Apr 30, 2018

WhatsApp ni Vaarta 27-‘બ્લ્યુ ઢેલ’ - ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ

*વ્હોટ્સ અપની વાર્તા – ૨૭*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*‘બ્લ્યુ ઢેલ’*

જગદીશ મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય...!

હમણાં જ માર્કેટમાં નવી આવેલી ‘બ્લ્યુ ઢેલ’ ગેમ પર જગદીશનું મન લલચાયું અને મોબાઇલમાં ડાઉનલોડ કરી નાખી.

‘બ્લ્યુ ઢેલ’ ગેમ મોબાઇલમાં ડાઉનલોડ થતાંની સાથે જગદીશની તમામ માહિતી માંગી લીધી અને જગદીશની જિંદગી તથા તેનો મોબાઇલ બન્ને આપોઆપ ‘બ્લ્યુ ઢેલ’ નાં અંકુશમાં આવી ગયા.



આ ગેમ કોઇ સામાન્ય ગેમ નહોતી, તેના નિયમો સખ્ત હતા. કોઇપણ પ્લેયરને અધવચ્ચે ગેમની બહાર નીકળવની છૂટ નહોતી. તેના દરેક લેવલ પાર કરતાં તેની જીતવાની રકમ પ્લેયરના બેંક એકાઉન્ટમાં જમા થતી.

‘બ્લ્યુ ઢેલ’ ગેમનાં બે રુલ ખૂબ મહત્વના હતા.

૧. દરરોજ સવારે  ૪ વાગે દિવસનો એક ટાસ્ક મળતો જે માત્ર દસ મિનિટ જ ડિસ્પલે પર દેખાય.

૨. રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં તે ટાસ્ક પુરો કરી તેના જણાવ્યા મુજબના ફોટો કે વિડિયો અપલોડ કરવા.

જગદીશે તેમાંથી પાંચ લેવલવાળી ગેમ સિલેક્ટ કરી અને તેની જિંદગીની એક રોમાંચક સફર શરુ થઇ.

જગદીશ મોબાઇલનો વ્યસની સાથે આળસું અને બેજવાબદાર પણ ખરો...!
તેને ઘરની કે પરિવારની ક્યારેય લેશમાત્ર પરવા નહોતી.

ઓફીસ દસ વાગ્યાની એટલે ઉઠે આઠ વાગ્યે...! અને રવિવારે તો જમવા ટાઇમે જ ઉઠવાનું.. રાત્રે મોડા સુધી ગેમ જ રમવાનો તેનો સ્વભાવ. પણ ‘બ્લ્યુ ઢેલ’ માટે તે સ્પેશ્યલ એલાર્મ મુકી રવિવાર હોવા છતાં સવારે વહેલો ઉઠી ગયો.

જગદીશ માટે પહેલો ટાસ્ક હતો ‘આજે એક દિવસ માટે તમારી પત્ની જે કામ કરે છે તે તમામ કામ કરવાના, અને સવાર સાંજ જમવાનું બનાવી પત્નીને જમાડવી અને તેના ફોટા અપલોડ કરવા અને તમારી પત્નીને પચાસ વાર ‘હું તને ચાહું છું’ કહેતો વિડિયો અપલોડ કરવો.’

દસ મિનીટ પછી તે ટાસ્ક આપોઆપ ગાયબ થઇ ગયો..

જગદીશને પહેલો જ ટાસ્ક પેચીદો લાગ્યો. કારણ કે  આ ગેમમાં કોઇ ડિસ્પ્લે પરની ગેમ નહોતી આ તો જિંદગીની ગેમ હતી.

જગદીશ અને તેની પત્નીની  છેલ્લા પાંચેક વર્ષથી અબોલા જેવી જ જિંદગી હતી. જગદીશની મોબાઇલની લતનાં કારણે અનિતા અનેકવાર ઝઘડતી પણ જગદીશ તેને ક્યારેય ધ્યાને ન લેતો.

‘બ્લ્યુ ઢેલ’ નો પહેલો ટાસ્ક પુરો કરવા જગદીશે જીવનમાં પહેલીવાર રવિવારની સવારે ઘરકામ શરુ કર્યું.

ઘરના કચરાં- પોતાં, વાસણ વગેરે કામ અનિતા ઉઠે તે પહેલાં જ  કરી નાંખ્યા અને દરેકનો સેલ્ફી લઇ લીધો. ઘરમાં રોજ આટલો કચરો હોય છે તે જગદીશને પહેલીવાર ખબર પડી.

