન્ને  વચ્ચેના કાયમી ખટરાગો... વિચારો અને રહેણીકરણીમાં જમીન આસમાનનું અંતર... પપ્પા બિઝનેશમેન અને મમ્મી ટીપીકલ હાઉસ વાઇફ... પપ્પા શોખીન અને ઘરની બહાર જ રહ્યા કરે જેનો મમ્મીને કાયમ વિરોધ... પપ્પાની ઓફીસમાં બધાની વચ્ચે જ મમ્મીએ પપ્પાની સેક્રેટરી બાબતે ઉગ્ર બોલાચાલી કરેલી અને પછી તો પપ્પાએ પણ તેનાથી કંટાળીને ડિવોર્સની નોટીસ આપી દીધી હતી...
મમ્મીએ સામે વળતરની માંગણી મુકેલી અને કોર્ટ તેનો નિર્ણય કરવાની હતી.

નિર્ભય બન્ને વચ્ચે કેટલીયેવાર પીસાયો હતો... તે કાયમ મમ્મી તરફી હતો કારણ કે મમ્મીએ તેને ખૂબ પ્રેમ આપેલો.. અને પપ્પાને તો ટાઇમ જ ક્યાં હતો ?

 નિર્ભય કોર્ટની બહાર પોતાના કેસનો નંબર આવે તેની રાહ જોઇને મમ્મી સાથે બેઠો હતો... પપ્પા પણ દૂર તેની સેક્રેટરી સાથે જ આવેલા... ‘કેવા નિર્લજ્જ છે... મમ્મીની કે અમારી સહેજે’ય ચિંતા નથી..?’ નિર્ભય દૂરથી પપ્પાને અંદરોઅંદર ધુત્કારી રહ્યો હતો.
અને ત્યાં જ મમ્મી ચક્કર ખાઇને બેભાન થઇને પડી... અને બધા ભેગા થઇ ગયા.... નિર્ભય પણ મમ્મીને ટેકો આપવા લાગ્યો.... અને ત્યાં જ પપ્પા દૂરથી દોડીને આવ્યા અને તેમને મમ્મીનું માથું પોતાના ખોળામાં લઇ લીધું.

એકાએક પપ્પાને આ રીતે બદલાયેલો સ્વભાવ જોઇને નિર્ભય તો અચંબિત થઇ ગયો...!!  તેને જોયું તો પપ્પા તાત્કાલિક એમ્બ્યુલન્સ મંગાવવા તેની સેક્રેટરીને કહી રહ્યા હતા.

‘પપ્પા, મમ્મીને મગજમાં ગાંઠ છે એટલે આવું તો છેલ્લા બે મહિનાથી થાય છે.’ આખરે નિર્ભયે પપ્પા સામે જોઇને કહ્યું.

અને તરત જ પપ્પા બોલ્યા, ‘ઓહહ... તો મને કહ્યું કેમ નહી.....??’ તે અત્યારે સાવ બદલાયેલા લાગ્યા.

અને થોડીવારમાંએમ્બ્યુલન્સ આવી. નિર્ભયે એમ્બ્યુલન્સમાં બધી વાત કહી અને મમ્મીની ફાઇલ પણ બતાવી.

નિર્ભયના પપ્પાએ ઉંડો શ્વાસ લીધો અને બોલ્યા, ‘ તારી મમ્મી કાયમ મગજમાં બધી ગાંઠોવાળીને જ જીવતી અને એટલે જ મારે એની સાથે નહોતું બનતું... કેમ મોડું થયું ? પેલી કોણ હતી ? રાતે કોની સાથે જમ્યા ? પેલી નવી સેક્રેટરી કેમ તમારી સાથે હતી ? જેવા કેટકેટલાય નિરર્થક પ્રશ્નોથી હું કંટાળી ગયો હતો. તેના મગજમાં રહેલી આ બધી અવિશ્વાસ અને અદેખાઇની ગાંઠો આ મોટી ગાંઠ બનીને બહાર આવી છે.’

‘પણ પપ્પા મમ્મી અને મારેય તમારો પ્રેમ જોઇએ તો ખરોને... એમા મમ્મી ખોટી નહોતી... મેં તેને ઘણીવાર એકલી એકલી રડતા જોઇ છે.’ નિર્ભય હવે બધુ સમજે તેવો પરિપક્વ તો હતો જ..

