Jun 25, 2017

કોઇને બદલવા પોતે બદલાવું પડે !

એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો સારા હતા પણ સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બીલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટક ટકથી વહુ થોડા જ મહીનામાં કંટાળી ગઇ.
છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દિકરીનો ચહેરો જોઇને જ અંદાજ લગાવી લીધો કે એમને સાસરીયામાં કંઇક તકલીફ છે એટલે એમણે દિકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છુટી વાત કરવા માટે કહ્યુ. દિકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યુ, " મમ્મી મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાંખુ નહીતર હું મરી જઇશ."
મમ્મીએ દિકરીને સમજાવતા કહ્યુ, " બેટા. જો તું આવુ કરીશ તો તારે જીંદગી જેલમાં વિતાવવનો વારો આવશે. હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઇ આક્ષેપ પણ ન કરે." છોકરીએ કહ્યુ, " મમ્મી મને જલદી એ ઉપાય જણાવ."
મમ્મીએ દિકરીને હળવા અવાજે કહ્યુ, " હું તને એક દવા આપીશ. એ ધીમુ ઝેર છે. રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાંખજે એટલે છ મહીના પછી એની અસરથી તારી સાસુ મરી જાશે અને કોઇને તારા પર શંકા પણ નહી જાય." બીજા દિવસે માએ દિકરીને એક દવા આપી. દિકરી રાજીની રેડ થઇ ગઇ કે છ માસમાં મારી બધી જ સમસ્યા ઉકેલાઇ જશે.
દિકરી સાસરે જવા વિદાઇ થઇ ત્યારે માએ એને કહ્યુ, " બેટા, તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ છ માસ દરમ્યાન તું એક આદર્શ વહુ બનીને રહેજે. તારી સાસુ જે કંઇ ટક ટક કરે એ બધુ સાંભળી લે જે એની સામે ક્યારેય ન બોલતી જેથી બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઇ હાથ નથી. આમ પણ તારે આ નાટક માત્ર છ માસ જ કરવાનું છે."
બીજા દિવસથી વહુ સાવ બદલાઇ ગઇ. વાત વાતમાં સાસુની સામે થઇ જતી એના બદલે સાસુની ખુબ સેવા કરવા લાગી. સાસુ ગમે તેવુ ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસી હસીને જવાબ આપે. વહુના બદલાવની અસર સાસુ પર પણ થવા લાગી. સાસુને વહુ હવે ગમવા લાગી. વહુને વઢવાને બદલે આડોશ પાડોશમાં વહુના વખાણ કરવાનું ચાલુ કર્યુ. ટક ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધુ. વહુને સાસુનો આ બદલાવ બહુ ગમ્યો. જે સાસુને એ નફરત કરતી હતી એ સાસુ હવે એને વહાલી લાગવા માંડી. મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા મહિનામાં મરી જશે એ વિચારથી એ ધુજી ઉઠી.
પિયર જઇને મમ્મીને કહ્યુ, " મમ્મી, મારી સાસુ સાવ બદલાઇ ગઇ છે. મને ખુબ પ્રેમ કરે છે. હવે એ ખુબ લાંબું જીવે એવુ હું ઇચ્છું છું. મને કોઇ એવી દવા બતાવ જે આ ઝેરને બીન અસરકારક કરી દે." મમ્મીએ હસતા હસતા કહ્યુ, " બેટા, હું તારી માં છું અને તારા ઉજવળભાવીનો હંમેશા વિચાર કરુ છું મે તને ઝેરી દવા આપી જ નહોતી એ તો માત્ર શક્તિવર્ધક પાઉડર હતો. મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઇ જશે."
મિત્રો, આપણે કોઇને બદલવા માંગતા હોઇએ તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવું પડે. બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઇચ્છતા હોય તો તમારે પ્રથમ બીજાની મરજી મુજબ જીવતા શીખવું પડે......!!!