Nov 9, 2018

Mukam post Mari zindgi-Dr. Vishnu Prajapati

https://wp.me/p7D01e-b

*વિશ્વકર્મા વિશ્વ મેગેઝીનના દીપોત્સવી વિશેષ અંકનો સ્પેશ્યલ લેખ*
*મુકામ પોસ્ટ મારી જિંદગી*

*લેખક*
*ડૉ. વિષ્ણુ પ્રજાપતિ*

જિંદગી એક એવું સરનામું કે જ્યાં જીવવાની, કંઇક નવું જાણવાની અને સર્જનહારની કરામતોને સમજવાનો અવસર મળે...!

જિંદગી એક એવું નજરાણું કે કોટી કોટી જન્મારા પછી બ્રહ્માંડની શ્રેષ્ઠ જીવયોની એટલે કે મનુષ્ય બનવાનો અવસર મળે...!

જિંદગી એક એવું મહેનતાણું કે ઇશ્વરકૃપાથી જન્મોજન્મના કર્મફળનો આસ્વાદ લેવાનો અવસર મળે...!

આ શ્રેષ્ઠ અવસરનું સરનામું એટલે મુકામ પોસ્ટ આપણી જિંદગી...! આ સરનામે આપણને દરરોજ સુખ-દુ:ખ, મિત્રતા-શત્રુતા, મોહ- વૈરાગ્ય, શાંતિ-અશાંતિ, પ્રેમ-નફરત વગેરેના અનેક સંદેશાઓ કોઇના કોઇ દ્વારા મોકલાતા રહે છે. જુદા જુદા વ્યક્તિઓથી આવતા આ લાગણી કે માંગણીભર્યા સંદેશાઓથી આપણી જિંદગી હરીભરી રહેતી હોય છે. આ મુકામ પોસ્ટ જિંદગીને જો તમે પોતાની દુનિયાથી સહેજ અળગાં થઇને જોવાની કોશિશ કરશો તો ખ્યાલ આવશે કે મને મળેલી અલાઉદ્દીન કા ચિરાગ જેવી નાયાબ જિંદગીને હું ઘસીને ઉજળી કરી રહ્યો છું કે ઘસી ઘસીને ઓછી કરી રહ્યો છું? આ વાત હું તમને એટલા માટે કહી રહ્યો છું કે આજે મેં અનેક લોકો જોયા છે કે દિવાળી આવે કે ઘરમાં કોઇ ઇષ્ટદેવનો પ્રસંગ આવે એટલે પોતાની જિંદગીને ઉજળી બનાવવાના અવનવા સંકલ્પો કરે....

આ સંકલ્પોમાં, હવે હું ક્યારેય વ્યસન નહી કરું...દરરોજ ચાલતાં દેવદર્શને જઇશ... નિયમિત કસરત કરવાની આદત કેળવીશ... અને જાહેરસભાઓમાં તો આજે સ્વચ્છતા, શિક્ષણજાગૃતિ, દિકરો-દિકરી એક સમાન, માતા-પિતાને સાચવીશ.. જેવા સંકલ્પો તો લોકો ચણામમરાની જેમ લેતાં થઇ ગયા છે....! જો કે આમા અહોઆશ્ચર્યમ જેવું કાંઇ નથી આ બધું તો દરેકની જિંદગીમાં એક સામાન્ય બાબત બની ગઇ છે.
દિવાળી આવે એટલે આપણને ખ્યાલ છે કે ઘરની મહિલાઓ જુના તાંબા-કાંસાના વાસણોને બરાબર માંજીને ચકચકિત કરી દે છે અને આવતી દિવાળી સુધી તેને ફરી માળીયામાં ચઢાવી દે છે અને તે ચકચકિત થયેલા વાસણો ફરી ધીરે ધીરે શ્યામ બની જાય છે.  આપણે પણ આપણી જિંદગી સાથે આ રીતે જ વ્યવહાર કરતા હોઇએ છીએ.. કોઇના સદવચન કે સુવાક્યો સાંભળી કે વાંચીને જાણે જગના શ્રેષ્ઠ નાગરિક બની જઇશું તે રીતે ઉજળા થવાનો સંકલ્પ કરીએ છીએ. પણ તેની અસર ક્યાં સુધી? સભા કે ભાષણનો વૈરાગ્ય રહે ત્યાં સુધી જ...!  સભા પુરી થાય એટલે ફરી હુંસાતુંસી, ગેરશિસ્તના દોરમાં આપણે ખોવાઇ જઇએ છીએ, ફરી એજ સ્ટાઇલ સાથે સિગ્નલ તોડવાનો, જાહેરમાં થૂંકવાનો કે બીજો કોઇપણ રોજિંદો સિલસિલો ચાલુ રાખતા હોઇએ છીએ.

