Jul 21, 2018

WhatsApp ni Vaarta 50-Shubham Bhavtu : ‘શુભમ ભવતુ’ :- ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ

*સર્વે વાચક મિત્રો*

*વ્હોટ્સ અપની વાર્તા – ૫૦* 
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

 *‘શુભમ ભવતુ’*

© કોપીરાઇટ આરક્ષિત

સિસ્ટર અમૃતા જ્યારે ડ્યુટી પર હોય તો દરેક દર્દીઓના ચહેરા પર અજબની રોનક આવી જાય અને તેમની ડ્યુટી પુરી થાય તો દર્દીઓ પાછા કરમાયેલા ફૂલની જેમ વિલાઇને પથારીમાં ફરી દર્દી બની જાય.

‘મધુ, પ્લીઝ તેર નંબરના કોટ પર મૃગા છે તેનું ધ્યાન રાખજે... તેની આજુબાજુ કોઇ સગા સબંધી રડવું ન જોઇએ અને ખાસ કરીને તેની મમ્મીને કહેજે કે તે પોતાને સંભાળે...!’ અને અમૃતાએ પોતાની ડ્યુટીનો ચાર્જ મધુના હાથમાં સોંપતા સજળ નયને પોતાની ડ્યુટી પરથી રજા લીધી.

‘અમૃતા.. તને આમ દર્દી પ્રત્યે વધુ પડતો લગાવ થાય તે સારું નહી.. અને તે કોલોન કાર્સિનોમાનો ઓપરેટેડ કેસ છે. મેટાસ્ટેટીસની પુરી સંભાવના છે. ઇન્ફેક્શન હાઇલેવલે છે. પેલી હોસ્પિટલના ડોકટરે તો સેવા કરવાનું જ કહી દીધું છે. આપણે સબંધીને તો તેની નાજુક સ્થિતિ વિશે વાકેફ કરવા એ આપણી જવાબદારી છે.’ હમણાં નવી જોડાયેલ નર્સ મધુએ હાજરી પત્રકમાં સાઇન કરતા કહ્યું.

‘મધુ હું સમજું છું કે આપણી જવાબદારી માત્ર ઇંજેક્શન, રાઉન્ડ કે ફોલોઅપ  જોવાની નહી પણ તેની બિમાર જિંદગીને સાજી થાય ત્યાં સુધી હસતી રાખવાની પણ છે. મૃગા હજુ નવ વર્ષની છે તેને મરવાની ખબર પણ નથી પડતી અને તેને મરવાનો ડર આપણે ન આપવો જોઇએ. ’ અમૃતાએ મધુને સમજાવ્યું.

જો કે દર્દી પ્રત્યેનો દ્રષ્ટીકોણ દરેકનો જુદો જુદો હોય છે અને મધુ અને અમૃતામાં તે ફર્ક હતો. મધુ ચાર્જ સંભાળી પોતાના રાઉન્ડમાં પહોંચી. અમૃતાના ગયા પછી મૃગાની પાસે ફરી ઘણા સગાવહાલાઓ આવી ગયેલા અને મૃગા વિશે વારંવાર નિ:સાસા નાખીને તેના પરિવારને રડાવી રહ્યાં હતા.

મધુએ શિડ્યુલ મુજબ ઇંજેક્ષન ભર્યા અને મૃગાને આપવા તેની પથારી પાસે આવી.

મૃગા ખૂબ માસૂમ ચહેરો અને દરરોજ મોત સામે લડી લડીને રોજ એક દિવસ ખેંચી કાઢતી. તે છેલ્લા પાંચ દિવસથી આ બાળકોની કેન્સર હોસ્પિટલમાં દાખલ હતી.

મૃગા તેને ઇંજેક્ષનો કે દવા આપતી દરેક સિસ્ટરને બે પ્રશ્નો નિયમિત પુછતી જે આજે મધુને પણ પૂછ્યા,   ‘સિસ્ટર, તમે મને કયા ઇંજેક્ષનો આપો છો ?’

