વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ આપો
મમ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
ભુલો પડી ભવરણે ભટકું ભવાની,
સુઝે નહીં લગીર કોઇ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
આ રંકને ઉગરવા નથી કોઇ આરો
જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો
ના શું સુણો ભાગવતી શિશુનાં વિલાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
મા કર્મ-જન્મ કથની કરતાં વિચારું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
હું કામ, ક્રોધ ,મદ, મોહ થકી છકેલો
આડંબરે અતિ ઘણો મદથી બકેલો
દોષો થકી દુષિત ના કરી માફ પાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
ના શાસ્ત્રનાં શ્રવણ નુ પયપાન કીધું
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
રે રે ભવાની બહુ ભૂલ થઇ જ મારી
આ જિંદગી થઇ મને અતિશે અકારી
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો
બ્રહ્માંડમાં અણુ અણૂ મહીં વાસ તારો
શક્તિનાં માપ ગણવા અગણિત માપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતી પણ હું તમારો
જડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
શિખે સુણે રસિક છંદ જ એક ચિત્તે
તેના થકી વિવિધ તાપ ટળે ખચિતે
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
શ્રી સદગુરુનાં ચરણમાં રહીને યજું છું
રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું
સદભક્ત સેવક તણા પરિતાપ છાપો;
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
અંતર વિષે અધિક ઊર્મી થતાં ભવાની
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૂડાની
સંસારના સકળ રોગ સમૂળ કાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો