Sep 3, 2016

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું - Jivan maran chhe ek bahu


જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખુશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી હું વીતેલી વસંત છું.



હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું,
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું,

રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.


 More Gazal