Feb 1, 2019

Whatsapp ni Vaarta : New calendar : 62- Dr. Vishnu Prajapati

*વ્હોટ્સ અપની વાર્તા – ૬૨*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*નવું કેલેન્ડર*

©કોપીરાઈટ આરક્ષિત

ઉગમણાં ઘરના આખા ખુલેલા દરવાજેથી તડકો સીધો મોટા રૂમમાં અડધે સુધી આવી ગયો હતો. ખુલ્લા દરવાજામાંથી તડકાની સાથે આવતી ઠંડી લહેર ગરમાવાને દૂર લઇ જતી અને ત્યારે તડકાની સામે બેસેલા કરસનદાદા પોતાના શરીરને શાલમાં લપેટી લેતા.

પંચોતેર વટાવીને જીવનના બાકી રહેલા  દા’ડા ગણી રહેલા કરસનદાદાને હવે કોઇ બાકી કામ રહ્યુ નહોતું. દાદા-દાદી બન્ને એકલપંડે હતા. નિ:સંતાન અને નિર્ધન જિંદગીમાં હવે પહેલું મરીને કોણ સુખી થાય છે તે જ તેમની જિંદગીની છેલ્લી હકીકત હતી...!

તેમના જીવનનું જો એક સુખ ગણીએ તો તે સુખ દર મહિનાની પહેલી તારીખે દરવાજો ઉઘાડીને આવતું અને તે બન્નેના જીવનમાં એક મહિના સુધી સુખની સુવાસ પાથરીને જતુ રહેતું.

એ સુખનું નામ હતું  વૃધ્ધ પેન્શન યોજનાનો એજન્ટ – બિપીન માકડીયા.

બિપીન છેલ્લા પાંચ વર્ષથી  દર મહિનાની પહેલી તારીખે અચૂક આવે અને આ બન્ને એકલવાયા જીવને પેન્શન આપીને ચાલ્યો જાય અને પાછું ઘરમાં ડોકિયું પણ કરતો જાય કે આ દાદા-દાદીને બીજી પણ મદદ કરી શકાય...! વળી, તેની આદત કે દર વર્ષે ઘરડાં લોકોને ઉપયોગી બને તેવું સરસ મજાનું કેલેન્ડર આપતો જાય. બીજી કંપનીના વિમા એજન્ટ આ બિપીનનું કેલેન્ડર જુએ તો શંકા અને ઇર્ષ્યા બન્ને કરીને જાય.

જો કે કરસનદાદાને તો તેમના પેન્શનથી જ મતલબ હતો. તેઓ ક્યારેય કેલેન્ડરનું પાનું પણ ઉથલાવતા નહી... બિપીન આવે એટલે નવા મહિનાનું પાનું ઉલટાવીને જાય અને વળી તેમને ઘરડાં લોકોએ શું ધ્યાન રાખવું તે બધુ સમજાવતો પણ જાય....!

જો કે નવા વર્ષના જાન્યુઆરી મહિનાના પાંચ દિવસ ગયા છતાં તે આવ્યો નહોતો. બન્ને ઘરડી નજરો  સુખનો સંદેશો ક્યારે આવશે તેની વાટ જોઇને બેઠાં હતા... અને આખરે તેમની ઝાંખી નજરમાં સુખનુ તેજ કિરણ દેખાયું. ઘરમાં તે તડકાની સાથે પહેલા એક પડછાયો પ્રવેશ્યો અને થોડીવાર પછી એક યુવાન દાખલ થયો...

તે આવ્યો અને આ ઘરની રજેરજ જાણતો હોય તેમ પ્રવેશ્યો... તેને આવીને પહેલા બન્ને દાદા-દાદીના ચરણસ્પર્શ કર્યા અને તેની બેગમાં રહેલ વર્ષ ૨૦૧૯ના નવા  કેલેન્ડરને સામે દિવાલ પર લગાવવા આગળ વધ્યો...!!

‘બિપીન...??’ કરસનદાદાના મુખેથી  એક શબ્દરુપી પ્રશ્ન નીકળ્યો.

‘દાદા... તમે ચિંતા ન કરો..’ તે સામે બેસી ગયો અને બિપીનની જેમ જ તેને એક કાગળ સામે ધર્યો. રીતભાત બધી બિપીન જેવી જ...!