‘એન્ટીબાયોટિક્સ, દુ:ખાવો ન થાય તેના અને કેમોથેરાપીના ભારે ઇંજેક્ષનો છે...!’ મધુએ નસની ચાલતી નળીમાં ઇંજેક્ષન ભરાવતા કહ્યું.

‘હું ક્યારે મરી જઇશ....?’ મૃગાએ બીજો પ્રશ્ન પુછ્યો.

‘અરે... બેટા.. એ તો ભગવાનને ખબર..!’ મધુએ તો રુટિન જવાબ અને ઇંજેક્ષન આપી દીધા.

‘મેમ, પેલા અમૃતા સિસ્ટરની ડ્યુટી હવે  છેક કાલે આવશે...?’ મૃગા જાણે અમૃતાની રાહ જોઇ રહી હોય તેમ બોલી.

‘હા... પણ ચિંતા ન કરીશ હું છું’ને’ મધુએ તેની ચાદર સરખી કરતા કહ્યું.

‘મેડમ એક રિક્વેસ્ટ છે કે તે સિસ્ટરને કહેજો કે જો હું મરી જવાની હોઉં તો મારું માથું તેમના ખોળામાં રાખે મને તેમની પાસે સારુ લાગે છે.’ અને મૃગાની આંખો વહેવા લાગી.

મધુએ તેને સમજાવી પોતાનું કામ પુરુ કરી પોતાના ટેબલ પર બેસી અને મોબાઇલના મેસેજ ચેક કરવા લાગી.

તેનું મન અમૃતા પ્રત્યે એક નારાજગી અનુભવી રહ્યું હતું. આ અમૃતા દર્દીઓ અને તેમના સગાઓને વધુ પડતા લાડ લડાવી રહી છે.  દર્દીઓ અને તેના સગાઓ તો કાયમ તેના જ ગુણગાન ગાય એટલે એક ઇર્ષા પણ થાય તે સ્વાભાવિક હતું.

બે ત્રણ વાર મૃગાના સગા તેના ટેબલે આવીને કહી ગયા કે મૃગાને પેટમાં દુ:ખે છે.. પણ મધુએ તો કહી દીધેલું કે એ તો રોગ જ એવો છે કે દુ:ખાવો થવાનો.. મૃગાને કહી દો કે સહન કરે... નહી તો ડોક્ટરને મળી લેવું.

અને બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધી આમ ચાલતું રહ્યું. સવારે ડ્યુટી બદલાઇ. અમૃતા તેના સમયથી અડધો કલાક વહેલા આવતી. જો કે બીજી નર્સોમાં તેનું આ રીતનું વર્તન કણાની જેમ ખુંચતું હતું કારણ કે તેના કારણે મેનેજમેન્ટમાંથી તેના કારણે ઠપકો મળતો કે અમૃતા જેવા બનો....!

તે આવીને દરેક દર્દીને લલાટે ચંદનનું તિલક કરતી અને ‘શુભમ ભવતુ’ એમ કહેતી. અમૃતાના આ બે શબ્દોથી દર્દીઓ સવારે ફરી ખીલી ઉઠતા.

મધુ ડ્યુટી પરથી છુટતાં બોલી કે મૃગાને દુ:ખાવો વધી રહ્યો છે. રીપોર્ટમાં કોઇ સુધારો નથી, કદાચ હવે શક્યતાઓ નથી. હું ત્રણ દિવસ રજા પર છું એટલે તમે સંભાળી લેજો પ્લીઝ.

મધુએ મૃગાની હાલત કહીને પોતાની ડ્યુટી પુરી કરી અને અમૃતા તરત ઇંજેક્ષનો ભરી મૃગા પાસે પહોંચી.

મૃગાએ પણ અમૃતાને પણ તે પ્રશ્ન કર્યો, ‘સિસ્ટર, તમે મને કયા ઇંજેક્ષનો આપો છો...?’

