" ઓ સાહેબ લઇ લ્યોને,
માત્ર દસ રૂપિયાની જ છે.
ઓ સાહેબ....... ઓ સાહેબ ....."
આ શબ્દો સાંભળી પાછળ જોયું તો એક નાનકડો છોકરો પોતાના હાથમાં રહેલા ફૂલોના હાર બતાવીને આવતા જતા લોકોને તે લેવા વિનવી રહ્યો હતો.
આ દ્રશ્ય જોઈ જરા થોભ્યો કે એટલીવારમાં તે છોકરો પાસે આવી બોલ્યો
" સાહેબ લઇ લ્યોને માત્ર દસ રૂપિયાનો જ હાર આપું છું"
મેં કહ્યું" અરે ભલા હું તો દર્શન કરીને બહાર આવ્યો છું , હવે આ લઇ હું શું કરું?"
આ શબ્દો સાંભળતા જ પેલા છોકરાનો ચહેરો જરા ફિક્કો પડેલો જણાયો.
તેના ચહેરાને જોઈ હું બોલ્યો " ચાલ હવે મારે આ હારની તો જરૂર નથી પણ એક કામ કર તું આ દસ રૂપિયા રાખ."
મેં ધીમેથી દસ રૂપિયાની નોટ તેના ખિસ્સામાં મૂકી ચાલતી પકડી.
થોડીવારમાં પાછળથી ફરી એજ અવાજ સંભળાયો " ઓ સાહેબ , એક મિનિટ ઉભા તો રહો"
આ સાંભળી મેં પૂછ્યું " કેમ ભાઈ હવે શું થયું?"
" અરે સાહેબ તમે હાર તો લીધો જ નહીં અને હારના પૈસા આપી દીધા"
મેં હસતા હસતા જવાબ વાળ્યો કે " એતો મેં તને એમજ ખુશી ખુશી આપ્યા છે. રાખ તારી પાસે , મારે હાર નથી જોઈતો."
છતાં પણ એ બોલ્યો " ના , ના સાહેબ આ હાર તો લેતા જ જાઓ. તમે તે હારના પૈસા ચૂકવ્યા છે."
" અરે ભાઈસાબ મેં કહ્યુંને કે એ હાર નું મારે શું કરવું? હું તો હવે ઘરે જ જાઉં છું."
" તો એક કામ કરો સાહેબ આ હાર તમે ઘરે લેતા જાઓ."
સ્મિત સાથે તેના તરફ જોઈ બોલ્યો કે " દીકરા આનું ઘરે હું શું કરું?"
" ના , ના , તમારે હાર તો લેવો જ પડે કેમકે તમે તેના પૈસા ચૂકવ્યા છે."
બાળકની જીદ સામે શું બોલવું કઈ સમજ ન પડી અને આટલું જ કહ્યું કે
" એ પૈસા તો મેં તને એમજ આપ્યા છે , પ્રેમથી રાખી લે."
છતાંય જાણે કે એને મારા જવાબથી કંઈ ફેર ન પડતો હોય તેમ ફરીવાર એકનું એક વાક્ય બોલ્યો
" હાર તો તમારો જ કેવાય ને તમારે જ લઇ જવાનો."
અંતે કંઈ ન સુજ્યું તો મેં કહ્યું " એક કામ કર , તું મંદિર માં જા અને આજે તું જ આ હાર ભગવાનને ચઢાવી આવજે"
જાણે કે તેને આ રુચ્યું અને તે બોલ્યો
" હા સાહેબ એ બરોબર. ચાલો એમજ કરું છું."
મને પણ થયું કે ગજબ છોકરો છે. અને તેની વાતોએ જાણે કે મને પણ વિચારતો કરી મુક્યો. આ વિચારમાંને વિચારમાં હજુ તો હું થોડું આગળ ચાલ્યો હોઇશ ત્યાં ફરી એજ અવાજ કાને અથડાયો
" ઓ સાહેબ "
ફરીથી એજ બાળક મારી સામે આવી ઉભો રહ્યો ને આ જોઈ હવે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો ને મારાથી સહજ ઊંચા અવાજે બોલાય ગયું
" હવે શું છે? હવે તો જા . "
આટલું બોલતા બોલાઈ તો ગયું પરંતુ સામેના બાળકે જે કહ્યું એ સાંભળી હું છ્ક થઇ ગયો અને જાણે કે મને મારા જ બોલાયેલા શબ્દો પ્રત્યે ઘૃણા થવા લાગી. મારા બોલાયેલા શબ્દોની સામે કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા વગર એ માત્ર એટલું બોલ્યો
"સાહેબ તમારું નામ તો જણાવો. હું ભગવાન પાસે આ હાર ચઢાવી, તમારું નામ લઇ ભગવાન પાસે તમારી સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના તો કરી શકું. તમારું નામ ન જાણતો હોઉં તો કોના માટે પ્રાર્થના કરું?"
આ સાંભળી મારી આંખમાંથી સહજ અશ્રુબિંદુ ખરી પડ્યું અને મારુ ખુદનું અસ્તિત્વ જાણે કે ભૂલી ગયો હોઉં તેમ તે બાળકને ભેટી પડ્યો. થોડીવારે સ્વસ્થતા પ્રાપ્ત થતા વિચાર આવ્યો કે આ બાળકની પ્રાર્થના સાચે જ ઈશ્વર સાંભળશે જ. અને જવાબ આપ્યો કે
" દીકરા આપણા નામ તો આ જગતના લોકોએ પાડ્યા છે , ઉપરવાળો તો દરેક ને એક માનવ સ્વરૂપે જ જુએ છે. તો જા દીકરા અને સમગ્ર માનવ જગત માટે પ્રાર્થના કરજે."
- ભાવિન કોટેચા ( ભાવિ )
No comments:
Post a Comment