Jul 8, 2016

છેલ્લે તો આપણે બે જ હોઈશુ.


ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, 
એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, 
છેલ્લે તો આપણેબે જ હોઈશું.

જે કહેવું હોય એ કહી લે, 
જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા 
છેલ્લે તો આપણે બે જ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, 
તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, 
યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, 
છેલ્લે તો આપણે બે જ હોઈશું.

ઘુંટણ જ્યારે દુઃખશે, 
કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, 
છેલ્લે તો આપણે બે જ હોઈશું.

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, 
આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, 
છેલ્લે તો આપણે બે જ હોઈશું.

સાથ જ્યારે છુટી જશે, 
વીદાયની ઘડીઆવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, 
છેલ્લે તો આપણે બે જ હોઈશું.