અનિતા ઉઠી તે પહેલા ઘર તો સરસ સજાવીને તૈયાર હતું. અનિતા માની નહોતી શકતી કે જગદીશ આ કામ કરી શકે છે. પછી તો તે બપોરનું જમવાનું, સાંજનું જમવાનું જગદીશે બનાવ્યું અને પત્નીને પ્રેમથી જમાડી. અને સાંજે પચાસવાર ‘હું તને ચાહું છુ’ કહેતો વિડીયો પણ ઉતારી સમયથી પહેલાં અપલોડ કરી દીધો.

રાત સુધીમાં જગદીશ થાકી ગયો હતો. અનિતાએ તે રાતે જગદીશના પગ દબાવ્યાં.
અને એક દિવસમાં તેમનું દાંપત્યજીવન પલટાઇ ગયું.

‘તમે કેટલા સારાં છો, જગદીશ..!’ અનિતાને આજે તો વર્ષો પહેલાનો જગદીશ ફરી મળ્યો હોય તેમ લાગ્યું અને તે રાતે તે બન્નએ ઘણાં સમય પછી મન મુકીને વાતો કરી.

‘ખરેખર, અનિતા હું માનતો હતો કે ઘરકામ તો સાવ સામાન્ય છે, પણ ઓફીસ કરતા ઘરનું કામ વધુ મહેનતવાળું અને ચોક્સાઇવાળું છે તેનો આજે અહેસાસ થયો, ‘આઇ લવ યુ, અનિતા’’ જગદીશે રાત્રે અનિતાને ખરા દિલથી કહ્યું હતુ તેમાં ‘બ્લ્યુ ઢેલ’ ગેમનો કોઇ ટાસ્ક નહોતો.

‘તમે આજે કેટલા વર્ષો પછી મને ‘ આઇ લવ યુ’ કહ્યું...!’ અનિતાના આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.

‘મને માફ કરી દે...! તને નહોતો સમજી શક્યો પણ આજે સ્ત્રી બની કામ કર્યુ તો ખ્યાલ આવ્યો કે પત્ની તરીકેની જવાબદારી પણ ઘણી મોટી છે...!  જગદીશે તેના બન્ને હાથને પોતાની હથેળીમાં દબાવી પોતાના વર્ષોથી દાંમ્પત્યજીવનમાં પડેલી તિરાડોને પુરી દીધી.
પહેલા દિવસે જ ‘બ્લ્યુ ઢેલે’ જગદીશના જીવનને બદલી નાખ્યું.

બીજા દિવસ સોમવાર સવારે ચાર વાગે જગદીશને બીજો ટાસ્ક મળ્યો, ‘જગદીશ, તારા દિકરાને પાંચમા ધોરણમાં જ તું હોસ્ટેલમાં મુકી આવ્યો છે, આજે હોસ્ટેલમાં જઇને એક કલાક તેની પાસે બેસ અને તેના ફોટા અપલોડ કર.’ જગદીશ માટે આ ટાસ્ક અઘરો નહોતો. સાંજે ઓફીસનું કામ પતાવી રાહુલની હોસ્ટેલમાં ગયો.

‘રાહુલ તારા ડેડી તને મળવા આવ્યાં છે.’ પ્યુને રાહુલના રૂમ પાસે જઇને બુમ પાડી.
અને સાવ નીચું જોઇને રાહુલ તેના પપ્પા પાસે આવ્યો. તે સૂનમૂન હતો.
બન્ને ઓફીસમાં બેઠા.

જગદીશે પુછ્યું, ‘ કેમ રાહુલ ચુપ છે ?’
‘કાંઇ નહી...!’ રાહુલે ટુંકમા જવાબ આપ્યો.
‘અહીં ફાવે છે’ને ?’
પણ, રાહુલ ચુપ હતો. જગદીશે તેના મોબાઇલમાં રાહુલ સાથેના ફોટા લઇ લીધાં પછી જગદીશે ફરી કહ્યું, ‘બેટા, રાહુલ આ તો શહેરની સૌથી મોંઘી સ્કુલ છે અને અહીં તો આપણાં ઘર કરતાં પણ સારી જમવાની અને ભણવાની સગવડ છે, અને અહીં તારું પરિણામ પણ સુધરશે.’

રાહુલે ધીરેથી જવાબ આપ્યો, ‘પપ્પા તમને ખબર છે, ઇતિહાસમાં એવુ ભણવામાં આવે છે કે જો કોઇ ભૂલ કરે તો તેને કાળાપાણીની સજા થાય, જો કે છોકરા પરિણામ નબળું લાવે તો હોસ્ટેલમાં રહેવાની સજા કરવામાં આવે તે હવે પછીના ભવિષ્યમાં જરુર લખાશે. પપ્પા, મારે મોંઘી સ્કુલ નહી મારા મમ્મી-પપ્પા જોઇએ છે, સ્વાદીષ્ટ મિષ્ઠાન્ન નહી મમ્મીનાં હાથનો કોળીયો જોઇએ છે.....!’ અને નાનકડો રાહુલ પોતાના આંસુઓને દબાવી પોતાના રૂમમાં દોડી ગયો.

