Nov 21, 2018

WhatsApp ni Vaarta 59-'Khalipo' ખાલીપો- Dr.Vishnu Prajapati

*વ્હોટ્સ અપની વાર્તા – ૫૯*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*ખાલીપો*

શહેરના ઘોંઘાટથી જોજનો દૂર સાવ સાદુ ગામડું ગામ અને તેમાં બે ત્રણ પાકા મકાનમાં એક મકાન શંભુદાનું...

આજેય ઘણાના ઘરો પર જુના નળીયા અને ભીંતોની તિરાડોમાંથી તેમની ગરીબી ડોકાઇને બહાર આવતી હતી.

દિવાળીની રજાઓ આ વખતે વહેલી પુરી થઇ હતી. દેવદિવાળી સુધી ઘર હર્યુભર્યુ રહેતું પણ આ વેકેશનમાં શંભુદા અને શકરીબા દેવદિવાળીએ તો સાવ એકલા થઇ ગયેલા.

તેમને મન તો આ પંદર દિવસ તો આંખના પલકારામાં જ વીતી ગયા. બધાએ સાથે બેસીને કરેલી રંગોળી પણ હવે ઘરના ઓટલેથી ભૂંસાઇ ગઇ હતી. છોકરાઓએ મોજથી ફોડેલા ફટાકડાઓના નિશાન પણ જતા રહ્યા હતા અને ઘરમાં બનેલી મીઠાઇઓ, ફરસીપુરી, ઘૂઘરા પણ હવે પતી ગયા હતા.

મોટી પરસાળમાં હિંચકા પર ફરી શમી સાંજે એ ઘડપણ ગોઠવાઇને મીઠી મધુરી યાદો વાગોળી રહ્યું હતું.

‘કેવુ સારુ કે બધા સાથે હતા... એમ થતું કે કોઇને જવા જ ન દઇએ...’ હૃદયના અવાજ અને ભીની આંખે હિંચકા પર બેસેલ શકરીબાએ ધીરેથી કહ્યું.

‘એમ થોડું હોતું હશે, આ તો પંખીના માળા જેવું ઘર... સમય આવ્યે સૌ આવે અને સમય આવ્યે સૌ કોઇ ઉડી જાય.’ બાજુમાં બેસેલા શંભુદાએ ઘેરા અને પરિપક્વ અવાજે મમત્વને સંકોરી દુનિયાદારીની વાત કહી.

‘ટીન્યો ફટાકડા મુકીને ગયો છે અને કહ્યું છે કે દેવદિવાળીએ મારા વતી તમે ફોડી દેજો.. ઇ ફટાકડા જોવું છું ને તેની યાદ આવી જાય છે.’ શકરીબાએ હિંચકાની નીચે પગેથી ઠેલો માર્યો.

‘વ્યાજ કોને વ્હાલું ન હોય..? ઇ તો હાલ્યા કરે.. આપણે છેટાં રહીએ ઇનો’ય પ્રેમ મીઠો લાગે, આપણી બાજુમાં જ જોડે રહેતા ભીખા અને તેના બાપાની દિવાળીના દાડે જ હાલત કેવી ભૂંડી હતી.. છોકરા અને બાપા વચ્ચે મારામારી સુધી વાત પહોંચી ગઇ હતી...’ શંભુદાએ બાજુના ઘરની દિવાલની તિરાડ તરફ જોઇને કીધું.

‘અને ઇની વહુ’યે તેની સાસુ ગંગાને કેવું ભાંડતી’તી... મને તો એમ થાય કે આવી રીતે ભેગા રહેવું ઇના કરતા તો છેટા રહેવું સારું. આ દિવાળીએ વહુ મારી હાટુ સાડી અને પેલું પિચરોમાં પહેરે તેવું ગાઉન પણ લાવેલી... અને સોનાની વીંટી પણ...! પણ એકલા ઇ એકલા તો ખરા જ...! ઘર ખાલી ખાલી જ લાગે...!’’ શકરીબા તો વીંટી સામે તાકીને બોલી ઉઠ્યાં.

‘જો પાછી ફરી તું એ જ વાત પર આવી.... સમય સમયનું કામ કરશે, આપણે તો રાખના રમકડાં... કાયમ રમતાં રહેવાનું...’ શંભુદાના અવાજમાં ગંભીરતા હતી.

અને ત્યાં જ બાજુના ખોરડામાંથી જોરજોરથી તે ઘરની વહુનો અવાજ સંભળાયો, ‘જો બાપાને કહી દો કે ખેતર કે ખોરડું વેચી કાઢે... આપણે શહેરમાં જવું છે... ઇ તો ઘરડાં થયા અને ઇમને જોતરીને મારે મારો ભવ નથી બગાડવો.’

ત્યાં ડોસીનો અવાજ, ‘ હા તારે તો અમારું બધું વેચી કાઢવું છે... તારા બાપના ઘરેથી લઇને આવી હોત તો અમારે આ દન જોવાનો વારો ન આવેત...!’

‘જો મારા બાપનું નામ વચ્ચે લાવ્યાં છો તો મારા જેવી ભૂંડી કોઇ નથ....!’