અમૃતાને હવે ખ્યાલ હતો કે તેને શું કહેવું, ‘આ મોટું ઇંજેક્શન તારી  મીઠી મુસ્કાનનું  અને આ ઇંજેક્ષનથી તું જલ્દી રમવા જઇ શકે તેનું.’ અમૃતાનો જવાબ સાંભળી મૃગાનો ચહેરો ખીલી ઉઠ્યો અને હસવા લાગી.

મૃગા અમૃતા સિસ્ટરનો પહેલો જવાબ સાંભળી બીજો પ્રશ્ન ન પુછતી પણ આજે તેને પુછી લીધો, ‘મેમ, હું ક્યારે મરી જઇશ....?’

અમૃતા તો મૃગાનો આટલો ભારે પ્રશ્ન સાંભળી અવાક બની ગઇ પણ તેને મૃગાને હસતા હસતા પુછ્યું, ‘બેટા તને એવું કોને કહ્યું..?’

‘આ તો પેલી હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતુ કે હવે કેટલા દિવસો કાઢશે તે નક્કી નથી એટલે ઘરે લઇ જાવ અને સેવા કરો એમ કહેલું એટલે...’ મૃગા ખૂબ નાની ઉંમરે જિંદગીને ઘણું સમજી ચુકી હતી.

‘અરે મૃગા... તને ખબર છે આ મરવા જેવું કાંઇ હોતું જ નથી... આ તો જે ડરે છે તે મરે છે... અને પેલી ફિલ્મનો ડાયલોગ છે’ને ‘ ગબ્બરસિંહ  યે કહે કે ગયા, જો ડર ગયા વો મર ગયા’ અને મારી મૃગા તો બહાદુર છે અને તને ખબર છે મૃગા કે તારા બધા રીપોર્ટ નોર્મલ આવી ગયા છે. હવે તું જલ્દી સાજી થવાની છે.’ અમૃતાના શબ્દોથી મૃગાના ચહેરા પર ફરી રોનક આવી ગઇ. અમૃતા જાણતી હતી કે હવે તેને કઇ રીતે કામ કરવું કારણ કે હજુ રીપોર્ટમાં ખરેખર સુધારો નહોતો.

અમૃતાએ ફરી તેના સગા સબંધીઓને નજીક જઇને કહી દીધું કે તેને હાસ્ય અને હિંમત આપો નહી તો તમે મૃગાને હાથમાંથી ખોઇ દેશો.’

અમૃતાએ સ્ટાફની દરેક નર્સને બોલાવી અને કહ્યું કે મૃગાની આજુબાજુ કાયમ હસતો ચહેરો.. ખિલખિલાટ માણસો અને તેને બધું મટી ગયું છે તે રીતે જ રહેવું અને રોજ તેની પાસે જ્યારે જઇએ ત્યારે તેને કહેવું કે વાહ મૃગા તારા રીપોર્ટ તો નોર્મલ આવી ગયા છે.

મૃગાના મોત સામે લડવા બધા તૈયાર થઇ ગયા અને ખરેખર ત્રણ દિવસમાં મૃગાને પેટમાં લાગેલા ઇન્ફેક્શનના રીપોર્ટ સારા આવી ગયા એટલે તેની બચવાની આશા વધી ગઇ. સ્ટાફમાં ખુશીઓનો માહોલ છવાઇ ગયો.

મૃગાની લડાઇમાં સૌની હિંમત પણ વધી આખરે મૃગા જીતી અને આ લડાઇમાં અમૃતાએ સેનાપતિનો રોલ અદા કર્યો.

મધુ ત્રણ દિવસ પછી આવી ત્યારે મૃગાને ડિસ્ચાર્જ કરવાની તૈયારીઓ ચાલતી હતી. અમૃતાએ તેની આદત મુજબ મૃગાને કપાળે તિલક કર્યુ અને ‘શુભમ ભવતુ’ બોલી.