આપણી જિંદગીને પણ આપણે અવાર નવાર ઘસતા રાખીને ઉજળી બનાવતા રાખવી જોઇએ અને તે ચકચકિત બની ગયેલી જિંદગીમાં ફરી કાટ ન લાગે તેનું ધ્યાન રાખવું એ આપણી ખુદની જ જવાબદારી બને છે.

આજે જાહેરજીવન કે વ્યક્તિગત જીવનમાં લોકો ઘર્ષણમાં સહજ રીતે ઉતરી જાય છે... આ પ્રકારે ઘર્ષણોથી પોતાની વ્યક્તિગત છાપ અને મનની શાંતિને ખૂબ નુક્શાન કરે છે. પણ, આપણી અંદરનો ‘હું’ એમ કંઇ સરળ રીતે સ્વીકાર કરે ખરો? આ રીતે ઘર્ષણો ઓછા કરી ઘસાઇને ઉજળા થવાની તક આપણે અનેકવાર ગુમાવી દેતા હોઇએ છીએ. પણ આપણે ઘસાવવાની સહેજપણ તૈયારીઓ દાખવતા નથી.

તમે તમારી જિંદગીના મુકામ પોસ્ટ પર છેલ્લે કોઇએ કોઇ સંદેશો લખ્યો હોય તેવું તમને યાદ છે...? હું પેલા સોશિયલ મિડિયા પર માત્ર કહેવાતી લાઇક્સની વાત નથી કરી રહ્યો, કે જ્યાં બે મિનિટ પછી પણ લોકો ભૂલી જતા હોય છે કે મેં કોને કોને લાઇક્સ મોકલ્યાં હતાં...! જો કે આજની આ બધી સોશિયલલાઇક્સ તો વાટકી વ્યવહાર જેવી બની જ ગઇ છે...! આ લાઇક્સની વર્ચ્યુલ લાઇફમાંથી સહેજ બહાર આવીને પોતાની જિંદગીની વાસ્તવિકતા પર આવીને સૌએ જીવવું જોઇએ, નહિતર તે લાઇક લાખોમાં હોય પણ તમારી સાથે બેસનાર કદાચ એકપણ ન મળે...!
લોકો તમારા મૃત્યુ પછી શોક સંદેશો લખે કે ન લખે પણ તે પહેલા એવી રીતે જીવવાનું છે કે એ લોકો તમારા જીવન દરમ્યાન તમને પ્રેમ, લાગણી અને હૂંફભર્યા પત્રો અવશ્ય લખે. લોકો પાસે અનેક તકલીફો છે અને તેને સાંભળનારો કે તેને શાંતિથી પાસે બેસીને દિલાસો આપનાર કોઇ નથી.

આજે આપણે જોઇએ છીએ કે તમારા નામે જેટલા પત્રો આવે છે તેમાં મોટાભાગના બિલ, પોલિસી, કંપની લેટર, મેગેઝીન સિવાય હવે કાંઇ નથી. પહેલા પોસ્ટ કાર્ડ, અતરર્દેશી પત્રો વગેરેની બોલબાલા હતી. હવે આ મોબાઇલ યુગમાં ફોરવર્ડેડ હેપ્પી બર્થ ડે કે અભિનંદનની લાગણીઓ આવી ગઇ છે. જો આ બધાની વચ્ચે એક સાદો પોસ્ટકાર્ડ તમને મળે અને તમને અભિનંદન લખે તો ખરેખર કોઇએ મારા માટે સમય કાઢીને પત્ર લખ્યો તેવો ભાવ અવશ્ય જાગે. પણ આજે મેં અગાઉ કહ્યું એમ હવે આ હાથે લખાતા સંદેશાઓમાં માત્ર શોક સંદેશાઓ બચ્યા છે અને તે પણ ધીરે ધીરે ઓછા થઇ ગયા છે. સોશિયલ મિડિયા પર સાવ ટુંકાણમાં અને સિમ્બોલ દ્વારા પોસ્ટ થતાં મેસેજમાં લાગણીઓ સાવ ટુંકી બની ગઇ છે.

