Aug 28, 2016

Gujarati Gazal: Thay sarkhamani to utarta chhiye- થાય સરખામણી તો ઊતરતા છીએ- બેફામ


થાય  સરખામણી  તો  ઊતરતા  છીએ
તે  છતાં  આબરુને દીપાવી દીધી
એમના  મહેલને  રોશની  આપવા
ઝૂંપડી  પણ  અમારી  જલાવી  દીધી



ઘોર  અંધાર છે  આખી  અવની  ઉપર
તો  જરા દોષ  એમાં અમારોય છે
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

આ  જગત  ને  અમારું  જીવન બેઉમાં
જંગ  જે  કંઈ હતો  જાગૃતિનો હતો
જ્યાં જરા ઊંઘમાં  આંખ  મીચાઈ ગઈ
ત્યાં  તરત તેગ  એણે હુલાવી દીધી

બીક  એક  જ બધાને  હતી  કે અમે
ક્યાંક પહોંચી ન જઈએ  બુલંદી ઉપર
કોઈએ   પીંજરાની   વ્યવસ્થા  કરી
કોઈએ   જાળ  પંથે   બિછાવી   દીધી

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા
ખુદ  અમે  તો  ન પહોંચી  શક્યા મંઝિલે
વાટ કિંતુ  બીજાને  બતાવી દીધી

કોણ   જાણે   હતી  કેવી  વર્ષો  જૂની
જિંદગીમાં  અસર  એક  તનહાઈની
કોઈએ  જ્યાં  અમસ્તું  પૂછ્યું  કેમ  છો
એને  આખી  કહાણી સુણાવી દીધી

દિલ જવા તો દીધું  કોઈના  હાથમાં
દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ
સાચવી  રાખવાની   જે  વસ્તુ  હતી
એ  જ  વસ્તુ  અમે  તો  લૂંટાવી દીધી

જીવતાં  જે   ભરોસો  હતો  ઈશ પર
એ  મર્યા  બાદ ‘બેફામ’  સાચો પડ્યો
જાત   મારી  ભલેને   તરાવી   નહીં
લાશ  મારી   પરંતુ   તરાવી   દીધી

-બરકત વિરાણી ‘બેફામ’


 More Gazal