આપણા કાર્ય દ્વારા બીજા માટે ભગવાન પણ બનીએ.
15 સૌનિકોની એક ટીમને 3 મહીના માટે એના મેજરની આગેવાની હેઠળ હીમાયલની બોર્ડર પર નિયુક્ત કરવામાં આવી. નિમણૂકના આદેશ મળતા જ ટીમ પોતાની ફરજના સ્થળે હાજર થવા માટે નીકળી પડી. રસ્તો ખુબ કઠીન હતો. ટીમના સભ્યોને ચા પીવાની બહુ ઇચ્છા હતી પણ આ પર્વતમાળા પર ચા ક્યાં મળે ? રસ્તામાં એક નાના ઢાબા જેવુ કંઇ દેખાયુ આંખો ઝીણી કરીને જોયુ તો એ ચા-નાસ્તા માટેની જ નાની દુકાન હતી. દુકાનને દુરથી જોઇને થાકેલા સૈનિકોના ચહેરા પર રોનક આવી.
દુકાન પાસે આવીને જોયુ તો ખબર પડી કે દુકાનને તાળુ મારેલુ છે. એક સૈનિકે તાળુ તોડીને જાતે ચા બનાવવાની વાત કરી. મેજરને એ અનૈતિક લાગ્યુ પણ ટીમના બધા સભ્યો લાંબી મુસાફરીથી થાકેલા હતા અને ઠંડી પણ ખુબ હતી એટલે મેજરે છુટ આપી. તાળુ તોડીને અંદર પ્રવેશ્યા. સદનસીબે ચા બનાવવા જરુરી બધો સામાન હતો અને નાસ્તા માટે બિસ્કીટ પણ હતા. ચા નાસ્તો કરીને વિદાય લેતી વખતે મેજરે એના પાકીટમાંથી 1000ની નોટ કાઢીને કાઉન્ટર પર મુકી અને ઉડી જ જાય એટલે એના પર વજન પણ મુક્યુ.
સૈનિકોની આ ટીમ પોતાની ત્રણ માસની ફરજ બજાવીને પરત આવતી હતી ત્યારે આ જ ચાની દુકાન પર રોકાયા. એક વૃધ્ધ દાદા દુકાનમાં હતા. સૈનિકો એમની જોડે વાતે વળગ્યા. દાદાએ પોતાના અનુભવની અને ભગવાનની વાતો કરી. એક સૈનિકે કહ્યુ, " કાકા, ભગવાન જેવુ કંઇ નથી, જો ભગવાન હોય તો તમે આવી વૃધ્ધાવસ્થામાં આમ હેરાન ન થતા હોય! "
દાદાએ કહ્યુ , " ના સાહેબ ભગવાન છે જ એના મારા એક અનુભવની તમને વાત કરુ. ત્રણ મહીના પહેલા મારા દિકરાને અકસ્માત થયેલો એટલે દુકાન બંધ કરીને હું ફટાફટ હોસ્પીટલ પહોંચ્યો. દવાના મારી પાસે પૈસા નહોતા. આવી મુશ્કેલ પરિસ્થિતીમાં માર્ગ બતાવવા મેં પ્રભુને પ્રાર્થના કરી. હું ત્યાંથી દુકાન પર આવ્યો તો તુટેલુ તાળુ જોઇને મને ધ્રાસકો પડ્યો. અંદર જઇને જોયુ તો કાઉન્ટર પર 1000ની નોટ પડી હતી. મેં ભગવાનનો ખુબ આભાર માન્યો એને મને મુશ્કેલીના સમયે મદદ કરી. ભગવાનની આ મદદથી મારો દિકરો બચી ગયો. સાહેબ, હવે તમે જ કહો કે આ 1000ની નોટ ભગવાન સિવાય બીજુ કોણ અહીંયા મુકવા આવે ? "
બધા સૈનિકોએ મેજર સામે જોયુ. મેજરના આંખના ઇશારાથી સૈનિકો સમજી ગયા કે કોઇએ કંઇ બોલવાનું નથી. વિદાય લેતી વખતે મેજર દાદાને ભેટ્યા અને કહ્યુ, " દાદા, તમે બિલકુલ સાચા છો. ભગવાન છે અને જરૂર પડે ત્યારે મદદ પણ કરે છે."
બોધપાઠ:
મિત્રો, આપણે આપણા કાર્ય દ્વારા બીજા કોઇ માટે ભગવાન પણ બની શકીએ છીએ. જીવનમાં એવા કાર્યો કરવા કે જેથી લોકોનો ભગવાન પરનો વિશ્વાસ વધે. કદાચ એવુ ન થાય તો કંઇ વાંધો નહી પણ એવા કામ તો ન જ કરવા કે જેથી ભગવાન પરનો વિશ્વાસ ઘટી જાય.
No comments:
Post a Comment