કરસનદાદાએ ધ્રુજતા હાથે અંગુઠાનું નિશાન કર્યુ અને તે યુવાને દાદાના હાથમાં એક કવર મુકી દીધું.

‘મને મારા પપ્પાએ કહ્યું છે કે દર મહિનાની પહેલી તારીખે તારે પેન્શન આપવા જવાનું અને સૌ પહેલા કરસનદાદાના ઘરે જજે. તેમને કેલેન્ડરનું પાનું ફેરવવાની પણ ટેવ નથી એટલે તારે તેમને નવા મહિનાનું પાનું ફેરવી દેવાનું અને દાદીના હાથની મસ્ત મજાની ચા પીવાની.  આ કાગળમાં તેમનો અંગુઠો લઇ અને આટલી રકમનું કવર આપવાનું...! પણ આ વખતે મારે પાંચ દિવસ મોડું  થયું એટલે માફ કરશો....!’ તે યુવાન નાનો હતો પણ તેના શબ્દોમાં મીઠાશ હતી.

તે ઉતાવળમાં હોય તેમ ઉભો થતા બોલ્યો, ‘સારુ તો હું નીકળું છું... ચા આવતા મહીનાની પહેલી તારીખે બાકી હોં...  અને આ વખતે નવા વર્ષનું નવુ કેલેન્ડર લગાવ્યું છે તે જોઇ લેજો.’

કરસનદાદાએ તેનો હાથ પકડીને ફરી બેસાડ્યો અને બોલ્યા, ‘ સાચુ કહુ તો અમને કેલેન્ડર જોવાની આદત જ નથી. તેની નીચે તારા પપ્પાનો ફોટો હોય છે અને કદાચ તમારી કંપનીનું નામ હશે પણ અમારે તેનાથી શું નિસ્બત..?. અમે રહ્યા અભણ અમને આ ઘડપણમાં તારીખ, સમય અને વારની જરુર પણ શું હોય ?  આ તો બિપીન આવે અને અમને દર પહેલી તારીખે પેન્શન આપી જાય એટલે અમને ટેકો રહે....!! અને હા, તારા પપ્પાને કહેજે કે અમને ક્યાં સુધી પેન્શન મળશે..?’

‘અરે... દાદા તમે નાહકની ચિંતા કરો છો... તમને આ પેન્શન ઓછુ લાગતું હોય તો કહેજો તો હું કંપનીને લેટર લખી વધારે થતું હોય તો કરાવું ?’ આ યુવાને પણ બિપીનની જેમ જ વિશ્વાસના લહેકાથી કહ્યું.

અને ત્યાં જ બાજુમાં બેસેલા દાદી બોલ્યા, ‘ ના....ના... એવું નથી.... પણ તું અસ્સલ તારા પપ્પા જેવો જ છે...!  તે આજથી પાંચેક વર્ષ પહેલા પહેલી તારીખે જ અમારા ઘરે આવેલો અને ફટાફટ કંઇક બોલતો હતો... તેને કેટલાક કાગળીયા બતાવ્યા અને કહ્યું કે તમે જે કંપનીમાં પ્રીમિયમ ભર્યુ હતુ તે પૉલિસી પાકી ગઇ છે એટલે તમને ઘરડાં થયાનું પેન્શન મળશે. તેને અમારી પાસે કેટલાક કાગળીયામાં અંગુઠા મરાવેલા... અને પછી દર મહિનાની પહેલી તારીખે આવી અમને આ પૈસા આપી જાય... અમે તો જુની પૉલિસી બહુ શોધી પણ અમને મળી જ નહી અને કેટલું પ્રીમિયમ ક્યારે ભર્યુ હતું તે પણ યાદ ન આવ્યું,…..!!! પણ બિપીન સારો એજન્ટ છે તેને બધા કાગળીયા કરી આપ્યા અને તે દિવસથી આજદિન સુધી દર પહેલી તારીખે તમારુ પેન્શન અમને મળી જાય છે. પહેલી તારીખે બિપીન આવે અને તે અમારો કેલેન્ડરનો મહિનો અને સાથે સાથે અમારુ જીવનનું એક પાનું ઉલટાવીને જતો રહે છે... અમે ઘરડાં બીજુ તો શું કહીએ...!! બિપીન અને તે કંપનીનો આભાર કે અમને યાદ રાખીને અમારો સહારો બની દર પહેલી તારીખે અમને જીવાડી જાય છે. ’

‘બા-દાદા તમે ચિંતા ન કરો... કંઇ તકલીફ હોય તો સામે નવા કેલેન્ડરમાં લખેલા મારા નંબર પર ફોન કરજો હું આવી જઇશ...’ અને તે યુવાન ઉતાવળમાં હોય તેમ ઉભો થયો.