જગદીશ તેના પગલાંની નાની નાની છાપ પર એકીટશે જોઇ રહ્યો. ચોથા ધોરણમાં રીઝલ્ટ ઓછું આવ્યું તો તે રાતે ધમકાવીને પરાણે તેનું હોસ્ટેલમાં એડમિશન કરાવી દીધું હતું. તે બાબતે અનિતા અનેકવાર ઝઘડી હતી પણ જગદીશ અનિતાની કોઇ વાત માનવા તૈયાર નહોતો અને રાહુલને હોસ્ટેલ મુકી આવેલો.

પણ આજે રાહુલની વાત સાંભળી જગદીશ ખળભળી ગયો. પોતે બેજવાબદાર પિતા હતો તેની સજા રાહુલને મળી છે તેનો અહેસાસ થયો.
જગદીશે તે ફોટા અપલોડ કરી તેનો બીજો ટાસ્ક પુરો કરી દીધો, પણ હવે તેની આંખો ભરાઇ આવી.

તે રાતે જ રાહુલનું હોસ્ટેલનું એડમિશન કેન્સલ કરાવી રાહુલને પોતાની સાથે ઘરે લઇ આવ્યો.

રાહુલને ઘરે પાછો આવેલો જોઇ અનિતા તો તેને વળગી પડી.
બે દિવસમાં જગદીશમાં આવેલા સુખદ પરિવર્તનથી અનિતા ખુશ હતી.

ત્રીજા દિવસનો ટાસ્ક જગદીશ માટે સહેજ અઘરો હતો, ‘તમારા સૌથી અપ્રિય વ્યક્તિને ડીનર માટે ઇનવાઇટ કરો અને તેની માફી માંગતો વિડિયો અપલોડ કરો.’

સવારે જ પોતાના ન ગમતાં વ્યક્તિને યાદ કરવો તે જગદીશને ન ગમ્યું. પણ હવે ત્રીજું લેવલ પણ પાર કર્યે જ છૂટકો હતો.
સૌથી અપ્રિય વ્યક્તિ એટલે ‘જોસેફ’. ઓફિસમાં તેનો જુનિયર જોસેફ અત્યારે તેનો સિનિયર મેનેજર બની ગયો હતો. જગદીશની મોબાઇલની આદતોને કારણે જોસેફ તેને ઘણીવાર નોટીસ પણ આપી દેતો. જગદીશ જોસેફને ભારોભાર નફરત કરતો પણ આજે  તેને જ ડિનર માટે આમંત્રણ આપવાનું હતું.

ઓફીસમાં જોસેફને સાંજે ડિનર માટેનું ઇન્વીટેશન આપ્યું. જો કે જોસેફ માટે પણ તે આંચકા સમાન હતું.

અને હોટલમાં બન્ને એકલા ભેગા થયા. ભોજન પીરસાઇ ગયું.
જગદીશે ધીરેથી મનને મક્કમ કરી જોસેફની સામે જોઇને કહ્યું, ‘ જોસેફ, આપણે અનેક વખત ઝઘડ્યા છીએ. હું મારી બધી ભૂલોને સ્વીકારું છું અને માફી માંગુ છું.’ જગદીશે તેનો વિડિયો કેપ્ચર કરી લીધો.

જોસેફ માટે જગદીશ માફી માંગે તે માન્યામાં ન આવે તેવી ઘટના હતી.
તેને પણ જગદીશનો હાથ પકડી કહ્યું, ‘ઇશુએ કહ્યું છે કે માફી માંગવી અને માફી આપવી તે બન્નેમાં ભગવાનનો વાસ છે. આજે તારામાં ખરેખર મને ભગવાનના દર્શન થાય છે. હું તને ક્યારેય નફરત નથી કરતો પણ તારી કામ પ્રત્યેની આળસ, બેદરકારીપણું અને આ મોબાઇલની લતથી આપણી વચ્ચે વૈચારીક સમસ્યાઓ સર્જાય છે. જો તું આજે માફી માંગે છે તો બસ તારી આ આદતો બદલી નાંખ તું પણ જિંદગીમાં ખૂબ આગળ વધીશ.’