મધુ પણ આ ચમત્કારથી અચંબિત થઇ ગઇ હતી. મૃગાને સૌએ હસતા હસતા બાયબાય કહ્યું પછી અમૃતા પોતાના ટેબલે આવીને પોતાની ડાયરીમાં એક નોંધ કરી અને તે ડાયરીના પહેલા પેજ પર રહેલી  ચીઠ્ઠી પર નજર પડતા તેની આંખોમાં ચોધાર આંસુ નીકળવા લાગ્યાં. તે એકલી રડી રહી હતી.

ત્યાં મધુ આવી અને તેને આર્શ્ચય થયું એટલે પુછ્યું, ‘ અરે મેમ, તમે તો સૌને હસવાનું શીખવડો છો અને પોતે રડી રહ્યાં છો... કેમ... શું થયું...?’

અમૃતા સહેજ સ્વસ્થ બની અને આજે પોતાના હૃદયનો ભાર હળવો કરવા તે ચીઠ્ઠી સામે જોઇને મધુને  કહ્યું,  ‘મધુ, કદાચ તમને લાગતું હશે કે હું મારી મર્યાદા અથવા ડ્યુટીના નિયમોની બહાર જઇને કામ કરું છું તે ખોટું છે... પણ આ અલગ પ્રકારની ડ્યુટી મને મારા દિકરા શુભમે શીખવાડી છે. આ તેનો લેટર છે જે મારી જિંદગીમાં કેવી રીતે ડ્યુટી કરવી તે શીખવાડી ગયેલો. આજથી નવ વર્ષ પહેલા તેને પણ કેન્સરની બીમારી લાગુ પડેલી ત્યારે તે તેર વર્ષનો હતો. તેની કેમોથેરાપી હું જ સંભાળતી. તે મને રોજ પ્રશ્ન કરતો કે મમ્મી તમે મને શેના ઇંજેક્ષનો આપો છો ?

તો હું કહેતી કે આ ભારે ઇંજેક્ષનો છે.. કેમોથેરાપી અને તેના વિશેનું જ્ઞાન આપતી અને કેન્સર મહારોગ છે તેવું તેને કહેતી. તે સાવ નિર્દોષ હતો તે હું કહું તે માની લેતો અને પોતાના રોગથી કાયમ ડરેલો રહેતો.. ઇંજેક્ષનો આપ્યા પછી તેને ખૂબ દુ:ખાવો થતો...

હું તેના રીપોર્ટ જોઇને કહેતી કે હજુ રીપોર્ટ સારા નથી એટલે વધુ દવા કરવી પડશે.. હું આ રીતે તેને અંદરથી લડવા તૈયાર કરી રહી હતી પણ ત્યારે મને નહોતી ખબર કે મારી રીત ખોટી હતી.

આખરે તે જિંદગી અને રોગ બન્ને સામે હારી ગયો. મને તેના મૃત્યની આગળની રાત્રે લખેલી આ ચીઠ્ઠી  તેના અંતિમ શ્વાસ પછી તેના ઓશિકા નીચેથી મળી... અને મને બીજુ સત્ય સમજાયું....’  અમૃતાની નજર તે ચીઠ્ઠી તરફ સ્થિર બની.