હમણાં જ એક અનુભવ થયો... મારા એક મિત્રના પિતાજી જેઓ શિક્ષક હતા તે ગંભીર બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. તેના થોડા મહિનાઓ પછી અમે એકવાર એક બીજા મિત્રને મળવા ગયેલા તો તે મિત્રએ કહેલું, ‘શું કરે છે તમારા પપ્પા...? તેમની તબીયત તો સારી છે’ને...? તેમના હાથ નીચે હું ભણેલો, ખૂબ સારું ભણાવતા. મારા જીવનના શ્રેષ્ઠ શિક્ષકોમાં તમારા પિતાજીનું સ્થાન આવે હોં....!’
મારો મિત્ર તો સાવ અવાચક બની ગયેલો પણ તેને પોતાની સહજશૈલીમાં કહેલું, ‘ અરે યાર, મારા પપ્પા ગુજરી ગયાને છ મહિના થઇ ગયા. મેં ફેસબુક તેની પોસ્ટ મુકેલી અને તેં પણ  ‘RIP’ ની કોમેન્ટ કરી હતી. કદાચ, તું ભૂલી ગયો હોઇશ.’
અને ત્યારે મને કિંકર્તવ્યમૂઢ શબ્દનો સાક્ષાત્કાર થયો હોય તેમ પેલા મિત્રના મોંના હાવભાવ પર તે જોવાનો લ્હાવો મળી ગયો હતો.

ખેર, અહીં કોઇનો વાંકગુનો કહેવાનો ઇરાદો નથી પણ આજનું સમાજ-દર્પણ આવું જ કંઇક બની ગયું છે. સુખ કે દુ:ખના ક્ષણિક સુખભાગી કે દુખભાગી થવાનો વ્યવહાર વધી ગયો છે. હાથમાં કોઇની કંકોત્રી કે પ્રસંગનું આમંત્રણ કાર્ડ આવે એટલે વેન્યુ અને મેનુ અર્થાત ક્યાં અને કેટલા વાગે જમવા જવાનું છે તે પર જ આંખો પહોંચી જાય છે, બાકી બધું તો સમજ્યાં...! આ પ્રકારનો ભાવ અને લાગણીઓનો અભાવ આજે પ્રત્યેક લોકોમાં આવી ગયો છે  તે નક્કર હકીકત છે.

સોશિયલ મિડિયા આજના સબંધોનું પ્રાણઘાતક અંગ બનીને બહાર આવી રહ્યું છે, તેના માટે કોઇકે લખેલી પંક્તિ મને યાદ આવે છે,
‘આજે ઘરે મહેમાન ઓછાને મેસેજ વધારે આવે છે,
ને લોકો સમજે છે કે મોબાઇલ આપણને નજીક લાવે છે.’
જો કે આજે આવતા હજારો મેસેજ જેટલા મહેમાનો પણ કોઇને પરવડે તેમ નથી હોં...! પણ એકાદ એવું સરનામું આપણું હોય કે જ્યાંથી કોઇ ક્ષણનો સુખભાગી કે દુખભાગી નહી પણ કાયમનો સહભાગી બનીને આપણી પાસે આવી જાય. આવી મિત્રતા કે પોતિકાપણું આજના વ્યવહારિક યુગમાં ઓછું વર્તાય છે. આજે દરેક માણસ દૂર દૂર સુધી પહોંચવા મથી રહ્યો છે પણ બાજુમાં જ બેસેલા વ્યક્તિના મન સુધી પહોંચવા સક્ષમ નથી બન્યો.

ખેર બીજાની વાત છોડીયે, આજે આપણે પોતપોતાની ભાગદોડમાં પોતાના વિશે શું કરવાનું કે વિચારવાનું છે તેની દરકાર કરતાં જ નથી. અનેક લોકો તમને મળવા ચાહે છે પણ તમારી પાસે સમય નથી... અનેક લોકોને તમારે મળવું છે પણ તેમને સમય નથી...  અનેક ફરીયાદોના તમારી સામે રોજેરોજ ઢગલા થાય છે પણ દરેકનો કોઇ ઉકેલ મળતો નથી.. જીવનને સફળ બનાવવાની લાહ્યમાં સરળ બનાવવાનું ચુકી ગયા છીએ.
અન્ય લોકોના મન સુધી પહોંચતા પહેલા આપણે આપણાં મનનું મુકામ પોસ્ટ સરનામું બરાબર રીતે તૈયાર કરવું પડશે. કેટકેટલાય લોકો તમને તમારા સરનામે એટલે કે તમારી તરફ આકર્ષાઇને તમને કંઇક કહેવા માંગે છે પણ તમારું આ સરનામું તેઓ જાણતા જ નથી, અર્થાત તમને કઇ રીતે કહેવું કે તમે બરાબર રીતે સમજી શકો? આ અસમંજસમાં તેઓ ઘણીવાર પોતાની લાગણીઓ તમારા સુધી પોસ્ટ કરતાં જ  નથી.