જોસેફે સાફ દિલથી તેને માફ કરી અને જગદીશને તેના જીવન પરિવર્તન માટે સોનેરી સલાહ આપી અને બન્ને વચ્ચેની વર્ષોની ખાઇ એક ક્ષણમાં પૂરાઇ ગઇ.
જગદીશે ‘બ્લ્યુ ઢેલ’ નું ત્રીજું લેવલ પસાર કરી દીધું.

હવે બુધવારનું ચોથું લેવલ તેને મળ્યું, ‘આજે તારા એક એવા મિત્રને મળવાનું જેને તું વર્ષોથી મળવા ચાહે છે પણ મળી શકતો નથી.’
અને તરત જ જગદીશને પોતાના બાળપણનાં જુના મિત્ર ‘રાધે’ની યાદ આવી ગઇ. બન્ને કોલેજ સુધી સાથે ભણતાં. પણ ગામડું છોડ્યા પછી તેને મળવા એકપણ વાર નહોતો ગયો. તે એક્વાર શહેર આવેલો તેની તબીયત સારી નહોતી એટલે ચેકઅપ કરાવવા...! તેનાય ચાર વર્ષ થઇ ગયા હશે.
આજે તો મળવું જ પડશે એમ વિચારી બપોર પછી ઓફીસમાં રજા લઇને જગદીશ ગામડે પહોંચી ગયો.

‘રાધે’, સાચું નામ તો રાધેશ્યામ હતું પણ બધા તેને રાધે કહેતા.
‘રાધે’ના ઘરમાં પગ મુકતા જ ઘરની ગરીબી જગદીશને આંખે વળગી. તેની નાની દિકરી પારણાંમા ઝુલી રહી હતી. રાધે તેને હિંચકા નાખી રહ્યો હતો.
રાધે સાવ અશક્ત અને તેનું શરીર પણ સુકાઇ ગયું હતું.

‘અરે, જગદીશ આજે ઘણા વર્ષે ભૂલો પડ્યો…!’ રાધે માંડ માંડ પથારીમાં બેઠો થઇ શક્યો.
‘કેમ શું થયું છે, તને..?’ જગદીશે તેની આંખોમાં નજર નાંખતા કહ્યું.
‘આ તો ફેફસાનો ટીબી.... અને....’ રાધેના શબ્દોમાં જ તેની દયનીય હાલત, લાચારી અને ગરીબીનો ચિતાર મળી ગયો.

‘ભાભી ક્યાં છે ?’ જગદીશે રાસોડા તરફ નજર નાંખી.
‘એ તો ખેતરમાં કામે ગઇ છે, હવે મારાથી કોઇ કામ થતું નથી એટલે તે મજુરીએ જાય છે. હમણાં જ આવશે.’ રાધે પરાણે રસોડા સુધી ગયો અને ગ્લાસ પાણી લઇ આવ્યો પણ દસ ડગલા માંડતા તો તેનો શ્વાસ ધમણની માફક ફુલી ગયો.

જગદીશ રાધેની હાલત જોઇને બેચેન બની ગયો. તેની નાની રૂપકડી દિકરીને પારણાંમાંથી તેડીને રાધે સાથે સેલ્ફી લીધો. જો કે અંદરથી તો મનમાં પોતે વર્ષોથી પોતાના મિત્રની કોઇ દરકાર ના કરી તેનો વસવસો જ હતો.

‘સારુ રાધે હું જાઉં છું.. મારે એક અગત્યનું કામ હતું એટલે આવ્યો હતો. પણ હું અહીં નિયમિત આવીશ. શહેર આવે ત્યારે જરુર ઘરે આવજે.’ પછી જગદીશે પોતાના પાકીટમાં રહેલા દસ હજાર જેટલા રુપિયા તે પારણામાં મુકી દીધા.

રાધે તો તે જોઇને સાવ દિક્મૂઢ બની ગયો. તે પૈસા પાછા આપવા લાગ્યો પણ જગદીશે કહ્યું, ‘તારી દિકરીને પહેલી વાર જોઇ છે. આ તેના છે.. અને જો હજુ જરુર પડે વિના સંકોચે કહેજે... રાધે માફ કરજે, વર્ષો સુધી હું તને મળી ન શક્યો....!’ અને જગદીશ રડતા ચહેરે રાધેથી મોં સંતાડીને ચાલ્યો ગયો.

ચાર સ્તરમાં જગદીશની જિંદગી સાવ બદલાઇ ગઇ. પોતાની પત્ની, બાળક, સહકર્મચારી કે લંગોટીયા મિત્રની ક્યારેય ચિંતા જ નહોતી કરી અને સાવ બેપરવાહ બની માત્ર પોતાની જિંદગીમાં જ મશગુલ બની જીવ્યો હતો. જ્યારે ‘બ્લ્યું ઢેલ’ ના આ ચાર સ્તરમાં જગદીશ હવે જવાબદાર વ્યક્તિ બની ગયો હતો.