મધુએ તરત જ તે ચિઠ્ઠી હાથમાં લીધી અને વાંચવાની શરુઆત કરી, ‘ મમ્મી, હવે મને ડર લાગે છે કે હું હારી જઇશ.. હું મરી જઇશ... મમ્મી મારે તેને કહેવું છે પણ હું તને કહી ન શક્યો એટલે આ ચીઠ્ઠી લખીને કહી રહ્યો છું. મમ્મી તું ઇંજેક્ષનોના ભારે ભારે નામ કહે તો મને વધુ ડર લાગે છે, મમ્મી તું ખોટુ ખોટુ પણ કહી દેતી હોત કે આ તો તને હસવાના કે રમવાના ઇંજેક્ષનો છે તો મને ગમતું.. મારા ખરાબ રીપોર્ટ પર તારો રડતો ચહેરો જોઇને મને એમ જ લાગ્યા કરતું કે હવે મારા રીપોર્ટ ક્યારેય સારા નહી થાય. મમ્મી જો તેં હસીને મને કહી દીધું હોત કે તારા બધા રીપોર્ટસ નોર્મલ છે તો પણ મને આનંદ થાત. મમ્મી હું ખૂબ ડરી ગયો છું... જો હું તને કહીશ કે વધુ દુ:ખાવો થાય છે  તો તું મને બીજી બીજી હોસ્પિટલોમાં લઇને દોડાદોડ કરીશ. મમ્મી હું તારી આંખોમાં જોવું તો એવું જ લાગ્યા કરે છે કે મને ક્યારેય ન મટે તેવો રોગ લાગુ પડી ગયો છે અને તેમાં મને સારુ થાય તેવી આશા દેખાતી જ નથી. મમ્મી મને કાંઇપણ થઇ જાય તો ખોટુ ન લગાડતી અને તને પોતાને દોષીત ન સમજતી... સાજો થઇશ તો આ ચીઠ્ઠી તને નહી આપું અને જો.....’

પછી કોઇ શબ્દો નહોતો... મધુ પણ તે વાંચીને  રડી રહી હતી.

‘સોરી... અમૃતા..’ મધુ રડતા રડતા બોલી.

‘બસ આ પછી હું દરેક દર્દીને ‘શુભમ ભવતુ’ કહી મારા દિકરાને યાદ કરી દરેકની જિંદગી સારી થાય તેવા ભાવ સાથે ઝઝુમ્યા કરુ છું કે ફરી કોઇ સાથે શુભમ જેવો અન્યાય ન થાય...! અને મને લાગ્યું છે કે અંદરથી પ્રગટેલા સારા ભાવની અસર પણ સારી થાય છે.’ એટલું કહી અમૃતા સહેજ સ્વસ્થ બની.

ત્યાં જ એક બારેક વર્ષની છોકરીનો નવો કેસ દાખલ થયો.

અમૃતા ઉભી થાય તે પહેલા મધુએ તે ચંદનની દાબડી લઇ તેની પાસે પહોંચી અને તેના લલાટે તિલક કરી ખુશીના ભાવ સાથે બોલી,  *‘શુભમ ભવતુ’*

*સ્ટેટસ*

*અંદરના સારા ભાવનો ખૂબ પ્રભાવ છે.*
*પણ ખરું તો એ છે કે તેનો જ લોકોમાં અભાવ છે.’*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦
તા. ૧૮/૭/૨૦૧૮

ડૉ. વિષ્ણુ પ્રજાપતિની ૧ થી ૪૬ વાર્તાઓના બે વાર્તા સંગ્રહ ૨૮ જુલાઇએ અમોલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઇ રહ્યાં છે.

WhatsAppની વાર્તાઓ-૧
કિંમત રૂા. ૧૩૦-૦૦
WhatsAppની વાર્તાઓ-૨
કિંમત રૂા. ૧૨૦-૦૦
પેમેન્ટ માટેની લિંક : http://p-y.tm/PbijCVxVM
આ પ્રસંગે આ પુસ્તકોની છાપેલી કિંમત પર પ્રિબુકિંગમાં ૨૦% વળતર આપવામાં આવશે.
પેટીએમ પર પેમેન્ટ કર્યા પછી આપે ખરીદેલા પુસ્તકનું નામ, સંખ્યા, આપે ચુકવેલ રકમ અને આપનું નામ-સરનામું આટલી વિગતો ૮૩૨૦૩૪૨૯૦૨ નંબર પર વ્હોટસઍપ કરવા વિનંતી છે.
કુરિયર ચાર્જ ગુજરાતમાં ૨૦/- રૂા. અને ગુજરાત સિવાય ભારતના અન્ય પ્રદેશમાં ૫૦/- રૂા. રહેશે.