‘બેટા તારુ નામ શું..? અને હા, બિપીનને કહેજે કે  આ મહિનાની ચા તેને પીવાની બાકી છે આવતા જતા તે પીવા આવે...!’ દાદાએ તેને કહ્યું.

જો કે તે કોઇ પ્રત્યુત્તર આપ્યા વિના જલ્દી જલ્દી નીકળી ગયો.

તે ગયો અને કરસનદાદાએ કવર હાથમાં લીધું, તેમાં પૈસા ગણ્યાં તો ગયા વર્ષ કરતા થોડા વધારે હતા.

પેલા યુવાનના ગયા પછી કરસનદાદાના દુરના સગાનો દિકરો મહેશ જે પણ કોઈ વીમા કંપનીનો એજન્ટ હતો તે ઘરમાં દાખલ થયો.

દાદાના હાથમાં કવર જોઇને પુછ્યું અને કરસનદાદાએ માંડીને વાત કરી.

જો કે મહેશના મનમાં તો કંઇક જુદો જ વિચાર ચાલતો હતો. તે બોલ્યો, ‘દાદા, આમ કોઇને વાંચ્યા વિના અંગુઠો મારી ન આપશો... જમાનો સારો નથી... અત્યારે આ તમારું જુનુ ખોરડું’યે દસેક લાખની કિંમતનું છે... કોઇ ક્યારે હડપી લેશે તેનો ભરોશો નહી.’ અને મહેશ સામે ઉભો રહ્યો.

અને બા-દાદાજીના મનમાં ફાળ પડી…  હવે તેમને સામે પડેલું પેન્શનું કવર કણાની જેમ ડંખવા લાગ્યું.

‘હાય.... હાય તે બિપીન અને તેના છોકરાએ આપણી પાસે દરેક વખતે અંગુઠા મરાવ્યા છે...!!’ બાએ તો અચાનક છાતી પર હાથ મુકીને કહ્યું.

‘મહેશ...સામે કેલેન્ડરમાં તેનો નંબર છે... ફોન કરીને અત્યારે જ બોલાવ તે આપણને દર મહિને કેવા કાગળ પર સહી કરાવે છે તે જોઇએ...!’ કરસનદાદા પણ બોલી ઉઠ્યાં..

અને મહેશે તો તરત જ ફોન લગાવ્યો. થોડી મિનિટમાં જ તે યુવાન પાછો આવ્યો અને દાદા સામે જોઇને બોલ્યો, ‘ બોલો શું કામ યાદ કર્યો..?’

ત્યાં દૂર ઉભેલા મહેશે કહ્યું, ‘ તમારી કઇ ઇન્શ્યોરન્સ કંપની છે અને દાદા પાસે કયા કાગળ પર અંગુઠા મરાવો છો ?’

અને આ શબ્દોથી તે યુવાન સાવ નિ:શબ્દ બની ગયો. મહેશ વધુ ગુસ્સે થયો અને તેની પાસે રહેલી બેગ ખેંચી લીધી અને તેમાં કાગળો શોધવા લાગ્યો.

આખરે તેને દાદાના હાથના અંગુઠાવાળો કાગળ મળ્યો.. મહેશે તે જોઇને તે યુવાનને કોલર પકડ્યો અને બરાડ્યો, ‘ આ સાવ કોરા કાગળ પર મારા દાદાનો અંગુઠો મરાવી તેમનું મકાન હડપ કરી લેવા માંગો છો...?’

પેલો યુવાન હજુ ચુપચાપ ઉભો રહ્યો... મહેશ તેને લડી રહ્યો હતો.
દાદા-દાદી તેની નજીક આવ્યા અને બોલ્યા, ‘તું હાલ જ તારા પપ્પા બિપીનને બોલાવ...!’

