Aug 22, 2016

હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે– ‘કામિલ’ વટવા Hraday na dard ni tamne jara jo kalpana aave


રેત ભીની તમે કરો પણ રણ સમંદર કદી નહીં લાગે.....
શબને ફૂલો તમે ધરો છો પણ મોત સુંદર કદી નહીં લાગે.
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો સો દુઆ આવે.



તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે.

સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.

જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.

તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.

નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદબુદા આવે.

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.

શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે ?
મોહબ્બત હોય જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.
– ‘કામિલ’ વટવા


 More Gazal