Jul 18, 2016

Jivan nu dhyey


જીવનનું ધ્યેય – સાંકળચંદ પટેલ
કોઈ એક ગામમાં અજરામ નામનો એક ભાટ રહેતો હતો.
તે આળસુનો પીર હતો.
ખાવુંપીવું અને ઊંઘવું એમાં એ આખો દિવસ પસાર કરતો હતો.
એ સિવાય એને બીજું કાંઈ કામ નહોતું.
એ મોટો થયો ત્યાં સુધી એના પિતાએ એનું પોષણ કર્યું.
એના પિતાએ કામધંધો કરવા એને ઘણું સમજાવ્યો પરંતુ એ માન્યો નહિ.
એ તો આળસુ જ રહ્યો. એના પિતાના મરણ પછી એની કફોડી સ્થિતિ થઈ.
ઘરમાં જે ધન હતું તે બધું ખરચાઈ ગયું.
એક દિવસે એની પત્નીએ એને કહ્યું : આમ આળસુ થઈને ક્યાં સુધી બેસી રહેશો ?
ઘરનું બધું ધન ખાવાપીવામાં વપરાઈ ગયું છે. હવે શું ખાશો. ધ્યેય વગરનું જીવન નકામું છે.
જીવનમાં કોઈ ને કોઈ લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય વગરનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે.
ગમે તે બાજુ તણાઈ જાય ! બધા લોકો પોતાના જીવન સાથે કંઈક લક્ષ્ય રાખીને જીવે છે.
જ્યારે તમારે તો લક્ષ્ય જેવું કંઈ છે જ નહિ. હજુ કંઈ બગડી ગયું નથી.
જીવનમાં કંઈક લક્ષ્ય રાખશો તો સુખી થશો.
અજરામ આળસુ હતો તેથી જીવનમાં મોટું લક્ષ્ય તો તેનાથી પળાય એમ હતું જ નહિ. છ
તાં કંઈક લક્ષ્ય તો હોવું જ જોઈએ એવું તેને લાગવા માંડ્યું હતું અને પત્ની પણ આખો દિવસ દબાણ કર્યા કરતી હતી.
જીવનમાં જેનાથી ઓછી મુસીબત પડે એવું લક્ષ્ય રાખવાનો અજરામે નિર્ણય કર્યો.
ત્નીને બોલાવીને તેણે કહ્યું : તારી ઈચ્છા હોવાથી આજથી મેં મારા જીવનનું ધ્યેય નક્કી કરી દીધું છે. આજથી હું આપણા પાડોશી ધનજી કુંભારના ગધેડાના કાન પકડીને પછી જ ખાઈશ.
જ્યાં સુધી કાન નહિ પકડું ત્યાં સુધી ખાઈશ નહિ.’ અજરામની પત્નીને અજરામની આવી પ્રતિજ્ઞા સાંભળીને હસવું આવ્યું,
પરંતુ તેણે મનમાં વિચારીને કહ્યું : ભલેજીવનમાં કશું ધ્યેય ન હોય એના કરતાં કંઈક પણ ધ્યેય હોય એ સારું છે.
હવે દરરોજ સવારે અજરામ ધનજી કુંભારના ગધેડાના કાન પકડીને પછી જ જમે છે.
આવી રીતે કેટલાક દિવસો પસાર થઈ ગયા.
એક દિવસે વહેલી સવારે ઊઠીને ધનજી કુંભાર પોતાના ગધેડાને લઈને દૂર માટી લેવા માટે ચાલ્યો ગયો હતો.
અજરામ ઊઠ્યો ત્યારે એને ખબર પડી કે ધનજી ગધેડાને લઈને માટી લેવા ચાલ્યો ગયો છે.
આજે ધનજી મોડેથી ઘેર આવવાનો હતો તેથી અજરામ ગધેડાનો કાન પકડવા માટે ધનજી જ્યાં ગયો હતો ત્યાં ચાલી નીકળ્યો.
ધનજી કુંભાર જ્યાં માટી ખોદતો હતો ત્યાંથી તેને માટી ખોદતાં ખોદતાં જમીનમાંથી સોનાનો ઘડો મળ્યો હતો.
જમીનમાંથી ઘડો કાઢીને ધનજી ગધેડાની ગૂણમાં મૂકવા જાય છે ત્યાં અજરામ ભાટ આવી પહોંચ્યો. અજરામને જોઈને ધનજી ગભરાઈ ગયો.
અજરામે પૂછ્યું : કેમ ધનજીભાઈઆ ઘડો ક્યાંથી લાવ્યા ?’
ધનજી કુંભારે કહ્યું : માટી ખોદતાં જમીનમાંથી ઘડો નીકળ્યો છે. એમાં સોનામહોરો છે.
તમે રાજાને કહેશો નહિનહિ તો તેઓ ઘડો પડાવી લેશે.
આપણે બંને જણા અડધી અડધી સોનામહોરો વહેંચી લઈશું.
અજરામ તો ખુશ થઈ ગયો. બંને જણા અડધી અડધી સોનામહોરો લઈને ઘેર ગયા.
અજરામને એના જીવનના ધ્યેયનું ફળ મળ્યું હતું.
એ પછી અજરામ ભાટ પોતાના ધ્યેય પ્રમાણે વર્તીને આનંદથી રહેવા લાગ્યો.