પેલા યુવાને ધીમા અવાજે કહ્યું, ‘તે નહી આવી શકે.’

મહેશે તો ગુસ્સે થઇ તેને મારવા હાથ ઉગામ્યો અને ત્યાં તે બોલ્યો, ‘ મારા પપ્પાને થોડા દિવસ પહેલા મગજનો તાવ આવ્યો અને એકાએક આ દુનિયા છોડીને ચાલ્યા ગયા..... મરતા પહેલા મને કેટલાક દાદા-દાદીના નામ અને સરનામા આપીને તેમને પેન્શન પહોંચડાવાનું મને સમજાવ્યું હતુ...!

 ‘તે કઇ કંપનીના એજન્ટ હતા....?’ મહેશે હવે શાંત હતો, જો કે સામે બેસેલા દાદા-દાદી તે યુવાન તરફ અવિશ્વાસના ભાવથી જ તાકી રહ્યા હતા.

છેવટે તે યુવાન નવા લગાવેલા કેલેન્ડર તરફ આગળ વધ્યો અને ધીરે ધીરે બોલવાની શરૂઆત કરી ‘સાચુ કહું તો મારા પપ્પા  કોઇ કંપનીના એજન્ટ નહોતા.... તેઓ કોઇ એકલવાયા ઘરડા દાદા-દાદીને જુએ તો તેમને ખૂબ લાગી આવતું  વૃધ્ધ લોકોને એમ ન લાગે કે તેઓ અમને દયાભાવથી જુએ છે એટલે એમનું કંપનીમાં જુનુ પ્રીમિયમ ભરાયેલું છે તેમ કહી જુના કાગળીયા બતાવતા. તેઓ કાગળીયાની અને  પેન્શનની વાતો   કહેતા અને ખાલી ખાલી અંગુઠા કે સહી કરાવી તેમને સાચોસાચ પેન્શન મળે છે તેવો દેખાવ કરતા....!! મને પણ તેમને મરતા પહેલા જ આ વૃધ્ધ પેન્શન યોજનાની સાચી હકીકત કહી હતી...  પણ પ્લીઝ તમે આ વાત કોઇને ન કરતા, નહિ તો મારા પપ્પાના આત્માને નહી ગમે.....!’ પેલા યુવાનના શબ્દો પુરા થતા જ દાદા-દાદી, મહેશ સાવ અવાચક બની ગયા...

તેઓ પેલા નવા કેલેન્ડરની નજીક ગયા. તેમાં નીચે બિપીનની હાર ચઢાવેલી નાનકડી તસવીર હતી... અને નીચે લખ્યું હતુ કે ‘ વૃધ્ધ પેન્શન યોજના, એજન્ટ – સ્વ. બિપીન માકડીયા.’

‘તો આ વખતે પેન્શનમાં વધારો કેમ...?’ દાદાએ પુછ્યું.

‘તમારું પ્રીમિયમ પાંચ વર્ષથી વધારે જુનુ થયું એટલે....!!’  ફરી  તે યુવાને એટલી જ મીઠાશથી કહ્યું જેટલી મીઠાશ બિપીનનાં શબ્દોમાં હતી. દાદા-દાદી આ નવા કેલેન્ડરના અનોખા વિમા એજન્ટની તસ્વીર સામે તાકી રહ્યાં.

✍🏻✍🏻✍🏻
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત પુસ્તકો

*વ્હોટસએપની વાર્તાઓ ભાગ – ૧ તથા ૨*
*ચાર રોમાંચ જિંદગીના – નવલકથા*
*ગુલમહોર  - નવલકથા*
*શક્તિનો સ્પર્શ અને સફળતાની સફર*
*હું – ખોવાયેલા ખુદની શોધ*
*ફફડાટ – હોરર સ્ટોરી બુક*

માતૃભારતી એપ પર ફ્રી વાંચો
*દાંડિયાની જોડ*
*હિન્દી નવલકથા – અચ્છાઇયાં*

પુસ્તક મંગાવવા સંપર્ક
*અમોલ પ્રકાશન : ૮૩૨૦૩૪૨૯૦૨*
*ડો. અજય રંગવાણી : ૯૫૫૮૦૦૬૬૬૧*