અને ત્યાં વચ્ચે એક પહાડી અવાજ, ‘ એ ભીખાલાની માં તું ઇની જોડે કેમ માથાકૂટ કરેશ.. ભીખાલાને જ પૂછને ઇને જવું હોય તો હાલ્યો જાય... આમને આમ ક્યાં સુધી આપણે આપણી બધી દિવાળીઓ બગાડીશું....’

અને છેટે ઉભેલો ભીખાલો પણ આજે બોલ્યો, ‘બાપા જવુ તો છે.. છોકરાને સારી  નિહાળે મુકવા પડશે.. અહીં ભણતર કે વળતર કાંઇ દેખાતું નથી... જવું તો છે પણ મૂડી તો જોઇશે’ને... આ બાજુવાળાં શંભુકાકાનો એકનો એક માધિયો વહેલા ગામ છોડીને નીકળી ગયો તો જોયું કેવા સુખી થયા.’

‘પણ ત્યાં જઇને તું કરીશ હું..? અહીં હોય તો ખેતી થાય...’ ફરી પેલો ઘેરો અવાજ તેને સમજાવી રહ્યો હતો.

જો કે તે ઘરની દિવાલોની તિરાડોમાંથી આ રીતની વાતો અગાઉ ઘણીવાર બહાર નીકળી ચુકી હતી.

‘ઇ તો અમે અમારુ કુટી લેશું.. તમતમારે હંભાળજોને ખેતી અને બળદો...’ વહુએ તો ભીખાલાવતી જવાબ દઇ દીધેલો.

‘સારુ જે તમને કોઠે લાગે ઇમ... આ દિવાળી ગઇ, હવે તમે છુટ્ટા... જોઇએ તો ખેતરના કાગળ લઇ જજે... હવે અમારે મન તો તમે ખુશ રહો..’ પેલા ઘરડા અવાજે આખરે નમતું જોખીને રજા આપી.

‘ના... ના... ઇમ કાગળો નો અલાય પેલા માધુભઇના છોકરાએ સંધુયે વેચીને ઇમનું જ કરી નાખેલું અને ડોસા ડોસીને ઘરબાર વિનાના કરી નાખેલા...!’ ત્યાં ડોસીનો અવાજ આવ્યો.

‘અમે ઇના નપાવટ દિકરા જેવા નથી.’ ભીખાલાનો નળીયામાંથી બુલંદ અવાજ આવ્યો અને જાણે ઘરમાં હવે એક નવો નિર્ણય લેવાશે તેવી ચૂપકીદી છવાઇ ગઇ.

‘સારુ જાવ ઇ નો વાંધો નહી પણ વાર તહેવારે આવતા રે’જો... આ બાજુના શંભુદાના છોકરાઓ દર દિવાળીએ આવેને ગામમાં રોનક આવી ગઇ હોય એવું લાગે એવું કરજો.’ પેલો ઘરડો અવાજ હવે નરમ બન્યો હતો.

‘તો આજે કંસાર મુકુ બાપા...’ વહુએ પહેલીવાર હરખાઇને કહ્યું.

‘વહુબેટા... અમારે તો ભેળાં થાય ઇનો કંસાર હોય... નોખા પડે ઇના આંધણ શેનાં..? પણ તે આજે મને ઘણા વરહે બાપા કીધું શે તો મુક અને રાજીપો કરો...’

પછીતના પછવાડે સાંભળતા શંભુદા અનુભવી રહ્યા હતા કે આ રીતે પીરસાતો કંસાર અને પસાર થતો સંસાર ઘરડાં માટે કેવો કડવો હોય છે...?

‘હેં, સાંભળીને આ બાજુના ઘરની કંકાશ... આમનું તો આ રોજનું હતું પણ હવે સારુ કર્યુ... છોકરાઓ ક્યાં સુધી બંધાયેલા રહે...?’ શકરીબાએ ફરી હિંચકો નાંખતા કહ્યું.

‘હા... આ તો જેવુ જેનુ નસીબ..’ અને શંભુદા ઉભા થઇને દિવો પેટવવા લાગ્યા.

દેવદિવાળીની સાંજ ઢળી ચુકી હતી. દિકરાના દિકરાએ રાખેલા કેટલાક ફટાકડા ભેગા કરી તે દિવા સુધી લઇ આવ્યાં.

‘લે તું’યે એક ફૂલઝડી કર અને યાદ કર આપણાં દિકરાને અને આપણાં વ્યાજને...!’ શંભુદાએ પોતાનો અંદરનો ખાલીપો ભરવા આખરે ફૂલઝડી પેટાવી.

શકરીએ ફૂલઝડી હાથમાં લીધી તો ખરી પણ આંખમાં ઝળઝળીયા આવી ગયા, ‘ આ ટીનીયા વિનાની ફૂલઝડી તો સાવ રંગ વગરની અને તેજ વગરની લાગે છે.. ઇ ને બોલાવી લો ને કે મારો હાથ પકડે...’

‘અલી ગાંડી... તું આમ ઢીલી ન થા... ઇ આવશે હવે આવતી દિવાળીએ...!’