હવે કાલે સવારે તેને છેલ્લો ટાસ્ક મળવાનો હતો.

અને છેલ્લો ટાસ્ક હતો. ‘ મૃત્યુનો..! જગદીશ તારે તારી નનામી તૈયાર કરવાની અને ચાર મિત્રને લઇ જીવતે જીવત સ્મશાનયાત્રા કાઢવાની. આ તારી જીવતી સ્મશાન યાત્રા છે. આ ટાસ્ક પુરો થતાં ‘બ્લ્યુ ઢેલ’ નાં વિનર ગેલેરીમાં સ્થાન અને તેના રોકડ પુરસ્કારનો હકદાર બનશે.’

ખૂબ પેચીદો આ ટાસ્ક કરવો શક્ય નહોતો પણ હવે જગદીશે છેલ્લું રીસ્ક લેવા તૈયારી કરી. જાતે પોતાની નનામી ખરીદી અને પોતાના મિત્રોને બોલાવી લીધા.

‘શું જગદીશ ગાંડો થયો છે ?’ બધાના મોંએ આ એક જ પ્રશ્ન હતો.

પણ આખરે પોતાની નનામીમાં જગદીશ સૂઇ ગયો. અને જ્યારે બધાએ રામ બોલો ભાઇ રામ કરીને ઉંચક્યો ત્યારે જગદીશને ભાન થયું કે ખરેખર જિંદગી આમ એક દિવસ તો પુરી થવાની જ છે, છેલ્લે તો મરવાનું છે તો બસ હવે સારી રીતે જ જીવવી છે. પોતાનાથી શક્ય હોય એટલી સૌને મદદ કરવી, પોતાનાથી કોઇને’ય તકલીફ ન પહોંચે તેનો ખ્યાલ રાખવો.... અને છેલ્લે તો રાખમાં જ મળવાનું છે તો પ્રેમથી જ જીવવું તે બોધ જીવતે જીવત નનામીમાં સૂતા જગદીશને મળી ગયો હતો.

જગદીશે ‘બ્લ્યુ ઢેલ’ નો છેલ્લો ટાસ્ક પુરો કરતાં જ  જીવનનો સાર સમજી ચુક્યો હતો.
તેને પોતાની જીવતી સ્મશાન યાત્રાનો વિડિયો અપલોડ કરી દીધો.

જગદીશના દરેક ટાસ્કને ‘ બ્લ્યુ ઢેલે’ પ્રસારીત કરી કરોડો લાઇક્સ અને ખૂબ મોટી કમાણી પણ કરી લીધી. ‘બ્લ્યુ ઢેલ’ જિંદગી બદલી નાખતી શ્રેષ્ઠ ગેમની સર્વોત્તમ એપ બની ગઇ.

જગદીશની બદલાતી જિંદગી વિશ્વના સેંકડો લોકોએ નિહાળી અને તેનો રોકડ હિસ્સો જગદીશને મળ્યો. જગદીશે તે બધી રકમ રાધેને આપી દીધી અને પોતાના પરિવાર સાથે પ્રેમથી જીવવાનું શરુ કરી દીધુ.

હવે જગદીશ ખૂબ સારી રીતે સમજી ચુક્યો હતો કે મોબાઇલ કરતા સાથે રહેલા માણસની કિંમત વધુ હોય છે. પોતાનો પરિવાર, મિત્રો અને પોતાને મળેલી જિંદગીનો સમય જ જીવનની શ્રેષ્ઠ મૂડી છે અને જગદીશે મોબાઇલની ગેમ ત્યજીને જીવનની સુખમય ગેમ રમવાનું શરૂ કર્યું.

*સ્ટેટસ*
*તમારી બાજુમાં જીવતાં માણસને ધ્યાનથી જોઇ લેજો,*
*નહિતર એક હસતો ડિસ્પ્લે પણ કાયમ માટે ખોઇ દેશો.*

*ગેમ એવી હોય જે સુખમય જીવનનું સર્જન કરે...*
*નહિ કે કોઈના જીવનનું વિસર્જન કરે...*
 
*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડૉ. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સંબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા,
*ચાર રોમાંચ જીંદગીના*

અને સ્વવિકાસ માટેનું પુસ્તક
*હું - ખોવાયેલા ખુદની શોધ*

આજે જ ઘેર બેઠા મંગાવવા લેખકનો સંપર્ક કરો.