ખાસ કરીને આજના યુવાન પુત્ર અને પિતા વચ્ચે આ રીતની ખાઇ જરુર દેખાઇ આવે છે. યુવાનપુત્રના મનમાં સ્વપ્નોના અનેક ધોડાપૂર દોડી રહ્યાં હોય છે અને તે પોતાના પિતાને કંઇક કહેવા જાય તો તરત જ તેનું મોરલ કે સ્વપ્નો તોડી નાખતાં હોય તેવા સૂચનો મળે છે, અર્થાત બન્ને એકમેકના મનનાં મુકામ પોસ્ટને બરાબર સમજી નથી શકતા. આ પ્રકારે પતિ-પત્ની અને બીજા દરેક સબંધોમાં પણ વિશ્વાસ, સ્પષ્ટ વ્યવહાર અને એકમેકનો સ્વભાવ જાણવાની કોશિશ કરતું નથી અને મને ગમ્યું એ તને ગમવું જોઇએ અથવા હું કહું તે તારે ગમાડવું જોઇએ આ રીતે સબંધોમાં દબાણ સર્જતા હોઇએ છીએ અને આ વધુ પડતું દબાણ પ્રેસર કૂકરની જેમ ક્યારેક ફાટે છે....!
કૂકરની અંદરના યોગ્ય પ્રેસર અને તેની વરાળની સીટી સમય-સમયે વાગી જાય તો અંદર રાખેલ ખાદ્ય પદાર્થ સમય મુજબ સરસ તૈયાર થાય છે, તેમ જિંદગીમાં આ દરેક દબાણોને સહન કરીને જરુર જણાય ત્યારે તે દબાણને હળવું કરી નાંખો કેમ કે આખરે તો આપણે સરસ મજાની જિંદગીનો સ્વાદ લેવો તે આપણું લક્ષ્ય છે. જિંદગીની કેટલીક વાસ્તવિકતાઓનો સ્વીકાર કરી તમારા મુકામ પોસ્ટને એટલું સુંદર અને રમણીય તીર્થસ્થાન બનાવો કે અનેક લોકોને ત્યાં આવવાનું મન થાય.
યાદ રાખો કે,

૧. જીવનમાં સુખ અને શાંતિ માટે અનેક કપરાં ચઢાણ ચઢવા પડે છે.
૨. દરેક પરિસ્થિતિમાં ઇશ્વર પ્રત્યેનો વિશ્વાસ અને શ્રધ્ધા મજબૂત રહેવી જોઇએ.
૩. યાદ રાખો કે તમે દુનીયાની દરેક વ્યક્તિને કાયમ ખુશ રાખી શકવાના નથી.
૪. આ દુનીયાની દરેક વ્યક્તિ તમને સમજીને જ વ્યવહાર કરશે તેવું માનશો નહી.
૫. મને લોકો સમજતા નથી એમ કહેતા પહેલાં તમારે સામેવાળાને સમજવાની કોશિશ તમારે કરવી પડશે.
૬. સલાહો આપવા કરતા સહકાર આપવાનું રાખો.
૭. માત્ર વિચારો કરવા કરતા કામ કરવાથી વધુ પરિણામ મળે છે તે યાદ રાખો.
૮. તમારી અંદર એક અદભૂત શક્તિ છે, જે તમારે જાતે શોધીને બહાર લાગવી પડશે.
૯. તમારી સફળતાઓના ગુણગાન લોકોને કરવા દો, તમે તમારી નિષ્ફળતામાંથી શું શીખ્યા છો તે જ લોકોને જણાવો.
૧૦. કોઇની નાની વાત જો તમારા ખપની હોય તો અવગણશો નહી.

મારા તમામ વાચકોને દિપાવલીપર્વની શુભેચ્છાઓ...

નૂતન વર્ષાભિનંદન

 *લેખક*
*ડૉ. વિષ્ણુ પ્રજાપતિ*