‘પણ ત્યારે તો કેટલો મોટો થઇ ગયો હશે... તેની કાલી કાલી બોલી બંધ થઇ ગઇ હશે... નાની નાની આંગળીઓ પણ મોટી થઇ ગઇ હશે... પછી તો ઇ મને ઇની આંગળી યે નહી ઝાલવા દે... મારા હાથથી એકે’ય કોળીયો પણ નહી ભરે...!!’ અને શકરીબા ચોધાર આંસુ સાથે રડી પડ્યાં.

‘આમ ઢીલી ન પડ... આ તો જીવનના ‘ખાલીપા’નો સમય છે... હર્યુભર્યુ રહ્યુ ત્યાં સુધી રાખ્યું પણ જ્યારે વાત આપણાં કાબૂ બહાર ગઇ એટલે આપણે તો જોયા જ કરવાનું હતું.... બાજુના ખોરડાંની વાતો તો તિરાડોમાંથી વહી જતી હતી પણ આપણું ખોરડું તો અંદરોઅંદર મુંગુ મુંગુ ગાજ્યુ હતું... આપણું મકાન સહેજ પાકુ કે અને તેની એકે’ય તિરાડ નહોતી કે આપણાં ડુસકાનો અવાજ બહાર જાય...’ શંભુદા આજે વર્ષો પછી ઢીલા પડ્યાં.

‘આ વખતે શું વેચ્યું...?’ શકરીબાના હાથની ફૂલઝડીના તીખારા કરતા તેના શબ્દોના તીખારા વધુ દઝાડે તેવા હતા.

‘તને ક્યાંથી ખબર..?’ સાવ શમી સાંજે બન્ને ઘરડી આંખો એકમેકમાં પરોવાઇ ગઇ.

‘કૂખને માં તો ઓળખે... અને તમને’ય ઓળખું હોં...!’

‘દાગીના આપી દીધા... તેમને ધંધા માટે ગીરવે મુકવા હતા.... તારુ જે તારી પાસે છે તેટલું જ બાકી રાખ્યું છે....!’ શંભુદાનો અવાજ ડૂમો બાઝતા અટકી ગયો.

‘આ એક વીંટીના બદલામાં કેટલું લઇ ગ્યા નઇ...?’ શકરીબાએ તો તેમની ઝગમગતી વીંટીવાળા હાથે ફૂલઝડી ગોળ ગોળ ફેરવી.

‘હા... ઇ ગ્યા તા ત્યારનું અહીંથી બધુ લઇ જ જાય છે’ને અને આ તો ગામમાં મોભો અને પાકુ ઘર એટલે દર દિવાળીએ ઇમને કહેવું પડે છે કે તમે આવજો એટલે ગામમાં લાગે કે અમારા ઘરે’ય દિવાળી થઇ છે. બાકી તો આપણું ભેગું કરેલું વેચવામાં કંઇ બાકી નથી રાખ્યું.. દર દિવાળીએ ઘર અને જિંદગી ખાલી થતી જાય છે... બસ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આમ જ આપણો ‘ખાલીપો’ વેચીને પણ દિવાળી કરતા રહીશું...’ અને શંભુદાએ પોતાના દુ:ખના આવરણોને તોડવા મોટો બોમ્બ ફોડ્યો.

અને બાજુના ઘરમાંથી એક થાળી નીચે પડવાનો અવાજ આવ્યો અને ત્યાં જ તેમનો ટાબરીયો બોલ્યો, ‘ દાદા, હું શહેર જઇશ અને મોટો બોમ્બ લાવીશ અને તમારી સાથે ફોડીશ કે બાજુના ઘરના બધા વાસણ પડી જાય...!’

અને તે તિરાડવાળી દિવાલની બન્ને બાજુએ જીવનના ખાલીપાના કંસારના આંધણની મીઠી સુવાસ પથરાવા લાગી.

*સ્ટેટસ*

*ઘરની ભીંત કે દિલની તિરાડોમાંથી જ્યારે દુ:ખ છલકે છે...*
*ત્યારે મધુરાને હર્યાભર્યા સબંધો ખાલીપા તરફ રુખ બદલે છે...*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*
*તા. ૨૧-૧૧-૨૦૧૮*

ડૉ. વિષ્ણુ પ્રજાપતિના વાંચવા લાયક પુસ્તકો

*વ્હોટસએપની વાર્તા ભાગ -૧ તથા ભાગ -૨*

*હું – ખોવાયેલા ખુદની શોધ*

*ચાર રોમાંચ જિંદગીના – સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા*

અને આગામી અમદાવાદ નેશનલ બુક ફેરમાં પ્રકાશિત થઇ રહી છે
*વધુ એક નવલકથા....*
*અને એક હોરર સ્ટોરી બુક પણ...*

આપના ઘરે જ આ પુસ્તકો મંગાવવા માટે સંપર્ક
*ડો. અજય રંગવાણી મોબા નં. ૯૫૫૮૦૦૬૬૧૧*
*અમોલ પ્રકાશન મોબા નં. ૮૩૨૦૩૪૨૯૦૨*