Jun 29, 2017

સ્વાસ્થ્યની ચાવી - ગુણવંત શાહ

માંદગી કોઈ ખાનગી ગરબડનું બીજું નામ છે. ખરી ગરબડ મનમાં શરૂ થાય છે. શરીર તો એ ગરબડની ચાડી ખાય છે. ભવિષ્યમાં વિજ્ઞાન એવું જરૂર સાબિત કરશે કે માણસના ઘણાખરા રોગો દ્વેષમૂલક, ઈર્ષ્યામૂલક અને વેરમૂલક હોય છે. ક્ષમા, ઉદારતા રોગશામક છે. પ્રેમ રોગમુક્ત થવામાં મદદરૂપ થાય છે. શાંતિ આરોગ્ય માટે અત્યંત ઉપરકારક છે.

એક વિચારક કહે છે કે, \'તંદુરસ્તી જો દવાની બોટલમાં મળતી હોત તો દરેક જણ તંદુરસ્ત હોત.\' તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિઓએ પ્રાર્થના કરેલી : \'હે ભગવાન ! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર રહો.\'

રોગ કંઈ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યે આવે અને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે. ટેકનોલોજી એટલે તાણોલોજી ! ટેકનોલોજી આપણને સગવડપૂર્વક બેઠાડુ બનાવે છે. અને બેઠાડુ માણસ રોગની સગવડ પૂરી પાડતો હોય છે. બેઠાડુ માણસનું તખ્ખલુસ
'બંધકોષ બંદોપાધ્યાય' હોવું જોઈએ. તમે એને ઘણી વાર મળી ચૂક્યા છો. હેલ્થ ઈન્સ્યુરન્સનું પ્રીમિયમ કેટલું ? નિયમિત કસરત અને માફસરનો આહાર !

કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે તાતા છો,

ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમે બિરલા છો.

કોઈ ખોટી નિંદા કરે ત્યારે પણ તમે સ્વસ્થ રહી શકો તો માનવું કે તમે કુબેર છો.

કોઈને છેતરતી વખતે ખચકાટ થાય તો માનવું કે તમે સજ્જન છો.

 જો ઘણુંખરું આનંદમય રહેતા હો તો માનવું કે તમે \'તમે\' છો.

No comments:

Post a Comment