Apr 4, 2018

Problem- for the development : સમસ્યાઓ- વિનાશ માટે નહી વિકાસ માટે !

એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે
મંદિરે આવ્યા.

ઉનાળાની ઋતુ હતી એટલે  ભગવાનને ધરાવવા માટે પોતાની સાથે  થોડી કેરીઓ પણ લાવેલા. જેને જોતા જ  મોમા પાણી છૂટે એવી સુગંધથી ફાટ ફાટ
થતી કેરીઓ એણે પ્રભુના ચરણોમાં અર્પણ  કરી.

 ભગવાનના દર્શન કરતા કરતા  ભક્તની આંખો ભીની થઇ ગઇ.

ભગવાન પ્રગટ થયા અને ભક્તને પુછ્યુ, "
વત્સ, કેમ આંખમાં આંસુ આવ્યા ? "

ભકતએ કહ્યુ,
" પ્રભુ, આપ તો અંતરયામી છો. બધુ જ જાણો છો તો પછી શા માટે પુછો છો ?  મારા જીવનમાં સમસ્યાઓનો કોઇ પાર  નથી. એક પ્રશ્ન માંડ-માંડ ઉકેલુ ત્યાં  બીજો ઉભો થાય છે.. કેટલીક વખત તો એવા  વિચાર પણ આવે છે કે હું તમારુ કેવુ ધ્યાન
રાખુ છું તો પછી તમે મારુ ધ્યાન કેમ નથી  રાખતા ?

 આ બળબળતા ઉનાળામાં ટાઢક  થાય તે સારુ હું તમારા માટે કેરીઓ લઇ આવ્યો તમને મારા માટે કંઇક કરવાનો  વિચાર કેમ નહી આવતો હોય ? "

ભગવાને ભક્તને પુછ્યુ,
" આ કેરીઓ તું તારી  ઘરે લાવ્યો ત્યારે કાચી હતી કે પાકી હતી ?

" ભક્તએ કહ્યુ,
" માર્કેટમાં પાકી  કેરીઓ મળતી હતી પણ એ તો કાર્બેટથી  પકાવેલી હોય એટલે હું તો કાચી કેરીઓ જ
ઘરે લાવ્યો અને ઘરે જ એને પકવી છે. "

ભગવાને પુછ્યુ, " તેં ઘરે કેરીને કેવી રીતે પકવી ? "

 ભક્તએ જવાબ આપતા કહ્યુ, "
પ્રભુ, કાચી કેરીને એક કોથળા પર  ગોઠવીને એના ઉપર બીજા કોથળાઓ  ઢાંકી દીધા અને હવા ન જાય એવી રીતે  બધુ પેક કરી દીધુ."

ભગવાને કહ્યુ, " આવું કરવાથી તો કેરીને
બીચારીને કેવી તકલીફ પડે. કેટલા દિવસ
સુધી ગરમી સહન કરવી પડે ત્યારે પાકે
આના કરતા કાર્બેટ મુકીને ફટાફટ પકવી
દીધી હોત તો ? "

ભક્તએ કહ્યુ, " અરે, પ્રભુ  કેરીને થોડો સમય ગરમી આપીને પકાવીએ  તો એ કેરી ખુબ મીઠી થાય એનો સ્વાદ  સાવ જુદો જ હોય."

ભગવાને કહ્યુ, " પણ  કેરીને બીચારીને કેવી તકલીફ પડે "

ભક્તએ કહ્યુ, " પ્રભુ, ભલે તકલીફ પડે પણ એની
મીઠાશ અને મૂલ્ય ખુબ વધી જાય."

ભગવાને ભક્તને કહ્યુ,
" બેટા, મારે પણ તારી  મીઠાશ અને તારા મૂલ્યમાં વધારો કરવો છે. તને વધુ મજબુત બનાવવો છે અને એટલે હું  તને જુદી જુદી સમસ્યાઓ આપ્યા કરુ છું. આ  સમસ્યાઓ તારા વિનાશ માટે નહી પણ  વિકાસ માટે છે. "
.

મિત્રો, જીવનમાં આવતી સમસ્યાઓ પ્રભુ
આપણને પજવવા માટે નહી પણ પકવવા
માટે આપતો હોય છે !!