‘જો દિકરા, ઘરમાં મમ્મી પ્રેમ અને વ્હાલ આપે, ઘરને સાચવે... જ્યારે પપ્પા ઘરને આર્થિક સધ્ધરતા અને આવનારી તકલીફો સામે સુરક્ષા આપે... આ કામ સદીઓથી વહેંચાયેલું છે. પપ્પા મમ્મી બનીને કે મમ્મી પપ્પા બનીને રહે તો પરિવારમાં અસંતુલન આવી જાય... બન્નેની જુદી જુદી જવાબદારીઓ છે.’ પપ્પા બિઝનેસમેન હોય તે રીતે વાત કરતા હતા.

આખરે હોસ્પિટલ આવી... મમ્મીને તાત્કાલિક એડમિટ કરી અને બીજા દિવસે ઓપરેશન પણ કરવાની સૂચના અપાઇ ગઇ.. તેનો બધો ખર્ચ પપ્પાએ કરી દીધો... મમ્મી તો હજુ પણ બેભાન હતી.. નિર્ભય જોઇ રહ્યો હતો કે પપ્પાના શબ્દકોશમાં પ્રેમ ભલે ન હોય પણ તેમનામાં પારિવારિક જવાબદારી ભારોભાર હતી. કદાચ, પપ્પાનો પ્રેમ આ રીતનો જ હોય...!!

મમ્મી ભાનમાં આવી. સામે નિર્ભય દેખાયો પણ પોતે પ્રાઇવેટ હોસ્પિટલમાં છે તે જોઇને  બોલી, ‘ નિર્ભય આ બધો ખર્ચ....??’

‘ઓપરેશનનો બધો ખર્ચ પપ્પાએ આપ્યો છે....!’ નિર્ભયના મુખેથી શબ્દો સાંભળતા મમ્મીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

અને ત્યાં જ પપ્પા રૂમમાં આવ્યા. મમ્મી આજે પહેલીવાર તેમને જોઇને નારાજ ન થઇ અને બોલી, ‘આટલો બધો પ્રેમ કરો છો તો કહેતા કેમ નથી....?’

‘એ મારી આદત નથી.... અને બસ તું એમ કહે કે તને કેમ છે ?' એટલું કહીને તે હસ્યા.

‘તમે હોય તો પછી ચિંતા શેની...?’ જાણે મમ્મી પણ પપ્પાનો પ્રેમ સમજી ગઇ હતી.

‘બસ તો આ વાક્ય જિંદગીભર મગજમાં ગાંઠવાળીને રાખજે તો હું તને કોઇ તકલીફ નહી થવા દઉં.’ પપ્પા પણ તેની પાસે તેનો હાથ પકડીને બોલ્યા.

‘અરે જો જો મગજમાં બીજી કોઇ ગાંઠ વાળતાં.... હું માંડમાંડ જુની ગાંઠ કાઢી શક્યો છું.’ ન્યુરોસર્જન ડો. શાહ કેબિનમાં દાખલ થતા બોલ્યા અને સૌ હસી પડ્યાં.

મમ્મી પણ બોલી, ‘ સાચે જ ડોક્ટર હવે એવું જ લાગે છે કે મગજની બધી ગાંઠો નીકળી ગઇ હોય...!!’



*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*


ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત પુસ્તકો....

*શક્તિનો સ્પર્શ અને સફળતાની સફર*
વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી પુસ્તક

*ચાર રોમાંચ જીંદગીના*
સંબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા

*વ્હોટ્સએપની વાર્તાઓ ભાગ -૧ તથા ૨*
જેમાં તમને વાંચવા મળશે પારિવારિક, સામાજિક અને સંવેદના સભર અદભૂત ૪૬ વાર્તાઓ

*હું - ખોવાયેલા ખુદની શોધ*
સ્વવિકાસ માટેનું પુસ્તક

*ગુલમહોર*
પ્રેમ, પોતાના સ્વપ્નો રિવાજો અને પારિવારિક સંઘર્ષો વચ્ચે પસાર થતી યુવાદિલ છોકરીની નવલકથા

*ફફડાટ*
હોરર સ્ટોરી બુક - જેમાં અમોલ પ્રકાશનના ચુનંદા લેખકોની ખોફનાક વાર્તાઓ...

અને માતૃભારતી એપ પર વાંચો
*દાંડિયાની જોડ*
હિન્દી નવલકથા
*અચ્છાઇયા*
અને બીજી વાર્તાઓ...

આ પુસ્તકો મંગાવવા માટે લેખક અથવા અમોલ પ્રકાશન મોબા નં. *૮૩૨૦૩૪૨૯૦૨* પર સંપર્ક કરશો.

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...